ગુજરાતી સામયિકો, સાહિત્ય અને સંપાદકો – તરૂણ મહેતા 10


( મૂળ મહુવાના અને હાલ પ્રસારભારતી, રાજકોટ ખાતે શ્રી તરૂણભાઈ મહેતા ફરજ બજાવે છે અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી સામયિકો અને પુસ્તકો પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય છે. એક સારા કવિ અને લેખક હોવા સાથે તેઓ એક અચ્છા સમીક્ષક પણ છે. અધ્યારૂ નું જગત માટે ગુજરાતી સામયિકો વિશે આ લેખ તૈયાર કરી આપવા બદલ તેમનો ખૂબ આભાર. આશા છે આમ જ આપના લેખો આગળ પણ મળતા રહેશે.)

કોઈપણ ભાષાનું સામયિક તે ભાષાનું ઐતિહાસીક દસ્તાવેજ બની રહે છે. સાહિત્ય સામયિકની આપણે ત્યાં એક ઉજ્જવળ પરંપરા છે. તેમાંથી આપણને સાંપ્રત અને જીવંત સાહિત્યના સંપર્કમાં જે વૈચારિક સ્પંદનો ઝીલાયા હોય તેનો હિસાબ મળી રહે છે. સાહિત્ય સામયિક બહુઆયામી ફાયદો આપનાર છે. જેમાં સંપાદકની રસ રુચી, જીવંતતા અને પસંદગીને મોકળુ મેદાન મળે છે. આપણે ત્યાં ચાલતા સંપાદકોના અહમને પોષતા અને કવિત્વને જાણ્યા વિના જ કવિ બનાવી દેતાં સામયિકોની સંખ્યા વધારે છે. નિસ્બતથી એક વૈચારિક આંદોલન જન્માવતા સામયિકોને સ્પર્ધામાં ટકી રહેવા માટે નવા કીમિયાગરને શોધવો રહ્યો.

તો બીજી તરફ ઈશ્વર પેટલીકર કહે છે કે “હું “સંસાર” નો તંત્રી થયો ત્યારે કેટલાક લેખકો મને લખતા કે અમારૂ લખાણ તમે નહીં છાપો તો અમને પ્રોત્સાહન શી રીતે મળે? હું એમને લખતો કે તમને પ્રોત્સાહન મળે એ માટે હું માસિક નથી ચલાવતો. હું વાચકો માટે માસિક ચલાવું છું. જો વાચકોને અનુકૂળ આવે એવું તમે લખતા હો તો તમારા કરતાં મને ગરજ વધારે છે. ” (સમાજધર્મ પૃ. ૧૯)

ગુજરાતી સાહિત્યમાં ચાલતા સામયિકોને માટે ક્યાંક મધ્યાહને સૂર્ય તપે છે તો ક્યાંક ઢળતી સાંજ છે. આ બધાનું મુખ્ય કારણ કોઈ એક ન હોય પણ સંપાદકના વ્યવહારો સામે ગુજરાતી વાચકોની મફત અને માનભેર સામયિક મેળવવાની વૃત્તિ જવાબદાર છે. તો ક્યાંક કવિ – લેખકોનો અહમ, વાચકની ઉદાસીનવૃત્તિ અને સામયિક ચલાવવા પાછળની ધનરાશી પણ એટલી જ જવાબદાર છે. આમ બહુવિધ કારણસર સામયિકોની પ્રવૃત્તિની અસમાનતા વ્યાપક બની છે.

ગુજરાતીમાં ચાલતું “બુધ્ધિપ્રકાશ” સામયિક કદાચ દેશભરનું જૂનામાં જૂનું ચાલતું સામયિક હોવાનો સંભવ છે. આ સામયિકમાં રાજ્ય, ધર્મ, સમાજ અને સંસ્કૃતિને લગતા વિષય પરના લેખોને સ્થાન મળે છે. આજે પણ સામયિકને ૨૦,૦૦૦ની ખોટ હોવા છતાં, તેને બંધ કરવાનો વિચાર પણ કોઈ સભ્યએ કર્યો નથી. આટલી વાત પછી સામયિકના ઉજ્જવળ ભવિષ્યની જવાબદારી છે અને આપણે.

