આવશ્યક સૂચના – જિજ્ઞેશ અધ્યારૂ 33


પ્રિય મિત્રો,

આપ સૌને માટે એક-બે સરસ સમાચાર લઈને ઉપસ્થિત થયો છું. અને એટલે જ થયું કે આ સમાચારો સાથે તેમના વિશે થોડીક વિગતે વાત થઈ જાય.

અક્ષરનાદ.કોમ છેલ્લા ચાર વર્ષથી સતત ગમતા સાહિત્યનો – મનમાં ગૂંજતા સ્વરોનો – સતત સ્પર્શતા, ક્યાંક અછડતાજ વંચાયેલા શબ્દોમાંથી ઉપજતા અનાહત નાદનો ગુલાલ કરવાના ધ્યેય સાથે સતત ચાલતી સફર છે. આનંદની વાત એ છે કે છેલ્લા થોડાક મહીનાઓમાંતો અહીં અપેક્ષાથી ક્યાંય વધારે વાચકમિત્રોનો શંભુમેળો જામે છે. વેબસાઈટના નામને સ્થૂળ રીતે લાગે વળગે છે ત્યાં સુધી અહીંથી અત્યાર સુધી ફક્ત અક્ષરનોજ નાદ, મનગમતી વાતોનું ગૂંજન લેખન-વાંચનના માધ્યમથી સાંભળવાનો યત્ન થયો છે. આજે અહીં એક નવું અને અનેરૂ પરિમાણ ઉમેરી રહ્યાં છીએ – સ્વરોનો નાદ…. હા, અક્ષરનાદ એક રીતે હવેથી આંશિક પોડકાસ્ટ – ઑડીયો પણ મૂકવા જઈ રહ્યું છે. આ કેવું હશે તેની વધુ સ્પષ્ટતા આપને એકાદ બે દિવસમાં પ્રથમ પોડકાસ્ટથી જ મળી જશે.

જો કે અન્યત્ર ઉપલબ્ધ કાંઈ પણ અહીં ફરીથી પુનરાવર્તિત કરવા કરતા કાંઈક નવું અને તે પણ કોઈક અનોખી રીતે આપવાનું અમને ગમશે. તો આપને એ વાત પણ સ્પષ્ટ કરી દેવી ઉચિત સમજું છું કે આ કોઈ ઑડીયો વેબસાઈટ નથી, એટલે અહીં પૂર્ણપણે કદી ઑડીયો આધારીત કૃતિઓ – પોસ્ટ નહીં મળે. અક્ષરનાદને ફક્ત ગુજરાતી ગીત ગઝલ માટેની ઑડીયો વેબ બનાવવાનો પણ કોઈ ધ્યેય નથી. અહીં જે પણ ઑડીયો પોસ્ટ હશે તે મૂળ કૃતિનો એક ભાગ જ હશે. ઑડીયો પોસ્ટ કેટલા સમયાંતરે આવશે – કયા વિષયોને લઈને અને કઈ રીતે આવશે એ બધાં વિશે હજુ કાંઈ સ્પષ્ટતા વિચારી નથી. કેટલાક વાચક મિત્રો અને સાથી બ્લોગર મિત્રોની સાથે થયેલ પ્રાથમિક વિચારોની આપ-લે સાથે આ પ્રયત્નની શરૂઆત થઈ રહી છે. અક્ષરનાદ પર ઈ-પુસ્તકની જેમ જ સાંભળી શકાય તેવી ઑડીયો પુસ્તકો આપવાનો વિચાર પણ આ જ પ્રયત્નનો એક ભાગ છે. આપને આવતા થોડાક દિવસોમાં આ પ્રયત્નો અક્ષરનાદ પર પ્રત્યક્ષ જોવા મળશે, જેથી આ વિષય વધુ સ્પષ્ટ થશે. આપના પ્રતિભાવો અને સૂચનો આ નવા ક્ષેત્રમાં માર્ગદર્શક બની રહેશે.

