એક દિ મમ્મી નાની થઇ ગઇ – ડો. આઇ. કે. વીજળીવાળા 18


એક દિ મમ્મી નાની થઇ ગઇ, ને હું થઇ ગઇ મોટી,
મેં એને નવડાવી, લઇને સાબુની ગોટી !

ભેંકડા એણે ખૂબજ તાણ્યાં, કર્યું બહું તોફાન,
મેં પણ એનું માથું ધોયું, પકડીને બે કાન.
તૈયાર કરી, માથે એને લઇ દીધી’તી ચોટી,
એક દિ મમ્મી નાની થઇ ગઇ…..

એને ભલે રમવું હોય પણ લેશન હું કરાવું,
વ્હેલી વ્હેલી ઉઠાવી દઉં, બપોરે સુવરાવું !
બપોર વચ્ચે ગીતો ગાય તો ધમકાવું લઇ સોટી,
એક દિ મમ્મી નાની થઇ ગઇ……

દોડા દોડી કરે કદી તો બૂમ બરાડા પાડું,
ચોખ્ખી લાદી બગાડે તો ફટકારી દઉં ઝાડું,
તોફાન કરે તો ખીજાતી આંખો કાઢી મોટી,
એક દિ મમ્મી નાની થઇ ગઇ……

– ડો. આઇ કે વીજળીવાળા

ડો. આઇ કે વીજળીવાળાની આ ખૂબ સુંદર કલ્પના એક નાનકડી બાળકીના મનની કલ્પના છે. જો હું મમ્મી હોઉં અને મારી મમ્મી મારી જેટલી નાની, મારી દીકરી હોય તો તેને હું કઇ રીતે રાખું એવી સુંદર કલ્પનાને સરસ બાળકાવ્યમાં મઢીને તેમણે ખરેખર મોટી કમાલ કરી છે. પોતાની સાથે રોજબરોજ થતી ઘટનાઓ તે નાનકડી બાળકી પોતાની માતા સાથે કેવી સુંદર રીતે સાંકળે છે?

આપણા માંથી કોણે આપણી નાનકડી દીકરીઓને સાડી પહેરી મોટા થવાનો પ્રયત્ન કરતી નથી જોઇ? એ સુંદર સ્મરણો સાથે સાંભળો આ બાળકી શું કહે છે….

( શાંતિગ્રામ નિર્માણ મંડળ, તણછા, જિ. ભરૂચ દ્વારા પ્રકાશિત  “ડુગડુગીયા” નામની આ વર્ગીકૃત બાળગીતોનો સુંદર સંચય ધરાવતી પુસ્તિકા શ્રી રચના પાઠક, શ્રી દિવ્યેશ ત્રિવેદી, શ્રી દર્શીની ભટ્ટજી તથા શ્રી રેશમા પટેલ દ્વારા સંપાદિત કરવામાં આવી છે.  મૂલ્ય 60 રૂપિયા અને કુલ 181 પૃષ્ઠ ધરાવતી આ પુસ્તિકામાં આવા સુંદર 250 થી વધુ બાળગીતો સુંદર વર્ગીકરણ સાથે મૂકવામાં આવ્યા છે.)


આપનો પ્રતિભાવ આપો....

18 thoughts on “એક દિ મમ્મી નાની થઇ ગઇ – ડો. આઇ. કે. વીજળીવાળા