હજી શનિવાર બપોરે નોકરીમાં અડધો દિવસ પૂરો કરીને ઓફીસની બહાર નીકળતો હતો ત્યાંજ મારા પરમ મિત્ર શ્રી માયાભાઇ મને દરવાજામાં જ મળી ગયા.
”કાં સાયબ, સીતારામ, આજે વડોદરે જાવાના કે?”
”સીતારામ માયા આતા, કેમ છો? આજે વડોદરા નથી જવું, ગયા શનિ રવિ જઇને આવ્યો છું….” મેં કહ્યું.
”એકલા છો કે ભાભી છે ઘરે?” તેમણે તરત બીજો પ્રશ્ન પૂછ્યો…
”એકલો છું, એ વડોદરામાં થોડું કામ હતું એટલે તમારા ભાભી ત્યાં રોકાઇ ગયા છે.”
”તો હાલોને જાઇ, આમેય શનિ રવિ મહુવામાં એકલા શું કરશો?” તેમણે અમને બંનેને ખૂબ પ્રિય એવી અમારી નેસ મુલાકાતોનો વધુ એક પ્રવાસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો.
”પણ કોઇ સગવડ તો કરી નથી, કેમ જઇશું?” મેં જવા આવવા માટે વાહનની સગવડ વિશે ચિંતા વ્યક્ત કરી, કારણકે દર વખતે અમે જવાનો કાર્યક્રમ બનાવીએ એટલે વાહનની વ્યવસ્થા તો અચૂક કરી જ લઈએ, કાં તો કોઇક મિત્ર સાથે લઇ લઇએ કાં તો કોઇકની ગાડી મંગાવી લઇએ, અંતમાં કાંઇ નહીં તો બાઇક પર નીકળી પડીએ પણ આજે પહેલા બે માંથી કોઇ વિકલ્પ રહ્યો ન હતો.
”એ ચિંતા તમે ન કરો, મારા પર છોડી દો…” માયાભાઇનો વિશ્વાસ જોઇ હું પણ થોડોક આશ્વસ્ત થયો. તેમણે કોઇક મિત્રને હિંડોરણા ફોન કર્યો અને વાહનની કાંઇક વ્યવસ્થા થઇ હોય તેમ લાગ્યું.
“ચાલો રાજુલા જતા રહીએ, ત્યાંથી લખમણ આપણી ભેળો થૈ જાશે. તમે ન્યા હીંડોણે ખાવુ હોય તો ખાઇ લેજો, મારે તો શનિવાર છે” માયાભાઇએ કાર્યક્રમની રૂપરેખા ઘડવા માંડી.
“સારૂ ચાલો તો નીકળીએ” હું બાઇક પર તેમની પાછળ બેસતા બેસતા બોલ્યો. અમે રાજુલા તરફ જવા પીપાવાવ ચોકડી વાળા રસ્તે જવાને બદલે રામપરા અને ભેરાઇ વાળા ટૂંકા રસ્તે જવા નીકળ્યા. રસ્તામાં ખેડાતા ખેતરો, ક્યાંક ખળામાં ભરેલો પાક અને ક્યાંક ચાલી રહેલી લણણી, ચોતરફ કુદરતે તેની કૃપા અને ખેડુતોએ તેમની મહેનત અને પરસેવો મન ભરીને રેડ્યા હતા. ખેતરોમાં ઉભેલા ચાડીયા જાણે પક્ષીઓ ઉડાડવાનું કામ કરવાને બદલે કોઇ સંત તેમને મોતીચારો ખાવા બોલાવતા હોય, તેમના લહેરાતા ઝભ્ભા પક્ષીઓને આમંત્રણ આપતા હોય તેવા વધારે લાગતા હતાં. હરીયાળી જોતા જોતા અને અલક મલકની વાતો કરતાં કરતાં અમે રાજુલા જવાના રસ્તે આવતી હિંડોરણા ચોકડી પહોંચ્યા. એક રસ્તો રાજુલા સીટી તરફ, એક રસ્તો દીવ, સોમનાથ તરફ અને એક રસ્તો મહુવા, ભાવનગર તરફ આમ ત્રણ રસ્તા અહીં ભેગા થાય છે. અમે અહીં એક ચાની લારી પર ઉભા રહ્યા અને વેફર સાથે ચાનો નાસ્તો કર્યો. માયાભાઇએ બે ચાર ફોન કર્યા અને હું ઉભો ઉભો વિચારતો હતો કે ક્યાં જવાનું હશે અને કઇ રીતે જઇશું.
