ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 3) 10


ગીરયાત્રાના અનુભવો ભાગ ૧ અને ભાગ ૨ આપે અહીં વાંચ્યા. આજે વાંચો તુલસીશ્યામ પાસે આવેલી દોઢી નેસ અને આસનઢાળી નેસની મુલાકાતો સાથેનો ત્રીજો અને અંતિમ ભાગ.

અમે ચિખલકૂબાથી ગાડાકેડે (ગાડાને જવાય એવો ગાડાના પૈડાના ચાલવાથી થયેલ રસ્તો જે ખેતરોની વચ્ચેથી થઇને જાય) કોઠારીયા જવા નીકળ્યા. અહીં લીલી વનરાજી, આસપાસની ટેકરીઓ અને તેમાં વચ્ચે ખેતર ખેડતા ધરતીપુત્રોને જોઇને મન આનંદમગ્ન થઇ ગયું. અમે જ્યાં જઇ રહ્યા હતા એ જગ્યા શરના ખોડીયારના નામે ઓળખાય છે. (સૌરાષ્ટ્રમાં સ અને હ વચ્ચેના ઉચ્ચાર વાળો એક અક્ષર બોલચાલની ભાષામાં વપરાય છે જેને લખવા માટે કોઇ માધ્યમ મળ્યું નથી. આ શર એટલે હર એમ બોલાય) અહીં ખોડીયાર માતાજીનું ખૂબ જૂનું મંદીર છે, મંદીરે દર્શન કરીને અમે ગોકર્ણદાસ બાપુને મળ્યા. પાવન પ્રતિભાઓને મળવાનો જાણે ઉત્સવ હોય એમ અમે બાપુને જોઇને અભિભૂત થઇ ગયા. ઘૂંટણ સુધી પહોંચતી દાઢી અને છેક પગની પાની સુધી પહોંચે એટલા લાંબા વાળ વાળા ગોકર્ણદાસ બાપુને પગે લાગી અમે તેમની પાસે બેઠાં. થોડો પરિચય થયો બાપુ તેમના પક્ષી પ્રેમ માટે આખાય વિસ્તારમાં ખૂબ જાણીતા છે. તેમની પાસે દિવસે કેટલાય પક્ષીઓ ચણ ચણવા આવે છે. તેમના ફોટા જુઓ તો ખ્યાલ આવે કે જાણે પક્ષીઓનો મેળો ભરાયો હોય તેમ બાપુના ખભે, માથે અને ખોળામાં નિર્ભય થઇને ચણ ચણતા પક્ષીઓ આ સંત પર કેટલો વિશ્વાસ કરતા હશે, અને સામે બાપુ પણ તેમની સગવડનું બધું ધ્યાન રાખે છે. આ બધી વાતો મને માયાભાઇ કરતા હતા ત્યાં ચા આવી. એ પીને બહાર નીકળ્યા તો લક્ષ્મણભાઇના કેટલાક મિત્રો ગાડી લઇને અમરેલી અને ઉનાથી અહીં બાપુના દર્શને આવ્યા હતાં. તેમને મળી અમે લોકોએ જવાની વાત કરી તો બાપુ અમને જવા દેવા તૈયાર ન થયા.

”આટલે આવ્યા છો અને જમવાનું હમણા તૈયાર થૈ જાશે તો જમીને જ જાવને મારા વ્હાલા” ખૂબ પ્રેમથી બાપુ અમને સંબોધીને બોલ્યા.

”બાપુ અમારે હજી ગીરમાં જાવું છે અને આમેય આજે ઘણું મોડું થૈ ગયું છે.” મેં તેમને કહ્યું

”જમીને જશો તો મજા આવશે, બાકી જેવી તમારી મૌજ” કહેતા બાપુ અમારી બધાની સાથે ઓટલે જ બેસી ગયા. કોઇક ગામડેથી ટ્રેક્ટર લઇને અનાજની ગુણો બાપુને આપવા આવ્યા હ્તા એટલે બાપુ વ્યવસ્થા કરવા અંદરની તરફ ગયા કે તરત એક ભાઇ મારી પાસે આવ્યા.

