ઉત્સવ વિશેષ ( મહાશિવરાત્રિ ) – જીગ્નેશ અધ્યારૂ 9


મહા વદ ચૌદસને દીવસે આવતું મહાશિવરાત્રિનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. સકલ સૃષ્ટિને તે શિવત્વનો સંદેશ સુણાવે છે. શુભ ચિંતન અને સતત જાગૃતિપૂર્વક આ વ્રતનું પાલન કરવામાં આવે તો એક જ રાતમાં માનવ શિવત્વને પામી શકે, અલબત્ત એ રાત્રિ કેટલી લાંબી હશે એ માણસના મનમાં શિવત્વ પામવાની ઈચ્છા પર નિર્ભર કરે છે અને સાચી ઈચ્છા, સમર્પણ અને વિશુધ્ધ ભાવના હોય તો શિવત્વ મેળવી શકાય એ નિઃશંસય વાત છે. શિવરાત્રિના દિવસે એક પારધિના થયેલા હ્રદય પરિવર્તનની પૌરાણિક કથા તો આપણને જાણ છે જ. હરણાંઓના વચન પર વિશ્વાસ રાખીને પારધી તેમને તેમના બાળકોને મળવા જવાની રજા આપે છે. માંડ મળેલા એક શિકાર રૂપી હરણાંની રાહ જોઈ પારધી આખી રાત બીલીના વૃક્ષની નીચે બેસી રહે છે અને બીલીના પાંદડા તોડી તોડીને નીચે નાખ્યા કરે છે. આખા દિવસનો ઉપવાસ, રાત્રી જાગરણ અને બીલીપૂજા અને વૃક્ષની નીચે રહેલા શિવલિંગનું અનાયાસ થયેલું પૂજન, આ બધી વાતો તેનામાં એક વિશિષ્ટ મનોભૂમિકા સર્જે છે. અને તેમાંય સવાર થતાંજ બચ્ચાઓ સાથે મરવા માટે પાછા આવેલા હરણ પરિવારનું વાત્સલ્ય અને વચનપાલન જોઈને તેનું મન દ્રવિત થઈ જાય છે. માનવ ચાર પગવાળા પ્રાણીઓને તેમની મહાનતા, સચ્ચાઈ અને વચનપાલન માટે વંદન કરે છે. અને તેનામાં શિવત્વ પ્રગટ કરે છે.

“शिवो भूत्वा शिवं यजेत” શિવ ઉપાસના કરવા શિવ જેવા બનવુ જોઈએ. શિવ જ્ઞાનના દેવ છે, ત્યાગના દેવ છે, સમર્પણના દેવ છે. તેમના મસ્તક પર ચંદ્ર વિરાજે છે, જ્ઞાનના આ સ્તોત્રમાંથી સતત જ્ઞાનગંગા વહેતી રહે છે. શિવજીની ઉપાસના કરનારો પણ જ્ઞાનપિપાસુ હોવો જોઈએ. શિવજીની જટાઓમાંથી જેમ ગંગા વહે છે તેમ જ્ઞાનપિપાસુ માણસને પણ ગમે તેવી વિટંબણાઓ, જીવનના જટિલ કોયડાઓમાંથી આરપાર જવાની હિંમત રાખવી જોઈએ.

શિવજી હિમાચ્છાદિત ધવલ ગિરિશૃંગ પર બિરાજે છે, એ બતાવે છે કે જ્ઞાનની બેઠક, જ્ઞાનનું આસન વિશુધ્ધ હોવું જોઈએ, જે સૂચવે છે કે ચારિત્ર્યની શુધ્ધતા વગર જ્ઞાનપ્રાપ્તિ શક્ય નથી, અને જ્ઞાન પ્રાપ્તિ નહીં તો શિવ મળે નહીં.

