મેલ્યાં મેં તો પાણીને વચમાં આગ રે
ઠારો તો શી પેરે ઠારશો હોજી
બાઈ મેં તો વાંચ્યા રે વિનાની જાણી વાત રે
નુગરાને શું ભણાવશો હોજી
જેટલા ભરેલાં ભાળો, બમણાં ખાલી જાણો
એવા અમે અંતરમાં ઉતાર્યા છે આકાશ રે
તાગો તો કે રીત તાગશો હોજી
બાઈ મારે ડુંગર પહોંચી દરિયો ઘૂઘવો
માંહી થયા અચરજ ઝબકારા અપરંપાર રે
એ વાતો કઈ રીત માંડશો હોજી
બાઈ મારી આંખે ભાળ્યાં ઝગમગ દીવડાં
દીવડાએ ઠળીયે દેખાડ્યાં આખા ઝાડ રે
અદકેરું શું બતાવશો હોજી
– ધૃવ ભટ્ટ