”બાપુ કહે છે તો જમીને જ જજો, અમારો એવો અનુભવ છે કે બાપુ જ્યારે આટલા હકથી રોકતા હોય ત્યારે રોકાઇ જવું, રખેને આગળ કાંઇક અજુગતુ થાય” તેમણે મને ખૂબ ધીમેથી કહ્યું.

”સારૂ” હું એટલું જ બોલ્યો કારણકે માયાભાઇ અને લક્ષ્મણભાઇ પણ જમીને જ જવાના મૂડમાં લાગતા હતા, મિત્રો સાથે એ લોકો વાતોએ વળગ્યા હતા.

એક વાગ્યે અમે જમવા ગયા. મંદીરથી થોડે દૂર અલગ બે ચાર ઓરડીઓ ખાસ રસોઇ માટે બનાવાઇ છે, અહીં લોકોની ખૂબ અવરજવર રહે છે અને એટલે અહીં સીધું લઇને આવીએ તો જમવાનું બનાવવાની બીજી બધી વ્યવસ્થા છે. જમવા માટે પંગતમાં બેઠો તો બાપુ મારી પાસે આવ્યા અને બાજુમાં બેઠાં. મને કહે, “બ્રહ્મદેવ, ધરાઇને જમજો” મેં માયાભાઇ સામે જોયું તો ખબર પડી ગઇ કે બાપુને આ વાત કોણે કહી હશે.

થાળી પીરસાઇ. ભજીયા, દૂધપાક, પૂરી, શાક, દાળ, ભાત, છાસ અને કચુંબર, બધુંય એક પછી એક આવતું રહ્યું અને પીરસાતું રહ્યું. દૂધપાક મને ખૂબ ભાવ્યો એટલે બે વાડકા ખાઇ ગયો. જમીને જેવો ઉભો થવા ગયો કે તરત બાપુએ પકડીને સજ્જડ બેસાડી દીધો.

”એલા છોકરા, મહેમાનને દૂધપાક આપ અને ભજીયા ય લાવ” તેમણે રસોડા તરફ જોઇને બૂમ પાડી કે તરત બે છોકરા આવી પહોંચ્યા.

”બાપુ, પેટ ભરાઇ ગયું છે, આમેય દૂધપાક વધારે ખાધો છે અને ભજીયું તો એક પણ નહીં ખવાય” મેં અનિચ્છા દર્શાવી

“પીરસ ભાઇ પીરસ, હજી બે વાડકા દૂધપાક ને ભજીયા ખવાઇ જશે.” બાપુ બોલ્યા અને પેલા ભાઇએ વાડકો દૂધપાકથી ભરી દીધો અને થાળીમાં આઠેક ભજીયા મૂકી દીધા.

”એલા કોઇને ઉભા ન થાવા દેતા, બધાયને દૂધપાક ને ભજીયા આપો” અને બાપુના આ હુકમનું અક્ષરશ: પાલન થયું.

એ વાડકો દૂધપાક ને ભજીયા પૂરા કરીને હું માંડ ઉભો થતો હતો કે બાપુ પોતે પીરસવા ઉભા થયા. મારાથી તાણ કરવાની શરૂઆત કરી ધરાર મને બેસાડ્યો અને દૂધપાક ને બે ભજીયા આપ્યા.

”સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ જમવા જાઓ ત્યારે એટલું ધ્યાન રાખવું કે મિઠાઇ અને ફરસાણ કદી ન ખાઇ જવા, એટલે જ્યારે તાણ કરવા વાળા આવે ત્યારે તમારી થાળીમાંથી તમને ખવડાવી દે, બાકી આ તો અહીંની પરંપરા છે કે મહેમાન ધરાઇને, તૃપ્ત થઇને જવો જોઇએ. કોઇ શરમાઇને ભુખ્યું ઉઠે તો અતિથી ધર્મ લાજે” લક્ષ્મણભાઇએ મને કહ્યું.

