દાઢી રાખો – મસ્તફકીર 5


પ્રિય વાચક, તમે પુરુષ હો તો એકદમ ઉભા થઈ જાઓ, હાથમાં જે કૈ હોય તે બાજુએ મૂકી અરીસો – આયનો કે પેલા હજામ આપે છે તેવું ચાટલું શોધો, અરે જર્મન સિલ્વરની પોલીશ કરેલી રકાબી કે મોટો ચમચો પણ ચાલશે, અને પછી તેમાં તમારા મુખારવિંદનું પ્રતિબિંબ નિહાળો.

નિહાળ્યું ? કેમ શું જણાય છે? તમે મારા જેવા માતેલા અને ગોળમટોળ હો, તમારું મુખ દૂધી જેવું લાંબુ નહીં પણ તરબૂચ જેવું ગોળાકાર હોય તો મારી માફક ક્લીન શેવ જ એટલે કે સફાચટ મેદાન જ રહેજો.

લોકોની ટીકાઓનો જવાબ આપવાની હિંમત હોય તો મૂછ પણ બોડાવી નાંખજો. કારણ કે તમારી સ્થૂલતા અને બદનની વર્તુલતા, રસ્તે ચાલતાં, નાટ્ક અને સિનેમામાં, કે અન્ય સ્થળૅ લોકોનુ તમારા તરફ લક્ષ ખેંચે છે . એટલ દાઢી મૂછ રાખી વધારે આકર્ષક બનવાની ભાગ્યેજ જરૂર રહેશે. વળી, જાડા, ઘી ની બરણીઓ જેવા માણસો જો દાઢીઓ રાખે તો ગંજીપાના કે કાળી બદામના ગુલ્લા જેવા લાગે અને એવું લાગવું માનભર્યું અને ઇચ્છવાજોગ નથી. પણ જો તમે પાતળા હોવ તો શરમાવાની જરૂર નથી. પાતળીયા પ્રાણ” અને “થઈ પ્રેમ વશ પાતળીયા” એમ સ્ત્રિઓ હોંશથી ગાય છે. એકવડી કાઠીના હો, મોંઢુ પહોળુ નહીં પણ લાંબુ હોય, ગાલ ફૂલેલા નહીં પન બેઠેલા કે ઉંડા ઉતરેલા હોય, ટુંકમાં તમારો ચહેરો તમે ઈચ્છો તેવો દમામદાર કે આકર્ષક ન હોય તો મારી સલાહ છે કે જરૂર દાઢી રાખો. વળી તમે આકરા સ્વભાવના અને ઉતાવળીયા હો, તમારા મનોવિકાર તમારા મોઢા પરથી સ્પષ્ટ જણાઈ આવતા હોય, જોષી કે વૈદ્ય બની લોકોને આકર્ષી કામ કાઢવા માંગતા હો, જબરા અટપટી અને ધાંધલી હોવા છતાં તમારે સમુદ્ર જેવા ગંભીર થવું હોય, મનનાં વિચારો મનમાંજ સમાવી સિફતથી કામ કાઢવું હોય, યા તો મહાત્માઓમાં પંકાવું હોય તો જરૂર હદપચીએ વાળ ઉગાડો.

કેવી ?

આ તો મરજિયાત દાઢી ઉગાડવાની વાત થઈ. પણ કેટલાક સંજોગોમાં દાઢી ફરજિયાત ઉગાડવાની જરૂર પડે છે. દાખલા તરીકે નાક અને  હડ્પચી લાંબાં થઇ ગયા એકબીજા સાથે મળી જતાં હોય; બોખા બની જવાથી ગાલમાં ખાડા પડી ગયા હોય; લહેણદારોનું કરજ વધારે પડતું થઇ જવાથી તમારું મુખારવિંદ જોવાથી તેમને ખેદ થાય એમ હોય્; અથવા ‘ વસુધૈવ કુટુંબકમ્’ એ ન્યાયે તમારા શેઠ્ની ચેકબુક તમારી સમજી, શેઠની સહી તમારી ગણી લઈ, સંજોગોના દબાણથી અગર જરૂર પડ્યે, અજ્ઞાન લોકો જેને ‘ફોર્જરી’ કહે છે કે તે તમારાથી થઇ ગઇ હોય, ત્યારે.

એક વાત કહેતાં ભૂલ્યો. હું જેવી દાઢી ઉગાડવાની સલાહ આપું છું, તે ચીનાઇ હાંડલી જેવી ‘ફેન્ચ બીઅર્ડ’  નહીં,  દૂરથી કાળા ડાઘ લાગે તેવા થોભિયા નહીં, ઝાડી જેવી નહીં, બ્રશ જેવી નહીં,પણ તમારી છાતી  સુધી પહોંચે અને હવામાં ફરફર ઊડે તેવી.

(From : હાસ્ય નિબંધ સંચય સંપાદકો ઃ ભોળાભાઈ પટેલ અને રતિલાલ બોરીસાગર, પ્રકાશક ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ, કિંમત રૂ. ૧૦૦/-)


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “દાઢી રાખો – મસ્તફકીર