કોલેજ ના અંતિમ દિવસે – જયકર મહેતા


અમારા કોલેજના છેલ્લા વર્ષમાં, છેલ્લા સેમીસ્ટરમાં ઘણા લાગણીભર્યા દિવસો જોયા, કદાચ અભ્યાસના સમયગાળાનો સૌથી લાગણીશીલ સમય આ જ હોય છે. ચાર વર્ષના એન્જીનીયરીંગ અભ્યાસ પછી બધા પોતપોતાના રસ્તે પડવા તૈયાર હોય છે, હૈયામાં કાંઈક કરી બતાવવાનો ઉત્સાહ, અને દિલમાં મિત્રોની રોજની મુલાકાતો, ટોળ ટપ્પા અને મસ્તીની યાદો …. આ લાગણી તો જેણે અનુભવી હોય એ જ જાણે …

અમારા અંતિમ વર્ષે ત્રણેય વર્ષોના જૂનીયર ફાઈનલ યરના મિત્રોને ફેરવેલ પાર્ટી આપે છે, એમ એસ યુનિ. માં આ પાર્ટીનું મહત્વ અદકેરૂં છે. અમારી ફેરવેલ વખતનું સોવેનીયર મારા હાથમાં આવ્યું. એક મિત્ર અને સહાધ્યાયિ જયકર મહેતાએ તેમાં આપેલી એક કવિતા ખૂબ ગમી હતી … આજે પ્રસ્તુત છે તે કવિતા …

ભૂલી જવાશે આ સમય, સંગાથ ને સંભારણા,

સ્વપ્ન પણ ઉડી જશે, ખુલતા નયનનાં બારણાં,

સાથે રહ્યાં, સાથે ભણ્યા, ત્યાં સાથ છૂટી જાય છે.

પારકા ને પોતાના ગણ્યા ત્યાં સાથ તૂટી જાય છે.

ભીની યાદો, સૂકી યાદો ને વાગોળવી ક્યાં સુધી,

આજે દિલ તણી મંજૂષામાં કેદી બની પૂરાય છે.

ભણતરની પાંખો વડે પંખી ઉડી સૌ જાય છે.

સુખની ક્ષિતીજે પહોંચવા હામ ભીડી જાય છે.

ચાલો, ઉડું છું હું ય આજે, એકાંત ભરખી જાય છે,

આવજો, મિત્રો આવજો ના પડઘા હજી સંભળાય છે…


0 thoughts on “કોલેજ ના અંતિમ દિવસે – જયકર મહેતા