”હાલો, લખમણ બોલાવે છ” અચાનક માયા આતાએ મારી તંદ્રા ભંગ કરી.
”હાલો” મેં કેમેરો અને ડાયરી સંભાળ્યા અને અમે ફરીથી તેમની બાઇક પર ગોઠવાયા અને હિંડોરણા ગામ તરફ આગળ વધ્યા.
હિંડોરણા ગામથી તેમના એક મિત્ર અને દૂરના સબંધી એવા લક્ષમણભાઇ અમારી સાથે તેમની મારૂતિ ઓલ્ટો કાર લઇને આવવાના હતા. અમે તેમના ઘરે પહોંચ્યા, તે હજી ક્યાંકથી તેમના ઘરનાં સભ્યોને લઇને આવ્યા જ હતા, એટલે અમે તેમના વરંડામાં (તેમનો વરંડો એટલે ડ્રોઇંગરૂમ, ટીવી, ખાટલો અને બે ત્રણ ખુરશીની જાહોજલાલી ) બેઠા. ભેંસનું તાજુ દૂધ આવ્યું અને અમે એ પીધું, પછી પાણી આવ્યું અને પછી ચા આવી. ચા પીને અમે ટી.વી. જોતા હતા. લક્ષમણભાઇ કપડાં બદલાવીને હાથ પગ ધોઇને આવ્યા અને અમારી પાસે બેઠાં. માયાભાઇએ અમારો પરીચય કરાવ્યો. લક્ષ્મણભાઇ કહે, “અમે હજી તૈણ દિ’ રોકાઇને પરમદિ’ જ મારા સાસરેથી આવ્યા”. તેમનું સાસરૂ ગીરના એક નેસમાં છે એમ માયાભાઇએ મને રસ્તામાં કહ્યું હતું.
“અમારે ઘણાં વખતથી તારી હારે જાવું તું, પણ સાયબ ક્યાંક વડોદરે જાય તો ક્યાંક ઘરે કામ હોય, આજે સારૂ મૂરત નીકર્યું તો થ્યું હાલો જાતા આવીં એટલે તને ફોન કર્યો” માયાભાઇએ તેમને અમારી ઇચ્છા કહી સંભળાવી.
”હાલો, તો જાઇ, અક્કેક જોડ કપડા છે ને? ન હોય તો આંયથી લૈ લેજો, બીજુ બધું થૈ રે’શે” લક્ષ્મણભાઇ તરત તૈયાર થઇ ગયા એટલે મારો આનંદ વધી ગયો.
”તમે થાકેલા છો તો પણ અમારી સાથે આવો છો એ અમારા માટે ખૂબ આનંદની વાત છે” મેં હરખાઇને તેમને કહ્યું.
”અરે ભઇલા, આંય લોકો નેહડામાંથી બારો ભાગે છે, તયેં તું ન્યાં જાવા નીકળ્યો છે તો જો લખમણ હારે આવે ઇ તો અમારી મે’માનગત કે’વાય” તેમના માં જે ક્યારનાય અમારી વાત સાંભળતા હતા તે બોલ્યા.
”હાલો, હું ગાડી કાઢું, બહાર આવી જાઓ” લક્ષમણભાઇ અમને ઉદ્દેશીને બોલ્યા.
”હાલો માડી, રામ રામ” હું તેમના માં ને કહીને બહાર નીકળ્યો
”આવતા રહેજો ભાઇ” તેમના માં મને અને માયાભાઇને જોઇને બોલ્યા.
અમે લક્ષ્મણભાઇની ગાડીમાં ગોઠવાયા. નજીકના ગેસ સ્ટેશનથી ગાડીમાં ગેસ ભરાવી અમે રાજુલાથી ધાતરવાડીનો પુલ પસાર કરી જમણી તરફ જતા ડેડાણનો રસ્તો આવે છે તે રસ્તે જવા નીકળ્યા.
