જોગર્સની કહાની, જોગર્સ પાર્કની જુબાની – મિહિર શાહ 28


લાંબી હરણ ફાળ ભરી ચાલતા, કવચિત્ દોડતા અને છેવટે હાંફતા માણસો મારું વજૂદ છે. આ માણસોની ઘણા સમયથી ભેગી કરેલી ચરબીની સાથે-સાથે તેમની તકલીફો, પીડાઓ, આનંદો અને અકળામણને મારામાં ઓગાળુ છું હું. એક બાજુ મહાલેખા ભવન, બીજી બાજુ ઈશ્વર ભવન, વચ્ચે ખાલી મેદાન અને તેને અડી ને આવેલો હું.

પણ આ હું એટલે કોણ? (સદીઓ થી આ યક્ષ-પ્રશ્ન માનવ જાત માટે રસ, ઉત્સુક્તા અને સંશોધનનો વિષય બની ચૂક્યો છે) લાવો, હું મારી ઓળખાણ આપી દઉં.

આખુ નામ : પ્રહલાદભાઈ પટેલ જોગર્સ પાર્ક (અમદાવાદમાં કોતરપુર વોટર વર્કસ ઉભું કરવામાં અગત્યનો ફાળો આપનાર પ્રહલાદભાઈ પટેલ)

ઉંમર : આશરે પોણા બે વર્ષ

સરનામું : ઈશ્વરભવન પાસે, નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯

મારું લોકાર્પણ તા. ૧૨/૦૫/૨૦૧૦, અધિક વૈશાખ વદ ૧૩ વિક્રમ સંવત ૨૦૬૬ના રોજ થયુ હતું. પરંતુ એક ચામાંથી ત્રણ અડધી કરી, છાપાની, પાણીની, બેસવાની, ચર્ચા કરવાની મફત સુવિધા વાપરવા માટે પ્રખ્યાત (!) અમદાવાદીઓ, કોઇ પણ વસ્તુનો પૂરેપૂરો અને મહત્તમ ઉપયોગ કરવા માટે પણ એટલાજ જાણીતા છે. આવા અમદાવાદીઓએ લોકાર્પણ પહેલા જ મારો ઉપયોગ શરૂ કરી દીધો હતો.

મુખ્ય પ્રવેશદ્વારેથી પ્રવેશ કરતા ગુલમહોર અને સહેજ આગળ ચાલતા લોકાર્પણની તક્તી સાથે વૃક્ષો આવનારનું સ્વાગત કરે છે. ત્યાંથી ડાબી અને જમણી બાજુ બે-બે જોગિંંગ ટ્રેક માંદા અને આળસુ માણસોને પણ ચાલવા / દોડવા માટે પ્રોત્સાહિત કરે છે. જમણી બાજુ ચાલવાનુ શરૂ કરતા સૌ પ્રથમ કૌંસમાં કેદ થયેલું લીમડાનું ઝાડ સંદેશ આપે છે કે મારી જેમ કેટલાય માણસો કાં તો પોતે બનાવેલા અથવા સમાજે બનાવેલા કૌંસમાં જ જીવન પૂરુ કરે છે, ક્યારેય તેમાંથી બહાર નીકળી શકતા નથી. આગળ વધતા ઝાડોની ફરતે પ્રશ્નાર્થ ચિહનના આકારનો ઓટલો આવે છે, જે માનવોને સમજાવે છે કે મારી જેમ વૃક્ષોને નહિ રક્ષો તો આખીય માનવજાતના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઉભેલો છે.

એક તરફ પિરામિડ આકારનું બાંધકામ યોગ, ધ્યાન, પ્રાણાયામ અને વાંચન માટેનો અનેરો સંયોગ છે, તો બીજી તરફ ત્રણ પાંખડીઓ ધરાવતું પણ અનિયમિત આકારનું નાનું, કૃત્રિમ તળાવ કે જેની આજુ બાજુ અને વચ્ચે ઝાડ છે તે તળાવ, રંગબેરંગી નાના ફુવારા ની સાથે માછલીઓ માટેનો હોજ પણ ધરાવે છે. ઉનાળામાં આ તળાવ વાતાવરણને ઠંડુ અને આલ્હાદ્ક બનાવવામાં અગત્યનો ફાળો આપે છે. તળાવની બાજુમાં આશરે ૬૦ થી ૭૦ માણસોની ક્ષમતા ધરાવતુ એમ્ફી થિયેટર કે જેનો હજુ જવલ્લે જ ઉપયોગ થાય છે તે યોગ્ય ઉપયોગની રાહ જોઇ રહ્યું છે.

