પિત્ઝાબોય – અજય ઓઝા 5


બોસની રીંગ આવી, ‘અર્ણવ તારે અત્યારે જ શર્મા એન્ડ શર્મા કમ્પનીની ઑફીસ પહોંચવું પડશે.’

‘અત્યારે જ?’ મેં પૂછ્યું, ‘ડે ટાઈમ?’

‘હા, બહુ નાઈટ શિફ્ટ કરી, કોઈવાર ડે ટાઈમ જોબ કરવાની પણ મજા લે ને ડિયર? જલદી પતી જશે. પાર્ટીનું નામ મિસિસ મિત્તલ શર્મા છે, આપણા માટે ન્યુ કસ્ટમર છે, એટલે સાચવી લેવા જરૂરી છે. એની પ્રોબ્લેમ? તને વાંધો હોય તો કોઈ બીજાને મોકલું?’

‘નોટ એટઓલ, બોસ. પણ ભરબપોરે કોઈની ઓફિસે આ પ્રકારની ‘મીટીંગ’? ઈઝ ઈટ પોસીબલ?’

‘આઈ ડોન્ટ નો અર્ણવ, એ આપણો પ્રોબ્લેમ પણ નથી ને? આપણે તો કસ્ટમરનો કોલ આવે એટલે ફોલો કરવાનું જ કામ, ઓકે?

‘ઓકે એડ્રેસ આપી દો. હું પહોંચી જાઉં.’

‘શર્મા એન્ડ શર્મા કંપની, રિવરફ્રન્ટ, આલ્ફા ટાવર, સેવન્થ ફ્લોર. એ આખીયે કંપનીની ઓનરશીપ ધરાવે છે આ પાર્ટી. નાઉ હરિ અપ. ગો ફાસ્ટ એન્ડ એટેન્ડ અવર ન્યુ કસ્ટમર, કસ્ટમર સેટીસફેક્શન્ ઈઝ અવર મોટો યુ નો…!

બોસે જણાવેલ નામ – સરનામું ટપકાવીને મેં મારી બાઈક દોડાવી મૂકી રિવરફ્રન્ટની દિશામાં.

કામ અણગમતું હોય, છતાં પણ બોસનો ફોન આવે એટલે પહોંચી જવું પડે. મૂડ હોય કે ન હોય, ‘કસ્ટમર સેટીસ્ફેકશન ઈઝ અવર મોટ્ટો’ – બોસે આપેલો આ સિદ્ધાંત કોઈ પણ કામ શીખવી આપે છે. હું પણ શીખતો જાઉં છું.

મોટે ભાગે દિવસે હું ફ્રી રહેતો હોઉં, એટલે આજે પણ મેં તો નવરાશની પળો માટે કશુંક વિચારી રાખ્યું હતું. પણ અચાનક આ ઇમરજન્સી કોલ આવી ગયો. મનના અરમાનો વેરવિખેર થઈ ગયા હોય એવું લાગે. ગોઠવી રાખેલું શિડ્યુલ તૂટે એટલે જરા મન વ્યાકુળ તો થાય જ ને.

રિવર ફ્રન્ટના હાઈવે પર મારી બાઈક સડસડાટ ઉડી રહી છે. મારા કાનમાં ઘુમરાતા પવનો વચ્ચે એક નવું જ નામ ઘુમરાઈ રહ્યું છે… મિસિસ મિત્તલ શર્મા! કોણ હશે આ મિસિસ મિત્તલ? સાવ જ નવી પાર્ટી લાગે છે. કદાચ જૂની પાર્ટી નવા નામે પણ આવી હોય. ને આમેય આ ધંધામાં કોઈ પાર્ટીના ક્યા સાચા નામ હોય છે? બધા પોતાની ઓળખ છૂપાવવા માટે નવા નવા નામે સામે આવે છે. કેટલાક તો ચહેરો પણ છુપાવતા હોય છે એમ કહો કે ચહેરો જ છુપાવતા હોય છે! જૂના રેગ્યુલર કસ્ટમર્સને જ જુઓ ને, મિસ જૂલીનું સાચું નામ ધર્મિષ્ઠા છે. મિસિસ શિલાનું સાચું નામ શૈલજા છે. તો વળી મિસિસ નીલિમા આહૂજાનું ખરું નામ મીનાક્ષી હોવાની બહુ મોડી ખબર પડેલી.

ને બીજાની શું વાત કરવી. મારું જ નામ ક્યાં મારું પોતાનું અસલી નામ છે? બોસે અર્ણવ કહીને બોલાવવાનું શરૂ કર્યું ને મને ગમી ગયું, બસ.

