ગાંધીની કાવડ – હરિન્દ્ર દવે 5


મેન્ટલ વોર્ડમાં ભયજનક દર્દીઓની સાથે કરુણાશંકર સૂતા હતાં. એક દર્દી પોતે સ્કૂટર ચલાવતો હોય એમ ઘરરર અવાજ કરતો પસાર થયો. બીજો એક દર્દી મોટેથી પોક મૂકીને રડતો હતો. પોતાના ખાટલાની નજીકના ખાટલામાંનો માણસ ત્રણ ચાર દિવસ પહેલાં જ આવ્યો હતો. ત્રણ દિવસથી એ ઉભો થઇ પોતાના ખભા પર કશુંક વજનદાર ઉંચકતો હોય એવો દેખાવ કરતો હતો. એમાં એને શ્રમ પણ પડતો દેખાતો હતો.

કરુણાશંકરથી પૂછાઇ ગયું, “ભાઇ, તું આ શું કરે છે?”

પેલાએ શ…. શ…. કરીને નાક પર આંગળી મૂકી. કરુણાશંકરને ચૂપ રહેવા સંકેત કર્યો. ખભા પરનું કોઇક વજન નીચે મૂકવાનો પ્રયત્ન કરતો હોય એમ એણે મથામણ કરી. પછી વજન નીચે મૂકાયું હોય એવો અનુભવ કર્યો. માથેથી વજન ઉતરી જાય ત્યારે અનુભવાતી હળવાશ એ અનુભવી રહ્યો હતો.

”તમે શું પૂછ્યું?” એ પાગલે પૂછ્યું.

”ભાઇ, તમે શું કરો છો?”

“તમે મને ઓળખતા નથી?” એ પાગલે ગંભીરતાથી પૂછ્યું.

”ના, ભાઇ”

”તમે હિંદુસ્તાનના નથી લાગતા, પરદેશી હશો.”

કરુણાશંકર ચૂપ રહ્યા.

”મારું નામ મોહનદાસ કરમચંદ ગાંધી”

કરુણાશંકર ચમક્યા.

”જોયું, તમે ચમકી ઉઠ્યાને? બધા જ મારા નામથી ચમકી ઉઠે છે.”

”શા માટે?”

”કોને ખબર? ગોળી મારી તોય હું મર્યો નહીં એ માટે હશે કદાચ.” પછી અચાનક એ પાગલનાં અવાજમાં રૂદન ભળ્યું. “પણ હું કઇ રીતે મરું? હું કઇ રીતે અત્યારે દેહ છોડું? તો પછી આ ઉંચકશે કોણ?”

“શું ઉંચકવાનું છે?”

”જોતા નથી?”

કરુણાશંકરે જોયું. ત્યાં કશું જ નહોતું. પેલો પાગલ કશુંક ઉંચકવા નીચે વળ્યો.

”એક ક્ષણ ઉભા રહો,” કરુણાશંકરે કહ્યું. તેમને ભય હતો કે એ પાગલ કશુંક ઉંચકી લેશે તો પછી બોલી નહીં શકે. “મને કહો તો ખરા કે તમે શું ઉંચકો છો?”

”તમને દેખાતું નથી?”

”દેખાય છે, તમે એના ભારથી પસીનાથી રેબઝેબ થઇ જાવ છો એ તો દેખાય જ છે. પણ એ શું છે, અને એમાં આટલો ભાર કેમ છે?”

પેલો પાગલ હસી પડ્યો.

”તમારી આંખમાં જરૂર ક્યાંક કશીક ખામી છે, અહીં મોટા ભાગના લોકોની આંખો ખરાબ છે.”

”તમારી એ વાત સાચી છે.” કરુણાશંકરે પાગલની વાતમાં શાણપણ લાગ્યું.

”તમે સારા માણસ છો, આજની દુનિયા તો પોતે આંધળી છે એ સ્વીકારવા જ તૈયાર નથી. તમે એ કબૂલ કરી લીધું એટલે તમને કહું છું. પણ દુનિયાના આંધળા માણસોને એ નહીં કહેતા.”

”નહીં કહું”

”આ કાવડ છે, 1947ની સાલથી હું એ ઉંચકું છું. રોજ એનો ભાર વધતો જ જાય છે. અને એ કાવડમાં એક પલ્લામાં કોઇએ મોટી ખુરશી મૂકી દીધી. એના પરથી તરેહતરેહના માણસો ગબડી પડે છે. અને તરેહતરેહના માણસો ઠેકીને તેના પર બેસી જાય છે.”

”વાહ!”

”કેટલીક વાર તો તેઓ પલ્લામાંજ મારામારી કરે છે, કોઇ કૂદી પડે, કોઇ ઠેકીને અંદર ચડે કે લડાલડી કરે ત્યારે મારો ખભો છોલાઇ જાય છે, કાવડનો બીજો છેડો સંભાળી શકાતો નથી.”

”એ છેડામાં શું છે?”

”તમને દેખાતું નથી?”

”ના”

”ત્યાં હિંદુસ્તાનની પ્રજા છે, જુઓ આ કરોડો માણસોના સમૂહમાં એક ખૂણે તમે પણ છો.”

કહી એણે નીચેથી કાવડ ઉંચકવા મહેનત શરૂ કરી. કાવડને ખભા પર લાવતાં સુધીમાં તો એના ચહેરા પર પસીનાના બિંદુઓ પણ બાઝી ગયાં.”

કરુણાશંકરની આંખમાંથી આંસુની ધાર વહી રહી. “સારું થયું મેં ગાંધીની કાવડ ઉપાડવાની હિંમત ન કરી” તેમણે મનોમન કહ્યું.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ગાંધીની કાવડ – હરિન્દ્ર દવે

 • Ch@ndr@

  ભારત માતાના દુધને લજવનારા ઓ ને (એ કે ૪૦ ગોલિઓ થિ સાફ કરિ નાખવાનિ જરુર છે)
  પ્રધન મનત્રિ થિ માનડિ ને પોલિસ થાના સુ ધિ ના બધા જ્ ઘુવડો ભેગા થયા છે…..
  “વક્ત આવિ ગયો છે”,,,,,,,જુવાન પેઢિ સજાગ થાય્.

  ચન્દ્રા

 • kailash

  ભારત્ માને તવાયફ બનાવ્ નાર હ્ર્રામિ ઓ ને સબક કોન સિખવાડ્સે.

 • Dilip Shukla

  સાચેજ લોક્શાહિ ને તમાશો બનાવિ દિધો ચ્હે.
  azadi ko laye the dulhan banakar..
  lekin netaon ne unhe tawayaf banadi.

  હાલ તો લોક્શાહિ એત્લે લોકો ના મોધા પર ધોલ્વા મા આવ્તિ સ્યાહિ.

 • રોહિત વણપરિયા

  આપે આ પોસ્ટ મૂકીને વર્ષો પહેલા કોલેજકાળમાં હરીન્દ્ર દવેની ‘ગાંધીની કાવડ’ નવલકથા વાંચેલ એ વાત યાદ કરાવી દીધી. ખૂબ સરસ વાસ્તવદર્શી નવલકથા.