થોડોક દૂધપાક ખાઇ, બાકીનો વધારી અને ભજીયા સાથે હું એ પ્રાણીઓ માટેની કુંડીમાં નાખી આવ્યો. થાળી વાડકા જાતે ધોઇ, વ્યવસ્થિત જગ્યાએ મૂકી અમે બાપુની ઓરડી તરફ ચાલ્યા.

બાપુની ઓરડી એટલે ફોટાઓનો ભંડાર. અહીં આસપાસ આવતા સિંહ અને ચિત્તાઓના ઝુંડના અમારા જેવા પ્રવાસીઓએ પાડેલા ફોટા, બાપુ જ્યારે પક્ષીઓને દાણા ખવડાવે છે ત્યારના ફોટા અને શ્રી મોરારીબાપુ જ્યારે અહીં આવ્યા હતા ત્યારના એમ અનેકવિધ નવા જૂના ફોટાઓ મને જોવા મળ્યા. બાપુનો હીંચકો પણ જોયો અને તેમનો કોઠાર પણ જોયો જ્યાં ગામલોકોએ આપેલા જાર અને અનાજ પક્ષીઓ માટે સાચવીને રખાયેલા છે. થોડીક વાર ત્યાં રહી અમે બાપુને પગે લાગીને જવાની રજા માંગી, બાપુ કહે “ક્યાં તુલસીશ્યામ જવું છે?”

”હજી કાંઇ નક્કી નથી, કોઇ ઠેકાણું નથી” માયાભાઇએ જવાબ આપ્યો.

“એક કામ કરો, તુલસીશ્યામ જઇને પાછા અહીં આવો એટલે રાત્રે ખીચડી કઢી જમાવીએ.” બાપુએ પ્રસ્તાવ બાંધ્યો. જો કે અમારે નક્કી નહોતુ પણ તુલસીશ્યામ જવાની મારી મનની ઇચ્છા હતી. પણ એ હજી કોઇને કહી નહોતી.

”ના બાપુ, કાલે સવારે નોકરીએ જવાનું છે, ફરી ક્યારેક આપના દર્શને ચોક્કસ આવશું, ત્યારે રાત રોકાઇશું.” લક્ષ્મણભાઇએ બાપુને કહ્યું

“ભલે, જેવી તમારી મૌજ, જાઓ, અને શ્યામ ભગવાનના દર્શન કરો” અને તેમણે પ્રેમથી મારે માથે હાથ મૂકીને કહ્યું “આવતા રહેજો…”

અમે ત્યાંથી લગભગ અઢી ત્રણ વાગ્યે નીકળ્યા. જસાધાર લક્ષ્મણભાઇના એક સબંધીના ઘરે થોડીક વાર આરામ કર્યો. ગરમી અસહ્ય થઇ રહી હતી અને પવન ન હોવાને લીધે બફારો થતો હતો. એ લોકોની વાતો પૂરી જ ન થતી હતી. હું ઝોકે ચઢ્યો અને થોડીક વાર થઇ કે ચા આવી. ચા પીને અમે તુલસીશ્યામ જવા નીકળ્યા. જંગલખાતાની ચેકપોસ્ટ પર જરૂરી માહિતિ આપી અમે આગળ વધ્યા. તુલસીશ્યામ વિશેની વિગતો અન્ય લેખમાં આપી હોવાથી અહીં એનું પુનરાવર્તન નથી કરતો.

તુલસીશ્યામથી નીકળતા હતા કે લક્ષ્મણભાઇ મને કહે “બોલો સાહેબ હવે ક્યાં જાશું?”

