જુવાની જતા વાર નથી લાગતી. અને ગયેલી પાછી આવતી નથી. જે જુવાનીની પળેપળનો સદુપયોગ કરી લે છે તે કોઈ દિવસ વૃદ્ધ થતો નથી. સદાય જુવાન રહેવા ઈચ્છનાર મરતાં સુધી કર્તવ્યપરાયણ જીવન ગાળે છે.
તમારી જમીનો માટે બહારના ઘરાકો લાવવાની સરકાર વાતો કરે છે, પણ તાલુકાના લોકો બધી ગણતરી ગણીને બેઠા છે. ૧૯૨૧ ની ગર્જના કરી હતી તે ડરનારી પ્રજાના જોર પર કરી હતી શું? તે વખતે સંજોગ વિફર્યા અને કસોટી ન થઈ. આજે એ કસોટી ભલે થાય. અને એમાં કયું જોર જોઈએ છે? પંદર રૂપિયાના ભાડૂતી માણસોને ભેગા કરીને જો સરકાર એના લશ્કરો ઉભા કરે છે અને એ જ લશ્કરો સમજણ વગર, સ્વાર્થ વગર લડાઈના મેદાનમાં જઈને ભડોભડ મરે છે, તો તમે તો હજારોના ખાતેદારો છો. ને તમારે તો તમારા વતનને ખાતર અને તમારા છોકરાંના રોટલાને ખાતર લડવું છે. આવી લડત તો કોણ અભાગિયો હોય કે ન લડે ? હું તો ઈચ્છું કે આ લડત ભલે લાંબી ચાલે. અહીં બેઠા આપણે આખા ગુજરાતના ખેડૂતોને પાઠ શીખવીશું.
કષ્ટ તો તમે ક્યાં નથી વેઠતાં? ખેડૂત જેટલો ટાઢતડકો વરસાદ, ચાંચડ, મચ્છર વગેરેના ઉપદ્રવ કોણ સહન કરે છે ? સરકાર એથી વધારે શું દુઃખ નાખી શકે એમ છે ? પણ દુઃખ સમજપૂર્વક ખમો એ હું માંગું છું. એટલે જુલમની સામે થતા શીખો, તેનો ભયથી સ્વીકાર ન કરો.
મને શરૂઆતમાં કોઈ કોઈ ખેડૂત કહેતા કે, આ ઝઘડામાં ઊતરીને જોખમમાં પડવા કરતાં સવારમાં બે એક કલાક વહેલા ઊઠીને વધારે મજૂરી કરીશું. આવા માણસોએ જગત ઉપર જીવવાનું શું કામ છે? તેઓ માણસરૂપે બળદનું જીવન ગુજારે એ કરતાં મરીને બળદનો જ જન્મ ધારણ કરે.
ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઈચ્છું છું. હું ગુજરાતીઓને કહું છું કે તમે શરીરે ભલે દૂબળા હો, પણ કાળજું વાઘ સિંહનું રાખો, સ્વમાન ખાતર મરવાની તાકાત હ્રદયમાં રાખો. એ બે વસ્તુઓ લાખો ખરચતાં તમે મેળવી ન શકો તે આ લડતમાં તમે સહેજે મેળવી રહ્યાં છો. તમને સાક્ષાત લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે. તમારા ધનભાગ્ય છે કે તમારા ઉપર આ કરવધારો નાખ્યો છે.
આ વખતે સરકારનો પિત્તો ઉછળ્યો છે. લોઢું ગરમ થાય છે ત્યારે લાલચોળ થાય છે અને તેમાંથી તણખા ઝરે છે. પણ લોઢું ભલે ગમે તેટલું ગરમ થાય, હથોડાએ તો ઠંડા જ રહેવું ઘટે. હથોડો ગરમ થાય તો પોતાનો જ હાથો બાળે. લોઢાનો ઈચ્છાપૂર્વક ઘાટ ઘડવો હોય તો હથોડાને ગરમ થવું ન પાલવે. માટે ગમે તેવી આપત્તિમાં પણ આપણે ગરમ ન થઈ જઈએ.
