જૂના સામયિકો અને નવા લેખકો (સંકલિત) – જીગ્નેશ અધ્યારૂ 4


ઘણાં મિત્રો કહે છે કે ગુજરાતી સામયિકો અને માસિકોમાં તેઓ પોતાની રચનાઓ ઘણી વખત મોકલી ચૂક્યા છે પરંતુ ઘણી વાર કોઈ જવાબ મળતો નથી, ઘણી વાર “કવિતા હજી કાચી છે, તેને થોડાક વધુ શણગારની જરૂર છે” તેવા જવાબ સાથે પાછી આવે છે અને ઘણી વખત “પ્રયત્ન સારો  છે પરંતુ તેનો મૂળભૂત સાદ આ માસિકના પ્રકાશનના વર્તુળમાં બંધબેસતો નથી” એવો જવાબ પણ મળે છે. કવિતા કે કોઈ પણ રચના પ્રકાશનાર્થ મોકલવી તે આપણી નમ્ર ફરજ છે પરંતુ તે પ્રકાશિત થાય કે ન થાય તે માટે પ્રકાશકની મુનસફી પર આધાર રાખવો જોઈએ. કવિતા કે લેખની ગુણવત્તા સાથે તેમણે અન્ય ઘણાંય પાસાનું ધ્યાન રાખવાનું હોય છે. અને તેમના અનુભવના આધારે તેમના સૂચનો કદાચ માનવાયોગ્ય હોય તે બનવાપાત્ર છે. એટલે પ્રયત્ન કર્યા કરવા. આ વિષય પર કેટલાક વિચારો મળ્યા છે જે અત્રે મૂકી રહ્યો છું.

જો કે, એ વાતનો ઉલ્લેખ કરવો અત્રે અસ્થાને નહીં ગણાય કે મેં હાલમાં જોયેલા એક અગ્ર ગુજરાતી માસિકમાં સમ ખાવા પૂરતો એક પણ રસપ્રદ લેખ હતો નહીં. વેચાણ, કાયમી ગ્રાહકો જવા દઈએ તો આ જોઈને કોણ તેને ખરીદે? લેખોની પસંદગી તદન તટસ્થ ભાવે થવી ઘટે અને ઉગતી પ્રતિભાઓને ક્યાંક સ્થાન આપવું અને તેમને યથાયોગ્ય રીતે લખવા માટે પ્રેરણા આપવા જેવું કાર્ય પણ માસિકોએ જ કરવાનું છે અને તેમની આશાએ જ ગુજરાતી સાહિત્ય ભવિષ્ય તરફ જોઈ શકે છે.  તમિલ અને મલયાલમમાં જ્યાં માસિકોની નકલ લાખોમાં ખપે છે ત્યારે એ આંકડો ગુજરાતી માસિકો માટે તેના દસમાં ભાગ જેટલો પણ નથી એ શું સૂચવે છે? વાચકોની ઉદાસીનતા અને આપણી અવગણના. આ સંજોગો દૂર કરવા જ રહ્યાં. નવોદિતો માટે અમૂક પાના ફાળવી શકાય, કે નવોદિત વિશેષાંક જેવા આયોજન કરી શકાય. શું નવીનતા આપણને ખપતી નથી? માસિકોને ધર્મશાળા થવું ન પાલવે, તેમને તો અપ ટુ ડેટ રહેવુ પડે જ્યાં સંસ્કૃતિ અને ધરોહર સાથે નવીનતાનું સંયોજન સર્જાય ત્યાંજ રુચિ કેળવી શકાય.

– જીગ્નેશ અધ્યારૂ

****************************************************

સાહિત્ય જગત કે સામયિકોના પૃષ્ઠો એ કાંઈ ઉગતા લેખકો માટે આળોટવાની ધર્મશાળા નથી. એ તો છે જ્યાંથી પ્રજાને કાંઈક અનુભવ નવનીત લાધે એવા પવિત્ર  યાત્રાધામો. એ તો છે પ્રજાને દોરવણી આપવા માટેના અમૂલ્ય સાધનો. એ સાધનો ને અધકચરી દિશામાં કે પ્રયોગ દશામાં સર્જાયેલા સર્જનોથી નિર્બળ અને નિર્માલ્ય બનાવી, એ રીતે સાહિત્યનું અને પરીણામે પ્રજાનું ધોરણ નીચે લઈ જવું એ એક પ્રકારનું અતિ સૂક્ષ્મ અને નૈતિક પાપ જ છે એવી મારી માન્યતા છે. એવું સૂક્ષ્મ પાપ જાણ્યે અજાણ્યે દુનિયાનો લગભગ દરેક લેખક વત્તે ઓછે અંશે કરે જ છે અને હું પણ તેમાંથી બાકાત રહ્યો નથી.

