ગુજરાતી છું . . . .
આખુંએ જગ લાગે પ્યારું ગુજરાતી છું, ઈશ્વર પાસેનું ઘર મારું ગુજરાતી છું. દુ:ખને દરવાજો બંધ કરી પીધું ગટગટ, સુખને રાખ્યું છે સહિયારું ગુજરાતી છું. આંખ ઝાટકી કાણાને કાણો કે’વાનો બોલાશે નહીં સારું સારું ગુજરાતી છું. સઘળી સગવડ સુરજની એને આપી છે, મે’માન બને જો અંધારું ગુજરાતી છું. અડકી જાતી પળ ને પૂરી થાતી અટકળ, બસ ત્યાંથી ખુદને વિસ્તારું ગુજરાતી છું. વિશેષણોના વન છે તારી આગળ પાછળ, મેં તો કીધું છે પરબારું ગુજરાતી છું. ચાંદા વચ્ચે ઘર બાંધીને રહું અથવા તો આભ અગાસી પર ઉતારું ગુજરાતી છું !