…તો મિસિસ મિત્તલ શર્માની સાચી ઓળખ શી હશે? બોસ હંમેશા કહે છે, ‘કોઈ કસ્ટમરની સાચી ઓળખ જાણવાની કોશિશ ન કરવી. એમ કરવાથી આપણે કસ્ટમરનો વિશ્વાસ અને કસ્ટમર બંને ગુમાવીએ છીએ. કોઈની પ્રાયવસીને કદી ડિસ્ટર્બ ન કરવી. તો જ એ આપણી સર્વિસથી ખુશ રહેશે, અને ફરી ફરી આપણને જ બોલાવશે.’

બોસની વાતનો હું ડિટ્ટો અમલ કરતો. કામ પૂરતી જ વાત. વિશેષ કશું જ અટેચમેન્ટ નહિ રાખવાનું. અને ડીલ એન્જોય કરી લીધા પછી ભૂલી પણ જવાની. એટલે જ તો આ બિઝનેસમાં નવોસવો આવ્યો હોવા છતાં કસ્ટમર્સના સારા રિપોર્ટને લીધે બોસ સૌથી પહેલા મને કોલ કરે છે. મને ખાતરી છે કે એમને હવે મારા ‘પુરુષાર્થ’ પર ભરોસો થઈ ચૂક્યો છે! બહુ ટૂંકા ગાળામાં મેળવેલું આ મારું બહું મોટું એચીવમેન્ટ કહેવાય.

હું આલ્ફા ટાવર પાસે આવી પહોંચ્યો. પાર્કિંગમાં બાઈક મૂકી હું લિફ્ટ શોધવા લાગ્યો, પણ લિફટ તો બંધ હતી. થયું કે ડીલ પૂરી કરતા પહેલા જ હું સાત માળના દાદર ચઢીને હાંફી જઈશ તો?! હું જરા ધીમી ગતિએ દાદર ચઢવા લાગ્યો.

ઉપર પહોંચીને ચહેરો સંવાર્યો. હું બરાબર સમજું છું કે થાકેલો કે પરસેવાથી ભરેલો ચહેરો હોય તો ડીલ ફેઈલ થવાની શક્યાતા પણ હોય છે. લોકોને તાજગીભર્યો, સ્વસ્થ અને ખુશખુશાલ ચહેરા જ ખપે છે. એટલે ચહેરા પર હાસ્ય પણ લીંપી લીધું. પછી પહોંચી ગયો શર્મા એન્ડ શર્મા કંપનીના ડોર પર.

બોસે કહ્યું હતું કે આજુબાજુ કોઈને ડિસ્ટર્બ ન થાય એમ જવાનું. દરવાજો પણ જરૂરી ન લાગે તો નોક નહીં કરવાનો. આમેય કે ટાઈમ શિફ્ટમાં જરા વધારે એલર્ટ રહેવાનું હોય એ હું જાણું જ ને! શિફ્ટ કોઈ પણ હોય, હું તો દરેક બાબતમાં પૂરતી ચીવટ અને કાળજી લેનારો માણસ. બધાં જ કામ એકદમ શાર્પલી આટોપી લેવાની મને આદત. બોસે એટલે જ તો મને ‘શાર્પ શૂટર’ કહેતા!

યાહ… હું સમજી ગયો કે શર્મા એન્ડ શર્મા કંપનીની ઓફિસનો દરવાજો કદાચ મારા માટે જ ખુલ્લો રાખવામાં આવ્યો હશે. એમાં પ્રવેશ કરીને એ દરવાજો મેં જ અંદરથી બંધ કરી લીધો.

આખી ઓફિસ ખાલી હતી. લાગે છે કે બધું જ પહેલેથી ગોઠવી રખાયું છે, આ એકાંત પણ! મિસિ મિત્તલ તેમની ચેમ્બરમાં હોવા જોઈએ. એ.સી ફાસ્ટ હતું, ને માણસોની ગેરહાજરીને કારણે વાતાવરણ એકદમ ઠંડુગાર જણાય છે. આ કોલ્ડ એટમોસ્ફિયરને હોટ બનાવવાનું કામ મારે માથે છે. નો પ્રોબ્લેમ, આવા કામ અનેકવાર પાર પાડ્યા જ છે!

મિસિસ મિત્તલ શર્માની ચેમ્બર પણ શોધી કાઢી. એમની ચેમ્બરનો દરવાજો નોક કરવાની જરૂર ન પડી. એમની કાચની આલીશાન ચેમ્બરનું ગ્લાસડોર ઓલરેડી ખુલ્લુ જ હતું. એ કોઈની સાથે વાત કરી રહ્યાં હોય એમ લાગે છે, તેથી હું જરા વધારે એલર્ટ થયો.

