ચાર મીરાકાવ્યો.. – લતા ભટ્ટ 9


આજે અહીઁ પ્રસ્તુત કરેલા ચાર મીરાકાવ્યો લતાબેન ભટ્ટ દ્વારા અક્ષરનાદને પાઠવવામાં આવ્યા છે. કાવ્યો મૌલિક તેમજ સ્વરચિત છે, સુંદર અને અર્થસભર છે તથા મીરા, શ્યામ, રાણા અને સ્વત્વની વચ્ચે કવયિત્રી પોતાનામાઁ ભક્તિનો સાર શોધવાની મથામણ કરે છે.. અક્ષરનાદને આ સુંદર રચનાઓ પાઠવવા બદલ લતાબેનનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.

૧. કાશ કે

કાશ કે એવું બને કૈ કો’ પળે,
મારામાંથી એક મીરાં નીકળે..

સાંઢણીનો દેશ આ આમ છોડીને,
ખોજવા ગૌ પાળને પગ આ વળે.

દિશ લઇ પચ્છમની યાત્રા આદરે
જાત આખી શ્યામમાં જઇ ઓગળે.

આ જ આશા મનમહીં દોડી રહી,
જગ ઝરુખે દીપ આતમ ઝળહળે.

શ્વાસ પણ આપી રહ્યા છે થાપ જો,
એની પહેલા કે જીવનની સાંજ ઢળે.

(‘મારા પગલાં મારા ભણી’ કાવ્યસંગ્રહમાંથી).

૨. શ્યામની રાહ જુએ

નેણ બિછાવી રાહમાં, દિલનુ ચેન ખૂએ,
એમ એક મીરાં એના શ્યામની વાટ જુએ.
આસપાસ જેની એમ શમણા સજાવે,
નેણે નિરખ્યે શામળી સૂરત ન ભળાય,

પણ ક્ષિતિજના પેલે પારથી આવતા
વાંસળીના સૂર મીરાને તો સંભળાય.
સૂરમાં સૂર એમ મેળવતા રહે ઘૂંઘરુ એ,
એમ એક મીરા એના શ્યામની વાટ જુએ.

ભટકતા રહે ચરણ એમ રાહ પર
મીરા પૂછે મારગને એવા ભાળ્યા ક્યાંય,
ચંદ્ર, સ્વસ્તિક, શંખ, ધજા, છત્ર માછલી.
ને અંકુશ, ચિહ્નો હોય જે પગલા માહ્ય,

મૌન એ મારગ ને મૌન એ બધા તરુએ.
એમ એક મીરા એના શ્યામની રાહ જુએ.

(‘સાકી સ્વયમ્ શ્યામ’ કાવ્યસંગ્રહમાંથી)

૩. એક મીરા થઇને તો જોઇએ.

ઠાલો ભાર ફરી ધરા પર ન ઢોઇએ,
ચાલો, એક મીરા થઇને તો જોઇએ.

છોડવા માટે ક્યાં કને છે રાજપાટ,
મનથી પકડવાની છે ગોકુળની વાટ,
શ્યામના જ શમણાં આંખમાં સંજોઇએ,
શ્યામ સંગ હસીએ, સંગ એની રોઇએ.
ચાલો, એક મીરા થઇને તો જોઇએ.

મીરાબાઇ બનશુ તો આવશે રાણા,
પથ પથ મળશે વિષના નજરાણા,
માથાસાટે માધવ,આપા ન ખોઇએ,
શ્યામની મોજૂદગી, આપણે ન હોઇએ.
ચાલો, એક મીરા થઇને તો જોઇએ.

નેણ લઇ નોખા નંદકુમાર નિરખીએે
જીવનને ભરીએ શ્યામ નામ બખિયે.
કેવી પડી પટોળે ભાત જો જોઇએ..
ફાટે પણ ફિટે નહીં લાખ વાર ધોઇએ.
ચાલો, એક મીરા થઇને તો જોઇએ.

દિલમાં શ્યામ સંગ મહેફિલ જમાવી,
અઢી અક્ષરમા મીરાએ ગીતા સમાવી,
આમેય અઢારે ય ક્યા ઉકેલ્યા કોઇએ,
ગ્રંથ ગરબડમાં ન નિજને સંડોવીએ.
ચાલો, એક મીરા થઇને તો જોઇએ.

(પ્રેમરસ પિયાલો પીધો’ કાવ્યસંગ્રહમાંથી)

૪. મીરાબાઇ મેવાડ પાછા ફરો..

બોલાવે રાણો, બોલાવે ગઢનો કાંગરે કાંગરો,
મીરાબાઇ એક વાર મેવાડ પાછા ફરો.

તમે તો તાર્યા બેઉ કુળ, અમ જીવ્યું ઢેફા ને ધૂળ,
પાથર્યા’તા તમ રાહમાં, પળપળ ભોંકાય એ શૂળ,
અવગુણ અમારા અવગણો, માફી ધરો.
મીરાબાઇ એકવાર મેવાડ પાછા ફરો.

અમ ખામણાં શ્યામપ્રીતથી ભરો તમે કાનાના ચહેતા.
અમે છબછબિયા કરતા, તમે પચ્છમમાં થયા વહેતા,
નૈયા અમારીય સામા કાંઠે લાંગરો,
મીરાબાઇ એકવાર મેવાડ પાછા ફરો.

(‘સાકી સ્વયમ્ શ્યામ’ કાવ્યસંગ્રહમાંથી)

– લતા ભટ્ટ


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

9 thoughts on “ચાર મીરાકાવ્યો.. – લતા ભટ્ટ