કોણ જાણે ? – ઉશનસ
કેવું કેવુંક થશે ગુજરાત – કોણ જાણે ? આ તો ઉઘડંત રાત કે પ્રભાત – કોણ જાણે ? કંઈ પામશે કે પહેરવાં નાગાં ? સૂવા પામશે કે છાપરું અભાગાં ? ભૂખ્યાં પામશે કે પેટપૂર ભાત – કોણ જાણે ? પછી વધશે અહીં માળ ઉપર મજલો ? પારકી જમીન પર મહેનતની ફસલો ? તીડ-વાણિયાની વધશે જીવાત – કોણ જાણે ? એ સોનેરી શમણું આંખ મારી ઝૂલે, જાય ઊડી ઓસ સમું ન્હાની શી ય ભૂલે મારા શમણાની નાજુક બિછાત – કોણ જાણે ? – ઉશનસ ( ૧ મે, ૧૯૬૦, ગુજરાતનું અલગ રાજ્ય સ્થપાયું તે દિવસે પ્રકાશિત )