ઇઝરાઈલ ડાયરી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ 2
દેશવિદેશે’માં મનુભાઈ પંચોળી ‘દર્શક’ તેમના ઇઝરાઈલની પ્રવાસ ડાયરીમાં નોંધે છે તેમ, “ઈસીહા પાસેથી જાણ્યું કે ધર્મનું પરિબળ નવી પેઢીમાં ઘટતું જાય છે, પણ બાઈબલ તરફની એક પ્રકારની અહોભાવની લાગણી છે જ અને અરબો સામે દેશને બચાવવાની સરફરોશી છે. આ લોકોએ પણ ઇઝરાઈલ બાબતની ભારતની નીતિની ચર્ચા કરી. મેં તેમને મુસ્લિમ લોકોના પ્રત્યાઘાતો તેમ જ મુસ્લિમ દેશો સાથે બસો કરોડ રૂપિયનો ભારતનો વેપાર છે તેનો ખ્યાલ આપ્યો. ઈઝરાઈલ વિશે સહાનુભૂતિ છે છતાં ઉપરની હકીકતને લીધે કોકડું ગૂંચવાયેલું રહે છે – કે રાખે છે, તેમ સમજાવવા મહેનત કરી. ઇસીહાએ મને માહિતી આપી કે જોર્ડન તો ઈઝરાઈલ જોડે યુદ્ધની સ્થિતિમાં રહ્યું છે છતાં તે ઈઝરાઈલમાંથી લાખો રૂપિયાનાં સીમેન્ટ, શાકભાજી, માખણ લઈ જાય છે. જોર્ડન જો ચાલુ લડાઈએ આ કરે તો ભારતથી કેમ ન બને? તેણે માહિતી આપી કે ઇઝરાઈલે ફોસ્ફેટનાં ખાતરો બીજા કોઈનાં કરતાં દસ ટકા ઓછા ભાવે મુંબઈ કિનારે પહોંચાડવાની તૈયારી બતાવેલી છતાં ભારતે તે ખાતરો ન લીધાં. તે વખતે પોતે ફોસ્ફેટ ખાતરોનાં કારખાનામાં મદદનીશ ઈજનેર હતા.” સ્વ.મનુભાઈ પંચોળી ‘દર્શક’ની જન્મ શતાબ્દી નું આ વર્ષ છે. ૧૯૭૦માં તેમના પ્રવાસની ડાયરીમાં ઘણું રસપ્રદ અને અવનવું તેમણે અનુભવસરવાણી રૂપે નોંધ્યું છે, એમાંથી થોડા ભાગ અહીં ઉદધૃત કર્યા છે.