આવો… સરકારી મદદ હાજર છે – ભુપેન્દ્ર ઝેડ. અને ગોવીન્દ મારુ 5


 

ગોપો

એય ભોપા… ચાલને.. ભૈ ખુબ જ મોડું થઈ ગયું છે ? આજે આપણે ગ્રામ્ય વીસ્તારમાં ચુંટણી પ્રચાર માટે જવાનું છે.

 

ભોપો

(શર્ટના બટન મારતાં દાદરા ઉતરીને આવતાં) લ્યે-  આ આવ્યો. શર્ટ પહેરવા દેતો ય નથી. ચાલ ત્યારે કયા ગામે જવું છે ?

ગોપો

કાંઠા વીસ્તારના ગામડે જઈએ છીએ. સીધો બેસી જા. ગાડી ચાલુ કરું છું. (બંને દરીયા કાંઠાના એક ગામમાં દાખલ થાય છે. જ્યાં ગ્રામ્યજનો સભામાં બેઠા છે અને ગોપો – ભોપો સ્ટેજ પર ચઢી પ્રવચન શરુ કરે છે.)   

ગોપો

ગામના વાસીઓ ભાઈઓ, બહેનો અને વડીલો તેમજ બાળ-ગોપાળોને પ્રણામ… તો ગ્રામજનો અમો તમને આજે એ સમજાવવા આવ્યા છીએ કે…       

ગંગુકાકા      

(ચાલુ સભાએ લાકડીના ટેકે ઉભા થઈ) મહાશયો, અમો આ સભામાં કાંઈ અમસ્તા નથી આવ્યા ? અમને શું મળશે ?

ગોપો 

રામ… રામ… ગંગુકાકા, આપ ક્યાંથી આવો છો ? અને બોલો તમને શું મુશ્કેલી છે ?

ગંગુકાકા      

આ ગામના પાદરે ડોબાં ચરાવવા ગયો તો અને ભેંસે મને એક અડબોથ મેલી. હું સમય પારખીને ખસી તો ગયો પણ બાપડી ભેંસને વાગી ગયું. લોહી લુહાણ થઈ ગઈ છે. કાંઈ મળશે કે ?   

ગોપો 

હાં, હાં ચોક્કસ કેમ નહીં. અરે ભોપા, લાવ જોઉં ફોર્મ નં. X.Y.Z. 114 જુઓ ગંગુકાકા આ ફોર્મ અમે ભરી દીધું છે. આપ અહીં અંગુઠો અથવા સહી લગાવો !      

ગંગુકાકા

કયો અંગુઠો લગાવું ?

ગોપો 

ડાબો અંગુઠો લગાવો. ચાલો જલ્દી કરો.      

ગંગુકાકા

હાથનો કે પગનઓ અંગુઠો લગાડું ? 

ગોપો 

અરે ! ઓ !! ગંગુકાકા સરકારી કામકાજમાં હાથનો જ અંગુઠો લગાડાય. અને તે પણ ડાબા હાથનો. લાવો જલદી લાવો અંગુઠો.    

ગંગુકાકા      

મારા રયડાઓ. એટલે શું મારે એકલ્વ્યની જેમ તમને અંગુઠો કાપીને આપવાનો છે ? અને મારો કાપેલો અંગુઠો ફોર્મમાં ચોંટાડવાના છો ? ના… ભૈ… ના…

ગોપો 

બાપ રે બાપ. ગંગુકાકા અમારે તમારો આખો અંગુઠો નથી જોઈતો. આ સહીમાં અંગુઠો બોળો અને પછી ફોર્મમાં લગાડો. બસ થઈ રહ્યું.      

ગંગુકાકા      

(પેડમાં અંગુઠો ઝબોળીને) ઢેં… ઢેં… ઢેં… ઈ… લ્યે… આ માર્યો. બસ મહાશયો. હવે બીજે ક્યા અંગુઠો મારવાનો છે ? બોલો ! મારે બીજા ડોબાઓ લેવા જવાનું છે. દુધ કાઢવાનો સમય થયો છે. પણ મને પૈસા તો મળશે ને ?     

ગોપો

હાં- હાં- કેમ નહી ? ગંગુકાકા, તમારી ભંસને જે ઈજાઓ થઈ છે. તેનુ વળતર તમને અમે ઘરબેઠા પહોંચાડીશું. સરકારે મુંગા જાનવરો માટે પ્રોજેક્ટ બનાવ્યો છે. તેમાં આપની ભેંસનો કેસ ફીટ કરીએ છીએ. બસ. હવે બોલો ?    