ગુજરાતી સાહિત્ય કોશમાં શ્રી વિજય પંડ્યા નોંધે છે, “ગુજરાતી સાહિત્યે સંસ્કૃત ભાષાસાહિત્યનો ગણનાપાત્ર પ્રભાવ ઝીલ્યો છે એટલું જ નહીં પણ ગુજરાતી સાહિત્યનો સંસ્કૃત ભાષાસાહિત્ય સાથેનો સંબંધ અવિચ્છેદ્ય રહ્યો છે. સ્વરૂપની બાબતમાં જો ગુજરાતી સાહિત્ય પશ્ચિમાભિમુખ રહ્યું હોય તો, અંતરતત્ત્વ કે સામગ્રીની અભિવ્યક્તિ સંસ્કૃત વાડ્મયની અસર ઝીલનારાં રહ્યાં છે. સ્વરૂપ અને અવરૂપાભિવ્યક્તિ બન્નેમાં સંસ્કૃત સાહિત્યનો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ પ્રભાવ ગુજરાતી સાહિત્યમાં જણાય છે.” આજે આપણી ભૂલાઈ રહેલી દેવભાષા જાણનારા કેટલા? જે મંત્રો આપણે પ્રાર્થના દરમ્યાન એક વિધિના ભાગ રૂપે બોલીએ છીએ એમાંથી કેટલા શબ્દોના અર્થ આપણે કહી શકીએ? સંસ્કૃત – વૈજ્ઞાનિક રીતે – સૌથી વ્યવસ્થિત ભાષા છે. શાળા સમયમાં અમે સંસ્કૃત સંભાષણ શિબિર નામનો એક અઠવાડીયાનો કાર્યક્રમ કરેલો, જેમાં વારાણસીના એક ભાઈએ – સાધુએ અમારી આખી શાળાને સંસ્કૃત બોલતી કરી દીધેલી !

આટલી પૂર્વભૂમિકા પછી કહી દઊં કે …… તો બીજા સમાચાર એ છે કે “ચાલો ગઝલ શીખીએ…” શૃંખલાને સુંદર આવકાર મળ્યા બાદ હવે અક્ષરનાદ આપના માટે ટૂંક સમયમાં જ લઈને આવી રહ્યું છે, “ચાલો સંસ્કૃત શીખીએ…” શૃંખલા. આપણી પોતાની ભાષા, દેવભાષા સંસ્કૃત શીખવા માટે ગુજરાતી ભાષાના માધ્યમથી એક અનોખો પ્રયાસ. ગઝલ શીખવા વિશેની શૃંખલા કરતા આ વખતની લેખમાળા ચોક્કસ ઘણી લાંબી બની રહેવાની છે. વિષયના જાણકાર મિત્રોની મદદ અને કેટલાક આદરણીય ભાષા સાહિત્ય નિષ્ણાંત ગુરૂઓના માર્ગદર્શન હેઠળ આ આખીય શૃંખલા ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે – દર શનિવારે એક પોસ્ટ સ્વરૂપે તે મૂકવાની યોજના છે. આ શૃંખલાઓ દ્વારા અન્ય મિત્રોને આ ક્ષેત્ર વિશે માહિતી આપવી એની સાથે સાથે પોતે આ વિશે શીખવું એ હેતુ મુખ્યત્વે અનુસરવાનું ધ્યેય છે. અને આ વખતે પ્રથમ શૃંખલા કરતાં ખૂબ વધુ મહેનત કરવી પડશે તે પણ ચોક્કસ. છતાં અક્ષરનાદ તથા સાથે જોડાઈ રહેલા મિત્રો સાથે આખીય ટોળકી સજ્જ થઈ રહી છે…

શું તમે તૈયાર છો?

જિજ્ઞેશ અધ્યારૂ
સંપાદક


33 thoughts on “આવશ્યક સૂચના – જિજ્ઞેશ અધ્યારૂ

 • Daxesh Contractor

  સંસ્કૃત આપણી દેવભાષા છે પણ માનવ (હજુ આપણે માનવી થવા મથી રહ્યા છે) અને માનવતા જ ખતરામાં છે ત્યારે સંસ્કૃતના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ લાગી ગયો છે.. પ્રયાસો થાય છે પણ પરિણામો દેખાતા નથી. પરંતુ એથી પ્રયત્નો ન છોડવા જોઈએ. તમારો વિચાર ગમ્યો … looking forward to your series. good initiative.