”અંતરીયાળ કોઇક નેસમાં જઇએ” મેં કહ્યું

”એમ?” થોડીકવાર વિચારીને તેમણે જાણે કાંઇક નક્કી કર્યું હોય તેમ ગાડીની દિશા બદલી

”ચાલો એક બીજા દોસ્તને ત્યાં જઇએ” તે બોલ્યા અને અમારી ગાડી ગીરના જંગલ તરફ દોડવા લાગી. રસ્તામાં એક નેસ બતાવતા તે બોલ્યા, “અહીં તમારા પ્રિય મોરારીબાપુ ઘણી વાર આવે છે.”

”કેમ તમારા પ્રિય?” મેં તેમને વળતો પ્રશ્ન કર્યો.

”તમારા એટલે કે તમે વાતવાતમાં એમણે આપેલા ઉદાહરણો ઘણી વખત કહો છો. અને ખરેખર એ સરસ આદત છે.” તેઓ સાહજીક જ બોલ્યા.

”હા, મારા મતે ધર્મ કે જાતિના ભેદ વગર પ્રભુભક્તિની સુવાસ માટે અને લોકોને ખોટા રસ્તે જતા રોકવા અનેક ઉદાહરણો આપીને, તેમની શ્રધ્ધાનો તંતુ જીવંત રાખીને અને એક તંદુરસ્ત સમાજ રચના અને ધર્મનો સાચો મર્મ જાણવાની ચર્ચામાં લોકોને સાથે લઇને તેઓ જે કાર્ય કરી રહ્યા છે એ આજના જમાનામાં કદાચ કોઇ ન કરે. ધર્મ માટે, તેની ખોટી રૂઢીઓ ત્યાગવા માટે અને ભેદભાવ, ખોટી રીત રસમો અને અંધશ્રધ્ધા કાઢવા તેમણે કરેલા કાર્યને કોઇ અવગણી ન શકે. મને તેમના માટે એટલે પણ માન છે કારણકે તેમણે પોતાનો કોઇ અલગ પંથ કર્યો નથી, ચેલા ચેલીના સમૂહો ઉભા કરવા કે તેમની પૂજા કરવી એ મતલબના ફરમાનો પણ તેમણે બહાર પાડ્યા નથી. પણ જેને જેમાં શ્રધ્ધા હોય એવા પોતપોતાના પંથમાં સાચી રીતે કેમ ચાલવું એ લોકોને બતાવવાનો તેમનો અંદાજ મને ખૂબ ગમ્યો છે. જુદા જુદા પંથો અને ફાંટાઓ પાડી લોકોના સમૂહને અલગ કરનાર પોતે પણ ક્યાં સાચા પંથે ચાલી શકે છે. વળી સાહિત્યના ક્ષેત્રે તેમનું યોગદાન પણ અમૂલ્ય છે. સાહિત્યકારોને પ્રોત્સાહન આપવા કોઇકે તો એ કરવું જ રહ્યું.”

“સાચી વાત છે, તેમના લીધે વિસ્તારમાં લોકોના જીવનમાં ઘણો ફરક આવ્યો છે. અસ્મિતા પર્વ અને હમણાં થયેલ સદભાવના પર્વ, મહુવાના લોકો ખરેખર નસીબદાર છે કે તેમને આવા આયોજનોનો લાભ મળે છે.” લક્ષ્મણભાઇએ પણ મારી વાતમાં સાથ પૂરાવ્યો.

ત્યાં એક દરવાજો આવ્યો. રસ્તાની એક તરફ હોવાથી એ દરવાજો ક્યાંક જંગલમાં અંદર જતો હશે એમ મેં ધાર્યું. પાસે જ જંગલખાતાની ચેકપોસ્ટ હતી, ત્યાં રામરામ કરીને અને ઓળખાણ આપીને લક્ષ્મણભાઇ એ દરવાજો પસાર કરીને અમને અંદરની તરફ લઇ ગયા. એ નેસનું નામ રોડ પાસે લાગેલા પાટીયા પર લખેલું જ હતું, એ છે દોઢી નેસ.