ગંગુકાકા      

ખી.. ખી.. ખી (સડેલા દાંત દેખાડતા-બીડીનો કસ-ખેંચતા) આ તો બચારી ભેંસને વાગ્યું તેનો કેસ તૈયાર કર્યો. પણ મને આ હાથની કોણીએ વાગ્યું છે તેનું શું ? એનું કાંઈ મળશે કે નહીં ? 

(ગોપો-ભોપો ચા પીતા પીતા બોલ્યા-મારા બેટા ગામડીયાઓ તો જબરા છે. આ લોકો સભામાં આપણને સાંભળવા નહીં પણ એમને શું મળશે ? અને મફતમાં કઈ કઈ યોજનાઓ છે એનો લાભ લેવામાં માટે જ આવ્યા છે)

ગોપો

થશે.. થશે… કાકા… હવે તમારો કેસ તૈયાર થઈ ગયો છે. બોલો બીજા કોઈને કાંઈ પુછવું છે ?    

ફતીબાઈ      

સાહેબ, આ વર્ષે અમારા ગમમાં વરસાદ નથી થયો અને અમે જાનવરો સાથે ભુખે મરીએ છીએ  કાંઈ સરકારી મદદ મળશે ?  

ગોપો 

કેમ નહીં માજી ? ફતીબાઈ, આપના માટે પણ સરકારી મદદ તૈયાર છે ! ભોપા, ચાલ લાવ જોઉં ફોર્મ W.W.O..009 કેસ તૈયાર કરો.

ફતીબાઈ

સાહેબો સાંભળો, તલ ખાઈએ એટલે તરત જ કાંઈ મળદ્વાર ચીકણું ના થાય. આટલું ઝડપી કામ થાય છે. ત્યારે વીશ્વાસ નથી બેસતો.મને સરકારી નાણા વહેલાં મળશે ખરાં ?

ગોપો

હા.. હા.. માજી,  આપ બેસી જાવ. તમારો કેસ તૈયાર થઈ ગયો છે. સરકાર માય-બાપ સૌનું ભલુ કરશે. બોલો બીજા કોઈને મુસીબત છે ?  

જગલો

માય-બાપ, મારે ત્યાં ખુબ જ વરસાદ થયો તોફાન થયું અને આખું ઘર પવનમાં નળીયા સાથે ઉડી ગયું છે. બેઘર થઈ ગયો છું. મારા માટે સરકારી મદદ છે કે ?   

ગોપો 

આવો… આવો.. જગલાભાઈ, પણ અમને એ સમજ નથી પડતી કે, ફતીબાઈના કહેવા મુજબ વરસાદ નથી થયો, અને આપ કહો છો કે વધુ વરસાદથી આપ પાયમાલ થઈ ગયા ! આશ્ર્ય થાય છે ! આપ ક્યાંથી આવો છો ?

જગલો

હું કાંઈ ફતીબાઈના ગામનો નથી ! હું તો બાજુના ગામડેથી આવું છું. દરીયા કીનારે જ ઘર છે. ત્યાં વરસાદ-વાવાઝોડું તો છાશવારે આવ્યા જ કરે છે. પછી શું છે ?

ગોપો 

સારું… સારું… ચાલ ભોપા S.O.795નું ફોર્મ લાવ અને જગુભાઈનો કેસ તૈયાર કર.

જગલો

(રાજીનો રેડ થઈ ગયો) પણ માય-બાપ મને સરકારી મદદ મળશે તો ખરી ને?

ગોપો 

અવશ્ય !  અવશ્ય !! તમે આ બધું ભગવાનના ભરોસે હવે ન છોડતા, થોડું અમારી ઉપર અને સરકાર ઉપર છોડી નીરાંતે ઘરે જાવ. તમારું કામ થઈ જશે. જાવ… બોલો ભાઈઓ… જોઈને અમારી સરકારની નીતી.. પ્રજાને માટે જ… અને તમારા માટે જ… અમો આજ આવ્યા છે તો બોલો હજી કોઈને પ્રોબ્લેમ છે ?   

કાકુજી

અરે ! ઓ સાહેબો… મારા માટે પણ કાંઈક યોજના હોય તો જુઓને ?

