પ્રેમની પરિભાષા – જીગ્નેશ અધ્યારૂ 5


કહે છે ને કે પ્રેમ આંધળો હોય છે….તો લો આ રહ્યો પુરાવો

What is the taste of your love

એક પાર્ટી ચાલી રહી હતી, અને બધી પાર્ટીઓની જેમ એમાં પણ પુરુષ નજરો કેટલીક સુંદર સ્ત્રિઓ પર હતી. તે પણ ત્યાં જ હતો. પાર્ટીમાં, મહાલતો, બેફીકર….તે અચાનક દરવાજામાં પ્રગટ થઈ, યજમાન તેને આવકારવા ગયા અને બધાની નજરો તેના પર જ જડાઈ રહી, તે ખૂબ જ સુંદર હતી, નાજુક નમણી કાચ ની ઢીંગલી જેવી…

ઘણા તેની પાસે જવા માટે, તેની સાથે વાત કરવા માટે ઊતાવળા હતા પણ તે કોઈને ભાવ ન આપતી. તે પણ તેણીના ધ્યાન માં આવવા માંગતો હતો, પણ પાર્ટી પૂરી થવામાં હતી, બધા વિખેરાઈ રહ્યા હતા. અચાનક તે તેણીની પાસે પહોંચ્યો અને હતી એટલી બધી હિંમત એકઠી કરીને બોલ્યો “શું હું તમારી સાથે એક વાર કોફી પીવાનો આનંદ લઈ શકું?

આમ તો તેણીની ઈચ્છા ન હતી, પણ તે એટલો નમ્ર હતો કે તેણી ના ન પાડી શકી.

તેઓ એક સરસ કોફી શોપ માં ગયા, તેણીને ખૂબ જ અસ્વાભાવિક લાગી રહ્યું હતું. તે મનમાં કહી રહી હતી, “પ્લીઝ, મને જવા દો…અહીં મારો શ્વાસ ઘૂંટાઈ રહ્યો છે.” પણ તે ના બોલી શકી. અચાનક તેના આશ્ચર્ય વચ્ચે તેણે વેઈટર ને બોલાવ્યો, અને તેની પાસે કોફી માં નાખવા માટે મીઠું મંગાવ્યું, જેણે જેણે સાંભળ્યુ તે બધા તેની સામે જોઈ રહ્યા. તેણી પણ તેની સામે જોઈ રહી, મીઠું આવ્યુ અને તેણે કોફીમાં નાખી ને કોફી પીધી, તેણીએ આશ્વર્ય થી પૂછ્યું “કેમ?”

“હું દરીયાકિનારા ના પ્રદેશ માં થી આવું છું, મને મારૂ વતન, મારૂં ઘર અને ત્યાં રહેતા મારા માતા પિતા મને ખૂબ યાદ આવે છે, મને મારા વતન ના પાણીનો સ્વાદ ખૂબજ ગમે છે” અને આટલું બોલતા તેની આંખમાં આંસુ આવી ગયા.

તેણી આના થી ખૂબજ પ્રભાવિત થઈ, અને તેને તેના ઘર, વતન અને માતા પિતા વિષે પૂછવા માંડી, જોતજોતામાં તો બંને વાતો કરતા થઈ ગયા, તેણીને લાગ્યું કે તે ખરેખર ખૂબજ સરળ, સહ્રદય અને સ્નેહાળ છે, જે પોતાના વતન, માતાપિતાના પ્રેમને આમ વ્યક્ત કરી શકે તે ખરેખર સરસ હોવો જોઈએ એમ તેણીને લાગ્યું, તેણીએ પણ તેના માતાપિતા વિષે તેને કહ્યું અને બંને બીજીવાર મળવાના વાયદા સાથે છૂટા પડ્યા, બંને એ સમયની રાહ જોવા લાગ્યા, પછી બીજી, ત્રીજી એમ મુલાકાતોનો સિલસિલો થયો અને એ એકબીજાને પસંદ કરવા લાગ્યા, થોડાક સમય પછી બંને પરણી ગયા. તેણી તેને રોજ એ મીઠા વાળી કોફી પીવડાવતી અને તે પણ તે કોફીની જ રાહ જોતો….સિલસિલો ચાલતો રહ્યો, સમય વીતતો રહ્યો….વર્ષો વીતી ગયા…આજે તે સ્વર્ગવાસી થઈ ગયો, અને મરતા મરતા તેણી માટે એક ચીઠ્ઠી મૂકતો ગયો, તે વાંચતા વાંચતા રડતી ગઈ…

“પ્રિય,

તને ખબર છે આપણે જ્યારે પહેલી વાર એક પાર્ટીમાં મળ્યા, બધા તને જોતા હતા, તારી નજીક આવવા મરતા હતા, અને હું જાણે તારા પ્રેમમાં પડી ગયો, પહેલી જ નજર નો પ્રેમ…પછી એ કોફી નું પ્રપોઝલ, તારી હા અને કોફી શોપ…

ત્યારે હું ખૂબજ ગભરાયેલો હતો, મને થયું કે જો હવે હું કાંઈક નહીં બોલું તો તું ફટાફટ કોફી પી ને જતી રહેશે અને પછી તને હું કદી નહીં મળી શકું….વધારે ખાંડ ની આદતને લીધે વેઈટરને મારે ખાંડ લાવવા માટે કહેવાનું હતું પણ ગભરાટમાં મીઠું કહ્યું, હવે સુધારવું મુશ્કેલ હતું અને પછી તારા ચહેરા પર બદલાયેલા ભાવ જોયા, વાતની શરુઆત થઈ, એ મીઠું મને ત્યારે ખૂબ ગમ્યું,

પછી આખી જીંદગી મને તારા એ પ્રેમના વિશ્વાસને તોડવાનું યોગ્ય ના લાગ્યું અને તારી એ મીઠા વાળી કોફી મને પચી ગઈ, ભલે એનો સ્વાદ ભંગાર હતો અને મને જરાય ના ગમતો પણ તારો પ્રેમ અને વિશ્વાસ ના તૂટે તે ખાતર મેં એ પીધી. આજે જ્યારે હું મરી રહ્યો છું ત્યારે મને આ તને કહેવાનું યોગ્ય લાગે છે કે મારી જીંદગીમાં ખાંડની બધી કમી તે પૂરી કરી છે, તને મેળવવી એ મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધી છે. અને મારે હવે પછીના બધા જન્મારા તારી સાથે જ જીવવા છે, પછી ભલેને મીઠાવાળી કોફી પીવી પડે…”

એ પછી કોઈકે તેણીને પૂછ્યું હતું કે મીઠાવાળી કોફી કેવી લાગે છે?…

તેણી બોલી “મીઠી”

પ્રેમ એ આપવાની અને સંઘરવાની વસ્તુ છે…જેટલો આપશો એટલો વધશે…પ્રેમ એ ભૂલવાની નહીં કોઈક માટે બધું ભૂલી જવાની વસ્તુ છે…જેટલું ભૂલશો એટલું જ એ યાદ આવશે….તમારા ફોન મૂકી દીધા પછીય તમને લાગે કે જે ફોન પકડીને તમારો અવાજ યાદ કરે…જે મિત્રોની વચ્ચે તમારો હાથ પકડીને કહી શકે કે “…આ મારી છે…” તે ખરેખર તમને પ્રેમ કરે છે…..


તમે શું કહો છો? તમારા પ્રેમનો સ્વાદ કેવો છે?

– જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “પ્રેમની પરિભાષા – જીગ્નેશ અધ્યારૂ