જંગલમાં વસેલા માલધારીઓનો નાનકડો સમૂહ એટલે નેસ. દોઢી નેસમાં માંડ પાંચ થી છ ઘર છે. અમે લક્ષ્મણભાઇના એક મિત્રના ઘરે જઇને બેઠા જે આ નેસના સરપંચ પણ છે. તેમની ભેંસો, ગાયો, ઉંટ અને ઘોડા જોઇને જાણે તેમની સંપત્તિ અને તેમના નસીબની ઇર્ષ્યા થઇ આવી. વીજળીની કોઇ પણ સગવડ વગર, ગાય ભેંસ અને અન્ય અનેક પ્રાણીઓ સાથે દિવસ રાત જંગલમાં જીવતા આ લોકોને નસીબના બળીયા કહેવા કે નહીં તે પ્રશ્ન થઇ આવ્યો. અમે ગમાણ અને તેમના ઓરડાઓની વચ્ચે આવેલ ખુલ્લી ઓશરીમાં બેઠાં. મોર અમારી આસપાસ ફરી રહ્યા હતા. હું તો ગણતોજ રહ્યો અને જોતજોતામાં ચાર મોર અમારી ખૂબજ નજીક આવી ગયા. મારો ઉત્સાહ જોઇ સરપંચ ખુશ થઇ ગયા. તે લક્ષ્મણભાઇ સાથે તેમણે નવા ખરીદેલા ઘોડા વિશે વાત કરી રહ્યા. તેમની વાતો પરથી જણાયું કે તેમને ઘોડાને સવાર સાથે ચાલવાની અને દોડવાની રીતભાત શીખવવા માટે સારા પ્રશિક્ષકની શોધ હતી. લક્ષ્મણભાઇએ તેમને એ માટે મદદ કરવાનું વચન આપ્યું. ઘોડાનો સ્વભાવ જોવા તેમણે થોડેક સુધી તેની પ્રાયોગીક સવારી કરી. અને અંતે તેઓ એ તારણ પર આવ્યા કે તેના લક્ષણો સારા છે, પરંતુ સાથે સાથે તેમણે સરપંચને એ વાતની ચેતવણી પણ આપી કે તે ઘોડાને સવારી કરી પલોટતા રહેવુ અને સાથે સાથે તેને પૂરતું પ્રશિક્ષણ પણ આપવું. ઘોડાને મેં પણ એક આંટો મરાવ્યો, જો કે મને ઘોડેસવારીનો કોઇ અનુભવ ન હોવાથી એમ કહી શકાય કે ઘોડાએ મને આટો મરાવ્યો. પછી તેમના નેસના બે ચાર છોકરાઓએ ઉંટ સાથે ફોટા પડાવ્યા. નેસની પાછળ આવેલ નદીના પટમાં પણ અમે થોડુંક ભમ્યા. જંગલખાતાની સવલતો વિશે અને તેના દ્વારા થતી હેરાનગતિ વિશે પણ વાતો થઇ. ત્યાં નદીના પટમાં થોડીક વાર બેઠા અને પછી પાછા અમે નેસમાં આવ્યા. ભેંસનું દૂધ દોહાતુ હતુ એટલે એ પીધું અને પછી ત્યાંથી જવામાટે સરપંચની આજ્ઞા લીધી. તેઓ ખૂબ સહ્રદયી અને સીધા સાદા માણસ હતા. શહેરોમાં રહેતા લોકો હજી પણ એટલા સીધા રહ્યા નથી જેટલા આ લોકો છે, મેં ગાડીમાં દોઢી નેસથી નીકળ્યા એટલે એ વાત લક્ષ્મણભાઇ અને માયાભાઇને કરી. લક્ષ્મણભાઇના કહે “શહેરોમાં આજકાલ લોકો જરાય સહ્રદયી રહ્યા નથી. મૂંગા જનાવર માટે કોઇ પાણીની પરબ તમે શહેરોમાં જોઇ? કે કોઇ એવી જમીન જ્યાં જઇને ઢોર ચરી શકે? અરે આપણા મહુવા ને રાજુલાની જ વાત લ્યો ને, ખેતરોમાં લોકો આજકાલ પ્લોટ પાડીને ઘર બનાવી દે છે અને પછી આસપાસ આવતા ઉદ્યોગોમાં કામ કરતા બહારના લોકોને ઉંચે ભાડે આપે છે. ખેતીમાં તો મહેનત કરવી પડે પણ આ મકાન એક વાર બન્યુ એટલે એના ભાવ તો વધવાના જ પણ સાથે ભાડુય એટલું આવે કે બધા ખેતરોની સોસાયટી કરવા તૈયાર થઇ જાય. શહેરોના લોકોને હજી જેટલું રાજકારણ આવડ્યું છે એટલું હજી ગામડામાં આવ્યુ નથી. સવારે સાત વાગ્યે નીકળીને રાત્રે દસ વાગ્યે ઘરે આવતા લોકોના છોકરા બાઇ મોટા કરે છે અને મા બાપ માટે તો એ છોકરા પથારીમાંજ મોટા થઇ જાય છે. પછી એમાં હાલરડામાં આવતા શિવાજીના અને ચેલૈયાના સંસ્કાર ક્યાંથી મળે? ટોમ એન્ડ જેરી અને ઢીસુમ ઢીસુમ વાળી ફિલ્મો…. જ્યારે ગામડામાં હજીય જળવાઇ રહેલી સંયુક્ત કુટુંબની પરંપરાને લીધે માબાપ સાથે બાળકને દાદા દાદીનો પ્રેમ પણ મળે છે. બાળક સાડા ત્રણ વર્ષનું થાય એટલે જાણે જિંદગીને ચેઝ કરવા નીકળ્યુ હોય એમ એક પછી એક પરીક્ષા, એક પછી એક પગથીયું પણ શીખવાનું કાંઇ નહીં. એમાં શું ભલીવાર થાય? પછી ઓફીસના પોલીટીક્સ અને ધંધાની આંટીઘૂંટી…. એમાં માણસનું સીધાપણું દરીયાના ફીણની જેટલું નાના આયુષ્ય વાળુ હોય છે.”

