હોળી એટલે ? – જીગ્નેશ અધ્યારૂ 6


કેસૂડાંહમણાં હોળીના દિવસે મહુવા થી વડોદરા આવવાનું થયું. બસમાં બેઠા બેઠા વિવિધ જગ્યાઓ પર થતી ચહલ પહલ જોઈ. મહુવામાં હોળીકા દહન માટે કરાયેલા રસ્તા વચ્ચેના ખાડાઓ જોયા તો સોસાયટીના કોમન પ્લોટમાં જાત મહેનતનો પહેલો પાઠ ભણતા નાના ભૂલકાં પણ જોયા જે હોળીકા દહનમાં મેં પણ કાંઈક કર્યું છે તેવી ભાવનાથી ખાડો ખોદવા ને લાકડા ગોઠવવા મચી પડ્યા હતાં. હોળી આ નાનકડા ભૂલકાઓ માટે કેટકેટલા પાઠ શીખવે છે??? કદી વિચાર્યું નહોતું પણ જેમ જેમ વિચારતો ગયો, વિચાર વલોણું ફરતું ગયું તેમ તેમ માખણ નીકળતું ગયું.

હોળી એટલે અશ્રધ્ધા પર શ્રધ્ધાના વિજયનો ઉત્સવ, એક બાળકની અખંડ શ્રધ્ધાનો, ગમે તેવા વિઘ્નો વચ્ચે અડીખમ રહેવાનો, ગમે તેવી મુશ્કેલીમાંય ધીરજ નહીં ખોવાનો ઉત્સવ. ગંગા સતી કહે છે તેમ “મેરૂ તો ડગે પણ જેના મન નો ડગે પાનબાઈ, ભાંગી રે પડે ભરમાંડ રે……” આમ જુઓ તો આ આખુંય ભજન પ્રહલાદ માટે કેટલું બંધબેસતું આવે? એ હિસાબે તો પ્રહલાદ પણ હરિજન કહેવાય.  ગાંધીજીએ એક વખત સરસ વાત કહી હતી કે હરીજન એટલે હરીની નજીકના, હરીના “ખાસ” માણસો અને ખાસ માણસો પાસે “આમ” ન ફરકે…… જો કે આ આડવાત થઈ ગઈ.

વાત નીકળી હતી કે હોળીનો ઉત્સવ શું શીખવે છે….. મને થાય છે કે આપણા ઉત્સવો કેટલા સાયન્સ ઓથેન્ટીકેટેડ છે, ગીરના વનમાંથી લીધેલા કેસૂડાના ફૂલ હજીય મારા ઘરમાં છે અને તેનો રંગ અમે આ વખતે જાતે બનાવ્યો છે, ભલે બધાને ફક્ત ચાંદલો જ થાય, પણ એની મજા અલગ જ હશે. કેરોસીનની ગંધ વાળા ગુલાલ કે ઓઈલ પેઈન્ટથી ખેલાતી ધૂળેટી અને કેસૂડાના ફૂલોની ધૂળેટી ….. કેમ સરખામણી થાય? પણ આ ઉજવણીનો ઉત્સવ ફક્ત રંગો સાથેની રમત પૂરતો સીમીત ન હોઈ શકે. તાજા પરણેલા યુગલો માટે કે/અને પ્રેમીઓ માટે આ એકબીજાની નજીક આવવાનો ઉત્સવ છે, બધા ભેદ ભૂલીને એક બીજામાં ખોવાઈ જવાનો ઉત્સવ છે. રંગાયેલા ચહેરામાં તમે ધારો તેને શોધી શકો, અને ધારો તેને ભૂલી શકો, જાણે કે એક મહોરું છે જે તમને આઝાદી આપે છે અમુક સમય પૂરતું પણ તમારા અસ્તિત્વને હટાવીને મૌજ કરવાની, પોતાની જાતને ભૂલીને, સ્વ માંથી પર માં જવાની, કોઈક બીજું બનીને જીવવાની…..

હોળી શીખવે છે જીવનના ખૂબ અગત્યના પાઠ, ગમે તેવી કપરી પરીક્ષાઓમાંય નાસીપાસ ન થવું…….જો આજે પરીક્ષા હશે, કસોટીનો કાળ કપરો જ હોવાનો, પણ તેના ફળ આવતીકાલે અવશ્ય મળશે ….. અને તે પણ રંગબેરંગી….. ઉલ્લાસમય, આનંદમય…

અમારે ત્યાં એક બાળકને તેના પપ્પા સમજાવતા હતા કે હોળીકા દહન થાય તો તેની પાસે જઈને પ્રાર્થના કરવી કે અમારા દુઃખોને આમાં બાળી દેજો, અમારા અભિમાનને, “હું” પણાને, અમારા આત્મકેન્દ્રી અભિમાનને આ પુણ્યાગ્નિમાં બાળવાની શક્તિ આપજો. ધાણી સૂચવે છે કે જો તમે મજબૂત નહીં હોવ તો કસોટીનો કાળ શરૂ થતાં વેત, ઝાળ લાગી કે તરત ફૂટવા માંડશો….. ખજૂર સૂચવે છે કે બહારથી તમારા વ્યવહારમાં, વાણી અને વર્તનમાં નરમાશ અને વાત્સલ્ય હોવું જોઈએ, મીઠાશ હોવી જોઈએ, પણ અંદર તમે ગમે તેવી વિપત્તિ સામે લડી શકો તેવા કઠણ હોવા જોઈએ. એક વખત આખાને આખા ખવાઈ જાઓ તોય તમારામાં એ સત્વ હોવું ઘટે કે જેનાથી તમે ફરીથી ઉઠી શકો, બીજ માંથી ખજૂર થઈ શકો. ગમે તેવા સૂકા, ખરાબ સંજોગોમાંય તમારી મીઠાશ અકબંધ રાખી શકો.

