સ્ટિંગ ઓપરેશનની હોળી – હિમાંશુભાઈ કીકાણી 2
કિશોર કીટલી સાથે સાવ આવું બનશે એવું અમે કોઈએ ધાર્યું નહોતું. કિશોર વિશે ધારવા જેવું તો ઘણું હતું, પણ સાવ આવું બનશે એવું ખરેખર અમે કોઈએ ધાર્યું નહોતું. કિશોર પહેલેથી અદકપાંસળિયો જીવ. વાતવાતમાં એનો ઉત્સાહ દિમાગને ઓવરટેક કરી જતો. ચાની કીટલી એનો કાયમી અડ્ડો. કરિયરની શરૂઆત એણે ક્રાઈમ રિપોર્ટર તરીકે કરી એની અસર હોય કે ગમે તેમ, કિશોરે પોતે જ પોતાનું નામ કિશોર કીટલી પાડ્યું એવું માનવાવાળા પણ ઘણા હતા. એથીક્સનો એવો પાક્કો કે ગામ આખાને ટોપી પહેરાવે, પણ પોતાની ચાના રૂપિયા કોઈ ને કોઈ પાસેથી કીટલીવાળાને અચૂક અપાવે. અમને સૌને એમ હતું કે કિશોર કીટલી અમારી કૉલેજનું નામ ઉજાળશે. અમે ભણતા ત્યારે પત્રકારોની આજના જેટલી બોલબાલા નહોતી. ગુજરાતીમાં પાંચમાંથી ત્રણ વાક્ય સાચાં લખી શકે (વાક્યરચનાની રીતે, જોડણીની રીતે નહીં) અને હાથમાં માઈક પકડીને કહો તેટલી દોડાદોડી કરી આવે એને પકડી પકડીને પત્રકાર બનાવી દેવા પડે એવો અખબારી માધ્યમોનો કપરો કાળ ત્યારે હજી શરૂ નહોતો થયો. એટલે ગ્રેજ્યુએટ થયા પછી હોંશભેર બે વર્ષ જર્નાલિઝમનો કોર્સ કરીને મૂર્ધન્ય પત્રકાર બનવાનાં સૌમ્ય સપનાં અમે જોતા. એમાં કિશોર કીટલીનો જિગરી મહેશ મિસ્ત્રી પણ સામેલ. કિશોર જેટલો ઉછાંછળો એટલો મહેશ ધીરગંભીર ને ગભરૂ. સૌએ એનું ભવિષ્ય ભાખી લીધું હતું કે મહેશ આકાશવાણીનો એનાઉન્સર થવાનો. નવાઈની વાત તો હતી, ઋણાનુબંધ કહો તો એમ, પણ કિશોર અને મહેશને સારું બનતું. કિશોર કોઇ પણ કારસ્તાનમાં ફસાતો તો મહેશ મદદે આવતો. મહેશ જર્નાલિઝમના કોર્સનાં બે વર્ષ કેમ પૂરાં કરશે એ સવાલ હતો ત્યારે અમારો કિશોર એડમિશન મળ્યું ત્યારથી જ પત્રકાર બની બેઠો હતો. પહેલા જ વર્ષે એના ઉત્સાહે દિમાગને ઓવરટેક કર્યો. કૉલેજના ટ્રસ્ટીએ કઈ રીતે […]