”અમે તો સાયબ, કાયમ આંય ફરીયે, વચ્ચે વચ્ચે આમ તેમ અમારા ગીરના ને નેહડાના પોગ્રામો ચાલ્યા જ કરે” લક્ષ્મણભાઇએ વાતની શરૂઆત કરી.
“હુંય હમણાં હમણાં માયાઆતા સાથે ઘણી વખત નેસમાં જાઉં છું, પણ એ ઘણી વખત કહેતા કે લક્ષ્મણભાઇ સાથે જવામાં જે મજા છે એ તમને બીજે ક્યાંય નહીં મળે…” મેં તેમને કહ્યું.
”ઇ તો હું સાયબને કે’તો, કે તમે એક વખત લક્ષ્મણ હારે નેહમાં જાહો તો બીજી વાર એને લીધા વગર જાવાનું નામ નૈ લ્યો” માયાભાઇએ વાતમાં સૂર પૂરાવ્યો.
”મારે તો નેહમાં હાહરૂ છે, વળી લગભગ બધેજ મને બધાંય ઓળખે છે કારણકે અમે દિ’ ને રાતે જ્યારે જરૂર પડે તયેં હંધાયની પડખે ઉભા રૈયે છીયે” લક્ષ્મણભાઇ બોલ્યા.
”નેસમાં કે ગીરના અંદરના ભાગમાં ખાલી સિંહ જોવા જેવા છે એમ નથી, સિંહ તો આમ તેમ ભટકતી પ્રજાતિ છે, અને તેને એક બે કે વધુમાં વધુ પાંચ વખત જુઓ એટલે એક પ્રકારની ઉદાસી આવવાનીજ, પણ ગીરના એક નોખા ભાગનો પરિચય મારે તમને કરાવવો છે, બીજુ કોઇ મને કહે કે ગીરમાં લૈ જાવ તો હું વાડી વાળાઓ હારે વાત કરી, જનાવરના સગડ લૈને ઇને બતાવી આવું, પણ માયા મને કે’તો કે સાયબને એના કરતા ગીરના નેસમાં ભટકવાનો આનંદ આવે છે, એટલે તમને આજે એવી જગ્યાએ લૈ જાઉં કે તમે જન્મારો યાદ કરો.”
કોઇક ખાસ જગ્યાએ જવા મળશે, પણ સિંહ જોવાની કોઇ યોજના નથી એ બે વિરોધાભાસી વાતોથી મને આનંદ અને નિરાશાની મિશ્ર લાગણીઓ થઇ. આમ તો મને સિંહ જોવાનું મન કાયમ હોય છે, પણ હવે એકાદ બે વખત દેવળીયા અને સાસણમાં સિંહો જોઇ લીધા છે એટલે નેસ તરફ વળગણ વધતું ચાલ્યું છે.
”આપણે કઇ તરફ જઇ રહ્યા છીએ?” મેં લક્ષ્મણભાઇને પ્રશ્ન પૂછ્યો.
”તમને એવી જગ્યાએ લઇ જઇશ કે તમેય યાદ કરશો” લક્ષ્મણભાઇએ મગનું નામ મરી ન પાડ્યું અને સસ્પેંસ જેમનું તેમ રહ્યું.
પછીના લગભગ દોઢેક કલાકના રસ્તે એ બે પિતરાઇ ભાઇઓ કુટુંબની, વેપાર ધંધાની ને ભૂતકાળમાં સાથે વીતાવેલા સુંદર તોફાની દિવસોની વાતો કરતા રહ્યા અને વચ્ચે મને પણ તેમાં જોડી તે વિશે કહેતા રહ્યાં. હું બહાર વનરાજી, રસ્તા, ટેકરીઓ, તથા રસ્તામાં વચ્ચે વચ્ચે આવતા ગાય, ભેંસ, બકરી અને ઘેટાઓના ધણ જોતો રહ્યો. તેમની વાતોથી તેમની વચ્ચેની મિત્રતા ખૂબ સરસ રીતે ઝળકતી હતી. એક બીજાને ઘણા વખતે મળ્યાનો આનંદ તેમની વાતોમાં સ્પષ્ટ દેખાતો હતો. અને એ મારા લીધે થયું એટલે મારો આનંદ પણ બેવડાયો.
