ઉકરડાનું કાવ્ય (હાસ્યનિબંધ) – ન. પ્ર. બુચ 7
ઉકરડો એ આપણી એક સનાતન લોકસંસ્થા છે. લોકગીતની પેઠે એની ઉત્પત્તિ અને વિકાસ પણ અનેક અજ્ઞાત માણસોને હાથે થાય છે. શેરીની બાજુમાં કે ગામને છેડે આવેલી એકાદ ખુલ્લી જગ્યા પર કોઈક આવી રાખની ઢગલી કરી જાય. કલાક બે કલાકે બીજું કોઈ જણ આવી દૂધીનાં છોતરાં કે ડુંગળીનાં ફોતરાં ત્યાં ફેંકી જાય. વળી થોડી વારે ત્રીજું કોઈ આવી તૂટેલી તાવડી કે ફાટેલો જોડો નાખી જાય. આમ ઉકરડાનો પાયો નંખાય, પછી તો વાર્તામાંની રાજકુમારીની પેઠે તે દિવસે ન વધે એટલો રાતે વધે અને રાતે ન વધે એટલો દિવસે વધે અને એમ કરીને જોતજોતામાં ભારે ઝડપી વિકાસ સાધે. આજે નાની સરખી ઉકરડી હોય તે આવતી કાલે વધીને મોટા મહાકાવ્ય જેવો ઉકરડો બની જાય. તે ક્યારે વધે તે આપણને ખબર પણ ન પડે તેથી જ આપણે તારુણ્યમાં પ્રવેશતી કન્યાની વૃદ્ધિને ઉકરડાના વિકાસ સાથે સરખાવીએ છીએ.