મારા બંને જોગિંગટ્રેક ત્રણ સ્તરોના બનેલા છે. પહેલુ સ્તર રેતીનું, બીજું સ્તર માટીનું, ત્રીજુ સ્તર ઈંટોના પાઉડરનું. આ ત્રણેય સ્તરો એવી રીતે બનાવ્યા છે કે જે દોડનારના આઘાતને શોષી લઇ જોગિંગ સરળ બનાવે છે. ક્યારેક કેમિકલ છાંટીને અને અન્ય આધુનિક તકનીકો વાપરીને મારા બંને જોગિંગ ટ્રેકનું સમારકામ થાય છે. ટ્રેક પરના દિશાસૂચક બોર્ડ મુજબ ચાલવા ને બદલે શરૂઆતમાં લોકો બંને ટ્રેક પર બંને દિશામાં (clockwise અને anti clockwise) ચાલતા હતા. પછી રેડિયમ વાળા, પ્રકાશ પરાવર્તિત કરતા તીર તેમજ એક ટ્રેક પર ” → આ દિશામાં ચાલો →”  અને બીજા ટ્રેક પર “← આ દિશામાં ચાલો ←” એવા બોર્ડ લગાવ્યા અને અમુક સ્વૈછિક સ્વયંસેવકોએ રસ લઈ બધાને દિશા સૂચક બોર્ડ મુજબ ચાલતા કર્યા છે.

મારા આશરે ૪૦૦ મીટર ના અંતરાય કે અવરોધ વગરના ટ્રેક પર ભ્રમણભાષ ની અટકઘડી નો સમય નક્કી કરી !!!! (મોબાઇલ ની સ્ટોપ વોચ નો‌‌‌‌‌‌ ટાઇમ સેટ કરી), એટલા સમયમાં રાઉન્ડ પૂરો કરવા ઝડપથી ચાલતા – લગભગ દોડતા – લોકો, તો કોઇ જાતના બંધન વગર મસ્તી થી એક-એક ડગલું શાંત ચિત્તે ભરી મહાલતા માણસો. ખૂબ જ ઝડપથી દોડતા લોકો સમયથી પણ આગળ નીકળી યુવાન રહેવા પ્રયત્ન કરે છે, તો શાંત ચિત્તે મહાલતા માણસો સમયને માણે છે. ચાલતી વખતે બીજા સાથે અથવાતો પોતાના મોબાઈલ પર ખૂબ જ મોટેથી વાતો કરતા માણસો, તો ખૂબ જ સલુકાઇ થી માત્ર જેને સાંભળવાનું છે તેને જ સંભળાય તે રીતે બોલતા અને મોબાઈલમાં “Hands free” વાપરી હાથની સાથે ગળાનો પણ ઓછો ઉપયોગ કરતા માણસો.

બંને ટ્રેકની વચ્ચે રહેલી ક્યારી, ને ક્યારીમાં ઉગી રહેલા બોગનવેલ, ખરસાણી, મહેંદી જેવા છોડ. ક્યારેક બબ્બે તો ક્યારેક ત્રણ – ત્રણની જોડમાં ચાલતા લોકો, એમાંય જોડમાં ચાલતી સ્ત્રીઓ – સાસુ, સાડી અને સેટની ચર્ચા કરતા કરતા કેટલા રાઉન્ડ મારી દે તેની તેમને પણ ખબર ના પડે. ક્યારેક ઝનૂનથી (વજન ઉતારવાના કે કોઇને બતાવી દેવાના !) તો ક્યારેક બેફિકરાઇ થી ચાલતા લોકો. “ચોથો પત્યો, હવે પાંચમો ચાલે છે.” (રાઉન્ડ !) જેવા સંભળાતા ઉદગારો, માં કે બાપ પોતાના તરુણઅવસ્થામાં આવેલા દીકરા કે દીકરીને જિંદગીના પાઠ ચાલતા-ચાલતા સહજતાથી શીખવે છે. વાતાવરણમાં આહ્લાદક ઠંડક અને માણસોની અંદર ચાલવાથી પેદા થતી ગરમી – કદાચ વિરોધાભાસ જ આનંદ આપે છે.