ગોપો 

બોલો ? બોલો ? વડીલ આપને શું પ્રોબ્લેમ છે ??? 

કાકુજી

તમે લોકો આવ્યા એના બે દી પહેલાં મારા ઘરમાં અમાસના દીવસે ચોર ઘુસી આવ્યા અને બધું જ લુટી ગયા !     

ગોપો 

(બન્ને વાત કરતા બોલ્યા… આ તો ખરું થયું ! કાકુજી માટે તો કોઈ ફોર્મ જ નથી. તમામ લોકોને સરકારી માદદ જોઈએ છે. આમ જ ચાલશે તો સરકાર શું કરશે ? બધા માટે પૈસા ક્યાંથી લાવીશું ?) બોલો બોલો…. કાકુજી…     

કાકુજી

સાહેબો, મારા ઘરે રાતીપાઈ બચી નથી. મને તો બે ટંક ખાવાના સાંસા છે. વાસણો, પૈસા, કપડાં અને ઝર-ઝવેરાતથી માંડીને અનાજના પીપ અને ઘરના નળીયા સુદ્ધા ચોરટાઓ ઉપાડીએ ગયા છે. મારા માટે કાંઈક કરો.. નહીં તો મારે જીવવાનું ભારે થઈ જાશે.

ગોપો 

કાકુજી, સરકારની તમામ રાહત યોજનાઓમાં અમે બધાને સમાવી લીધા છે. પણ તમારી માંગણી મુજબના ફોર્મ અમારી પાસે નથી.   

કાકુજી

સાહેબો, પણ કાંઈક રસ્તો તો દેખાડો. 

ગોપો 

છે ! એક રસ્તો છે !! તમે અમને એક અરજી આપો અને એમાં જણાવો કે મારા ઘરમાં પાકીસ્તાનથી ઘુસી આવેલા ભાડુતી સૈનીકોએ અમારું બધું લુંટી લીધું છે !!! બસ બાકીનું અમે ફોડી લઈશું.

કાકુજી

પણ, સાહેબો… અમારા ગામ સુધી પાકીસ્તાનના સૈનીકો કઈ રીતે આવી શકે ?     

ગોપો 

એ તમારે નથી જોવાનું 1 અમારે જોવાનું છે. અને સરકારે તો ફક્ત તમારી અરજીમાં પાકીસ્તાન શબ્દ વાંચશે એટલે તરત જ મદદ માટે નાણાં મોકલી આપશે. આપ એક દેશસેવક તરીકે પણ પાછા અમર થઈ જશો.

કાકુજી

વાહ !  ભૈ !!  વાહ !!!  કહેવું પડે હં ! સરકારને પાકીસ્તાનની આટલી બધી ભારી એલર્જી છે. એની ખબર હોત તો હું બીજી અરજી પણ લખી નાંખત !

 

અધ્યારૂ નું જગત  ને આ કૃતિ મોકલવા બદલ આપ બન્ને મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ગોવિન્દભાઇ મારુ નો બ્લોગ છે … અભિવ્યક્તિ @ http://govindmaru.wordpress.com/ બન્ને મિત્રોનો પરિચય નીચે મુજબ છે.

 

ભુપેન્દ્ર ઝેડ. – સાહીત્ય, કલા, સંગીતને લગતા લેખ લખવા, નાટ્ય લેખન. ચર્ચાપત્રો લખવા. નર્મદા (૧૫૦૦ કી.મી.) પદયાત્રી, નવસારી થી દીલ્હી તેમજ નવસારી મીઝોરમ પદયાત્રી. વ્યવ્સાય – નોકરી.

 

ગોવીન્દ મારુ  – વીજ્ઞાન અને વૈજ્ઞાનીક અભીગમનો પ્રચાર પ્રસાર કરવો, ચમત્કાર્નો પર્દાફાસ કરવા અંધશ્ર્ધ્ધા નીર્મુલન કાર્યક્ર્મો કરવા તેમજ અને રેશનલ વીચારધારાને વરેલા લેખ/ચર્ચાપત્રો લખવા. સામાજીક પ્રવૃત્તી. વ્યવ્સાય – નોકરી.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “આવો… સરકારી મદદ હાજર છે – ભુપેન્દ્ર ઝેડ. અને ગોવીન્દ મારુ