શિવ, કૈલાસના ઉત્તુંગ શિખરે બેઠેલા જગતના વિનાશના દેવતા આપણને સમજાવે છે કે શિવત્વ એટલે કલ્યાણને પામવા માટે જીવનની ચોક્કસ ઉંચાઈએ પહોંચવુ જરૂરી છે, કલ્યાણનો માર્ગ અઘરો છે, વિટંબણાઓથી ભરેલો છે. આત્મ ઉન્નતિના માર્ગે જતા જીવને અનેક કપરા ચઢાણો ચઢવા પડે છે, કઠિનતમ માર્ગો પર સફર કરવી પડે છે.

શિવજીએ કામ દહન કર્યું છે, સાચો જ્ઞાની કામના પ્રહારોને ચૂકવે છે, મોહમાયા અને જીવન વગેરેના બંધનોને તે દૂર કરે છે, બંધનોને જ્ઞાનાગ્નિથી બાળી દે છે. જ્ઞાની માટે દુન્યવી વૈભવોની કોઈ કિંમત નથી એ બતાવવા શિવજી ભસ્માલેપન ધારણ કરે છે, પ્રભુ શરીર પર સર્પોને રમાડે છે, સર્પો જે વિષયોના પ્રતીક છે. ઝેરી દાંત પાડી નાખેલો સાપ જેમ નુકસાન કરતો નથી તેમ કામ ક્રોધ મોહ લોભ જેવા સર્પોને પ્રભુ શિવ પોતાના શરીર પર પોતાની ઈચ્છા મુજબ રમાડે છે.

શિવમંદિરમાં પ્રવેશતા પહેલા નંદી અને કાચબાને પ્રણામ કરવાના હોય છે. નંદી શિવને વહન કરે છે તે આપણે જાણીએ છીએ તે રીતે આપણે પણ સાચા જ્ઞાનના વાહક બનીએ. કાચબો એ ઈન્દ્રિય નિગ્રહનું અને સંયમનું પ્રતીક છે. શિવને પામવા જીવન સંયમી હોવું જોઈએ, ગીતામાં પ્રભુ સ્થિતપ્રજ્ઞ માટે કાચબની ઉપમા આપે છે, ઈન્દ્રિયોના જાળમાંથી બહાર નીકળીએ તો જ શિવત્વ, શુભ તત્વ, સાચા જ્ઞાનને પામી શકીએ એ વાત કાચબો સમજાવે છે. ધીમી પણ સતત સાધના શિવ સુધી લઈ જાય એ કાચબો બતાવે છે. શિવલીંગ પર સતત જળ ટપકાવતી જળધારી સૂચવે છે કે તેમના પર આપણો પ્રેમ, જપ અને નામ સાધના આમ સતત ચાલતા રહેવા જોઈએ.

શિવજી ભોળા શંકર કહેવાય છે, તે જેના પર પ્રસન્ન થાય તેને ભવસાગર પાર ઉતારે છે, સાચું જ્ઞાન તેના ધારકને સંસારના મોહ લોભ થી દૂર લઈ જઈ સાચો રસ્તો, શિવત્વનો, આત્મ કલ્યાણનો અને જીવનની ઉંચાઈએ પહોંચવાનો રસ્તો બતાવે છે. ભોળા શંકર પ્રભુ સર્વને આ મહા શિવરાત્રિના દિવસે સાચા જ્ઞાનનો રસ્તો બતાવે, જીવન મૂલ્યોનું સાચું દર્શન કરાવે તેવી પ્રાર્થના સાથે,

त्रिदलं त्रिगुणाकारं, त्रिनेत्रं च त्रयायुधम I

त्रिजन्मपापसंहारं एकबिल्व शिवार्पणमू II

ऊ नमः शिवाय I

( વિચાર બીજ : સંસ્કૃતિ પૂજન – ૧૯૮૬ )


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “ઉત્સવ વિશેષ ( મહાશિવરાત્રિ ) – જીગ્નેશ અધ્યારૂ