એક શૈક્ષણિક શિબિરમાં હાજર રહેવાની તક મળી. તેનો મુદ્દો હતો કે એસ.એસ.સીમાં કેટલીક શાળાઓનું પરિણામ ૩૦% થી ઓછું આવ્યું હતું. તેમાં પણ કેટલીકનું તો ૦% આવ્યું હતું. તેના કારણો અને ઉપાયો શોધવા શિબિર યોજવામાં આવી હતી.

તેમાં બોલવાનું થયું ત્યારે એક સવાલ પૂછાયો કે આવું પરિણામ આવવાનું સંભવિત કારણ શું હોઈ શકે? તેના તરત જવાબો આવવા લાગ્યાઃ બાળકો નબળાં આવે છે, તેમને પ્રાથમિકમાં બરાબર શિક્ષણ નથી અપાતું, માતા-પિતા ઘરે ધ્યાન નથી આપતાં, સરકારને પડી નથી, સરકાર બીજા એટલા કામો સોંપે છે કે વર્ગમાં જવાનો સમય જ નથી મળતો… આવી લાંબી યાદી આવી. અને હકીકત હતી કે આ બધાં જ કારણો સાચાં હતાં.

પછી તેમને સવાલ પૂછાયો કે આ બધાં જ કારણોમાં તમારું નામ કેમ નથી આવતું? આ બધાં કારણો સાચાં, પણ તમે પણ પરિણામ સંદર્ભે જવાબદાર છો એ કેમ નથી કહેતા? તમે બાળકોને યોગ્ય શિક્ષણ આપ્યું છે? માની લો કે આ બધાં જ કારણો હાજર છે, છતાં તે વચ્ચે પણ તમારા શિક્ષણના પ્રયાસોથી પરિણામ વધી ન શકે? માની લો કે તમને ઓછો સમય મળે છે, પણ એ સમયમાં પણ તમે એવું શિક્ષણ ન આપી શકો કે પરિણામની ગુણવત્તામાં સુધારો થાય? તમે બધાને જવાબદાર ગણ્યા, માત્ર તમને જ ભૂલી ગયા!

આપણે ત્યાં સગવડો બાબતે, કામ બાબતે, વગેરે જેવા અનેક મુદ્દાઓમાં સરકાર કે વહીવટ સામે જબરી ફરિયાદો કરાય છે, પણ એમ નથી કહેવાતું કે તેમાં હું પણ જવાબદાર છું. નગરપાલિકા કચરો નથી ઉપાડતી એ વાત સાચી, પણ હું પણ કચરો કરું છું એનું શું? કચેરીમાં નિયમિત કામ નથી થતું એ સાચું, પણ હું કચેરીમાં નિયમિત નથી જતો કે જતી તેનું શું?

માનવજાતની એક વિચિત્ર વૃત્તિ રહી છે કે કંઈ પણ મુશ્કેલી થાય, તકલીફ થાય, ખોટું થાય, તો તેનાં કારણો હંમેશ બહાર જ હોય છે. જવાબદારી કોઈકની જ હોય છે. ક્યારેક વ્યક્તિ કહેતી નથી કે તેમાં ‘મારી’ પણ જવાબદારી છે. યશ લેવા બધા તૈયાર હોય છે, પણ અપયશનો સવાલ ઊભો થાય તો તેની જવાબદારી બીજાની હોય છે, આપણે ત્યાં ‘ખો ખો’ની રમત સતત રમાય છે.

હકીકત એ છે કે પ્રગતિ થાય કે અવગતિ, એટલે પાછળ રહેવાય તો જવાબદારી જે તે વ્યક્તિની જ હોય છે. બહારનાં આડખીલીરૂપ હોઈ શકે છે, તે છતાં પણ વ્યક્તિ ધારે તો આગળ વધી શકે છે કે સફળ થઈ શકે છે. વ્યક્તિ પાસે એટલી તાકાત છે કે ધાર્યું કરી શકે છે. પણ તકલીફ એ છે કે વ્યક્તિ કે સમાજને ક્યારેય એવું શીખવવામાં નથી આવતું કે તેનાં જીવનમાં જે કંઈ બને છે તેના માટે કેવળ તે જ જવાબદાર છે.

