બાળકોમાં લાગણીતંત્રનો વિકાસ – કિરણ ન. શીંગ્લોત 5


( ગુજરાતી ભાષામાં બાળકો વિશે પ્રગટ થતાં જૂજ માસિકોમાં બાળ ઉછેર અને બાળ કેળવણી અંગે, શિક્ષકો અને વાલીઓને માર્ગદર્શન આપતું ગુજરાતનું એક માત્ર લઘુ માસિક એટલે “બાલમૂર્તિ”. કિરણ શિંગ્લોતજી તેમાં ઉપરોક્ત વિષય “બાળકની ઉંમર સાથે તેના લાગણી તંત્રના વિકાસ”  અંગે અંકોમાં ક્રમશ ઉંમરના વિવિધ પડાવો મુજબ સરસ માહીતી પૂરી પાડે છે. )

એક થી દોઢ વર્ષની ઉંમર

Hardi Adhyaruબાર મહીનાનું બાળક સામાન્ય રીતે આનંદ અને ઉત્સાહ થી છલકતુ, ચેતનવંતુ હોય છે. એનામાં સામાજીકતાના લક્ષણો જોવા મળે છે અને માતાપિતા તેમજ અન્ય વ્યક્તિઓનો સહવાસ માણવાનું ગમે છે. પણ કોઈ કોઈ વખત એ જીદનાં દર્શન પણ કરાવતું થાય છે. હવે એ એની લાગણીઓને ખૂબ સરળતાથી વ્યક્ત કરી શકે છે, બાળકના સાન્નિધ્યમાં એના માં બાપને ઘણો આનંદ આવે છે, પણ સાથે હવે કપરા સમય અને ઘર્ષણની પણ શરૂઆત થઈ જાય છે.

માતા સાથે સંબંધ :

બાર મહીનાનાં બાળકના જીવનમાં માતાનું સ્થાન સૌથી મહત્વનું રહે છે પણ સાથે અન્ય વ્યક્તિઓનો પણ પ્રવેશ થઈ ચૂક્યો હોય છે. માતા સાથેનું વળગણ થોડું ઓછું જરૂર થાય છે, પણ છતાં સલામતિની લાગણી પોષવા માટે તો હજુ એ માતાને જ શોધે છે. રમવામાં ઓતપ્રોત હોય ત્યારે એ માતા તરફ ભાગ્યેજ નજર કરશે. પણ માતાની હાજરીનો એ ખ્યાલ ચોક્કસ રાખે છે. તેથી માતા આમ તેમ ખસવાનો જરા પણ પ્રયત્ન કરશે તો તરતજ બાળકનાં ધ્યાનમાં આવી જાય છે. માતા એની આસ પાસ હશે તો તે વધારે આનંદથી રમતમાં પરોવાયેલુ રહે છે.

સામાજીકતા

દોઢ વર્ષની ઉંમર સુધીમાં બાળક એકલવાયું મટીને સામાજીક બનવા માંડે છે, જો કે, કોઈ વખત એનામાં આક્રમકતાનાં પણ દર્શન થાય છે. ગુસ્સે થાય ત્યારે એ સામેની વ્યક્તિને મારી પાડે કે કરડી પડે એવું બની શકે છે. શરૂઆતમાં આકસ્મિકપણે એ આવું વર્તન કરી બેસે છે, પણ આગળ જતાં એનાં સ્વભાવમાં એ રૂઢ થઈ શકે છે. એનાં આવા વર્તનની ગંભીર નોંધ ન લેશો તો બાળક આપો આપ એને ભૂલી જશે. બાળકનાં વર્તનની કોઈ પણ અણગમતી ખાસીયતને છોડાવવા / ભૂલાવવા માટે આપણે જેટલા આગ્રહી બનીએ એટલુંજ એ એને જાળવી રાખવા માટે જક્કી બની જાય છે.

દોઢ વર્ષની ઉંમર પછી બાળકમાં જીદનાં દર્શન થવા માંડે છે. એનામાં સ્વતંત્ર વ્યક્તિત્વ અને નકારત્મક વલણ દાખલ થાય છે, તેથી નાહવા- ધોવા, કપડાં પહેરવાં, ખાવા-પીવા, ઊંધવા અને રોજ -બ-રોજના અન્ય વ્યવહારોમાં મા-બાપ અને બાળક વચ્ચે ઘર્ષણનાં મંડાણ થાય છે. જ્યારે એનું ધારેલું ન થાય ત્યારે એ ચિઢાય છે અને કજિયો કરવા લાગે છે. અને ઘણી વાર એ પોતાનાં કપડા અસ્તવ્યસ્ત કરી નાખે છે, જમીન પર આળોટવા મંડે છે અને જોરજોરથી ભેંકડો તાણે છે. આનાથી માબાપની નસો તંગ થઇ જાય છે અને તેમને બાળક પર કંટાળો આવવા માંડે છે. પણ આવું વર્તન બાળકના વિકસી રહેલા વ્યક્તિત્વમાં એક ટૂંકા પડાવ જેવું હોય છે. વખત જતાં બાળક આપમેળે પોતાનું વર્તન સુધારી લે છે. આ સમયે માત્ર એને સહી લેવાની જરૂર છે. કોઈપણ સંજોગોમાં  માબાપનો એના પ્રત્યે પ્રેમ ધટે નહીં એવું જોવું જોઇએ. બાળક જ્યારે એની લાગણીઓને સાંભળી શકતું નથી ત્યારે જ એનો ફ્યૂઝ ફાટે છે.

આવા સમયે માબાપનું એ કર્તવ્ય થઈ પડે છે કે એમણે બાળક સાથે બિનજરૂરી ધર્ષણ નિવારવું જોઇએ. બાળક ને ‘નન્નો’ સાંભળવાની ટેવ પાડો; એક વાર તમે એને ના પાડો પછી તમારા નિર્ણયને કોઇ સંજોગોમાં બદલો નહીં. માબાપની વાણી અને  તેમના વ્યવહારમાં દ્રઢતા અને સાતત્ય જળવાઇ રહે એ જરૂરી છે. ઢીલા-પોચા અને અસ્થિર નિર્ણયના માબાપ બાળકને ગુંચવે છે. બાળકને ખ્યાલ આવવો જોઇએ કે એનું જિદ્દી વર્તન કોઇ રીતે કામનું નથી.

– કિરણ ન. શીંગ્લોત ( બાલમૂર્તિ માસિક, અંક ૧૧, એપ્રિલ ૨૦૦૭ )


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “બાળકોમાં લાગણીતંત્રનો વિકાસ – કિરણ ન. શીંગ્લોત