કિશોર કીટલી સાથે સાવ આવું બનશે એવું અમે કોઈએ ધાર્યું નહોતું. કિશોર વિશે ધારવા જેવું તો ઘણું હતું, પણ સાવ આવું બનશે એવું ખરેખર અમે કોઈએ ધાર્યું નહોતું.
કિશોર પહેલેથી અદકપાંસળિયો જીવ. વાતવાતમાં એનો ઉત્સાહ દિમાગને ઓવરટેક કરી જતો. ચાની કીટલી એનો કાયમી અડ્ડો. કરિયરની શરૂઆત એણે ક્રાઈમ રિપોર્ટર તરીકે કરી એની અસર હોય કે ગમે તેમ, કિશોરે પોતે જ પોતાનું નામ કિશોર કીટલી પાડ્યું એવું માનવાવાળા પણ ઘણા હતા. એથીક્સનો એવો પાક્કો કે ગામ આખાને ટોપી પહેરાવે, પણ પોતાની ચાના રૂપિયા કોઈ ને કોઈ પાસેથી કીટલીવાળાને અચૂક અપાવે.
અમને સૌને એમ હતું કે કિશોર કીટલી અમારી કૉલેજનું નામ ઉજાળશે. અમે ભણતા ત્યારે પત્રકારોની આજના જેટલી બોલબાલા નહોતી. ગુજરાતીમાં પાંચમાંથી ત્રણ વાક્ય સાચાં લખી શકે (વાક્યરચનાની રીતે, જોડણીની રીતે નહીં) અને હાથમાં માઈક પકડીને કહો તેટલી દોડાદોડી કરી આવે એને પકડી પકડીને પત્રકાર બનાવી દેવા પડે એવો અખબારી માધ્યમોનો કપરો કાળ ત્યારે હજી શરૂ નહોતો થયો. એટલે ગ્રેજ્યુએટ થયા પછી હોંશભેર બે વર્ષ જર્નાલિઝમનો કોર્સ કરીને મૂર્ધન્ય પત્રકાર બનવાનાં સૌમ્ય સપનાં અમે જોતા. એમાં કિશોર કીટલીનો જિગરી મહેશ મિસ્ત્રી પણ સામેલ.
કિશોર જેટલો ઉછાંછળો એટલો મહેશ ધીરગંભીર ને ગભરૂ. સૌએ એનું ભવિષ્ય ભાખી લીધું હતું કે મહેશ આકાશવાણીનો એનાઉન્સર થવાનો. નવાઈની વાત તો હતી, ઋણાનુબંધ કહો તો એમ, પણ કિશોર અને મહેશને સારું બનતું. કિશોર કોઇ પણ કારસ્તાનમાં ફસાતો તો મહેશ મદદે આવતો.
મહેશ જર્નાલિઝમના કોર્સનાં બે વર્ષ કેમ પૂરાં કરશે એ સવાલ હતો ત્યારે અમારો કિશોર એડમિશન મળ્યું ત્યારથી જ પત્રકાર બની બેઠો હતો. પહેલા જ વર્ષે એના ઉત્સાહે દિમાગને ઓવરટેક કર્યો. કૉલેજના ટ્રસ્ટીએ કઈ રીતે સાળીની દીકરીને પાછલે બારણેથી એડમિશન અપાવ્યું તેની સિલસિલાબંધ વિગતો એક સાંધ્ય દૈનિકમાં છપાઈ. ટ્રસ્ટીને ગંધ આવી ગઈ. કિશોરની કૉલેજ છૂટી ગઈ. ભાગ્યનો બળિયો તે એને પેલા સાંધ્ય દૈનિકમાં નોકરી મળી ગઈ. અમને તો પછી ખબર પડી કે એમાં મહેશની ભલામણ કામ કરી ગઈ હતી. ત્યારથી કિશોર પત્રકારત્વમાં અમારો સિનિયર બની ગયો અને અમે સૌએ માની લીધું કે નક્કી કિશોર કીટલી અમારી કૉલેજનું નામ ઉજાળશે.
પણ એમ ધાર્યું કોનું થાય છે? એ પણ પત્રકારત્વમાં?