પણ બોસે કહ્યું હતું તેમ જ મિસિસ મિત્તલ પોતાની ઓફિસમાં જ હતાં. મેં જોયું કે સ્પીકર ફોન ઓન કરીને પોતાની કોઈ અંગત ફ્રેન્ડ જોડે તેઓ વાત કરી રહ્યાં છે. બંને હાથ પોતાના વાળ સંકોરવાના કામમાં લગાવ્યા હોવાથી જ એમણે કદાચ સ્પીકર ઓન કર્યું હશે. એમની વાતોમાં ખલેલ ન પહોંચે એ હેતુથી હું તેમની નજરોથી દૂર જ ઉભો રહ્યો, જેથી તેઓ મને જોઈ ન શકે. શિષ્ટાચાર ખાતર પણ મારે એમનો ફોન પૂરો થઇ થવાની રાહ જોવી જ રહી.

આમ તો કસ્ટમરની અંગત વાતો સાંભળવી ન જોઈએ, તો પણ આખીયે ખાલીખમ ઓફિસમાં નિરવ શાંતિ હોવાના કારણે એમની વાતો હું સ્પષ્ટ સાંભળી શકતો હતો.

‘અરે બિન્દાસ બોલ શિખા, હું ઓફિસમાં જ છું, ને સાવ એકલી છું. બિન્દાસ બોલ.’ મિસિસ મિત્તલ શર્માને અવાજ સાંભળવામાં મને રસ પડ્યો.

‘ઓફિસમાં આજે? કેમ? તારી ઓફિસમાં તો આજે હોલીડે છે ને?’ ફોનનું સ્પીકર ધીમું હોવા છતાં ઈક્જ્હો પણ મીઠો જવાબ મને બહાર સુધી સંભળાવા લાગ્યો.

‘એટલે જ તો, તું સમજી નહિ? એક પાર્ટીને બોલાવી છે, આવતી જ હશે. ડુ યુ અડરસ્ટેન્ડ?’ મિત્તલનો અવાજ ધીમો થવાની સાથે જરા રમતિયાળ પણ થાય છે.

સામેથી પેલું સ્પીકર હસી ઉઠે છે. ‘યૂ નોટી ગર્લ! તું એવી ને એવી જ રહી. સાચું કહું છું, ઈર્ષ્યા થાય છે તારી મિત્તલ. લાઈફને તું તારી સ્ટાઈલથી એન્જોય કરી શકે છે. યૂ આર રીઅલી અ લકી પર્સન ડિયર.’

‘જેલસી? હાં? જે હું કરું છું એ તું પણ કરને. એમાં અઘરું શું છે? શું કામ મારી ઈર્ષ્યા કરે છે આમ? અચ્છા, એક કામ કર.’ પોતાના વાળ ઝંકોરતા સ્પીકરફોનની નજીક મોં લાવીને અલગ અંદાજમાં જ મિસિસ મિત્તલ શર્મા બોલે છે ત્યારે તેમણે પહેરેલી સાડીમાં હું એની સુંદરતાને ઓળખવા મથી રહું છું.

‘અરે અરે?’ વૉટ એ રબ્બીશ થોટ મિત્તલ? કેવી વાત કરે છે તું! આવું તે કંઈ હોતું હશે? ટૂ ઈન વન? હું આટલે દૂર શું કામ આવું? હું ઇચ્છું તો હું પણ અહીં તારી જેમ જ..’ અવાજ રૂંધાતો હોય એમ અટકે છે.

‘એમાં આટલી ઉછળી શું પડે છે? આપણે ડબલ પેમેન્ટ કરીશું, એમાં શું? પેલો હમણાં જ આવી પહોંચશે.’

‘કોણ? મિ. શર્મા?’

‘અરે નહિ બાબા, મિ. શર્મા તો તેમની બિઝનેસ ટૂરમાં ગયા છે. એટલે તો આ ‘પ્રોગ્રામ’ એરેન્જ કરી શકી.’

‘ઓહ, ભારે રંગીલી છોકરી તું તો, હજી પણ એવી ને એવી જ રહી. તકનો લાભ લેવાનું ક્યારેય ચૂકતી નથી.’ ફોનનું સ્પીકર જાણે તોફાની અવાજ કાઢે છે.

‘લાઈફ એન્જોય કરી લેવામાં કશું ગુમાવવાનું હોતું નથી. ચાલ હવે, પેલો હવે આવતો જ હશે. તું આવે છે કે?’