જયંત કોઠારીના મતે સંપાદકની પણ કેટલીક ફરજો છે. તે માત્ર “ટપાલી” નથી પણ તેને પણ પ્રેમપૂર્વક પસંદગી કરવાની છે, ઉત્તમ લેખો માટે પ્રયત્ન કરવાનો છે, આવેલા લેખોમાં જરૂર જણાય ત્યાં કાંટછાંટ કરે, રજુઆત અને ભાષાની દ્રષ્ટીએ લેખને મઠારે, એને વધુ અસરકારક કરીને મૂકે તો ભાવક અને વાચકની સાથે તે સ્નેહસેતુ રચી શકે. આ ઉપરાંત અનુવાદની કળા પણ તેને હસ્તગત હોવી જોઈએ. વિશ્વપ્રવાહને ધ્યાનમાં રાખતા, સૌંદર્યમંડીત દ્રષ્ટીકોણથી લેખો કે સાહિત્યનું ચયન થાય તેની કાળજી રાખતો હોવો જોઈએ. સામયિકનો હેતુ એક ચોક્કસ સમુદાયને લક્ષમાં રાખીને ન હોય. તે જનસામાન્યના વિચારો લાગણીઓ અને અભિવ્યક્તિનું જતન કરતો હોવો જ જોઈએ.

આપણે ગુજરાતી ભાષાન વાચકે વિશાળલયે ગુજરાતી અને વૈશ્વિક પ્રવાહના લયમાં મનતરંગને “સેટ” કરવા પડશે. આવતીકાલનું, સામયિકનું ભવિષ્ય યંત્રયુગીય ન બને પણ શબ્દનું સામ્રાજ્ય જળવાય, સેવેલા શબ્દની યોગ્ય દરકાર કરતાં આપણે શીખવું રહ્યું. વાંચનની ભૂખ ઉઘાડવી જરૂરી છે. આ માટે આપણે દૈનિકપત્રોના તદ્દન લાગણીહીન સમાચારો કરતા વધુ આ સામયિકોની જ નજીક રહેવાની જરૂર છે. મેળવી લેવાની વૃત્તિ કરતા પામવાની વૃત્તિ વધે, સામયિકમાં આવેલા શબ્દોનો મહીમા થાય. કોઈ કલાકારનું કદ નક્કી કરવા આપણે સમર્થ ન હોઈએ, પરંતુ કલાકાર નામથી મોટો નથી, શબ્દ જ સાહિત્યકારનું સામર્થ્ય નક્કી કરે છે. આપણે આપણા આંગણામાં આવતા દૈનિકપત્રોની રાહ જોઈએ, એટલીજ કે તેથી વધારે, આપણા નામ પર એકાદ બે સ્વભાષાના ગમતા સામયિકો આવે તેની કાળજી લઈએ. તેનું લવાજમ યોગ્ય સમયે ભરતાં, પહોંચાડતા રહીએ. તેમાં પીરસાતાં સાહિત્યની તટસ્થતાથી ચર્ચા કરીએ. તંદુરસ્ત વિચારોની લણણી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરે છે. આપણે ત્યાં યંત્રયુગની આટલી ભરમાળ છતાં પણ સંપાદકોની હૈયાવરાળ નીકળે છે, કારણ છે આપણી ભાષા પ્રત્યેની બેપરવાઈ. આપણે ગુજરાતી સાહિત્યનું ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છીએ તો તે ગર્ભ વ્યવસ્થા સામયિકોના પૃષ્ઠો પર પાંગરે છે. આ સામયિકોની કાળજી લઈએ, તેમાં આવતી સામગ્રીને પામીએ તો તંદુરસ્ત સમાજ અને સાહિત્યની રચના થઈ શક્શે.

આ લેખમાં હજી ઘણુંય સમાવી શકાય, પણ એક એક વાચક એક સામયિકને પણ જો લક્ષિત કરે તો આ જ્ઞાન યજ્ઞની આહુતિનું પૂણ્ય કમાવવાની તક પ્રાપ્ત થશે. ભૌતિક સામગ્રી ખરીદી શકાય છે, પણ વિચાર ખરીદી શકાતો નથી. આમ વિચારને પામવાની લાયકાત કેળવીએ અને વિચારવંત કાર્યપ્રણાલીના ભાગીદાર થઈએ.

ગુજરાતી ભાષા સામયિકોને આપણે તો કાળજીપૂર્વક સંભાળવા જ પડશે. આજે શુધ્ધ ગુજરાતી ભાષા મહાનગરોમાં લુપ્ત થઈ રહી છે ત્યારે આપણે આપણી માતૃભાષાને આ વિભીષીકાથી ઉગરવાનો એક નમ્ર પ્રયાસ કરીએ.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “ગુજરાતી સામયિકો, સાહિત્ય અને સંપાદકો – તરૂણ મહેતા