“નવચેતન” માં આવેલા લગભગ સાઠ ટકા જેટલા લેખો મારે ફરી વાર લખવા પડે છે ! હવે તો સામયિકોના લેખકો દિવસે દિવસે વધુ બેદરકાર થતાં જાય છે એવો મારો અનુભવ છે. સામયિકોની વિપુલતા સાથે આ બેદરકારી હવે તો વધતી જ ચાલી છે. ચીવટ પૂર્વક પોતાના લખાણને બે ત્રણ વાર વાંચી જઈને પછી મઠારીને અને સંસ્કારીને એ લખાણને સુવાચ્ય અક્ષરે ઉતારીને મોકલવાની દરકાર અત્યારે તો બહુજ ઓછા રાખે છે ! તંત્રી અને પ્રૂફરીડરો એ બધું ફોડી લેશે એમ તેઓ માને છે. પરિણામે સાચા તંત્રીનું કામ દિવસો દિવસ કઠીન બનતું જાય છે.

ચાંપશી ઉદેશી { સ્મૃતિસંવેદન, પૃ. ૧૭૬, પૃ ૩૦૪ }

******************************************************

હાલ પુસ્તકોની વૃધ્ધિ એટલે દરજ્જે આવી પહોંચી છે કે હવે કોઈ મોટા ત્રૈમાસિક “વિવેચક” ની ખાસ જરૂર છે. અને એ તરફ અમે ગુજરાતી પંડીતોનું ખાસ ધ્યાન ખેંચીએ છીએ. હવે ગુજરાતી પ્રજાએ આશા રાખવી કે એ કામ ચાલુ માસિકોથી થઈ શક્શે એ કેવળ મિથ્યા છે. ગ્રંથકારો એટલે ગમે એટલા ચીડવાય, પણ વર્તમાનપત્રોએ એ કામ ક્યારનુંય છોડી દીધું છે. અને તે એ કામને યોગ્ય પણ નથી. માસિકો હજી ઉપર ઉપરથી ગ્રંથાવલોકન કરે છે. પણ અમે તો કબૂલ કરીએ છીએ કે તે મનમાનતું થતું નથી જ. વળી આજકાલ તો કેટલાક એવાં પુસ્તકો પ્રગટ થાય છે કે તે ખાસ વિસ્તીર્ણ વિવેચનને જ યોગ્ય છે. જેમ કે સરસ્વતિચંદ્ર માટે જ અમે કહીએ છીએ કે આવાં પુસ્તકોને ઘટતો ન્યાય મોટા ત્રૈમાસિક વિના કદી પણ આપી શકાય નહીં.

નવલરામ ( ૧૮૮૭ નવલગ્રંથાવલી, (૧૯૬૬) પૃ. ૨૩)


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “જૂના સામયિકો અને નવા લેખકો (સંકલિત) – જીગ્નેશ અધ્યારૂ

 • ચન્દ્રકાન્ત લોઢવિયા

  શ્રી જીજ્ઞેશભાઈ,
  જૂના સામાયિકો અને નવા લેખકો માં આપના વિચાર વાંચ્યા. સામાયિકોનો મુળ ઉદેશને ધ્યાનમાં રાખી “નવોદિતો” ની કૃતિનો સ્વીકાર અસ્વીકાર સંપાદક નો અધિકાર છે. પણ દૈનિકોમાં અલગ અલગ વિભાગો હોય છે તેમાં “નવોદિત” ના કાલાવાલા વિભાગ રાખી પ્રોત્સાહન તો જરૂરથી આપી શકાય. જેમ કુટુંબમાં આવેલ નવા આગંતુકને વડીલો પોતે કાલીધેલી ભાષા બોલી બાળકને માતૃભાષા જરૂર શીખવે છે.
  ચન્દ્રકાન્ત લોઢવિયા – તા.૨૮.૦૧.૨૦૧૪.

 • Manoj Solanki

  મારે પણ મારી કવિતાઓ પ્રકાશિત કરવી છે, તો મારે શું કરવું?
  જવાબ આપવા વિનંતી..