કર્ણ વૃષાલી મિલન – શિવાજી સાવંત, અનુ. પ્રતિભા દવે 7
શ્રી શિવાજી સાવંત (૩૧ ઓગસ્ટ, ૧૯૪૦ – ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૨) રચિત મરાઠી નવલકથા ‘મૃત્યુંજય’ પોતે એક સદાબહાર મહાકાવ્યસમ બની ચૂકી છે. દાનવીર અંગરાજ કર્ણના જીવન વિશે ખૂબ જ ઉંડાણપૂર્વક સંશોધન પછી લખાયેલી મૃત્યુંજય વાંચવી એક લહાવો છે. તેમની આ કૃતિનો અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે, જેમાં હિન્દી, કન્નડ, મલયાલમ, અંગ્રેજી વગેરે ભાષાઓ સહિત ગુજરાતીમાં ૧૯૯૧માં આ અનુવાદ પ્રસિદ્ધ થયો જે પ્રતિભા દવેની કલમે લખાયો છે. મૃત્યુંજય જેવી જ તેમની અન્ય સદાબહાર કૃતિઓ ‘યુગાન્ધર’ જે કૃષ્ણના જીવન પર આધારિત છે અને બીજી છે છાવા, જે છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજી પર આધારિત છે. દરેક સાહિત્યપ્રેમીના પુસ્તકસંગ્રહમાં અવશ્ય હોવી જ જોઈએ એવી આ નવલકથાનો એક નાનકડો ભાગ આજે અહીં પ્રસ્તુત છે.