અમે ડેડાણ થઇ હનુમાનપુર, દલડા, કંટાળા, બેડીયા અને ધોડકવા ગામ પસાર કરતા ક્યાંક કાચા તો ક્યાંક ડામરીયા રસ્તે થઇ જસાધાર તરફ આગળ વધ્યા. ધોડકવા પછી એક નેસ દેખાયો. લક્ષ્મણભાઇએ પાસે ગાડી ઉભી રાખી અને અમે નેસમાં તેમના એક મિત્રના મહેમાન થયા. ભેંસનું તાજુ દૂધ, પછી પાણી અને પછી ચ્હા એમ આખી હારમાળા ફરી એક વાર પુનરાવર્તિત થઇ. તેમને ત્યાં બે દિવસ પછી ભાગવત સપ્તાહ બેસવાની હતી એટલે ઘણાં લોકો ત્યાં ભેગા થઇ વ્યવસ્થા કરવામાં લાગ્યા હતાં. થોડી ઔપચારીક વાતો કરીને અમે ત્યાંથી રાવલ ડેમ તરફ આગળ વધ્યા. રાવલ નદી ડુંડીયા ટેકરીઓમાંથી ઉદભવે છે અને ઉના માં આવેલ માણેકપુર પાસે અરબ સાગરને મળે છે. રાવલ નદી પર ચિખલકુબાના ઉપરવાસમાં એક ડેમ બાંધવામાં આવ્યો છે એનું નામ નદીના નામ પરથી રાવલ ડેમ છે. ચિખલકુબાથી કાચા રસ્તે થઇ અમે રાવલ ડેમ પહોંચ્યા અને ત્યાં મદમસ્ત થઇને વાતો ઠંડો પવન અને આસપાસની સુંદર મનોહર જળસૃષ્ટી જોઇને મન આનંદીત થઇ ગયું. થોડેક પહેલા ગાડી ઉભી રાખીને અમે આસપાસ ફરવા લાગ્યા. પાણી ખૂબ ઉંડુ છે એમ માયાભાઇએ મને કહ્યું. આ ડેમના લીધે અહીં બારેમાસ પાણી ભરાયેલું રહે છે, અને તેના લીધે જ્યાં જ્યાં આ નદીના ફાંટા જાય છે તેવી અન્ય જગ્યાઓ પર કાયમ પાણી ઉપલબ્ધ થઇ શકે છે. નજીકમાં આવેલું એવું જ એક અન્ય સુંદર મનોહર અને ઐતિહાસીક સ્થળ એટલે ભીમચાસ. કહેવાય છે કે પાંડવોએ જે પ્રભાસ યાત્રા કરી હતી તે મુજબ તેઓ વનપર્વમાં ગાઢ વન પાસે આવેલા એક વિસ્તારમાં પહોંચ્યા હતા જેનું નામ પ્રભાસ જણાવાયું છે અને ત્યાં શ્રીકૃષ્ણનું રાજ્ય હતું. કહેવાય છે કે વનમાં કુંતામાતાને જ્યારે પાણીની તરસ લાગી ત્યારે ભીમે પોતાની ગદાથી પથ્થરમાં ચાસ પાડ્યો હતો અને પાણી ઉદભવ્યું હતું. અહીં કુંતામાતાને સમર્પિત એક મંદીર આજે પણ છે. જો કે ભીમચાસ ધૂનો થોડોક ભયાનક પણ છે કારણકે આ ધૂનો ઉંડો છે અને અહીં મગરનો ભય પણ છે. અમે અહીં સૂર્યાસ્ત થતો નિહાળ્યો. ખૂબ સુંદર દ્રશ્ય જોવા મળ્યું. જેમ જેમ અંધારૂ ઉતરતું ગયું, તમરાનાં અવાજો આવવા લાગ્યા. નીચે ખીણમાંથી ક્યાંક ક્યાંક પહુડા (હરણાં)ના અવાજો પણ આવવા લાગ્યા અને વાંદરાઓની હૂપાહુપ પણ થોડીક વાર વધી ગઇ અને અંધારૂ વધતા ઓછી થઇ ગઇ.. અંધારૂ વધવા લાગ્યું અને મચ્છરોનો ત્રાસ પણ વધી રહ્યો હતો એટલે અમે પણ ત્યાંથી ઉઠ્યા અને ચિખલકૂબા તરફ જવા નીકળ્યા.
