ત્રણ અનોખી ગઝલો… – કાયમ હઝારી 10


૧. અર્થ માણસ છે

અધૂરી – અર્ધજ્ઞાની આવડતનો અર્થ માણસ છે;
બધીયે છત- અછતની માવજતનો અર્થ માણસ છે!

તમે – હું – આપણે સૌ સાથમાં રડીએ;
ઋણાનુબંધનોની આ રમતનો – અર્થ માણસ છે!!

મિલન – આસું – જુદાઈ – આહ – ટહુકા – સ્મિત – ડુસકાઓ;
બધાયે રેશમી; બરછટ વખતનો અર્થ માણસ છે.

કટોરો ઝેરનો; રાણો, ભજન, કરતાલ ને મીરાં-
ખરું શું છે? ને શું શું છે ગલત? નો અર્થ માણસ છે!

કહે છે, પુષ્પ-પત્તી પર પડેલા ઓસબિંદુઓ;
નકામી ઝાંઝવાઓની; મમતનો અર્થ માણસ છે.

ભવોભવનો પ્રવાસી છે, છે સ્વામી પણ પરમપદનો-
કે, રજકણથી સૂરજની હેસીયતનો અર્થ માણસ છે!

નદી તેજાબની છે, ને હલ્લેસા હાથ છે ‘કાયમ’,
ને નૌકા પાર કરવાની શરતનો અર્થ માણસ છે!

૨. ઈમાન આવ્યું

થયો હું પૂર્ણ જ્ઞાની ત્યારે, સાચું મુજને જ્ઞાન આવ્યું-
નથી હું જાણતો કંઈ, એ કબૂલ કરવાનું ભાન આવ્યું!

મળી પાંખો તો આંખોમાં સકળ આ આસમાન આવ્યું,
તૂટી પાંખો તો ઘરતીને ખૂણે અલ્લાહનું ધ્યાન આવ્યું.

અધૂરો રહી ગયો હું, પૂર્ણ થાવાની ઉતાવળમાં,
મૂકેલું ધોધ નીચે પાત્ર જોતાં, મુજને ધ્યાન આવ્યું.

આ વૈભવની ગગનચૂંબી ઈમારતોની અગાશી પર –
અચાનક, યાદ વર્ષોથી ભૂલાયેલું ઈમાન આવ્યું.

હતાં, સંજોગ તો સરખા; ભલે કારણ હતાં જુદા –
મને આડું સ્વમાન આવ્યું, તને આડું ગુમાન આવ્યું?

કિનારો નાવ ને નાવિક; ગયા અન્યોના હિસ્સામાં –
અમો નાદાનના ભાગે તો કેવળ આ તૂફાન આવ્યું?

સફર થઈ થઈ પૂરી જીવનની કેવળ બે મુકામોમાં;
પ્રથમ તારું મકાન આવ્યું, પછી સીધું મશાન આવ્યું.

ચરમ સીમા હતી ‘કાયમ’, એ મારી કમનસીબીની
જીવનમાં અંત ટાણે રોગનું સાચું નિદાન આવ્યું!

૩. …એટલે મીરાં થવું

મૂળ પહેલા પર્ણ ફૂટવું, એટલે મીરાં થવું!
બીજ અંદર વૃક્ષ ઊગવું, એટલે મીરાં થવું!

ફૂલ છોડી; સૂર્ય-કિરણોનો બનાવી હિંચકો
ઓસબિંદુનું હીંચકવું ! એટલે મીરાં થવું!

આ સતત ફરતાં બ્રહ્માંડી બોજનું બસ એ ઘડી
થાક ખાવા કાજ ઊભવું; એટલે મીરાં થવું!

અશ્રુઓનું આંખમાંથી બાષ્પ થઈ વાદળ બની;
વિશ્વ આખામાં વરસવું, એટલે મીરાં થવું!

ઝેર મિશ્રિત રંગમાં પીંછીને બોળી, હોઠ પર –
મોર પીંછાને ચીતરવું, એટલે મીરાં થવું!

આપણામાં ‘આપણે’નો અર્થ કેવળ છે મીરાં!
સત્ય ‘કાયમ’ એ સમજવું, એટલે મીરાં થવું.

– ‘કાયમ’ હઝારી

પોતાની દૈનંદીય વ્યસ્તતા વચ્ચે અને વ્યવસાયના બોજ વચ્ચેથી ખાલી જગ્યા શોધીને કાવ્યો પાસના કરતા એક શાયર તે આ ‘કાયમ’ હઝારી સિવિલ એન્જિનિયરીંગના સ્નાતક અને ગુજરાત રાજ્યના સિંચાઈ વિભાગમાં એન્જિનિયર આ કવિના ત્રણ કાવ્ય સંગ્રહો પ્રકટ થયા છે: ‘દિવાનગી’, ‘અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !’ તથા ‘આદમ-ઈવનું પહેલું ચુંબન.’ શ્રી ‘જીગર’ ધ્રોલવી પોએટ્રી સામયિકના કાયમ હઝારી વિશેષાંકમાં નોંધે છે, ‘કાયમ સાહેબ સાંપ્રત સમયના એક ઉમદા ગઝલકાર છે, સાથોસાથ તેઓ કુરઆન – બાઈબલ – ગીતા વગેરે આકાશી કિતાબોના એક નોંધપાત્ર અભ્યાસી પણ છે.’ આ ત્રણેય ગઝલો ‘કાયમ’ હઝારી સાહેબે પાઠવેલા શ્રી જીગર ધ્રોલવી દ્વારા પ્રકાશિત પોએટ્રી દ્વિમાસીકના મિલેનિયમ ૨૦૦૦ના અંકમાંથી અહીં પ્રસ્તુત કરી છે.


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “ત્રણ અનોખી ગઝલો… – કાયમ હઝારી