”સાચી વાત છે લક્ષ્મણભાઇ” તેમની વાતો પર વિચારતા મને પણ એ સાચું લાગ્યું. સાંજ ઢળવા આવી હતી. અમે રસ્તામાં ગાડી ઉભી રાખી, ચારે તરફ મોરના ટહુકવાના અવાજો આવતા હતા, ક્યાંક કોયલનું ગીત તો ક્યા6ક અજાણ્યા અનેક પંખીઓનું સમૂહગાન …. મને થયું કે મેં એમની દુનિયાથી છેડો ફાડ્યો છે કે કુદરતે મારી દુનિયાથી છેડો ફાડ્યો છે? હકીકત ગમે તે હોય, સરવાળે નુકશાન તો મને જ થયું.

વાતોવાતોમાં અમે આવી પહોંચ્યા હતા અન્ય એક નેસમાં, આ નેસનું નામ છે આસનઢાળી. ગાય ભેંસના દૂધના બોઘરણા ભરીને રસ્તા પર દૂધ લેવા આવતા ડેરીના વાહનની રાહ જોઇ રહેલા અનેક લોકો અમે રસ્તામાં જોયા, આસનઢાળી પાસે એવા બે ચાર ભાઇઓ અમે જોયા. નેસમાં અમે લક્ષ્મણભાઇના ઓળખીતા એક ભાઇના ઘરે ગયા. બે બહેનો ગાયને દોહતી હતી. પાસે એક નાનો છોકરો ઉભેલો, જાણે કાનુડો યશોદાની પાસે માખણની માંગણી કરતો હોય એવું અદલ દ્રશ્ય.