‘ના, બાબા. પણ કોણ આવે છે એ તો કહે?’

‘શી ખબર? નામ તો અર્ણવ કે અર્નવ એવું કંઈક છે. નામ સાથે શી લેવાદેવા? આવતો જ હશે.’

‘માય ડિયર નોટી મિત્તલ, તું કદી નહિ સુધરે. કોલેજમાં પણ તે આમ જ અનેક નાટકો ખૂબ સરળતાથી ભજવેલા, ખરું ને? યાદ છે મિત્તલ, પેલા સુકેતુને તો બાપડાને શ્વાસ લેવાનો પણ વખત સુદ્ધાં તેં કદી આપ્યો નહોતો. અને પેલો સ્કોલર સ્ટુડન્ટ…. શું નામ? હા, ધર્મિલ, બિચારાની બધી મર્દાનગીનું તારી હોસ્ટેલના રૂમમાં જ બાષ્પીભવન તેં કરી નાખ્યું. અને… અને પેલો વિપુલ? કોને ખબર હજુય તારા જવાબની રાહ જોતો કઈ ગાર્ડનની તૂટેલી બેન્ચ પર તરડાયેલો ચહેરો લઈને બેઠો હશે. મિત્તલ, તું પ્રતીકને તો ભૂલી જ નહીં હો, ખરું ને?’ સ્પીકરફોનમાંથી વહેતું તીખું અને લાંબું અટ્ટહાસ્ય આખીયે ઓફિસમાં પ્રસરી રહે છે.

‘અરે, ફરગેટ ઓલ શિખા. આપણે એ બધાંને શું યાદ રાખીએ? ગામ આપણને યાદ રાખે એવું આપણું કામ હોવું જોઈએ, રાઈટ?’

‘રાઈટ રાઈટ.’ સ્પીકર મીઠું હસે છે.

‘અચ્છા સારું, શિખા, તું કહે ને, તમારી બાજુ એને શું કહે છે? ‘ગિગલો’ જ? કે કંઈ પેટ નેમ?’

‘રીયલી, આઈ ડોન્ટ નૉ મચ, પણ કેટલીક હાઈ સોસાયટીની ફ્રેન્ડસને વાત વાતમાં ‘પ્લમ્બર’ કે એવું કઈંક કહેતી સાંભળી છે.’

ફોનના સ્પીકરની એકદમ નજીક મોં લાવી, જરા નશીલા અવાજે મિસિસ મિત્તલ શર્મા બોલે છે, ‘પ્લમ્બર? વોટ અ ફની નેમ? વે..રી ફની! યૂ નો.. અહીં અમે શું કહીએ છીએ? પિત્ઝાબોય! છે ને ઈન્ટરેસ્ટીંગ?’

‘યાહ.. યાહ.., ઓકે હેવ અ નાઈસ ટાઈમ વિથ યોર પિત્ઝાબોય! ઓકે? બાય..’

‘બાય, પછી ફોન કરું છું.’ કહેતાં મિસિસ મિત્તલ શર્મા આંખ મીંચકાવી ફોન કટ કરે છે. જરા અસ્વસ્થ થયેલો હું ઝડપથી મોં ફેરવી લઉં છું.

એમણે મીંચકારેલી આંખ ખોલે છે ત્યારે એની નજર મારા પર પડે છે, ને મને ઓળખી ગઈ હોય એમ કહે છે, ‘ઓહ, આઈ થિન્ક યૂ આર અર્ણવ… પિત્ઝાબોય… ઓ.કે?

‘યસ મેડમ, પણ…’ અજાણપણે જ હું જરા થોથવાઈ રહ્યો હતો.

‘શરમાઓ નહિ, પ્લીઝ કમ ઈન.’ એમનો અવાજ મારી સ્મૃતિને વેરવિખેર કરી કશુંક ફેંદી રહ્યો હતો, ને એ વિચારોમાં ધમપછાડાએ મને ખળભલાવી મૂક્યો.

એમના કહેવા છતાં હું અંદર ન જઈ શક્યો, એટલે એ ફરી કહે છે, ‘શું થયું? કેમ છો તો પિત્ઝાબોય જ ને? આઈમીન… તમે સમજો છો ને? ગિગલાબોસને મેં જ કોલ કરેલો. મારી કંઈ મિસ્ટેક તો નથી થઈ ને? ઈઝ ધેર એની પ્રોબ્લેમ મિ. અર્ણવ? અર્ણવ જ છો ને તમે?’ આટલું બોલ્યા પછી મિસિસ મિત્તલ શર્મા રહીસહી ફોર્માલીટી છોડીને દાંત વચ્ચે હોઠ દબાવતાં બિન્દાસ કહે છે, ‘જો કે તમને જોયા પછી કોઈ મિસ્ટેક થઈ હોય તો પણ મને વાંધો નથી.’

