સાહિત્યકાર મુજબ સંગ્રહ... : હનીફ સાહિલ


ગઝલમાં એક દર્દ – હનીફ સાહિલ 3

વિરહની રાત છે, મન છે ઉદાસ થી આગળ આ આર્દ્ર આંખ જૂએ છે શું ભાસ થી આગળ ખફા થઈને એ પડ્ખેથી થઈ ગયા ઊભા ગ્રહી શક્યો ન હાથ પણ પ્રયાસથી આગળ જીવનના માર્ગ પર ચાલ્યા કરું છું દૂર સુધી તલાસમાં હું કશાની પ્રવાસથી આગળ આ મ્રુગજળોથી સહેજ દૂર હશે જળ જેવું હું એમ માની ચાલ્યો’તો પ્યાસથી આગળ હું શોઘતો જ સ્વયંને રહ્યો તિમિરમાં અને લઈ ગઈ મને છાયા ઉજાસથી આગળ આ લખવું કહેવું બધું છે કપોલ કલ્પિત ને કશુંક સત્ય છે વાણી વિલાસથી આગળ હનીફ શબ્દના વિન્યાસનો નથી આ કસબ ગઝલમાં હોય છે એક દર્દ પ્રાસથી આગળ – હનીફ સાહિલ ( ગુજરાત સામયિક, દિવાળી વિશેષાંક ‘૦૮ માંથી સાભાર )