મહેશ રેડિયો એનાઉન્સર ન બની શક્યો. એક છાપાવાળાએ એનો હાથ ઝાલ્યો ને એ પ્રેસ ફોટોગ્રાફર બની ગયો. કિશોર એક પછી એક છાપાં બદલતો ગયો. છેલ્લે એના વિશે સાંભળ્યું ત્યારે ખબર કંઈક એવા હતા કે સાહિત્યજગતની બીટ સંભાળતા કિશોરે એના એક રિપોર્ટમાં ‘ગુજરાતી’ શબ્દમાં ‘તી’ને બદલે ‘તિ’ લખ્યું એમાં તંત્રી સાથે તૂં…તાં… થઈ ગઈ. કિશોરની ગફલત પ્રૂફરીડર અને તંત્રી બંનેની નજરમાંથી છટકી ગઈ હતી, પણ કમબખ્ત જૂના કોમ્પ્યુટર ઓપરેટરે તંત્રીનું ધ્યાન દોર્યું. તંત્રીનો અહમ ઘવાયો. એણે કિશોરને ટપાર્યો. કિશોર સામો વિફર્યો. એનો વાંધો વાજબી હતો – અગાઉ છત્રીસ રિપોર્ટમાં ‘ગુજરાતિ’ લખ્યું ત્યારે વાચકો કે તંત્રીમાંથી કેમ કોઈ કંઈ ન બોલ્યું? વાત વળે ચઢી. વળી નોકરી ગઈ. એક ન્યૂઝ ચેનલવાળાનાં ભાગ્ય નબળાં પડતાં હશે તે એમણે કિશોરને સાચવી લીધો. કિશોરને નવી નિસરણી મળી.
આટલે સુધી અમારી કૉલેજનું નામ ઉજાળે એવું કંઈ કિશોરે કર્યું નહોતું એટલે અમે સૌ એને ભૂલવા લાગ્યા હતા. ત્યાં આ ન બનવાનું બન્યું. એ પણ હોળી-ધૂળેટીના સપરમા દિવસે.
બધું બની ગયા પછી, રહેતે રહેતે, તૂટક તૂટક જે માહિતી મળી તે કંઈક આવી હતી – કિશોર રઘવાયો બન્યો હતો. પહેલાં એને અખબારી જગતમાં નામ કમાવું હતું. એ ન બન્યું એટલે એણે દામ પર નજર ઠેરવી હતી. એમાં પણ કંઈ મેળ બેસતો નહોતો એટલે કિશોર રઘવાયો બન્યો હતો. ન્યૂઝ ચેનલમાં પણ એ એક જ ગણતરીથી જોડાયો હતો – સ્ટિંગ ઓપરેશન કરીને નામ કમાવું અથવા શિકારને દબાવીને દામ કમાઈ લેવા.
કિશોર સતત પેંતરા ગોઠવતો હતો. એક વાર તો ગુજરાતી ફિલ્મના એક વિલનનું એણે ઓપરેશન કરી પણ નાખ્યું. પહેલાં શુભઇરાદાથી તેણે ટેપ ચેનલની હેડઑફિસે મોકલી, તો ત્યાંથી વળતો ઠપકો આવ્યો – ટેપનો બગાડ ન કરો. કિશોરે તરત સઢ ફેરવ્યો. ફિલમવાળો પૈસા આપવા તો તૈયાર થઈ ગયો, પણ ટેપ ટેલિકાસ્ટ થાય તો. સરવાળે કિશોર કીટલી ઠેરનો ઠેર ઠરીને રાહ્યો. એટલે જ એ રઘવાયો બન્યો હતો.
ત્યાં, હંમેશની જેમ મહેશ એની મદદે આવ્યો. એણે શું ગોઠવણ કરી આપી એની સ્પષ્ટ વિગતો તો પહેલાં ન મળી, પણ એટલી ખબર પડી કે મહેશ મળ્યા પછી, ધૂળેટી નજીક આવતી ગઈ તેમ તેમ કિશોરના રંગઢંગ બદલાવા લાગ્યા હતા. એટલે હદે કે ચાની કીટલીએ કિશોરે પોતાની સાથે ચાર જણની ચાના રૂપિયા ચૂકવ્યાના ચોંકાવનારા સમાચાર પણ અમને મળ્યા. કિશોરમાં આવેલો આ બદલાવ અમને સૌને અગમના એંધાણ જેવો લાગવો જોઈતો હતો, પણ અમે તો બે વર્ષનો કોર્સ કરીને નોકરીએ ચઢેલા પત્રકાર હતા –
એવાં એંધાણ પારખતાં અમને ક્યાંથી આવડે?