જુવાન દંપતીઓ જોશથી અને પ્રોઢ દંપતીઓ હોશથી, ફિકરની ફાકી કરી લય માં જે રીતે સજોડે ચાલે છે તે જોઇ ને જ મને તેમના લગ્નજીવનમાં રહેલી સંવાદિતાનો ખ્યાલ આવે છે, તો એકલા પડી ગયેલા વૃદ્ધોનો તો હું સવાર-સાંજ નો અનન્ય સાથી છું. વૃદ્ધોના નકકી કરેલા બાંકડા કે જ્યાં બેસી ને તેઓ પોતાના અનુભવોની ચર્ચા કરે છે. અમુક બાંકડાઓ સામાન્ય કરતા થોડી વધારે ઊંચાઇના છે જે ઊંચે જોવા અને ઊંચે જવા પ્રોત્સાહિત કરે છે. વૃદ્ધોની આ ચર્ચામાં ક્યારેક જુવાનો પણ ભળે છે અને પછી વય અને હોદ્દાનો ફરક ઓગાળી રાજકારણ, સામાજીક બદલાવ, શિક્ષણ, સાંપ્રત સમસ્યાઓ, ચલચિત્રો, રમત-જગત જેવા ક્ષેત્રોમાં ચર્ચા કરી આ બાંકડા સમિતિ જાત-જાતના સૂચનો સૂચવે છે : જેવા કે ડો. મનમોહનસિંહે દેશ કેમ ચલાવવો (!), અણ્ણા હજારેજીએ નવી રણનીતિ ક્યારે, કઇ રીતે અને કોની મદદથી બનાવવી, પસંદગી સમિતિએ ક્રિકેટની ટીમમાં કોને અને કેમ લેવા વગેરે.

સવારે ૫ થી ૧૧ અને સાંજે ૫ થી ૧૧ જોગર્સો ની ચાલ, દોડ અને તેમની વાતો મને ધબકતો રાખે છે. પરંતુ, બપોરે ૧૧ થી ૫ મને સાવ સૂનું – સૂનું લાગે છે. કારણકે આ સમય દરમ્યાન મારું સમારકામ અને સફાઇ થતી હોવાથી કોઇનેય આવવા દેવાતા નથી. સફાઈ કામદાર, વોચમેન, માળી અને વ્યવસ્થાપક (AMC) ની ઝીણી, ચીવટપૂર્વક્ની અને સચોટ કામગીરી ને કારણે સ્વચ્છતા એ મારી મુખ્ય લાક્ષણિક્તા છે. મને સ્વચ્છ રાખવા પાર્ક માં ઠેર-ઠેર “AMC” અને “મને કચરો આપો” લખેલા સસલાઓ છે. (કદાચ “AMC” એટલે “આપો મને કચરો” અને તેમ કરીને અમદાવાદ મહાનગરને ક્લિન રાખો.!)

પાર્કની વચ્ચે રહેલા ઘાસમાં, ખુલ્લા પગે ચાલતા લોકો, તો લાઇટવાળા બૂટ પહેરી મહાલતા બાળકો. બેડમિન્ટન, બોલ, ફુગ્ગા કે ઉડતી રકાબી (Frees- bee) ની રમતો રમતા બાળકો / કિશોરો / મોટેરાઓ. દોડતું બાળક અને તેની પાછળ દોડતા પિતા અથવા માતા અને વાતાવરણમાં ભળતો નિર્ભેળ આનંદ અને નિનાદ. પતંગિયાની પાછળ દોડતા નાના બાળકો, પરંતુ અચાનક પતંગિયુ નજીક આવી જતા પતંગિયાથી દૂર ભાગતા બાળકો. જિંદગીભર માણસ પણ આ જ કરે છે ને…. એક સપનું (પતંગિયુ), તેને પામવા માટેની દોડ, સપનું પૂરું થતાં તરત જ તેનાથી દૂર થઇ બીજા સપના પૂરા કરવા માટેની પકડા-પકડી.

