જય સોમનાથ – હાર્દિક યાજ્ઞિક (First audiocast) 28


જય સોમનાથ …. !

ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો મળે જે આ મહામંત્રથી અજાણ હોય. ગુજરાતનો સમુદ્ર કાંઈ કેટલીય સદીઓથી જેના ચરણ પખાળી રહ્યો છે તેવા, ભારતના બાર જ્યોતિર્લિંગમાંના સૌથી મહત્વપૂર્ણ એવું સોમનાથનું મંદિર અનેક વખત તેને નષ્ટ કરવાના પ્રયત્નો છતાં શ્રદ્ધાની અને વિશ્વાસની અખંડ પ્રતિમા બનીને ઉભું છે, કદાચ એ પણ એક ઈશારો જ છે કે અહીંથી પસાર થતું કોઈ પણ કિરણ છેક ઉત્તર ધ્રુવ સુધી કોઈ પણ જમીનને મળ્યા વગર સતત દરીયાઇ પ્રવાસ કરે છે. એને કોણ રોકી શકે જેના મનમાં દરિયાની લહેરોને, અથાગ ઉંડાંણોને કોઈ પણ વિરામ વગર પાર કરવાની મક્કમતા હોય, અનેકોની આસ્થાઓનો અને શ્રદ્ધાઓનો દીવો વાવાઝોડાઓમાં કદાચ થોડોક ઝાંખો થયો હશે, પણ દર વખતે એ વધુ ને વધુ પ્રજ્વલિત થતો રહ્યો છે. આજે પણ આસ્થાનું, ગમે તેટલી નિષ્ફળતાઓ છતાં બેઠા થવાની ગુજરાતી ખમીર અને પરંપરાનું અનન્ય અને અપ્રતિમ પ્રતીક છે.

સોમનાથના આ શિવાલય વિશે કહેવાય છે કે સૌ પ્રથમ ચંદ્રદેવે સોનાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, તે પછી રાવણે ચાંદીથી મંદિર ઘડાવેલું, ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનની લાકડીઓથી જેનો જિર્ણોદ્ધાર કરાવેલો એવું આ મંદિર તે પછી તો અનેક વખત ભાંગ્યુ અને નવપલ્લવિત થયું. સ્વતંત્રતા પછી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોએ આ મંદિરને તેની પ્રતિભા પાછી અપાવી.

શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીની આ પ્રયત્નમાં સતત મહેનત રહેલી. સરકારના એક મંત્રી તરીકે તો તેમણે મંદિરના જિર્ણોદ્ધારમાં યોગદાન આપ્યું જ હતું, પણ તેમની અમર કૃતિ, ‘જય સોમનાથ‘ લોકોના હ્રદયમાં, નવી પેઢીઓને આ રણકતો નાદ સતત ગૂંજતો રાખવાની શીખ આપવા જ સર્જાઈ છે. પણ આજે મારે વાત કરવી છે ‘જય સોમનાથ’ ના એક અનોખા અવતારની. અક્ષરનાદ પર જેમના સર્જનો નિયમિત આવે છે તેવા મિત્ર નડીયાદના શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકે એક શાળાના વાર્ષિકોત્સવ માટે ઐતિહાસીક પાત્ર આધારિત નાટકનું સર્જન ગત વર્ષે કરેલું. પણ એ સામાન્ય રીતે ભજવાતા નાટકોથી કાંઈક ભિન્ન રીતે આયોજિત હતું. અહીં આખું નાટક, ગીતો અને સંવાદો અગાઊથી રેકોર્ડ કરી રખાયું અને પછી શાળાના બાળકોએ તેને અભિનયથી જીવંત બનાવી દીધું. એ સફળતાને લીધે આ વર્ષે તેમની પાસેથી અનેકગણી અપેક્ષાઓ રાખનાર સર્વે ભાવકોને મળવાની છે એક અનોખી ભેટ….. સર્વપ્રથમ વખત આટલી સુંદર રીતે આયોજિત, રેકોર્ડેડ અને આટલા વિશાળ આયોજન સાથે, ત્રણ અલગ અલગ ઉંચાઈના વિભાગો ધરાવતા સ્ટેજ પર માર્ચ મહીનાના પ્રથમ સપ્તાહમાં નડીયાદમાં વિશાળ જનમેદની વચ્ચે ભજવાશે…. જય સોમનાથ !