ચિખલકૂબામાં લક્ષ્મણભાઇના એક મિત્ર ના ઘરે ગયા તો ડેલામાં (મોટા હવેલી જેવા ઘરનો મુખ્ય દરવાજો) ખાટલા ઢાળીને બેઠેલા એક વૃધ્ધ સદગૃહસ્થ સાથે પરીચય થયો. ફરી ભેંસનું તાજુ દૂધ, પછી પાણી અને પછી ફરી ગરમ સરસ ચા પીવા મળી. માયાભાઇ, લક્ષ્મણભાઇ, તેમના મિત્ર અને જૂનાગઢથી તેમના ઘરે આવેલા એક મહેમાન એમ ડાયરો જામ્યો, પણ વાતોનુ કેન્દ્ર હતું રાજકારણ, ક્યાંથી કઇ પાર્ટીમાંથી કોણ ચૂંટણીમાં ઉભુ રહેશે તે વિષય પર ખૂબ ચર્ચાઓ થઇ. અંતે મહેમાન જૂનાગઢ જવા પાછા નીકળ્યા અને ડાયરો પૂરો થયો. મને હાશ થઇ કારણકે મને રાજકારણની વાતો જરાય ન રૂચે.
રાતના સાડા નવ થઇ ગયા હતા. લક્ષ્મણભાઇના મિત્ર અમને કહે કે રોટલો, દૂધ ને શાક બન્યા છે, તો જમીને જજો. પણ લક્ષ્મણભાઇ મારી સામે જોઇ રહ્યા. થોડીવારે મને કહે, સાહેબ, અડધી રાત્રે જંગલમાં જવુ ફાવશે કે અહીં જમીને સૂઇ જવું છે?
હું કાંઇ બોલી ન શક્યો, અડધી રાત્રે જંગલમાં ક્યાં જવાનું છે અને શું કરવાનું છે એ કાંઇ સ્પષ્ટ ન હતું પણ જવુ છે એ મારા ચહેરાના ભાવ પરથી ચોખ્ખુ વંચાય એમ હતું.
”આંય હૂવા થોડાક આયવા છૈયે? જાવાનું જ હોય ને, તું તારે પોગ્રામ બનાવ” માયાભાઇ પણ મૌજમાં આવી ગયા.
”તો હું ખીમાઆતાને ફોન કરી દઉં?” તેમણે માયાભાઇને પૂછ્યું
”કરી દે, અને ઇને એમ કે’જે કે સાયબ ભેળા છે, આપણે એકલા નથ” માયાભાઇ તેમને જવાબ આપતા બોલ્યા.
