લેટ્સ વોક…! – હર્ષદ દવે 10Lets walk
સમય ચાલે છે પણ તમે ચાલો છો? તમે સમય સાથે ચાલો છો? નથી ચાલતા? એવું તે કાંઇ ચાલે? એવું ન પૂછો કે શા માટે ચાલું ? તમે જાણો છો કે ‘ચલના હી જિંદગી હૈ…’. પગ અને પથ ચાલવા માટે જ છે. કવિ કહે છે: તૂ ન ચલેગા તો ચલ દેગી રાહેં…

તમને ખબર છે જે મજા ચાલવામાં છે તે બીજા કશામાં નથી! તમે કહેશો કંપની હોય તો ચાલવાનું ગમે, પણ હું કહું છું કે કંપની ન મળે તો પણ ‘ચલ અકેલા, ચલ અકેલા, ચલ અકેલા…’

‘વોકિંગ ઇઝ ધ બેસ્ટ એકસરસાઈઝ’. બાળક ચાલતાં શીખે ત્યારે સહુને કેટલો બધો હરખ થાય છે! તમે ચાલશો તો તમે પણ આનંદ પામશો, ભલે એનું પ્રમાણ કદાચ થોડું ઓછું હોય પણ મહત્વ તો બિલકુલ ઓછું નથી. આ રસપ્રદ લખાણ વાંચીને તમે સહર્ષ ચાલશો એની મને ખાતરી છે.

માનવ શરીર ચાલવા માટે બહુ જ અનુકૂળ છે, તેની રચના જ એવી છે કે સારી રીતે ચાલી શકે. થાકીને લોથપોથ થઇ જાઓ એટલું નહીં પરંતુ રોજ ૩૦ મિનિટ નિયમિતપણે ચાલો તો ચાલે! તેનાથી ડાયબિટીઝ થવાનું જોખમ ઘટી જાય છે. ચક્કર આવતાં હોય તો ચાલવાથી તે બંધ થઇ જાય છે (જો જો ક્યાંક ચક્કર આવતાં હોય ત્યારે ચાલવા ન લાગતા!). ચાલવાથી માનસિક તાણ ઘટી જાય છે અને મન તથા શરીર ખૂબ જ હળવાશ અનુભવે છે. કારણ કે ચાલવાથી આપણી નસેનસમાં લોહીનું પરિભ્રમણ સરસ રીતે થાય છે. નિયમિત ચાલવાથી કેન્સર થવાનું જોખમ પણ ઘટે છે. સ્ત્રીઓને થતાં સ્તન કેન્સરમાં જો તેઓ નિયમિત ચાલવાનું રાખે તો તે ફરી થવાની સંભાવના ઘટે છે અને તેનાથી થતાં મૃત્યુના દરમાં પચાસ ટકાનો ઘટાડો થાય છે એવું એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે.

માનવ શરીર ચાલે ત્યારે તે વધારે સારું કામ આપે છે. ચાલવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તન-મનના જખમ વધારે ઝડપથી રુઝાઈ જાય છે. આપણી તંદુરસ્તી જાળવવા માટે રોજ અડધી કલાક ચાલીએ તો તે પૂરતું છે.

ચાલવાથી પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા બહુ જ ઘટી જાય છે. તેની સાથે તેને આંતરડાનું કેન્સર થવાની શક્યતા ૬૦ ટકા જેટલી ઓછી થઇ જાય છે. અભ્યાસમાં જણાયું છે કે નિયમિત ચાલનારના મૃત્યુ દરમાં લગભગ પચાસ ટકાનો ઘટાડો થાય છે.

કોઈ માનસિક હતાશામાં ન સરી પડે તે માટે અને કોઈ જો માનસિક હતાશામાં સરી પડ્યું હોય તો તે જલદીથી તેવી અવસ્થામાંથી બહાર આવે તે માટે ચાલવાનો વ્યાયામ જરૂરી છે.

જે લોકો ચાલે છે અને દવા પણ લે છે તેમનું સ્વાસ્થ્ય જે માત્ર દવા લેતા હોય તેનાં કરતાં અડધા સમયમાં સારું થઇ જાય છે. માણસ હતાશ હોય પણ જો તે નિયમિત ચાલે તો તેમનો હતાશ રહેવાનો સમય ઘણો ઘટી જાય છે. કારણ કે જયારે શરીર ચાલે ત્યારે તે એવા સ્રાવ ઉત્પન્ન કરે છે કે જેનાથી આપણને બહુ સારું લાગે છે.

ચાલવાથી હૃદય મજબૂત બને છે અને તેની કાર્યક્ષમતા પણ વધે છે. એટલું જ નહીં પરંતુ તેથી શરીરનાં હાડકા પણ મજબૂત બને છે. ચાલવાથી લોહીનું પરિભ્રમણ સરસ થાય છે. તેથી શરીર પર સકારાત્મક અસર કરે તેવાં રસાયણો ઉત્પન્ન થાય છે. સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવો જરૂરી છે પરંતુ ડાયેટીંગથી નકારાત્મક ભાવના ઉદભવે છે, વળી તે થોડું મુશ્કેલ પણ લાગે છે.

