વેપારીનું પેટ – સંત ‘પુનિત’ 3


વેપારીનું પેટ કદીયે કળાય નહિ. વેપારીનું સદાયે પડખું સેવનારી એની પત્ની પણ ન કળી શકે, તો પછી બીજા સામાન્ય માણસનું તો ગજું જ કેટલું?

એક વેપારી રજાના દિવસે ઘેર બેઠા બેઠા ચોપડામાંથી ઉઘરાણીનો ઉતારો ઉતારી રહ્યાં હતા ત્યાં જ એમને આંગણે સાયકલની ઘંટડી રણકી ઉઠી.

વેપારી ભાઈએ ગાદી-તકિયે બેઠાં બેઠાં જ પૂછયું : કોણ ?

‘શેઠજી, તમારો તાર આવ્યો છે,’ કહીને કુરિયરવાળાએ તાર મળ્યાની સહી ભરવાનુ ફોર્મ વેપારી ભાઈ પાસે મુક્યું.
વેપારીએ ફોર્મ પર સહી કરી, તારનુ કવર તોડ્યું. પછી તાર વાંચવા માંડયો. તારની ડિલિવરી કરી, કુરિયરવાળો તો ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો. એના મનમાં એમ કે, કોઈ ખુશાલીનો હોય તો શેઠ પાસે બક્ષિસ માંગુ. તાર વાંચતા વાંચતા જ વેપારીની મુખમુદ્રા ગંભીર બની ગઈ. બેઠકરૂમમાંથી પત્નીને સાદ પાડતા વેપારી બોલ્યો : ‘અરે સાંભળ્યું કે ? સ્ટવ પર પાણી ગરમ મૂકો.
સ્ટવ પર પાણી ગરમ મૂકવાની વાત સાંભળતા જ કુરિયરવાળાની આશા નિરાશામાં પલટાઈ ગઈ. બક્ષિસની આશા પડતી મેલી એ વિદાય થયો.

કુરિયરવાળો સાયકલ પર બેસીને વિદાય થયો ત્યાં જ વેપારીના શ્રીમતીજી રસોડામાંથી ડોકિયું કરતા બોલ્યા : ‘કેમ, કોઈના સ્વર્ગવાસના સમાચાર છે. સ્ટવ પર પાણી ગરમ થવા મૂકી દીધું છે.

‘તો પછી એમાં ચા, ખાંડ અને દૂધ નાખી દે. આપણો બાબો પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયો છે. ખુશાલીનો તાર છે.’
વેપારી કેવા પાકા હોય છે. પેલા કુરિયરવાળાને બક્ષિસના બે રૂપિયા ન દેવા પડે એ માટે કેવું નાટક કર્યું. પત્નીને હૈયે પણ એક વાર તો ફાળ પડાવી દીધી ને…. પતિદેવની બુધ્ધિ પર વારી જતી પત્ની, પતિની સૂચનાનો અમલ કરવા માટે રસોડામાં પાછી ફરી.

સંત ‘પુનિત’


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

3 thoughts on “વેપારીનું પેટ – સંત ‘પુનિત’