અમે નાનાં હતાં ત્યારે હોળીમાં પ્રગટાવવા માટે ઉતરાયણની વધેલી પતંગો મૂકતાં, આજે પણ આ પ્રથા ચાલુ છે, નાના બાળકોને પોતાની ગમતી વસ્તુ પ્રત્યે મમતા હોય છે, પણ એ બધી મમતા ક્યારેક આ અગ્નિમાં જ જવાની એવી સૂચના આમાંથી પરોક્ષ રીતે મળી રહે છે. લીલા કરતા સૂકું લાકડું બળવા માટે વધુ યોગ્ય ગણાય છે, એ બતાવે છે કે જેવું તમારી ભીતરમાંથી ઝરણું સૂકાયું કે તમે હતા ન હતા સરખા છો. દયા, પ્રેમ કરુણા જેવી લીલાશ અને ભીનાશ વગર સંસાર તમને બળવાયોગ્ય જ ગણશે…

આમ તો હોળીનો ઉત્સવ “હોલી ડે” પ્રેમી જનતા માટે રણમાં વીરડી સમાન છે કારણકે ઉતરાયણ પછી અને પંદરમી ઓગસ્ટ પહેલા આવતી આ એકમાત્ર જાહેર રજા છે (અમારી ઓફીસના કેલેન્ડર પ્રમાણે) એટલે જે બે ત્રણ દિવસ રજાની ગોઠવણ થાય તે કરી લેવી એમ માની બધા ઘરે જઈ મજા કરે છે અને મારા મતે પોતાના સાથે, મિત્રો અને સગા સબંધીઓ સાથે અને એવા લોકો સાથે જેમની સાથે તમારે લાગણીના તાર રણઝણતા હોય, હોળી રંગાવા જેવો ઉત્સવ છે, તેમના રંગમાં રંગાવ એટલે તેમના વિચારોને, લાગણીઓને માન આપો, જો તમે રંગાશો તો તે પણ તમારા રંગે રંગાશે, અને દિવસને અંતે બધાંય રંગો એ જ મેઘધનષી આભા પ્રસરાવે છે જાણે કે કહેતા હોય કે આપણે બધાંય રંગાયેલા…

શું કહો છો? રંગાવું છે?


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “હોળી એટલે ? – જીગ્નેશ અધ્યારૂ

  • Jayanti

    હોળી મા એક સંદેશ એ પણ છે કે, જીવનમા આવનારા મુશ્કેલીઓના તડકામા પરસ્પરના પ્રેમથી એકબિજાને પલાળી તેને સહ્ય બનાવાનો…..

  • Heena Parekh

    રાજકોટના મારા એક મિત્ર સાથે અને વડોદરા નિવાસી મારી બેન સાથે વાત કરતાં મને જાણવા મળ્યું કે દક્ષિણ ગુજરાત સિવાય બાકીના પ્રદેશોમાં હોળી માત્ર એક જ દિવસ માટે પ્રગટાવવામાં આવે છે. જ્યારે અમારા અહીં પાંચ દિવસ માટે હોળી પ્રજ્વલિત રાખવામાં આવે છે. રોજ સવારે મહોલ્લાની સ્ત્રીઓ હોળીને ટાઢી પાડવા માટે જાય. અને અમારા અહીં આ દિવસો દરમ્યાન મહોલ્લાના તમામ લોકો માટે ખીચડી-કઢીનું સમુહ ભોજન રાખવામાં આવે છે.

  • rajniagravat

    જીગ્નેશભાઈ,

    તમે લખ્યું છે ને, “સોસાયટીના કોમન પ્લોટમાં જાત મહેનતનો પહેલો પાઠ ભણતા નાના ભૂલકાં પણ જોયા જે હોળીકા દહનમાં મેં પણ કાંઈક કર્યું છે તેવી ભાવના….” આ વાત નો સાક્ષાત્કાર મેં પણ અમારી સોસાયટીના હોળી દહન ની દરમ્યાન જોયો હતો, એકવરસથી નાની ઢીંગલી પણ અમને છાણા ગોઠવવામાં મદદ કરતી હતી, એનો ફોટો લીધો છે એ ટુંક સમયમાં જ મારા બ્લોગ પર મુકવાનો છું.

  • hemant doshi

    it real good. we are just going to madha inland for our group holi
    please send this type of story to member.
    thank you.
    hemant doshi (mahuvawala)