તમારું શરીર ભારેખમ થઇ ગયું હોય કે તમે જાડા થઇ ગયા હો તો તમારે ચાલવું જોઈએ. ચાલવાથી વધુ વજન ધરાવતા લોકોના વજનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

રોજ નિયમિત ચાલવાથી શરીર તંદુરસ્ત અને શક્તિશાળી બને છે. બ્લડ પ્રેશર માટે પણ ચાલવું લાભપ્રદ છે.

પગમાં લોહીના ગઠ્ઠા થઇ જતાં હોય કે શરીરમાં લોહી ગંઠાઈ જતું હોય તેવાં લીકોએ તો ખાસ ચાલવું જ જોઈએ. શરીરની ઝીણી નસોમાં લોહી જામી જવાની આ ફરિયાદ ન ઉદભવે તે માટે ચાલવું જરૂરી છે.

ચાલવાથી લોહી શુદ્ધ થાય છે, તેથી એચડીએલ (હાઈ ડેન્સીટી લીપોપ્રોટીન) કોલેસ્ટરોલનું પ્રમાણ સારું રહે છે અને તેનાથી હાર્ટ એટેક આવવાની શક્યતા ઘણી ઓછી થઇ જાય છે.

જેને પગના થાપામાં ફ્રેક્ચર થયું હોય તે જો ચાલે તો તેને ત્રીસ ટકા જેટલી વધારે રાહત મળે છે. યકૃતનું કાર્ય પણ ચાલવાથી સારું રહે છે.

કરવા જેવું જો કોઈ સાચું અને સારું કામ હોય તો તે ‘ચાલવું’ છે. એવું કાંઇ જરૂરી નથી કે તમારે એક સાથે અડધી કલાક ચાલવું જોઈએ. તમે બે વાર પંદર મિનિટ ચાલો તો પણ ચાલવાના આટલા બધાં લાભ મળી શકે છે. અને તે પણ શક્ય ન હોય તો મને લાગે છે કે તમે ત્રણવાર દસેક મિનિટ જેટલું તો ચાલી જ શકોને? સવારે ૧૫ મિનિટ અને રાત્રે ૧૫ મિનિટ પણ ચાલી શકાય.

ચાલવાથી આપણી જૈવિક, શારીરિક અને માનસિક તબિયત સુધરે છે. તે આપણી લાગણી અને ભાવનાને પણ પોષે છે અને આપણને વધારે લાગણીશીલ બનાવે છે. ચાલવાથી શબ્દશઃ જીવનમાં વધારો થાય છે. તમને ખબર છે, બધાં એક્યુપ્રેશરના પોઈન્ટ્સ પગને તળિયે હોય છે અને તમે ચાલો ત્યારે તેનાં પર સહજપણે પ્રેશર આવે છે!

તમારા સ્વાસ્થ્ય માટે, તમારા તન-મનની સુખ-શાંતિ માટે શું તમે તમને મદદ નહીં કરો? મને ખાતરી છે કે તમે જરૂર તમારું ભલું ઇચ્છશો અને નિયમિતપણે ચાલતાં થશો!

ચાલો ત્યારે …

અતિશય શ્રમ કે પરિશ્રમ કરીને ચાલવું યોગ્ય નથી. તો પ્રશ્ન એ થાય કે આપણે ચાલવું શી રીતે? આ પ્રશ્નનો જવાબ નીચે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે :
આ રીતે ચાલો તો ચાલવાના ઘણાં હેતુ સરશે:

(૧) મસ્તક સીધું – ઉન્નત રાખો.
(૨) દૃષ્ટિ ૧૫-૨૦ ફૂટ જેટલી સીધી, સામે રાખીને (નાકની દાંડીએ!) ચાલો.
(૩) હડપચી (દાઢી) જમીન/ધરતીને સમાંતર રહે તે રીતે રાખો.
(૪) હાથ સામાન્ય અવસ્થામાં શિથિલ રાખી સહજપણે આગળ પાછળ થવા દો.
(૫) બસ્તીપ્રદેશ (પેડુ) શરીરમાં જરા અંદરની તરફ કસીને ચાલો.
(૬) પગ સમાંતર રહે તે રીતે ચાલો.
(૭) ચાલો ત્યારે પગના તળિયા (પગરખાં સહિત) પૂરાં જમીનને સ્પર્શે તે રીતે ચાલો.
(૮) ચાલતી વખતે મન શાંત, પ્રફુલ્લિત અને પ્રસન્ન રાખો અને સકારાત્મક વિચારો જ કરો.
(૯) શ્વાસોચ્છવાસ શક્ય હોય તો થોડાં ઊંડા, પણ સ્વાભાવિક રાખવા.
(૧૦) નિયમિત સમયે ચાલવાનું રાખી શકાય તો ઉત્તમ.

આ સંદર્ભમાં સાથે દર્શાવેલી આકૃતિ જોઈને ઉપરની બાબત વધારે સમજી શકાશે.

 – હર્ષદ દવે


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “લેટ્સ વોક…! – હર્ષદ દવે