સ્ત્રીઓ.. – રમણીક અગ્રાવત 5


એ હોય છે ત્યારે બધું જ
તેની આસપાસ વહેતું હોય છે.
નદીના ગુપ્ત પ્રવાહ સમી
સઘળું વહાવતી, ચૂપચાપ
એને પણ ખબર ન હોય એમ
આખ્ખાય ઘરનો ઘટાટોપ
એના દુર્બળ ખભા પર ઊંચકી
એ વહેતી હોય છે…

એ વહી જાય પછી ક્યાંય વરતાતી નથી
જાણે એ કદી ક્યાંય હતી જ નહીં.
પોતાની કોઈક સમયની નક્કર હાજરીની
છેલ્લામાં છેલ્લી નિશાની
પોતે જ ભૂંસી નાખી
ક્યાંય વહી જાવ છે
વહેતા પ્રવાહ જેવી સ્ત્રીઓ….

પગલે પગલું દબાવતી આ રહી સ્ત્રીઓ.
સ્ત્રીઓ ઘરમાં હોય છે
સ્ત્રીઓ બહાર હોય છે
અહીં, ત્યાં ચારે તરફ સ્ત્રીઓ જ સ્ત્રીઓ

હવાના લયમાં વહેતી
કશા હિલ્લોળ સદાય રહેતી સ્ત્રીઓ.

બાનું સરાવણું કરવા બેઠો હતો
યજમાન, માતાનું નામ લઈ જળ મૂકો
માનુ નામ તો સાવ હોઠે
હજી ખોળા હેઠ જ ક્યાં ઊતર્યો છું?
નાની – માતામહીનું નામ લઈ જળ મૂકો, યજમાન
એકાદ-બે ક્ષણ સ્મરણપથ પર સાવ જ સૂનકાર
નાના નાની નાની…. હૈયે ચઢે નહી ઝટ
યજમાન, કહો ગંગા જમના સરસ્વતી
નાનીની માતાનું નામ લઈ જળ મૂકો-
વળતાં જ સંભળાય;
યજમાન, બોલો ગંગા જમના સરસ્વતી.

હળાહળ વાસ્તવ ની ગંગા અને
રૂડા સપનાની જમના સંગે
સદા રહે ગુપ્ત સરસ્વતી; સ્ત્રીઓ
સાવ વીસરાઈ જાય સ્ત્રીઓ
ક્યાં ગયાં ગંગા ફઈ?
એમણે તો સંસાર માંડ્યા પહેલાં જ
પાછો પગ કર્યો
વાડ પર ચડ્યા પહેલાં જ વેલ સૂકાઈ.

દાદી, મોટા બા, બા, બહેન, ભાભી
માસી, મામી, કાકી, ફઈ,
દીકરી, પૌત્રી, સખી
વડસાસુ, સાસુ, પાટલાસાસુ,
સાળી, સાળાવેલી, નણંદ
જીવનનાં વિવિધ વળવળોટે
ગોઠવાઈ ગઈ છે માધુર્યમૂર્ત માતૃકાઓ
કીડીઓ કીડીઓ કીડીઓ
ઊભરાઈ ઊભરાઈ દરમાં સમાય
નામરૂપ ઓગળી ઓગળી સંબધોમાં વિલાય
જેમ પૃથ્વીમાં સીતા સમાય.

પૃથ્વી સમી ઘૂમતી આ રહી સ્ત્રીઓ
પ્રિયજનોની વચ્ચે આમથી તેમ ભટકતી.

અડી શકાય એટલે જ છેટે હોય છે હંમેશા સ્ત્રીઓ
પોતાની મધુરતામાં ગરકાવ
પોતાના જ આયનાની સામે ઊભી રહીને
નિરખ્યા કરે પોતાને નિરંતર
પોતાના પર હોય જાણે સાવ લુબ્ધ.
આ સ્ત્રીઓ ન હોય તો સઘળે સઘળું
બની રહે ક્ષુબ્ધ.

સ્ત્રીઓ ખરેખર તો ક્યાંય હોતી જ નથી.
એમનાં પોતાનામાં પણ નહીં,
વહેતો પ્રવાહ કદી ક્યાંય ટક્યો કે ટકશે?

– રમણીક અગ્રાવત (શબ્દસૃષ્ટિ એપ્રિલ ૨૦૧૫ના અંકમાંથી સાભાર)


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 thoughts on “સ્ત્રીઓ.. – રમણીક અગ્રાવત