કોણ જાણે ? – ઉશનસ


કેવું કેવુંક થશે ગુજરાત – કોણ જાણે ?

આ તો ઉઘડંત રાત કે પ્રભાત – કોણ જાણે ?

કંઈ પામશે કે પહેરવાં નાગાં ?

સૂવા પામશે કે છાપરું અભાગાં ?

ભૂખ્યાં પામશે કે પેટપૂર ભાત – કોણ જાણે ?

પછી વધશે અહીં માળ ઉપર મજલો ?

પારકી જમીન પર મહેનતની ફસલો ?

તીડ-વાણિયાની વધશે જીવાત – કોણ જાણે ?

એ સોનેરી શમણું આંખ મારી ઝૂલે,

જાય ઊડી ઓસ સમું ન્હાની શી ય ભૂલે

મારા શમણાની નાજુક બિછાત – કોણ જાણે ?

 – ઉશનસ

( ૧ મે, ૧૯૬૦, ગુજરાતનું અલગ રાજ્ય સ્થપાયું તે દિવસે પ્રકાશિત )

આપનો પ્રતિભાવ આપો....