અહીં સ્વામી વિવેકાનંદનું એક અદભુત વિધાન યાદ કરવા જેવું છે. તેઓ કહે છે, ‘તમારામાં રહેલી દિવ્યતા પ્રગટ કરો એટલે બધું આપોઆપ ગોઠવાઈ જશે.’ આ વિધાન સતત વાગોળવા જેવું છે.

વિવેકાનંદ પહેલી વાત જ એ કરે છે કે મનુષ્ય પોતાનામાં જ અદભુત શક્તિ ધરાવે છે જેને તે ‘દિવ્યતા’ કહે છે. આ દિવ્યતા કે અદભુત શક્તિ, જે અનંત છે. તેનો જેમ ઉપયોગ કરાય તેમ તે વધતી જાય છે, પણ તે સુષુપ્ત છે. તેને પ્રગટાવવી પડે છે. તેને પ્રગટાવવાની તાલીમ લેવી પડે છે અને આ તાલીમ એ જ છે કે તેણે ‘માનવાનું’ છે કે પોતાનામાં આ અદભુત શક્તિ છે, પોતાનામાં અનંત ક્ષમતાઓ છે અને તેનો તે ધાર્યો ઉપયોગ કરી શકે છે.

એટલે પ્રથમ કેળવણી એ લેવાની છે કે પોતા વિશેનો ખ્યાલ બદલવાનો છે. આપણને એમ કહેવામાં આવે છે કે માણસ તો મર્યાદિત શક્તિ ધરાવનાર વ્યક્તિ છે. ભાગ્ય પણ જવાબદાર છે. પરિસ્થિતિ પણ જવાબદાર છે. આ બધું અમુક અંશે સાચું હોવા છતાં જો એ ખ્યાલ સ્પષ્ટ થઈ જાય કે પોતામાં અનંત ક્ષમતા રહેલી છે અને તેનો ઉપયોગ કરવામાં આવે તો આ બધા અવરોધો હોવા છતાં પણ તે વ્યક્તિ આગળ વધી શકે છે. પ્રગતિનો આધાર ‘બહાર’ નથી, ‘પોતામાં’ છે. તેણે સમજી લેવાનું છે કે શક્તિ, ક્ષમતા, દિવ્યતા, તાકાત કોઈ બહારના માધ્યમથી મેળવવાની નથી. તે તો પહેલેથી જ ‘છે’. જન્મથી જ છે. કુદરતે તેને જન્મથી જ અનંત શક્તિ આપી છે, પ્રશ્ન તે મેળવવાનો નથી. પ્રશ્ન તેને ‘પ્રગટાવવા’નો છે. એટલે સ્વામીજી કેળવણીની પણ અદભુત વ્યખ્યા આપે છે કે ‘શિક્ષણ એટલે માનવમાં રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ.’ એટલે કે દિવ્યતા – ક્ષમતા તો માનવમાં રહેલી જ છે, માત્ર તેને પ્રગટાવવાની છે, અભિવ્યક્ત કરવાની છે. શિક્ષણ એટલું જ મેળવવાનું છે કે તેને અભિવ્યક્ત કેમ કરવી.

અને તે માટે એક જ કામ કરવાનું છે, પોતાના વિશેનો ખ્યાલ બદલવાનું. માની લો કે અત્યાર સુધી એ માન્યતા હતી કે મારાથી અમુક થાય કે અમુક ન થાય, તો તેને હવે બદલાવીને એમ માનવાનું છે કે ‘હું ઈચ્છું તો હું ધાર્યું કરી શકું.’ એટલે કે એમ સમજવાનું છે કે બાહ્ય પરિસ્થિતિ ગમે તે હોય, પણ હું ઈચ્છું તો તેને અતિક્રમીને પણ કરી શકું, મારી ક્ષમતાની ક્ષમતા જાણવાની જરૂર છે.

એકવાર જો ખ્યાલ બદલાઈ જાય, ક્ષમતાનું ભાન થઈ જાય, દિવ્યતાનો સ્પર્શ થઈ જાય, તે પ્રગટવાની શરૂ થાય, તો સ્વામીજી કહે છે, ‘બધું આપોઆપ ગોઠવાઈ જાય છે.’

આ વિધાન તો અતિ અદભુત છે. સ્વામીજી કહે છે, ‘બહારની પરિસ્થિતિ ગમે તે હોય, પણ વ્યક્તિમાં ક્ષમતા એટલી છે કે તે તેને બદલાવી શકે છે, પોતાને અનુકૂળ કરી શકે છે.’ પરિસ્થિતિ મહત્વની નથી, ‘ક્ષમતાની સભાનતા’ મહત્વની છે. એકવાર વ્યક્તિ પોતાની ઈચ્છાશક્તિ પ્રબળ કરે કે તરત પરિસ્થિતિ અનુકૂળ થવી શરૂ થાય છે. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય છતાં તે વ્યક્તિને અનુકૂળ થવી શરૂ થશે.

અને તેનું ઉદાહરણ સ્વામીજી પોતે જ છે. તે સર્વધર્મપરિષદમાં ભાગ લેવા અમેરિકા ગયા. પૂરતી માહિતી વગર જ શિષ્યોએ તેમને મોકલી દીધા હતા એટલે બધું જ પ્રતિકૂળ થવા લાગ્યું. પહેલાં તેઓ વાનકુંવર અને ત્યાંથી માંડ માંડ અમેરિકા પહોંચ્યા, તો ત્યાં ક્યાં રોકાવું તેની સમસ્યા ઊભી થઈ. પાછળથી પરિચયપત્ર ખોવાઈ ગયો. અનેક સમસ્યાઓ ઊભી થતી ગઈ. પણ સ્વામીજીને પોતાની ક્ષમતા પર સજ્જડ વિશ્વાસ હતો. આ બધી પરીસ્થિતિ વચ્ચે પણ તેઓ સ્વસ્થ રહ્યા. પરિણામે એક પછી એક ઉપાયો મળતાં ગયા. ત્યાં તેમને અદ્વિતિય સફળતા મળી. તેમના જીવનનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે અમેરિકામાં શરૂઆતમાં તેમને જે તકલીફો પડી તે કલ્પનાતીત હતી, હચમચી જવાય તેવી હતી. પણ સ્વામીજીએ પોતાની દિવ્યતાને જાગ્રત રાખી, માટે ક્રમશઃ ‘બધું જ આપોઆપ ગોઠવાતું ગયું.’

મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રીકામાંથી ભારત આવ્યા અને ટાગોર પાસે રહેતા હતા ત્યારે કાકા કાલેલકર અને કૃપાલાણીજી તેમને મળવા ગયા. બન્ને હિંસાના હિમાયતી હતા. અહિંસાથી આઝાદી ન મળે એમ દ્રઢ રીતે માનનારા. ગાંધીજી પાસે જઈ કૃપાલાણીએ પુષ્કળ દલીલો દ્રારા સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે હિંસા વગર સ્વતંત્રતા શક્ય જ નથી. તે માટે તેમણે ઈતિહાસમાંથી પુષ્કળ દાખલા ટાંક્યા. છેલ્લે કહ્યું કે ઈતિહાસમાં આવો કોઈ દાખલો બન્યો નથી. ત્યારે ગાંધીજીએ શાંતિથી જવાબ આપ્યો કે ‘હું નવો ઈતિહાસ રચીશ.’ આ જવાબ સાંભળી એક પળમાં કૃપાલાણી તેમના શિષ્ય બની ગયા.

કેમ આવો જવાબ આપ્યો ગાંધીજીએ? અથવા કેમ આવો જવાબ તે આપી શક્યા? એક જ કારણ – તેમને પોતાની ક્ષમતાનો, શક્તિનો પરિચય થઈ ગયો હતો. તેની મદદથી જ તેમણે દક્ષિણ આફ્રિકામાં અશક્ય વિજય મેળવ્યો હતો અને ઈતિહાસ સાક્ષી છે કે તેમણે અહિંસાની શક્તિથી ભારતને આઝાદી અપાવી. એટલું જ નહીં, તેમનું જીવન વાંચીને નેલ્સન મંડેલાએ આફ્રિકામાં સ્વતંત્રતા મેળવી અને માર્ટીન લ્યુથર કીંગે અમેરિકામાં ગુલામોના હક મેળવ્યા. દીપ સે દીપ જલે! વિવેકાનંદની સફળતાને પગલે જ રામાતીર્થે અને સ્વામી યોગાનંદે પણ અમેરિકામાં ભારતીય વેદાંતનો ઝંડો ફરકાવ્યો.

આવા તો અનેક દાખલા પળે પળે વિશ્વમાં બની રહ્યા છે જેમાં જે વ્યક્તિ પોતાની દિવ્યતા પર શ્રદ્ધા મૂકી કામ કરે છે તેને સફળતા મળે છે. તેના માટે પરિસ્થિતિને પણ બદલાવું પડે છે. અનેક ખેલાડીઓ, ક્રિકેટરો, ઉદ્યોગપતિઓ, અરે, શિક્ષકો અને કારકુનો પણ તેનાં ઉદાહરણો છે. એક ફિલ્મ આવેલી ‘માઉન્ટન મેન – માંઝી.’ તેમાં એક નાનકડા માણસે બે ગામ વચ્ચે આવતા પહાડને એકલે હાથે કોતરી નાખ્યો અને માર્ગ તૈયાર કરી દીધો. અનેક જણે તેની હાંસી ઉડાવી, પણ તે ન જ ડ્ગ્યો અને વર્ષો સુધી પર્વત તોડતો રહ્યો અને છેવટે માર્ગ બનાવીને જ રહ્યો. આવા તો અનેક દાખલાઓ આજે પણ બને છે.

એટલે જ જાણવા અને સમજવાનું છે કે બહારની પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ જો પોતાની ક્ષમતાનું ભાન થઈ ગયું હશે તો વ્યક્તિ ઇચ્છિત કામ કરશે જ. સવાલ પરિસ્થિતિનો નથી, વલણનો છે. હવે તો મનોવિજ્ઞાન પણ કહે છે કે વ્યક્તિની માનસિકતા કેવી છે તેના પર તેની સફળતા – નિષ્ફળતાનો આધાર રહે છે. બે પ્રકારની માનસિકતા હોય છે. એક હોય છે ‘જડ માનસિકતા’ અને બીજી છે ‘વિકાસશીલ માનસિકતા’. જડ માનસિકતા એટલે એવું માની લેવું કે વ્યક્તિ કાં તો સફળ થાય અથવા નિષ્ફળ જાય. ત્રીજો કોઈ માર્ગ જ નથી. પણ વિકાસશીલ માનસીકતા કહે છે વ્યક્તિ જો સતત શીખવા અને તેનો સાતત્યભર્યો અભ્યાસ કરવા તૈયાર હોય, તો ભલે અત્યાર સુધી પછાત હોય, તો પણ તે આગળ વધી શકે છે અને સફળતા મેળવી શકે છે.

પણ પાયામાં છે ‘પોતામાં રહેલી દિવ્યતાને પ્રગટાવવી’ની સમજ. એટલે કે પોતાની મર્યાદિત માનસિકતાને પડકારી પોતાની આંતરિક શ્રદ્ધાને પ્રગટાવવી, તો પરિસ્થિતિ પણ તેને અનુકૂળ થશે. સમગ્ર ઈતિહાસ તેનાં ઉદાહરણોથી છલકાય છે. આજે પણ એવા દાખલાઓ બને છે.

આ વાક્યને શિક્ષણનું પાયાનું સૂત્ર, બાળઉછેરનું પાયાનું, જીવનવિકાસનું સૂત્ર બનાવવાની જરૂર છે. દરેક પળે તેને વાગોળવાનું છ કે ‘તમારામાં રહેલી દિવ્યતા પ્રગટ કરો એટલે બધું આપોઆપ ગોઠવાઈ જશે.’

– હરેશ ધોળકીયા


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

2 thoughts on “હું જ મારો મિત્ર, હું જ મારો શત્રુ – હરેશ ધોળકીયા