ક્યારેક-ક્યારેક આવી ને બેસતા પ્રેમીઓ, અને તેમની સામે કુતૂહલથી / ઇર્ષાથી / અણગમાથી / નિર્લેપ વૃત્તિથી જોતા લોકો. રોજ-રોજ એક વાંચવા જેવું / મમળાવવા જેવું /સમજવા જેવું / વિચારવા જેવું / તેથી વધુ જીવનમાં ઉતારવા જેવું સુવાક્ય લખતા ઉત્સાહપ્રેરક વ્યક્તિઓ. સવારમાં પોણો કલાક વડીલોની હળવી કસરતો પછી, તેમની લાફિંગ ક્લબ નું હાસ્ય તો ભાઇ મારામાંય તાજગી ભરી દે છે. દેશભક્તિ અને હિંદુત્વનો સંગમ એવી કેસરી ધજા સાથે લાગતી આર. એસ. એસ. ની શાખા પોતાની રીતે અલગ ધૂણી ધખાવેલી નજરે પડે છે.

મારા જેવા વધારે પાર્ક, અમદાવાદની ધૂળિયા શહેરની છાપ બદલી અમદાવાદ માટે ફેફસાની ગરજ સારશે. બારેમાસ મારે ત્યાં વસંત વહે છે. તેથી જ મારું આપને ખુલ્લુ આમંત્રણ છે, આવો મારે ત્યાં, એક કલાક શાંત બેસો, અને / અથવા ચાલો. તમારે અશાંતિ, અજંપો, ઉચાટ, ઉદ્વેગ અને / અથવા ચરબી સિવાય કશુંય ગુમાવવાનું નથી. તન ચરબી ઓગળવાથી અને મન ઉપાધિ દૂર થવા થી હળવુંફુલ બનશે.

બિલિપત્ર ચાલી-ચાલી ને કે દોડી-દોડી ને પણ છેવટે માણસની જીવન યાત્રા તો જન્મ થી મૃત્યુ સુધીની જ હોય છે ને.

– મિહિર શાહ

સરકારી ઈજનેરી કોલેજ, ચાંદખેડા (અમદાવાદ) ખાતે, એસોસિએટ પ્રોફેસર (ઈલેકટ્રોનિક અને કોમ્યુનિકેશન) તરીકે ફરજ બજાવતા શ્રી મિહિરભાઈ શાહનો આ પ્રથમ લેખ છે. શાળાઓમાઁ આપણે આત્મકથા લખતા, જીર્ણ થયેલા વડલાની આત્મકથા, સૈનિકની આત્મકથા… વગેરે. પરંતુ આજે પ્રસ્તુત લેખ એ પ્રકારનો આત્મકથાનક હોવા છતાં એ પ્રકારથી અલગ પડે છે. એ આત્મકથાઓ કોઈ વ્યક્તિવિશેષ અથવા સ્થળવિશેષને ધ્યાનમાં રાખીને લખાતી નહીં. જ્યારે આજનો લેખ અમદાવાદના ઈશ્વરભવન પાસે આવેલા જોગર્સપાર્કની વાત આજે મિહિરભાઈએ ફોટાઓ સહિત અહીં મૂકી છે. તેમનો અંદાઝ સરસ છે અને વાંચનારને એ સ્થળે જવા એક વખત તો ચોક્કસ પ્રેરણા આપે જ એવો છે. પ્રસ્તુત કૃતિ અને ફોટોગ્રાફ્સ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી મિહિરભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

28 thoughts on “જોગર્સની કહાની, જોગર્સ પાર્કની જુબાની – મિહિર શાહ