એક ગરીબ ખેડૂત ભગવાનની ખૂબ શ્રઘ્ઘાથી ભક્તિ કરતો હતો. એની નિર્મળ ભક્તિ જોઇ ભગવાન પ્રસન્ન થયા. એક દિવસ તેની આગળ પ્રગટ થઇને ભગવાને કહ્યું, “વત્સ, તને જે ગમે તે વરદાન માગ.” ભગવાને આમ એકાએક પોતાની સામે ઊભેલા જોઇ ખેડૂત અચંબો પામી ગયો. શું માગવું એ તેને સૂઝ્યું નહીં. આથી ભગવાન હસીને બોલ્યા,”તું સંકોચ રાખીશ નહીં. તારી જે ઇચ્છા થાય તે માગ. પણ એટલું ઘ્યાનમાં રાખજે કે તને હું જે આપીશ તે તારા પાડોશીઓને પણ માગ્યા વિના મળશે.” ખેડૂતે કહ્યું,: “:બરાબર છે, બાપજી. પણ શું માગવું એનીમને અત્યારે સૂઝ પડતી નથી. ઘરવાળીને પૂછીને કાલે તમને જણાવીશ.” બીજે દિવસે ખેડૂતે ભગવાનનું ઘ્યાન ઘર્યું, ત્યારે તેમણે પ્રગટ થઇને પૂછ્યું, “કેમ ભાઇ, શો વિચાર કર્યો?” ”હે કરુણાસાગર, મારામાં બુઘ્ઘિ ઓછી છે. મારી સ્ત્રી સાથે મસલત કરીને એમ નક્કી કર્યું છે કે મારી પેટી રૂપિયાથી ભરાઇ જાય અને તેમાંથી ગમે તેટલા રૂપિયા કાઢું તોયે તે ખાલી ન થાય, એવું વરદાન તમારી પાસે માગવું” ”એ તને જરૂર આપીશ. પણ મારી શરત યાદ છે ને? જે વસ્તુ તને મળશે એ તારા ગામના બઘા લોકોને પણ મળશે .” ”દયાનિઘિ! બઘું બરાબર યાદ છે. મને જે મળે તે મારા પાડોશીઓને પણ મળે, એ તો વધારે આનંદની વાત છે.” ”તસ્થાતુ!” કહીને ભગવાન અંતરઘ્યાન થયા. ખેડૂતે ઘેર જઇને પેટી જોઇ તો રૂપિયાથી ખીચોખીચ ભરેલી હતી! બીજે દિવસે ખીસામાં ખૂબ રૂપિયા ભરીને પોતાની સ્ત્રી માટે સાડીઓ ખરીદવા તે નીકળ્યો. રસ્તામાં એને જેટલા લોકો મળ્યા તે બઘાના મોં પર આનંદ આનંદ જ હતો. ખેડૂતને ભગવાનની શરત યાદ આવી. વરદાન કાંઇ તેને એકલાને જ થોડું મળ્યું હતું? બીજાની ખુશી જોઇને તે પણ ખૂબ રાજી થયો. […]