કાળો ફુગ્ગો આકાશમાં ઉડે? 8


એક મેળામાં ફુગ્ગાવાળો ફુગ્ગાઓ વેચી રહ્યો હતો. રંગબેરંગી ફુગ્ગાઓ વેચવા માટે લોકોનું ધ્યાન ખેંચવા તે થોડા થોડા સમયે એકાદ ફુગ્ગો આકાશમાં છોડી દેતો હતો. તેને જોઈને બાળકો કિકિયારીઓ કરતા અને ફુગ્ગો ખરીદવા આકર્ષાતા.

આ પ્રમાણે ફુગ્ગાવાળો ફુગ્ગા વેચવામાં વ્યસ્ત હતો. ત્યાં તેને કોઈ તેનો ઝભ્ભો ખેંચી રહ્યો છે તેવું જણાયું. પાછું વળીને તેણે જોયું તો એક નાનકડો આદિવાસી બાળક હતો. નજર મળતા જ આદિવાસી છોકરાએ તેને પૂછ્યું, “તમે કાળા રંગનો ફુગ્ગો આકાશમાં છોડશો તો તે પણ આકાશમાં ઉડશે ….. ?”

ફુગ્ગાવાળો ક્ષણભર વિચારમાં પડી ગયો. આ છોકરો આમ કેમ પૂછે છે તેની નજર છોકરાની શ્યામ ત્વચા પર ગઈ, અને તેના મગજમાં ઝબકારો થયો.

ફુગ્ગાવાળાએ વાત્સલ્ય પૂર્વક આદિવાસી છોકરાના માથે હાથ પસારીને ઉત્તર વાળ્યો, “બેટા ફુગ્ગાઓ તેમનો રંગ લઈને નહીં પણ તેમની ભીતરમાં જે હોય તેના બળે જ ઉપર જતા હોય છે, રંગ ભલે કોઈ પણ હોય, કોઈ ફરક પડતો નથી…”

ચારિત્ર્ય અને સફળતા મનુષ્યના હ્રદયમાંથી પ્રગટે છે.

********************

એક વૃધ્ધો શાણો મનુષ્ય પોતાના ગામની ભાગોળે બેઠો હતો. એક પ્રવાસીએ આવીને તેને પૂછ્યું, ” આ ગામમાં માણસો કેવા છે? હું અત્યારે જે ગામમાં જાઉં છું તે છોડીને મારે બીજે ગામ રહેવા જવું છે” વૃધ્ધ મનુષ્યે સામે પૂછ્યું, “તમે અત્યારે જે ગામમાં રહો છો ત્યાં માણસો કેવા છે?” પેલા પ્રવાસીએ કહ્યું, “લુચ્ચા, જડ અને સ્વાર્થી”, શાણા માણસે કહ્યું “અહીં પણ લુચ્ચા, જડ અને સ્વાર્થી માણસો જ રહે છે.”

થોડા વખત પછી બીજા પ્રવાસી એ આવીને પેલા વૃધ્ધને એજ પ્રશ્ન પૂછ્યો, વૃધ્ધે તેને સામું પૂછ્યું, “તમે અત્યારે જે ગામમાં રહો છો ત્યાં માણસો કેવા છે?” પેલા પ્રવાસીએ કહ્યું “અમારા ગામના માણસો તો ખૂબ માયાળુ, ભલા અને પરોપકારી છે.” વૃધ્ધે જવાબ આપ્યો “તો તમને આ ગામમાં પણ એવા જ માણસો મળશે….”

આપણે જેવા હોઈએ તેવા જ બીજાને જોઈએ છીએ.

– લેખકનું નામ અપ્રાપ્ય છે.

( પુસ્તક : જીવનની ભેટ, પ્રકાશક : ઓઅસિસ સેલ્ફ લીડરશિપ એજ્યુકેશન ફોર કોમ્યુનિટી ડેવલપમેન્ટ, ૧૪, તપસ સોસાયટી, દિવાળીપુરા રોડ, વડોદરા. મૂલ્ય : રૂ. ૧૨.૫૦ )


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

8 thoughts on “કાળો ફુગ્ગો આકાશમાં ઉડે?