યાદ રાખજો કે સત્યને ખાતર ખુવાર થવા બેઠાં છે તે જ આખરે જીતવાના છે. જેમણે અમલદારો જોડે કુંડાળા કર્યા હશે તેમના મોં કાળા થવાનાં છે. એમાં મીનમેખ ફરક પડવાનો નથી. જાણજો કે તમારી જમીન તમારા બારણાં ખખડાવતી તમારે ત્યાં પાછી આવવાની છે. અને કહેવાની છે કે હું તમારી છું.
થોડો ત્યાગ કરનારને હિંદુસ્તાનમાં લોકો પૂજે છે. એથી તો લાખો પાખંડીઓ પૂજાય છે. ભગવું પહેર્યું એટલે ભોળો હિંદુ તેને સાધુ માને છે. ભગવાધારી એટલા સાધુ નથી તેમ ધોળી ટોપી ને ધોળું કુડતું પહેર્યું એટલે ગાંધીનો માણસ નથી થઈ જતો.
ઉપરીનો હુકમ ઉઠાવવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં વિનય નહીં છોડવો જોઈએ. કોઈ વાર અંતઃકરણ વિરુધ્ધ હુકમ લાગે તો ઉપરીના ખોળામાં રાજીનામું ધરી દેવું, પણ વિનય નહીં છોડવો જોઈએ.
હું કાયરોને લઈને લડવા નીકળ્યો નથી. હું તો સરકારનો ડર છોડી બહાદુર બન્યાં છે તેમની સાથે ઉભો રહીને લડ્વા માંગું છું. હું તો ખેડૂતોને કહું છું કે જો જુલમ થયો છે એમ લાગે તો નીડર બનીને પૈસા ભરવાની ના કહો, પણ જો કોઈને એમ લાગતું હોય કે વધારો થયો છે તેમાં ન્યાય છે તો ખુશીથી ભરી દો. જેને ડર હશે તેનું રક્ષણ હું કરીશ. મને તેના ઉપર દયા તો છૂટશે કે આપનાર અને લેનાર તો ઈશ્વર છે, તેનો વિશ્વાસ છોડી તેણે સરકારનો વિશ્વાસકર્યો !
(સ્વતંત્રતા મેળવવા લડતી ગરીબ નિર્ધન પ્રજાને રોજેરોજ પ્રમાણસર વીરરસ અને જોમ પૂરું પાડતી એક સાચા સેનાપતિને છાજે એવી વાણીથી સરદાર વલ્લભભાઈ પટેલે લડવાની, સ્વમાનથી જીવવાની અને પોતાના હક મેળવવા મહેનત કરવાની એક અનોખી રીત શીખવી. એમણે લોકોને હિંમત અને પ્રેરણા પૂરી પાડી. એમની કટાક્ષવાણી, વિનોદ, પ્રોત્સાહન, બધુંજ સચોટ અને સ્પષ્ટ છે. તેમણે બારડોલીને પ્રેરણા અને જોશનો નવો સ્તોત્ર બનાવી દીધેલો. આજે પણ તેમની વાણી એટલી જ પ્રસ્તુત છે. ગુજરાતના આ પનોતા પુત્રએ પોતાના કામથી જગતને એ બતાવી આપ્યું કે લોકો માટે, લોકો નો અને લોકો દ્વારા ચૂંટાયેલો એક સાચો નેતા કેવો હોય.
નવજીવન ટ્રસ્ટ દ્વારા સરદાર જન્મશતાબ્દી માળા – ૬ અંતર્ગત શ્રી મુકુલભાઈ કલાર્થી દ્વારા સંપાદિત “સરદારશ્રીની પ્રેરક વાણી” પુસ્તક માંથી સાભાર. છ પુસ્તકોના સંપુટની કિંમત છે સાઠ રૂપિયા. પુસ્તક પ્રાપ્તિ સ્થાન – નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ.)
આવુ પુસ્તક દરેક ગુજરાતિએ વાન્ચન કરવુ જોઈ એ.
મારી લાઇબ્રેરીમાં શોધીશ..
આ પુસ્તક કદાચ મળી જાય…
“માનવ”