અંદરની વાત જાણનારા કહે છે કે મહેશે કિશોરને સ્ટિંગ ઓપરેશન માટેનો ખાસ ચાઈનીઝ બનાવટનો ટચૂકડો કૅમેરા લાવી આપ્યો હતો. સાથે એક બાતમી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ એમના બંગલે હોળીની સાંજે ધૂળેટીની ઉજવણી ગોઠવી હતી. એ બાતમી નહોતી, બાતમી તો એ હતી કે એ ઉજવણીનો લાભ લઈ, મુખ્યમંત્રીશ્રીના જ પક્ષમાંના એમના હરીફો મુખ્યમંત્રીશ્રીને બરાબરના રંગી નાખવાના હતા. પછી મુખ્યમંત્રીશ્રી ન્હાઈને ફરી ઓળખાય તેવા થાય ત્યાં સુધીમાં તેમના સ્થાને કોઈ હમશકલને ગોઠવી દેવાનો સોલિડ પ્લાન હતો. કિશોર આ સમગ્ર ઘટનાક્રમની પળ પળને ચાઈનીઝ કૅમેરામાં કંડારી લેવા તલપાપડ બન્યો હતો.
પછી એક્ઝેક્ટલી શું બન્યું એ તો કિશોર જ જાણે, પણ ધૂળેટીના દિવસે ફક્ત મહેશના છાપામાં એક ફોટો સ્કૂપ છપાયું. મુખ્યમંત્રીશ્રીના ચોકિયાતોના હાથનો ઢોરમાર ખાતા કિશોરનો મોટો ફોટોગ્રાફ હતો. સાથે ખબર હતા કે ‘‘હોળીની સાંજે મુખ્યમંત્રીશ્રીના બંગલે ભેદી હીલચાલ કરતા શખ્સની ગાર્ડ્ઝ દ્વારા ધોલાઈ… મુખ્યમંત્રીશ્રી પ્રવાસમાં હતા… શખ્સે પોતે ટીવી પત્રકાર હોવાનો અને સ્ટિંગ ઓપરેશન કરવા આવ્યો હોવાનો આજીજીભર્યો ખુલાસો કરતાં વધુ માર પડ્યો…’’
અમે સૌ મિત્રો પછી તો ઘણું મથ્યા, પણ ઘણી વાતના તાળા મળ્યા નહીં – મહેશે કિશોર પર એવી તે કઈ વાતની દાઝ ઉતારી? ગરીબડો મહેશ આવો હિંસક કેમ બન્યો? પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા વચ્ચેની દુશ્મની દોસ્તીને ઓવરટેક કરી ગઈ? કિશોર એવો તે કેવો રઘવાયો થયો હતો કે મહેશની સાવ આવી બાતમી સાચી માની બેઠો? મહેશે અપાવેલો ચાઈનીઝ કૅમેરા અસલી હતો કે નહીં? ઘણા પ્રશ્નો અનુત્તર રહી ગયા.
કિશોર સાથે સાવ આવું બનશે અને મહેશ સાવ આવું કરશે એવું અમે કોઈએ ધાર્યું નહોતું.
જોકે એનું જ નામ જિંદગી, બીજું શું?
– હિમાંશુભાઈ કીકાણી
**************
( જાન્યુઆરી ૨૦૦૮માં, ‘દિવ્ય ભાસ્કર’ અખબારની કળશ પૂર્તિમાં નાનકડી સાપ્તાહિક કૉલમ તરીકે શરૂ થયેલી “સાયબરસફર”, હિમાંશુભાઈ કીકાણી ની સાયબર સફરને વાચકો અને પ્રશંશકોનો બહોળો પ્રતિભાવ સાંપડ્યો, હાલમાં તેમણે શરૂ કરેલી વેબસાઈટ સાયબરસફર ( http://www.cybersafar.com/ ) તેમની આ સફરનો એક પરિપાક છે અને અત્યંત માહિતિપ્રદ લેખો વડે તેમણે એક આગવો વાંચક વર્ગ ઉભો કર્યો છે.
આ લેખ “અધ્યારૂ નું જગત” ને પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમનો લાભ મળતો રહેશે એવી અપેક્ષા સતત રહેશે. )
હું તેનો Daily વાચક છું…
Akhre a to kaho Mahesh a aam kem kruyu ?