નાટકની વાત સોમનાથ મંદિરને લાગતું વળગતું બધું જ સમાવી લે છે, ચંદ્ર અને એક જ રાણીને પ્રેમ કરવાથી તેની અન્ય રાણીઓએ કરેલી ફરીયાદને લઈને તેને મળેલ ક્ષય પામવાનો શ્રાપ અને શિવના વરદાન સુધી, તથા સરદાર પટેલની મંદિરના જિર્ણોદ્ધારની આકાંક્ષા અને મહેનત આ નાટકની પૂર્વભૂમિકાઓ એ, તો મહારાજ ભીમદેવ અને ચૌલાની કથા વડે આ નાટકનું મુળ કથાવસ્તુ નિર્માણ પામ્યું છે. વાતના સૂત્રધાર સ્વયં મુનશીજી છે. મુનશીજી પોતે આ કથા ભાવકોને કહેતા હોય એ સ્વરૂપે ગોઠવાયેલા આ સમગ્ર ઘટનાક્રમમાં અગત્યની ઘટનાઓને વિવિધ પાત્રોના સંવાદ રૂપે દર્શાવાઈ છે. ભજવાતા પહેલાથી શ્રી હાર્દિકભાઈના વિશેષ આમંત્રણે અને ખાળી ન શકાય તેવી ઉત્કંઠાને વશ થઈને આ સાંભળવા રવિવારે પીપાવાવથી વડોદરા થઈને ફક્ત ત્રણ કલાક પૂરતો પણ, નડીયાદ પહોંચેલો. અને મને કહેતા ખૂબ ગર્વ થાય છે કે મારો એ ધક્કો જીવનભરનું સંભારણું બની રહ્યો.

હાર્દિકભાઈ અને મિત્રોની આ મહેનત દાદ માંગી લે તેવી છે. શોખ માટે કરેલું કોઈ પણ કામ ‘થેન્કલેસ જોબ’ કહેવાય છે, પણ એ આભારવિહીનતા ક્યાંક ભારવિહીનતા પણ બનીને કામમાં, ગુણવત્તામાં ચાર ચાંદ લગાવી દે છે. અનેક રાતોના ઉજાગરાને પરિણામે રેકોર્ડ થયેલ ‘જય સોમનાથ’ આપણી સૌની અનેરી વિરાસત છે. એ કદી કોમર્શિયલી ભજવાશે નહીં, કદાચ આ શાળાના સમારોહ પછી તેના બીજા ખેલ થશે કે કેમ તે વિશે પણ કાંઈ જાણકારી નથી. ક. મા. મુનશીના પુસ્તકનો એક પણ સંવાદ, પ્રસંગ કે વાક્ય અહીં ઉઠાવાયું નથી – નકલ કરીને લેવાયું નથી, આ નાટક એ મૂળ કૃતિનો પડછાયો છે, અને પડછાયો મૂળને કારણે જ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેનું મૂળથી અલગ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ પણ હોય છે, એ પડછાયાને એક અલગ મૂળ બનાવવાની આખી ઘટનાને આટલી ગંભીરતાથી નિભાવવા બદલ હાર્દિકભાઈ અને આખીય ટીમ, જેમાં રેકોર્ડિંગ માટે, સંગીત દિગ્દર્શન માટે, વિવિધ સંવાદો માટે અને આ આખાય સંકલન માટે સહયોગી સર્વે મિત્રો ખૂબ અભિનંદનને પાત્ર છે.

અક્ષરનાદના ઑડીયો વિભાગની શરૂઆત માટે ‘જય સોમનાથ… !’ થી વિશેષ શું હોય ? સોમનાથ દાદાની આ કૃપા જ છે કે વિશેષ રૂપે મેં હાર્દિકભાઈને આ નાટકની એક નાનકડી પરિચય કડી આપવા વિનંતિ કરી અને તેમણે હોંશે હોંશે એ મોકલી આપી છે, અને બીજી કોઈ પણ રીતે આ સાંભળવાનો અવસર કદાચ ન મળે પણ અહીં તેનો પરિચય, ક. મા. મુનશીનું વર્ણન, કેટલાક સંવાદો અને એ રીતે આ નાટકની ઝાંખી આપવાનો આ પ્રયત્ન આપ સૌને પસંદ આવશે એવી આશા છે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જય સોમનાથ… !


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

28 thoughts on “જય સોમનાથ – હાર્દિક યાજ્ઞિક (First audiocast)