વન ડે માત્રમ – કુલદીપ લહેરુ 16 comments


સવારના સાતનો સમય…

અરે ભાઈ આજે ૨૬ મી જાન્યુઆરી છે, હું નહીં આવું. આવા દિવસે મને આવું બધું ન કહેવું. પ્રોગ્રામ વારી… ફોન મૂક. સાલાવ સમજતા જ નથી. હવારના હાત વાઇગામાં ફોન કરે અને શરમ વગર પૂછે “દાલુ પીવો થે?” બુદ્ધિના બારદાન… ભાઈ, પ્રજાસત્તાક દિવસ છે, આજે તો રહેવા દ્યો. રજા ના દિવસે’ય ઉઠાડી દીધો વહેલો.

ફોન મૂકીને મનમાં થોડો બડબડાટ કર્યા બાદ એણે ફેસબૂક ઉપર પોસ્ટ ચડાવી. “Happy Republic Day to All My Friends! Jay Hind! Vande Matram!”

સાડા દસ વાગ્યે…

“ભઈલા, પાંચ ઝંડા આપી દે હાલ… એકના કેટલા?”

“પાંચ રૂપિયા સાયબ”

“હોતા હઇશે? પંદરના પાંચ આપી દે હાલ. દેશભક્તિ જેવું છે કે નય કાંઈ તારામાં?”

“લ્યો સાયબ. લઇ જાવ… સાયબ, તમે ધ્વજ વંદન કરી આયવા?”

“ના. ટી.વી સમાચારમાં જોઈ લઈશ. ધ્વજવંદન વાળી… તું તારું કામ કર ને. તેં કયરું ધ્વજવંદન?”

“હા સાયબ. હવારે નિહાળે ગ્યો’તો. ન્યાંથી સીધો આંય આયવો ઝંડા વેસવા.”

“હારુ, હારુ… લે વીસ રૂપિયા… લાવ પાંચ પાછા… બે ઝંડા બાઇકમાં લગાવી દે…”

ઘરે જઈ, બાકી બચેલા ત્રણ ઝંડા કારમાં લગાવીને એ બહાર જમવા નીકળ્યો. એક નાનકડા ચાર રસ્તા પર વચ્ચે કાર ઊભી રાખીને પાનના ગલ્લે ત્રિરંગી પાનનો ફોટો પાડી ફેસબૂક પર અપલોડ કર્યો. સવારની પોસ્ટમાં થયેલા લાઇક અને કોમેન્ટ જોતા-જોતા ગલ્લાવાળાને પાન બાંધી આપવાનું કહ્યું. ચીંકીએ કોમેન્ટ કરી હતી,”Happy Independence Day!” એ ગૂંચવાઈ ગયો કે ૨૬ જાન્યુઆરી એટલે ’રિપબ્લિક ડે’ કે ’ઇન્ડિપેન્ડન્સ ડે’!? અચાનક એના એક કાને ગાળ સાંભળી. વચ્ચે પાર્ક કરેલી કારને લીધે ચાર રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

“કાકા, તમે જલ્દી પાન બાંધી દ્યો. આ સાલાવ (ગાળ… ગાળ…) લોકોને દેશભક્તિ જેવું કાંઈ છે જ નહીં. ગોળીએ દઈ દેવા જોઈએ બધાને લાઈનમાં ઊભા રાખીને. બે મિનિટ રાહ ન જોઈ શકે? આજે તો ત્રિરંગી પાન ખાઈએને?”

“પૈસા પછી આપજો. જાવ તમારી ગાડી જલ્દી સાઇડમાં લઈ લ્યો. સાવ રસ્તા વચ્ચે પાર્ક કરી છે.”

“હા બાપા હા. જાઉં છું. તમે’ય ગયઢા થઈ ગ્યા છો.”

બપોરના બારના ટકોરે..

જમીને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જ સામેની ગલીમાંથી રાષ્ટ્રધ્વજ સાથે થોડા છોકરાઓનું એક સરઘસ આવતું દેખાયું. એ તરફ ઝડપથી દોડી જઈ, સરઘસની આગળ ઊભા રહીને એણે સેલ્ફી લઈ લીધી. વોટ્સએપ પર અલગ-અલગ ગ્રુપમાં મૂકીને પ્રજાસતાક દિવસે દેશ માટે કંઈક કર્યા બદલ એણે નિરાંતનો શ્વાસ લીધો.

સાંજે સાડા છ વાગ્યે..

ચાની કેન્ટિન પર ગરમાગરમ મસાલાવાળી ચાનો સબડકો બોલાવતાં એણે એના ભાઈબંધને ફોન કર્યો. “ક્યાં છો?”

“ઘરે છું. પિંટુડાની રાહ જોવ છું. તું તો નથી આવવાનોને?”

“યાઆઆર… એટ…લે જ મેં ફોન કયરો છે.”

“રહેવા દે નાટક તારા… મન હોય તો આવી જા છાનોમુનો.”

“હા. તો હું… સિગારેટ લેતો આવું છું અને ચિકનનો ઓર્ડર આપી દઉં છું. અડધી કલાકમાં પહોંચી જઈશ.”

ચાની છેલ્લી ચૂસ્કી ભરી એ પાન બંધાવવા પાનના ગલ્લે ગયો. પાનના ગલ્લે રેડિયો પર ‘વંદે માતરમ’ગીત વાગી રહ્યું હતું. પાન ચાવતા-ચાવતા એ પણ ગણગણ્યો પણ મો માં પાનનો રસ વધી જવાથી માત્ર ’વન ડે…’ બોલી શક્યો અને ’માતરમ’મનમાં જ રહી ગયું.

’વંદે માતરમ’નું ’વન ડે માત્રમ’ થઈ ગયું… દેશભક્તિ પ્રદર્શનનો દિવસ અસ્ત થયો…

– કુલદીપ લહેરુ


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

16 thoughts on “વન ડે માત્રમ – કુલદીપ લહેરુ

 • Ramesh M Amodwala

  sir
  You have written just , but article should inspired to do needful for our country . you had given priority to social media & show the way for self respect wrongly. At least you have taken a chance to say something…….
  regards

 • Shailesh Goswami

  આવા દેશભક્તો ને તો ઘરમાં પણસ્વતંત્રતા ના હોવીજોયે. આવા લોકો દેશભક્તિ ના નામે ઘતીંગજ કરતા હોય છે.
  લેખ ખુબજ સરસ છે. આમાંથી પણ ઘણુબધું શીખવા મળે જો કોઈકે શીખવું હોય તો.
  કુલદીપ જી ને ખુબખુબ અભિનંદન.

  શૈલેષ ગોસ્વામી
  વડોદરા.
  ૨૩/૦૧/૨૦૧૮

 • મનસુખલાલ ગાંધી

  કોઈ વિધાનસભ્ય કે લોક્સભ્યની દિનચર્યા લાગે છે……!!!!

 • ભરત ચકલાસિયા

  વેરી ગુડ સ્ટોરી. આજે આઝાદી ખૂબ સસ્તી થઈ ગઈ છે.સાચી દેશભક્તિ જેવું ક્યાંય જોવા મળતું નથી.નીતિમત્તા અને પ્રામાણિકતા સાવ તળિયે ગઈ છે.આજના લોકોની માનસિકતા પર સરસ વ્યંગ.