હસતો રહ્યો (ગઝલ) – જમિયત પંડ્યા 8


જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો

ઓ મુસીબત! એટલી ઝિંદાદિલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.

કોઇના ઇકરાર ને ઇનકાર પર હસતો રહ્યો
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો

કોઇની મહેફિલ મહીં થોડા ખુશામદખોરમાં
ના સ્વિકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો

ફૂલ આપ્યા ને મળ્યા પથ્થર કદી તેનેય પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો

જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો,

નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઇ
એ કિનારે જઇ ડૂબી હું ધાર પર હસતો રહ્યો,

ભોમીયાને પારકો આધાર લેતો જોઇને
દૂર જઇ એ પાંગળી વણઝાર પર હસતો રહ્યો.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “હસતો રહ્યો (ગઝલ) – જમિયત પંડ્યા