 • kiran mehta

  જિગ્નેશભાઈ, તમે જ્ઞાન આપવા તૈયાર છો તો અમે જ્ઞાન લેવા તૈયાર છીએ. સ્કુલમા સન્સ્ક્રુત શીખી છુ, વર્ષો પછી ફરી શીખવા આતુર છુ…….

 • Atul Jani (Agantuk)

  શ્રી જીજ્ઞેશભાઈ

  આ બંને બાબતો ખૂબ જ આવશ્યક છે.

  ગુજરાતી અને સંસ્કૃતને ગાઢ સંબધ છે.

  હવે માત્ર વાંચી શકાય તેવા નહીં પણ સાંભળી શકાય તેવા પુસ્તકોની પણ આવશ્યકતા છે.

  આ બાબતે અક્ષરનાદ ટીમ પુરુષાર્થ કરવા સંકલ્પબધ્ધ થઈ છે તે જાણીને રોમહર્ષણ થાય છે.

  શુભેચ્છા અને ધન્યવાદ.

 • sandip shah

  ખુબ સુન્દર વિચાર અને કાર્ય માટે ગુજરાત અક્ષરનાદ નુ રુણી રહેશે. તમામ ટીમ મેમ્બર્સ નો આભાર.

 • ચાંદસૂરજ

  આપને હાર્દિક અભિનંદન !
  હા, બેટ લઈને શીખવા તૈયાર થઈ ઉભા છીએ, આપ બસ હવે સંસ્કૃતના બોલથી ક્યારે બોલીંગ કરો છો એ જ વાટ જોવાય છે !

 • atul

  આજ ના સમાચાર થી ખરેખર ખુબ જ આનંદ થયો.ખુબજ સરસ્, રાહ જોઇ રહ્યાે

 • Suresh Jani

  આજ ના સમાચાર થી ખરેખર ખુબ જ આનંદ થયો. અમેરિકા ની http://www.audible.com વેબસાયાત પર થી અંગ્રેજી ઓડીઓ બૂક સાંભળી છે જેનો આનંદ જીવનભાર યાદ રહે છે.સંભાળનાર ને જયારે અને જ્યાં પણ સાંભળે છે ત્યારે લેખક સાથે પ્રત્યક્ષ સંપર્ક અને પરિચય થાય છે.
  આજે ગુજરાતી ઓડીઓ બુક વિશે સમાચાર જાણી ને તેવો જ અનુભવ સાથે ગુજરાતી બુક સાંભળવા મળશે તે જાણી આનંદ થયો .
  આશા કરું છુ કે અક્ષરનાદ પણ એક આવી સુંદર વેબસાયત બને .
  અક્ષરનાદ પર થી સંસ્કૃત ભાષા શિખવા મળશે તે જાણી વિશેષ આનંદ થયો.
  અક્ષરનાદ ને આ બંને પ્રયત્ન માટે મારા અભિનંદન અને શુભાશિષ

 • Mahendra Naik

  ઘણોં જ આભાર જીજ્ઞેશભાઈ,
  છેલ્લા દશ વર્ષથી આધ્યાત્મિક જ્ઞાનની વધુ નિકટ આવ્યો ને સંસ્કૃત જાણકારીની ખોટ સાલે છે. સતત શીખવાના પ્રયત્નમાં છું. તમે આ “ચાલો સંસ્કૃત શીખીએ…” મારે માટે જ કરી રહ્યા હોય એવું લાગે છે. આ મોકો હું નહીં જ ચૂકું.
  એની આતુરતા પૂર્વક રાહ જોતો,
  મહેન્દ્ર નાયક

 • Krishnakumar Thaker

  આભાર જિગ્નેશભાઇ અને આપ આપના મિશનમાઁ હમેશા પ્રગતિ કરતા રહો તેવિ અંતરની શુભેચ્છા !

Comments are closed.