અર્વાચીન ત્રિકાળ સંધ્યા – પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી 11


માનવ બુધ્ધિશાળી પ્રાણી છે એમ આપણે કહીએ છીએ. પણ તે માત્ર બુધ્ધિશાળી જ નહિ, પરંતુ સાથે સાથે વિચારશીલ પણ છે. તેથી તેને વિચાર આવી શકે કે મારું જીવન કોણ ચલાવે છે ? આ શરીર કઈ શક્તિથી ચાલે છે? આ શરીર કેનું? કોઈ કહેશે કે આ શરીર મારુ છે. તો એને પૂછીએ કે, એમાંની કંઈ વાત તે નિર્માણ કરી? હાડકા તે બનાવ્યાં? લોહી તે નિર્માણ કર્યું? આંતરડા તે નિર્માણ કર્યાં? મગજ તે ચલાવ્યું? આ શરીરમાં તાંરુ કર્તવ્ય શું?AthavleAthavle

આપણે અંતર્મુખ થઈને વિચારીશું તો લાગશે કે, શરીર પર આપણી પોતાની કહી શકાય એવી કોઈ સતા નથી. શરીર ઉપર બીજા કોઈની સતા ચાલે છે, બીજા કોઈનો હક્ક પહોંચે છે. જેના ઘરમાં આપણે રહીએ તે ઘરમાલિકને આપણે ભાડુ ચૂકવવું જોઈએ. તે નૈતિક ફરજ છે. તેવી જ રીતે આ શરીર જેનું છે અને જેની પાસેથી ‘ભાડે’ લીધું છે તેને આપણે ભાડુ ચૂકવીએ છીએ ખરા? આ ભાડું ચૂકવવું એટલે જ ચૈતન્ય શક્તિની, ભગવાનની કૃપાથી આપણને માનવ શરીર મળ્યું તે ભગવાનને કૃતજ્ઞતાથી યાદ કરવા.

સવારે પથારીમાંથી ઉઠીએ ત્યારે આપણને કોણ ઉઠાડે છે? કેવળ ઉઠાડતા નથી, જગાડે પણ છે. જગાડતાની સાથે સ્મૃતિ પણ આપે છે કે, તમે ફલાણાભાઈ, આ મારુ ઘર, પત્ની-બાળકો, કરવાના કામો, બેન્ક-બેલેન્સ વગેરે ઉંઘમાથી ઉઠ્યા પછી આ સ્મૃતિ ન થાય તો ? મોટો ગોટાળો થઈ જાય, લોકો આપણને ગાંડામાં ખપાવી દે. બપોરે જમું છું ત્યારે મારુ પાચનતંત્ર કોણ ચલાવે છે? ખોરાકનું લાલ લોહી કોણ બનાવે છે? જુદા જુદા પ્રકારના ખોરાક હોવા છતાં, પ્રત્યેક વ્યક્તિના લોહીનો રંગ માત્ર લાલ જ કેમ? તે કોણે કર્યું? મારુ લોહી લાલ છે તેમ, ઉસ્માનભાઈનું લોહી પણ લાલ જ છે, ખાધેલા ખોરાકનું લોહી બનાવીને જે જીવનશક્તિ આપે છે તેને ભાવપૂર્વક, કૃતજ્ઞતાથી યાદ કરવા જોઈએ.

રાત્રે પથારીમાં સૂતાં જ આપણને ઘસઘસાટ ઊંધ આવે છે. ઊંઘ કયારે ને કેવી રીતે આવે છે તેની આપણને કશી ખબર પડતી નથી. ઊંઘી ગયા પછી હું ફલાણાભાઈ, આ મારુ ઘર, પત્ની-બાળકો, કરવાના કામો, બેન્ક-બેલેન્સ વગેરે બધું જ ભૂલી જઈએ છીએ. કારણ કે, ભગવાન આપણને ઊંધમાં વાત્સલ્યથી સંભાળે છે. તેથી આરામથી ઊંઘી શકીએ છીએ અને ઉઠતા જ ઉત્સાહનો સંચાર અનુભવીએ છીએ. આપણ ઘેર કોઈ સંબંધી આપણને મળવા આવે તે વખતે બાજુમાં આપણો બાબો રમતો હોય અને તેને ચોકલેટ આપે અને બાબો તે વ્યક્તિ ને ‘ થેન્ક યૂ ‘ ન કહે તો તરત જ મમ્મી તેને ‘થેન્ક યૂ’ કહેવાનું કહેશે. એટલે આ મમ્મી ‘કલ્ચર’ પણ કૃતજ્ઞતાનો ગુણ પ્રગટ કરવાનુ શિખવાડે છે.

ત્યારે જે ભગવાન આપણા જન્મતાની સાથે જ મૃત્યું સુધીની જીવન ચલાવે છે. જેમકે શરીરમા રહેલી દૈવી શક્તિ ને કારણે ભોગવી શકુ છું, સાભળી શંકું છું. જોઈ શંકું છું. સૂંઘી શંકું છું. આ શક્તિમાં જે કંઈ અતિરિક્ત મૂલ્ય છે. તે પ્લસ વેલ્યુ છે. તેને ‘ભગવાન’ તરીકે માનવામાં આવે છે. આમ વિચારશીલ અને ચિંતનશીલ માનવને લાગે છે કે મારુ જીવન ભગવાન ચલાવે છે. એટલું જ નહિ, સૃષ્ટિનો સર્જનહાર મારામાં આવીને વસ્યો છે. અને જેના પ્રેમ અને વાત્સલ્યની વર્ષા નીચે હું સુખથી જીવન જીવું છું. તેના ઉપકારોનું કૃતજ્ઞતાપૂર્વક ભાવથી સ્મરણ ન કરુ તો કૃતઘ્ની કહેવાઉ. એટલે માનવ જીવનની ત્રણ મુખ્ય ક્રિયાઓ આ છે (1) સવારે વહેલા ઊઠવું (2) ભોજન કરવું (3) રાત્રે વહેલા ઉંઘવું. ટૂકમાં ટૂંકા નામે આ ત્રણ સમયે ભગવાનનું કૃતજ્ઞતાથી ભાવપૂર્વક સ્મરણ કરવું એનું નામ છે અર્વાચીન ‘ત્રિકાળ સંધ્યા’. ત્રિકાળ સંધ્યા કરવાથી પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતાનો ગુણ ખીલે છે. ભાવમયતા વધે છે, તેથી કૌટુંબિક ભાવ પણ વધે છે. આજે સમાજમાં, કુંટુંબમાં જે માનવી માનવી પ્રત્યેનું ભાવઝરણું સુકાઈ ગયું છે તે અર્વાચીન ત્રિકાળ સંધ્યાના આચરણથી જ ફરીથી વહેતું થશે.

 – પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી

(Original Source : Webdunia)
આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “અર્વાચીન ત્રિકાળ સંધ્યા – પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી