માલસરના માર્ગે! – ગોપાલ ખેતાણી 30


હરવું, ફરવું, રખડવુ, પ્રવાસ, વિચરણ, યાત્રા, ભટકવું, પિકનિક, ટુર, ડે-આઉટ! અહાહા! ઘણાં બધા નામ….શેના ?

કુપમંડુકવ્રુત્તીમાંથી બહાર નિકળવાના જ સ્તો. “ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે”, સમજવા, અનુસરવા જેવું વાક્ય આપણે નાનપણથી ભણીએ છીએ.

“I would rather walk with a friend in the dark, than alone in the light.” – Helen Keller

પ્રવાસ અને ફરવાના પ્રસંગો તો ઘણાં બન્યા પરંતુ “માલસરનો પ્રવાસ” કંઇક અલગ જ છાપ છોડી ચૂક્યો છે. તો અંતઃકરણે અનુભવેલા, મનમાં માણેલા પ્રસંગોને શબ્દોના વાઘા પહેરાવવાનો પ્રયત્ન કરું છું.

આ પ્રવાસ યાદગાર એટલે રહ્યો કે ફક્ત માલસર જવું એટલી જ ખબર હતી, કેવી રીતે જવું, ત્યાં કેટલો વખત રહેવું અને ત્યાંથી બીજે કશે જવું કે નહીં એવુ કશું પ્લાનીંગ કર્યુ જ નહોતું. બસ, એમ જ રખડવા નીકળી પડવાનું, હરીનું નામ લઇને!

૧૨ સાયન્સ પછી ડિપ્લોમા કર્યુ. એ વખતે જે મૈત્રી થઇ એ ડિગ્રી, નોકરી તથા લગ્ન બાદ પણ યથાવત રહી. ડિપ્લોમા પૂરા થયાને ૬ વર્ષ બાદ અમે સાત મિત્રોએ મળવાનુ નક્કી કર્યું. જેમાંથી ત્રણ મિત્રોના લગ્ન થઇ ગયેલા. હવે કોઇ એક જગ્યાએ અથવા કોઇના ઘરે નહીં પણ બહાર જવાનુ નક્કી કર્યું અને એ પણ અમે ફક્ત સાત મિત્રો જ. ત્રણ વિવાહિત મિત્રો એ પોતાની અર્ધાંગીની પાસેથી આ ફરવા જવાની મુશ્કેલ પરવાનગી મેળવી અને અમે તેમના આભારી છીએ.. આજની તારીખે પણ.

ચાર મિત્રો વડોદરાના જ હોઈ, વડોદરા મળવાનુ નક્કી કર્યુ. ડિસેમ્બર મહિનાની સાંજે બધા પોતપોતાની બેગ સાથે આવી પહોંચ્યા. ગિટાર સાથે સુરોની રંગત જમાવી કોલેજકાળની યાદો તાજા કરી. સવારે વહેલાં ઉઠી ૮ વાગ્યા સુધીમાં વડોદરા એસ.ટી. બસ સ્ટેન્ડ પહોંચ્યા. એક-બે મિત્રને જ માલસરનો આછો પાતળો ખ્યાલ, એ સિવાય કોઇએ નામ પણ સાંભળેલુ નહીં. બસની રાહ જોવામાં સમય બગાડ્યા વગર અમે લોકોએ મારુતી ઓમ્ની ભાડે કરી જે અમને માલસર પહોચાડે. સૌ પહેલા તો “મહાકાળીના સેવ-ઉસળ” પર ગાડી રોકાવી. સેવ-ઉસળની મોજ લઇ માલસર તરફ ગાડી રવાના થઇ. માલસર – વડોદરાથી ૬૦ કી.મી. દૂર દક્ષિણે નર્મદા નદીના કિનારે વસેલુ નાનકડું ગામ.

ગામમાં નદી કિનારે ૩-૪ આશ્રમ આવેલા છે. નિરમા આશ્રમ પર અમે ૧૦ વાગ્યે પહોચ્યા. જીન્સ ટીશર્ટમાં સજ્જ યુવાનોને જોઇ સંચાલકે આશ્રમમા રહેવાની ના જ પાડી દીધી. અને આમ પણ ત્યાં ૫૦ વર્ષથી વધુ ઉમરની વ્યક્તિઓને જ પ્રવેશ અપાતો. એક મિત્રની ઓળખાણ અને અમે સહુએ ખાત્રી અપાવી કે આશ્રમ તથા ગામની ગરિમાને નુકસાન પહોંચે એવુ કશું નહિ કરીએ ત્યારે જ અમને પ્રવેશ મળ્યો. અમને સાત બેડ વાળો એક રૂમ ફાળવ્યો. બધા સામાન મૂકી બહાર આવ્યા. અહાહા, શું મનોહર દ્રશ્ય. આશ્રમ સંચાલકોએ બહુ જ સુંદર બગીચો બનાવ્યો હતો. બગીચાની પાળીને પાર નર્મદા નદીનુ વિહંગમ દ્રશ્ય.

બધાએ મન ભરીને કુદરતી સૌંદર્ય પીધું. ધરાયા એટલે ગામ તરફ રવાના થયા. મોબાઇલના ટાવર પણ જરા તરા જ મળે એટલે સાવ નિરાંત્ત જ હતી એમ સમજોને.. બપોરે ફરી આશ્રમ પર આવ્યા. બે ટંકનુ જમવાનુ અને બપોરની ચા આશ્રમ તરફથી મળે છે. જમ્યા બાદ બધા આશ્રમની બાજુમા આવેલ ઘાટ તરફ ગયા.

અહીં પગથીયા નથી, કુદરતી રીતે ઢાળ જ બનેલો છે જે કદાચ ગામ લોકોએ વ્યવસ્થિત કર્યો હશે એવું લાગતું હતું. નદી કિનારે ફોટો પાડ્યા. અમારા સિવાય અહી કોઇ જ ના મળે. એક હોડકુ આવતું જોઈ બધાને તેમાં બેસવાની ઇચ્છા થઇ. હોડકાવાળા ભાઇ જોડે ભાવ તાલ નક્કી કર્યા. એય ને બધા હોડકાની મોજ માણવા ચડ્યા. અમે સાત મિત્રો, નર્મદા નદી, કુદરતનો નિર્ભેળ આનંદ.. અહાહા.. એક અલગ જ મસ્તી હતી. શોરબકોર થી દૂર.. નિજાનંદમા લઇ જનારી.

મનમાં તમને ધૂન સ્ફુરે જ.. “ओ मांझी रे.. अपना किनारा… नदीया की धारा है.. ओ मांझी रे।”

સામે કાંઠે સરસ વનરાઈ હતી. પેલા ભાઇ અમને સામે કાંઠે લઇ ગયા. વાંકીચૂકી કેડીઓ પર કદમ સાથ મિલાવી રહ્યા હતા. ન જાણે ક્યારે અમારી જોડે “ધર્મરાજનો શ્વાન” પણ હમરાહી થઇ ગયો. કેડી પાર કરી ને એક નાનકડી ટેકરી પર આવેલા શિવાલયે પહોંચ્યા. મિત્રના હાથમાં ગિટાર જોઇ પૂજારીજીએ વગાડવા કહ્યું.. ભાઇ ભાઇ.. દોડવું’તું ને ઢાળ મળ્યો. ઝીંગ.. ઝીંગ.. ઝીંગ.. ગિટારના તારે સંગીત વહાવવાનું શરૂ કર્યુ.. “हरे रामा.. हरे क्रिश्ना.. हरे क्रिश्ना हरे हरे॥” તરબરતી યુવાની, શિયાળાની મોસમ, નર્મદાનો સંગ, મંદિરનું સાન્નિધ્ય, ગિટારની ધૂન, ભોળા ભક્તોની ઉપસ્થિતિ ને અમારા સુરોની રંગત.. જલસો તે આનુ નામ.

વળતા અમને ઝરણા પાસે હોડકાવાળા ભાઇ લઇ ગયા. ખિલખિલાટ હસતી તરુણી સમાન ઝરણું કંદરાઓમાથી વહી કાળા સપાટ પથ્થરો પર અભિષેક કરી રહ્યું હતું. આછી ફુવારી કેટલાક મિત્રોના મન તરબોળ કરી ગઇ તો તેઓએ તનને પણ તરબોળ કરવા સર્વસ્વ ઝરણાને આધીન કર્યુ. મોજ મસ્તી કરતા કરતા અમે ઘાટ તરફ રવાના થયા. ઘાટ પર પહોંચતા પહેલા કિનારા પાસે હોડ્કું થોભાવ્યું. પાણી એટલુ ચોખ્ખુ કે નીચેની રેતી સ્પષ્ટપણે દેખાય. જે મિત્રોના મનમાં ઝરણા પાસે તરબોળ થવાના ઉમંગ નહોતા ઉઠ્યા એ લોકો હવે ગાઇ ઉઠયા કે “मन मा इमोसन जागे रे, मन मा इमोसन जागे।” બધાએ નહાવાનો આનંદ ઉઠાવ્યો. ફરી કુદરતને માણતા ઘાટ પર પહોચ્યા. સાંજ પડી ગઇ હતી. ગામમાં આવ્યા. વડલાની આસપાસ ગામના છોકરાઓ સંતાકુકડી રમતા હતા. અમને પણ મન થઇ આવ્યુ. છોકરાઓને પૂછ્યું, એમની રજા મળતા જ, એ લોકોની જોડે સંતાકુકડી રમી ફરી એક વાર બાળપણને માણ્યું. ભાઇ, એમને પણ મજા પડી.

બધાને પિપરમેંટ વહેચી અમે આશ્રમ પર ૮ વાગ્યા પહેલા પહોંચી ગયા કારણ કે આશ્રમના દરવાજા આઠ વગ્યે બંધ થઇ જાય. એક મિત્રને કંપની પરથી ફોન આવેલો એટલે વહેલી સવારે રવાના થઇ જવાનો હતો. અમને થોડુ દુઃખ થયું પણ શું થઈ શકે? છતાં આખી રાત અમારી જોડે હતી. આશ્રમના નોટિસ બોર્ડ પર માહિતી હતી માલસરથી કબીરવડ જવાની, સુમો સંચાલકના નંબર આપેલ હોઈ તેમની જોડે વાત કરી નક્કી કર્યું કે માલસરથી કબીરવડ વાયા નારેશ્વર, અને ત્યાંથી અમને વડોદરા પહોંચાડી દે.

આશ્રમમાં પહોંચી આરતી કરી, રાતનું વાળું કરી રૂમ પર આવ્યા. મહેફિલ ફરી જામી. મોડી રાત સુધી ગપ્પા માર્યા. સવારે વહેલા ઉઠી, પ્રાતઃકર્મ પતાવી, સજ્જ થઇ ને બહાર બગીચામાં આવ્યા તો આંખો ચાર થઇ (મારી આઠ થઇ.. ચશ્મા રહ્યા ને!). ઝાકળભીના પુષ્પો, પર્ણોને પાર આછી ધુમ્મસમાં વહેતો માં નર્મદાનો અવિરત પ્રવાહ જોઈને તમારું મન પ્રફુલ્લિત ન થાય તો જ નવાઈ! બગીચામાં તો જાંબલી પુષ્પોએ વેરાઇને એક રંગીન ચાદર જ પાથરી દીધી. બધાએ ફરી ફોટોગ્રાફીને ન્યાય આપ્યો. અને સુમોમાં સવાર થઇ માલસરને “આવજો” કહ્યું.

મન તૃપ્ત હતું. કશુંક મેળવ્યું માલસર આવીને એવી સરસ અનુભૂતિ પણ થઈ. આરામથી ગીતો વગાડતા અને સાથે સૂર પૂરાવતા સફરનો આનંદ માણી રહ્યા હતા. વીસ કિ.મી. આસપાસ અંતર કાપ્યું હશે કે આગળ રસ્તા પર જોયુ, એક ઝાડ રસ્તાની વચ્ચોવચ પડેલુ. રસ્તો બંધ. અમે બધા ઉતર્યા, ત્યાં થોડા બીજા માણસો પણ એકઠા થયા.

એક ભાઇની જોડે દાતરડું અને કુહાડી હોઈ બન્ને વસ્તુ માંગી. અમે બે-ત્રણ મિત્રો ઝાડ ખસેડવા આગળ થયા. બાકીના ત્રણ મિત્રો આ નઝારાની લાઇવ કોમેન્ટ્રી અને મોબાઇલ શુટીંગ કરવા લાગ્યા અને વાતાવરણમાં થોડી હળવાશ ઉમેરી. (એ વિડીઓ ફાઈલ હજુ પણા જોઉં ત્યારે હોઠના બન્ને ખૂણા આંખો પાસે પહોંચવાનો પ્રયત્ન કરવા લાગે છે.)

અમારો ઝાડ ખસેડવાનો પ્રયત્ન જોઇ બાકીના લોકો પણ આગળ આવ્યા અને સમૂહ પ્રયત્નથી ઝાડ રસ્તા પરથી ખસેડ્યુ. ફરી હસતા રમતા સુમોમાં ગોઠવાયા.

આ મસ્ત મૌસમનો આનંદ લેતા નારેશ્વરનો નાદ માણવા આગળ ધપ્યા. નારેશ્વર પહોચ્યા. મંદીરમાં દર્શન કરી ઘાટ પર પહોચ્યા. નયન રમ્ય દ્રશ્ય. જો કે એ સમયે ઘાટના જિર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું હતું. ફરી સુમોમાં બેઠા અને કબીરવડ માટે આગળ ધપ્યા. ડ્રાઇવરની બાજુની સીટ પર મેં જમાવ્યુ હતું. ગીતોની રમઝટ બોલાવતા હતા કે એક ઘટના ઘટી. અમે ગામમાંથી પસાર થતા રસ્તા પર સામાન્ય સ્પીડથી જતા હતાં અને જમણી બાજુથી, રસ્તાની બાજુ પર આવેલા એક ઘરમાંથી, આશરે ચાર વર્ષનો એક છોકરો દોડતો બહાર નિકળ્યો. ડ્રાઇવરે સમય સુચકતા વાપરીને સ્ટીયરીંગ ખુબ જ ઝડપથી ડાબી બાજુ ઘુમાવ્યુ અને અમારી સુમો રસ્તા પરના થાંભલા સાથે અથડાઇ. પાછળની સીટ પર બેઠેલા મિત્રોનો ધક્કો લાગ્યો અને મારું માથુ કાચ સાથે અથડાયુ. સદનસીબે ચશ્મા જ તૂટ્યા. પણ પેલો છોકરો પણ સુમો સાથે અથડાયો હતો. તેને નજીવી ઇજા થઇ તેમ છતા ગામ લોકો ભેગા થઇ ગયા અને લડવાના મૂડમાં આવી ગયા. અમારો ડ્રાઇવર ભરૂચ તરફનો જ હોઇ ગામ લોકોએ થોડી શાંતી રાખી.

મારા મિત્રએ તુરંત કહ્યું કે અત્યારે જ છોકરાને પહેલા હોસ્પિટલ લઇ જઇ ડૉક્ટર જોડે તપાસ કરાવીએ, પછી બધી ચર્ચા કરીશુ. ડૉક્ટરે પણ જણાવ્યું કે મામૂલી ઇજા છે. (અહીં છોકરાના સ્વજનોનો ચોખ્ખો ઉદ્દેશ્ય પૈસા પડાવવાનો જ હતો. જો ગાડી ભરૂચ બહારની હોત તો પૈસા ખંખેરવા જ પડત.) હું ઝડપથી કિરાણાની દુકાને ગયો અને ફેવિક્વિક ખરિદી. ચશ્મા મસ્ત રિપેર થઇ ગયા. વિના વિઘ્ને અમે શુક્લતીર્થ પહોંચ્યા. તુરત જ મોટરબોટમાં ગોઠ્વાયા સામે પાર જવા માટે.. “मेरे साजन है उस पार, मै इस पार, ओ मेरे मांझी अब की बार, ले चल पार.. मेरे साजन है उस पार ।”

કબીરવડ… અહાહા.. વડલાઓની ગોદમાં શોભતું કુદરતનુ અનમોલ નજરાણુ. વડલાઓની વચ્ચે દૈદિપ્યમાન મંદીરે જઇ બધાએ દર્શન કર્યા.

અહી અમે વાનર સેના જોઇ. ખુબ મજાનુ અવલોકન કર્યુ. અહી ઘણા બધા લોકો વાનરોને કેળા ખવડાવે છે. અવલોકન એ કે વાનરો “વાનરવેડા” નથી કરતા. લોકો જેને કેળા આપે એ જ વાનર કેળુ લે. હા, વાનરો કેળા માટે આગળ ધસે ખરા પણા છીના-ઝપટી નહીં. અમે પણ વાનરોને કેળા ખવડાવવાનો આનંદ ઉઠાવ્યો. પછી અમે ચા-નાસ્તો કર્યો. પ્રવાસ પૂર્ણ કરવા અમે ઉત્સુક થયા. સામે કાંઠે પહોચ્યા અને સુમોએ ત્યાથી અમોને સહી સલામત વડોદરા પહોંચાડ્યા.

કોઇ જ ખાસ પ્રી-પ્લાન વગરનો અમારો આ પ્રવાસ; અમને મિત્રોને; એક બીજાની નજીક, કુદરતની નજીક અને ખાસ તો અમારા મનની નજીક લઇ આવ્યો. જ્યારે પણ આ પ્રવાસ વિશે વિચારું છું અથવા ફોટોગ્રાફ્સ નિહાળતો હોઉ છું, તો અચાનક જ મન ગણગણવા લાગે છે.. “शामे मलंग सी, राते सुरंग सी, बागी उडान पे ही, ना जाने क्युं.. इलाही मेरा जी आये आये.. इलाही मेरा जी आये आये ।”

– ગોપાલ ખેતાણી


આપનો પ્રતિભાવ આપો....

30 thoughts on “માલસરના માર્ગે! – ગોપાલ ખેતાણી