“એ આવો મહેમાન, સીતારામ” લક્ષ્મણભાઇના મિત્રએ મારી વિચારધારા તોડી. મેં તેમને રામરામ કર્યા, અને તેમની પાસે બેઠો.

“ઇ જેને તમે જોતા’તા ઇ અમારો નાનકો, નામ “કાનો” અને ઓલી એની મા અને ફૈ” તેમણે મને કહ્યું અને એનું નામ કાનો છે એ સાંભળી કોણ જાણે હું ખૂબ ખુશ થઇ ગયો, મેં તેને તેડી લીધો, જો કે અજાણ્યા પાસે જવાનો સંકોચ તેના મુખ પર સ્પષ્ટ હતો પણ તે રડ્યો નહીં. બપોરે માયાભાઇ માવો લેવા ગયા ત્યારે મારા માટે ચોકલેટ લેતા આવેલા એ ખીસામાં પડી રહેલી, એ મેં તેને આપી પણ એ ચોકલેટને આશ્ચર્યથી જોઇ રહ્યો. તેના દાદા કહે, એને હજી ચોકલેટની કે વેફરની ખબર પડતી નથ. ઇ ને દૂધ કે ચા ગમે એટલી આપો, ઇ પી જાહે.” મેં વહાલથી તેને ચૂમી લીધો. વડીલને માથે સરસ ફાળીયુ હતું. મેં તેમને એ ફાળીયા વિશે પૂછ્યું.

તેઓ કહે “આ તો રોજબરોજમાં પહેરવાનું છે. અમારા વડવાઓ ફાળીયા વગર ઘરની બારો નીકળવામાં નાનમ હમજતા, પણ હવે તો કોઇ અમારો વેશ પહેરતુંય નથી, હજી તમે નેસમાં આવો તો ઘણાય એવા મળે પણ શહેરોમાં તો હવે એવા ચોરણા ને વાળા અમારા જ્ઞાતિબંધુઓ જોવાય ન મળે. ફાળીયુ તો મોટેભાગે હવે બધાએ છોડી દીધું છે. વિદેશીઓને જોઇ આપણેય હવે પાટલુન ને બુશકોટને રવાડે ચડી ગ્યા છૈ.” તેમણે તેમના મોટા છોકરા પાસે ખાસ પ્રસંગોએ પહેરવાનું ફાળીયુ મંગાવ્યું. એ ફાળીયાને …………………………

અંધારૂ થયુ એટલે અમે ત્યાંથી નીકળ્યા અને ખાંભા થઇને રાજુલા અને મહુવા આવવા નીકળ્યા. ગીરની ચેકપોસ્ટ બહાર નીકળતાજ એક હોટલ આવી એટલે ત્યાં રોટલા ને ભડથું, મરચા, છાશ ને ગોળ મન દઇને આરોગ્યા અને પછી પ્રવાસ કર્યો મહુવા તરફ.

ગીરમાં અને તેના નેસમાં ફરવાની તક મને પ્રથમ વખત માયાભાઇની મદદથી મળી હતી. પણ લક્ષ્મણભાઇ સાથે નેસની આ લાંબી મુલાકાત કરવાની ખૂબ મજા આવી. પીપાવાવની આસપાસના ગામોમાં મારા ઘણા મિત્રો છે, અને ત્યાં ગામડામાં, તેના કુદરતી વાતાવરણમં રોકાવાનો આનંદ મેં ખૂબ માણ્યો છે. વડોદરામાં મોર હવે ટહૂક્તા નથી કે કોયલ ગાતી નથી. ભેંસના ચોખ્ખા તાજા અને મીઠા દૂધની બદલે હવે ડેરીનું પ્રોસેસ કરેલુ દૂધ આવે છે, મંદિરના સંધ્યા સમયે આરતીના અવાજો હવે સંભળાતા નથી કે ઘર તરફ પાછા વળતા ભરવાડ કે આહિર ભાઇઓ કે તેમના મધુરા ગીત અને ક્યાંક સંભળાતા તેમની મોરલીના સુર હવે ડી.જે ના ઘોંઘાટમાં ક્યાંક દબાઇ ગયા છે, સાંજે ચારે તરફ પ્રદૂષણના લીધે આકાશમાં સફેદ ચાદર જામે છે, અને લોકો….? સંસ્કૃતિના નામે આપણે આજે શું રહેવા દીધું છે? કદાચ મારા પૌત્રો-પૌત્રીઓને ગામડું કોઇક ચિત્રોમાં કે ફોટાઓમાં જ જોવા મળે……