”તમે લોકો શું કાર્યક્રમ કરો છો એ મને તો કહો” મેં એ બંનેને પૂછ્યું
”આપણે અહીંથી લગભગ બે કિલોમીટર આઘે એક જગ્યાએ જવાનું છે, મારો એક મિત્ર ખીમાભાઇ ન્યાં સીધું લઇને આવશે, આપણે જમવાનું બનાવશું, બાપુની હારે થોડીક વાર બેહશું ને મજા કરશું” લક્ષ્મણભાઇએ ફોડ પાડ્યો. થોડીક વાર થઇ કે હાથમાં ખેતરોમાં કામ લાગે તેવી મોટી બેટરીઓ લઇને ત્રણ લોકો, નામે ખીમાભાઇ, વીરાભાઇ અને કાંતિભાઇ, ગામમાંથી આવતા દેખાયા. લક્ષ્મણભાઇને જૂના મિત્રો મળ્યા અને થોડીક ઔપચારીક વાતો પછી અમે રાવલનદીના બે ફાંટા જ્યાં મળે છે એ સંગમ સ્થાન પર જવા નીકળ્યા. ગામનો એક માત્ર બલ્બ માત્ર થોડાક પગલાંજ પ્રકાશ આપી શક્યો, વળી સીધું ઉતરાણ હતું કારણકે અમારે નદીનો એક ફાંટો પસાર કરીને વચ્ચે બનેલા ત્રિકોણાકાર ભાગમાં જવાનું હતું. સીધુ ઉતરતા પગ લપસે તો તરતજ ફ્રેક્ચર થાય એવો નદી કિનારાનો પથરાળ રસ્તો હતો. સાથે આવેલા મિત્રો મારો રસ્તો પ્રકાશિત કરતા કારણકે બીજા બધાં જાણે આ રસ્તાથી પરીચિત હોય તેમ આરામથી ચાલી શક્યા જ્યારે મારે વારે ઘડીએ સંભાળવુ પડતું. નદી પસાર કરી અમે થોડીક વાર રેતીમાં ચાલ્યા અને પછી વનવિસ્તાર શરૂ થયો. થોડેક જ આગળ જતા એક નાનકડી આડશ જેવો દરવાજો આવ્યો. ઝાડી અને બાવળના ઝાંખરા ગોઠવીને બનાવેલ આ કુદરતી દરવાજો ખોલીને સૌપ્રથમ વીરાભાઇ દાખલ થયા અને પછી બેટરીનો પ્રકાશ પાથરી મારા માટે રસ્તો સરળ કરી આપ્યો. એક પછી એક બધાં અંદર આવી ગયા એટલે એ ઝાંખરા વાળો રસ્તો પાછો બંધ કરી દેવામાં આવ્યો.
રાવલ ડેમથી રાવલ નદીના બે ફાંટા પડે છે, અને એ બે થોડેક આગળ જઇને ફરી પાછા ભેગા મળે છે, જાણે બે નદીઓનું સંગમસ્થળ જોઇ લો. અમાસના અંધારામાં પણ તારાઓની ઝિલમિલ રોશનીમાં મેં એ વહેણ જોયું, પાણીનો ખળખળ વહેતો અવાજ જાણે કોઇક મધુર સંગીત વાગતું હોય એવો લાગતો હતો. વીરાભાઇએ મને આગીયા બતાવ્યા.
”આ અમારા નાઇટલેમ્પ સાહેબ, ઝબકે અને બંધ થૈ જાય” વીરાભાઇએ મને આગીયા તરફ આંગળી ચીંધીને કહ્યું “જો આ આગીયો… જો આ તરફ જાય, જો ફરી અજવાળો થયો…”
અમે જે જગ્યાએ પહોંચ્યા તેનું નામ છે જંગવડ…….
( માણો આ અધ્યાત્મિક યાત્રાનો બીજો ભાગ આવતીકાલે….
આપને અમારી ગીરની આ મુલાકાત કેવી લાગી? આપના પ્રતિભાવ જરૂરથી આપશો… )
– જીગ્નેશ અધ્યારૂ
ખુબ સરસ!!!!!!!૧૧
ખુબ સરસ્…જાન્ને ગિરના જન્ગલમા..મજા આવિ
one would die to see the photographs of such a wonderful; place.
hope to see them soon.
અમે પણ તમારી સાથે જ સફર કરતા હોઈએ તેમ લાગે
its like a thriller – don’t knw what will happen next!
and i must appreciate your narration. wiating for tomorrow
Adhyaru,
You have written wonderfull, but I agree with Paurav its too long….Anyway keep the good work going.
Regards,
Kamesh
Good work Mr. Jignesh.
I started reading the blog but unfortunately it’s too lengthy and as you know I am not having that patience to read it!!! Any ways whatever I read was fun and enjoyed reading it. I really appreciate your efforts. Keep it up.
All the best.
Regards
Paurav
તમારી આ ગીરની મુલાકાત ખુબજ સારી છે. વાંચી ને આંનંદ થયૉ.