‘ન..ના, મેડમ, તમે ક્યારેય મિસ્ટેક તો કરી જ ના શકો. કદાચ હું જ તમારો અર્ણવ છું. પણ હું…’ મારા અંદરની ઓળખ મને ફાડી ખાઈ રહી હતી.

‘તો? આવી જાવ. આખીયે એરેન્જમેન્ટ તમારે ખાતર તો કરેલી છે. લેટ્સ સ્ટાર્ટ એ સોફ્ટ કોલ્ડડ્રીંક, માય ક્યૂટ લીટલ પિત્ઝાબોય… કમ ઈન.’ મિસિસ મિત્તલ શર્મા બહુ ઉતાવળાં લાગે છે. એ હંમેશા આમ જ ઉતાવળમાં રહેતી હોય છે.

પણ મારી હાલત કફોડી થવા જઈ રહી હતી, ‘સોરી મેડમ, હું પિત્ઝાબોય હતો… ક્યારથી? એ ખબર નથી. કોણે બનાવ્યો એ પણ નથી જાણતો.. પણ આજથી, અત્યારથી… હવેથી.. કદાચ નથી. હું ફરીથી(!) તમારો પિત્ઝાબોય નહીં બની શકું. સ..સોરી મેડમ!’

આટલું બોલતાં જ તો હું પરસેવે નાહી રહ્યો. ફાસ્ટ એ.સી.માં પણ વાતાવરણ આટલું હોટ ક્યારે અને કોણે બનાવી દીધું એ મને સમજાયું નહીં. મૂઠ્ઠીઓ વાળીને હું એ આલ્ફા ટાવરની આલીશાન ઓફિસમાંથી રિવર ફ્રન્ટ તરફના દાદર બાજુ દોડી જાઉં છું.

કશુંયે સમજી ન શકેલી અને મારા ઠંડા પ્રતિભાવથી આશ્વર્ય પામેલી મિત્તલના મોંએથી સંભળાઈ રહેલી ‘અર્ણવ… અર્ણવ’ ની બૂમો મને પજવવા માટે પાછળ પાછળ દોડતી રહે છે. એના અવાજ પરથી મને બે વાતની ખાતરી થાય છે;

…એક તો એ કે મિસિસ મિત્તલ શર્મા પહેલા એવા કસ્ટમર છે જેમણે પોતાની ઓળખ છુપાવવા માટે નામ બદલ્યું નહોતું!

…અને બીજું, પહેલીવાર મને બોસે આપેલા મારા આ પેટ નેમ ‘અર્ણવ’ નો લાભ મને આજે મળ્યો હતો. સારું થયું કે મિત્તલે મને ઓળખવા કોશિશ પણ ન કરી, નહિતર મારી અંદર પણ સુકેતુ, ધર્મિલ, વિપુલ કે પ્રતીક જેવાજ કોઈ એક નામની છૂપાયેલી સાચી ઓળખ છંછેડાઈ જાત તો??

– અજય ઓઝા

(‘વન્સ અગેઈન’ વાર્તાસંગ્રહમાંથી સાભાર. પુસ્તક ભેટ આપવા બદલ પ્રિય અજયભાઈનો ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ. પુસ્તક પ્રાપ્તિની વિગતો : કિંમત – ૧૭૦/- રૂ. પ્રાપ્તિસ્થાન : લટૂર પ્રકાશન, અવનિલોક ૩, શાંતિનગર સોસાયટી, ૨૨૭૩, હિલડ્રાઈવ, ભાવનગર ૩૬૪૦૦૧, મો. ૯૬૨ ૪૬૯ ૫૬૪૬)


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “પિત્ઝાબોય – અજય ઓઝા

  • સુબોધચંદ્ર મુડીયા.

    “હું ‘ફરીથી(!)’…તમારો પિત્ઝા બૉય નહુ બની શકુ.” શબ્દો ની સજાવટ એકદમ ઉત્કૃષ્ટ.

  • Natwarlal Modha

    મોટાં શહેરોમાં આથી વધુ શું થઈ શકતું હશે? ટાઈમ પાસ કે પાસ્ટ ટાઈમ?

  • હર્ષદ દવે

    વાસ્તવિકતાની રજૂઆત રસપ્રદ છે પણ સંબંધોની પરિભાષા હવે નવો અર્થ શોધે છે.