હોળી એટલે ? – જીગ્નેશ અધ્યારૂ 6
હમણાં હોળીના દિવસે મહુવા થી વડોદરા આવવાનું થયું. બસમાં બેઠા બેઠા વિવિધ જગ્યાઓ પર થતી ચહલ પહલ જોઈ. મહુવામાં હોળીકા દહન માટે કરાયેલા રસ્તા વચ્ચેના ખાડાઓ જોયા તો સોસાયટીના કોમન પ્લોટમાં જાત મહેનતનો પહેલો પાઠ ભણતા નાના ભૂલકાં પણ જોયા જે હોળીકા દહનમાં મેં પણ કાંઈક કર્યું છે તેવી ભાવનાથી ખાડો ખોદવા ને લાકડા ગોઠવવા મચી પડ્યા હતાં. હોળી આ નાનકડા ભૂલકાઓ માટે કેટકેટલા પાઠ શીખવે છે??? કદી વિચાર્યું નહોતું પણ જેમ જેમ વિચારતો ગયો, વિચાર વલોણું ફરતું ગયું તેમ તેમ માખણ નીકળતું ગયું. હોળી એટલે અશ્રધ્ધા પર શ્રધ્ધાના વિજયનો ઉત્સવ, એક બાળકની અખંડ શ્રધ્ધાનો, ગમે તેવા વિઘ્નો વચ્ચે અડીખમ રહેવાનો, ગમે તેવી મુશ્કેલીમાંય ધીરજ નહીં ખોવાનો ઉત્સવ. ગંગા સતી કહે છે તેમ “મેરૂ તો ડગે પણ જેના મન નો ડગે પાનબાઈ, ભાંગી રે પડે ભરમાંડ રે……” આમ જુઓ તો આ આખુંય ભજન પ્રહલાદ માટે કેટલું બંધબેસતું આવે? એ હિસાબે તો પ્રહલાદ પણ હરિજન કહેવાય. ગાંધીજીએ એક વખત સરસ વાત કહી હતી કે હરીજન એટલે હરીની નજીકના, હરીના “ખાસ” માણસો અને ખાસ માણસો પાસે “આમ” ન ફરકે…… જો કે આ આડવાત થઈ ગઈ. વાત નીકળી હતી કે હોળીનો ઉત્સવ શું શીખવે છે….. મને થાય છે કે આપણા ઉત્સવો કેટલા સાયન્સ ઓથેન્ટીકેટેડ છે, ગીરના વનમાંથી લીધેલા કેસૂડાના ફૂલ હજીય મારા ઘરમાં છે અને તેનો રંગ અમે આ વખતે જાતે બનાવ્યો છે, ભલે બધાને ફક્ત ચાંદલો જ થાય, પણ એની મજા અલગ જ હશે. કેરોસીનની ગંધ વાળા ગુલાલ કે ઓઈલ પેઈન્ટથી ખેલાતી ધૂળેટી અને કેસૂડાના ફૂલોની ધૂળેટી ….. કેમ સરખામણી થાય? પણ આ ઉજવણીનો ઉત્સવ ફક્ત રંગો સાથેની રમત પૂરતો સીમીત ન હોઈ શકે. તાજા પરણેલા યુગલો માટે કે/અને પ્રેમીઓ માટે […]