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 3)

 • Anil Vala

  Jignesh bhai, article describe in a very good manner. All are right at there place….Village bless us glory and attachment towards nature whereas city fulfill our requirements and steps towards success….Keep writing and sharing wonderful stories…..

 • kapil Soni

  Aree Jignesh bhai…..aeee moj padi ho vanchi ne…….em lagu ke nya nesda ma pochi gya,hal to Ahmedabad ma chheye pan Gir ma ame pan bahu rakhediya,Amm mud Junagadh na atle mota bhag nu gir..kankai,banej,jamdagni,ankolwadi etc.. joyelu pan tamra shabdo ma vanchva nee moj or j chhe dost,a Salu gujarati type avadtu nathi baki ghanu badu lakhat,yar unada(summer) ma ame pan Junagadh thi ghani var ratre sasan jaye ane e to bhai tesdo pade ho…e madhuvanti na kathe,e mendersa thi sasan na rode….sasan ma cha piye ane tarte 3 vage pachha…shih made to thik baki hakota sambhadi ne pachha…..

 • Nirav Kundaria

  Dear Jignesh bhai,

  Aam maru janmasthal ane vatan pan Gir chhe. Gir ma Dhari gam ma. pan hu chhela 10 varsh thi. tya gayo nathi..aje aa story vanchata mane maru gam ane maru gir khub yaad avi gayu…i miss my gir 2 much…
  one more thing me aa story mari wife ne pan vanchavi ane teno birth pan gir maj thayo chhe..ane te aa story vanchi ne radava lagi…

  We really miss my KATHIYAWAD…MARU GIR.

  Thank Jigneshbhai

 • Navneet Rafaliya

  After reading this three articles i will not be able to stop my self from going Saurushtra
  Being an Engineer having such capacity to write is a Praise worty effort.
  Thanks and U are the one who give me feeling that i am not far form my Kathiyawad.
  Thanks a lot again for this Articles.

 • JIGAR PUROHIT

  “VAAH JIGNESHBHAI VAAH,
  KHAREKHAR TAMARA PRAVAAS NU VARNAN VANCHI NE MARU MANN ROMANCHIT THAI GAYU.
  AAVO SUNDAR PRAVAAS AMARI JODE SHARE KARVA BADAL KHUB KHUB AABHAR”

 • Hitesh Sindhava

  jigneshbhi
  kyarek aa rite tour karo to jan karjo….ame pan jodaishu…maru vatan kesho-mangrolni vache bhat simroli chhe….youth hostel aa prakarni tour gothavati hoy chhe…..
  Hiten Sindhava-ahmedabad

 • jaysukh talavia

  ક્યાક આ રિતે ફરવા નિકળો તો અમનેય હારે લેતા જજો. અમેય પ્રવાસિ પારાવારના.

 • Raj Adhyaru

  Hey Jignesh, how can u manage all this ? as responsible father / hubby/ employee and much more…

  Give me some tips to do so. I also want tobe part of your next trip….

  Mahuva… is my in laws town and I love the surroundings of Mahuva…

  Pls. dont forget to give me tips….

  Raj

 • hemant r. doshi

  thank you very much for sending such nice real story
  of gir where my kuldavi kankaemata mander is there
  and i born and brought up at mahuva.
  thanks again.
  hemant doshi at mumbai.