કોલેજના એ દિવસો – વિકાસ બેલાણી


કોલેજના એ દિવસો જ્યારે પણ યાદ આવે ત્યારે મનમાં ને મનમાં હસી પડાય છે……..એવા કેટલાક પ્રસંગો અહીં રજુ કરવા માંગુ છું.

મારા શહેરથી ૪૦ કિમી દુર બીજા શહેરમાં મારી કોલેજ હતી. સવારના ૧૦.૩૦ થી સાંજના ૬.૧૫ નું અમારું ટાઇમ-ટેબલ. ઊંઘ પ્રત્યે એ દિવસોમાં પણ મને આટ્લો જ લગાવ હતો,સવારે ૮.૪૫ ની બસ પકડું તો હું ૧૦.૧૫ વાગતા પહોંચી જાઊં…પણ મારી ઊંઘ મારા પર પોતાનું આધીપત્ય સાબીત કરવા માંગતી હોય એમ હું ઘણી વાર પહોંચી ગયા પછી પણ બસમાં ઊંઘતો જ રહી જાઊં અને બસ ઉપડી જાય, છેલ્લે હું આગળના કોઇ સ્ટોપે ઉતરી જાઉં…અને પાછો કન્ડક્ટર અકબરભાઇને ટકોર કરતો આવું કે બિચારા સ્ટૂડન્ટસને ઊંઘમાંથી ઉઠાડવા એ એમની નૈતીક ફરજ છે.

આટલેથી જ મારી ઊંઘ મારો પીછો છોડી દેતી એવું નહોતું….પહેલા લેક્ચરમાં પણ હું મોટાભાગે એ અવસ્થામાં રહેતો. અમે ત્રણ મિત્રો, હું, મીતેષ ને પારસ હંમેશા સાથે જ બીજા નંબરની બેન્ચ પર બેસતા અને મસ્તી કરતા. મને યાદ છે કે અમારે એક જોશી સાહેબનો લેક્ચર આવતો અને મારો એક ખાસ મિત્ર ડિકે (દિવ્યકાન્ત) પગની બે આંગળીઓની વચ્ચે લેઝર ગન રાખી સાહેબના કપાળ પર ફેંકતો તો એવું લાગતુ કે જાણે ધિંગાણે ચડવા જતા રાજપુતના ભાલે કોઇએ કંકુથી તિલક કર્યું હોય! બીજો એક દોસ્ત હતો રવિ, એને જુદી આદત ! એ જ્યારે પણ જોશી સાહેબનું લેક્ચર હોય ત્યારે પહેલા આગળના દરવાજેથી ડોકાય અને કહે “ગુડ મોર્નીંગ સર” પછી ક્લાસમાં આવવાના બદલે પાછળના દરવાજેથી ડોકાય અને કહે “ગુડ મોર્નીંગ સર” અને બધા હસી પડતા. મીતેષ તો વળી અલગારી સંત જેવો એને મન કોઇ પણ વિષય, કોઇ પણ સાહેબ, કોઇ પણ લેક્ચર, બાજુની હરોળની છોકરીઓ, એમની અદાઓ,એમની વેશભૂષા કરતા વધારે મહત્વના ના હતા. લેક્ચર પત્યા પછી એને જે તે વિષયને લગતુ કાંઇ પણ પુછો તો એને ખબર ના હોય, એ તો બસ શ્રુંગાર રસનું પાન કરતો હોય.

અમારે સાંજે લેબ અટેન્ડ કરવાની હોય,એમાં તો અમારા તોફાનો એની પરાકાશ્ઠાએ હોય. અમે બધા આમ તો ભવિષ્યના ઇલેક્ટ્રીક એન્જીનીયર, પણ એતો ભવિષ્યના !! અમારુ એક ગ્રુપ એમા બધા તોફાની!! સર કોઇ સરકીટ સમજાવતા હોય,પ્રેક્ટીકલ કરાવતા હોય ત્યારે લગભગ બધાજ બોર થતા હોય, એમા અમારા એક દોસ્ત નાથુ દેસાઇ (દેહઇ) ને વળી જુદી આદત! એ વાયરોના નાના-નાના ટુકડા લે અને એને બન્ને છેડેથી વાળી દે, પછી એ પ્રેક્ટીકલ કરી રહેલા છોકરાઓના પેન્ટના નાકામાં એવી રીતે ભરાવી દે કે જોનારને એ પુંછડી જેવું લાગે! બીજા પાછા સત્કાર્યમાં સાથ આપતાં હોય એમ એ પુંછડીઓનું ઇન્ટર-કનેકશન કરે. પ્રેક્ટીકલ પત્યા પછી જ્યારે બધા છૂટા પડે અને પૂંછડીઓ ખેંચાય ત્યારે ખબર પડે કે આપણે તો બંધાઇ ગયા.

અમારે એક સાહેબનું શોર્ટ નામ KSP પણ બધા એમને DSP કહેતા, એમનો લેક્ચર હોય ત્યારે બહુજ મજા પડતી, એમાં થતું એવું કે સાહેબ લેક્ચર દરમિયાન જ્યારે પણ બોર્ડ સામે ફરીને કાંઇક લખતા હોય ત્યારે પાછળ બધા ઉભા થઇ જતા અને અમારી સામે ફરે એટ્લામાં બધા બેસી જતા. આવું આખા લેક્ચર દરમિયાન થતું. લેક્ચર પતે એટલે બધા જોરથી હસી પડતા.

એક સાહેબ હતા ગદાણી સાહેબ પણ બધા મોટા ભાગે એમને ગદાધારી સાહેબ તરીકે ઓળખતા. એમની ખાસીયત એ હતી કે એમનો અવાજ ઘણો બુલંદ હતો, આખી કોલેજમાં સંભળાય એવો ! મોટાભાગે એમનો લેક્ચર લંચ પછી હોય અને અમે બધા એ સમયે આમ પણ વામકુક્ષીની અવસ્થામાં હોય, એમાં એક વાર એવું બનેલું કે સાહેબ અમને બધાને ડાર્ક રૂમમાં લેક્ચર માટે લઇ ગયા,  સાહેબે લાઇટો બંધ કરી પ્રોજેકટર ચાલુ કર્યું અને પછી બુલંદ વાજે એક્ષપ્લેનેશન આપવાનું ચાલુ કર્યું, પણ ઉનાળાનો ધોમ્-ધખતો બપોર, ઉપરથી જમ્યા પછીનો ભારે સમય,  અને એર-કંડિશનરની ઠંડી હવા !!!  લેક્ચર પત્યા પછી સાહેબે જ્યારે લાઇટ ચાલુ કરી ત્યારે ખબર પડી કે ૯૦% લોકો ઊંઘતા હતાં.  મને યાદ છે સાહેબે એ પછી કહેલુ કે આવુ દૃશ્ય એમણે એમની જિંદગીમાં પહેલી વાર જોયું હતું.

અને આવું તો બીજુ ઘણુ થતું, પણ એ બધા પ્રસંગો અહીં એક સાથે લખવા બેસું તો કેટલાય પેજ ભરાય, આપનો સ્નેહ મળતો રહેશે તો આવા બીજા પણ અનુભવો લખતો રહીશ. ….

વિકાસ બેલાણી

આપનો પ્રતિભાવ આપો....