મિલન અભી આધા અધૂરા હૈ.. – કમલેશ જોષી 11


લગ્ન પહેલા મુરતિયાઓ જોવા આવે એવો રિવાજ હું જાણતો હતો પણ એ રિવાજ મુજબ એક છોકરો મોટીબેનને આજે જોવા આવવાનો હતો એ સાંભળી કોણ જાણે કેમ મને એસએસસીની પરીક્ષા હોય એવું ટેન્શન થઈ ગયું.

ફરી એક ગંભીર વર્ષ એટલે બારમું ધોરણ, એચ.એસ.સી. બોર્ડ. હજુ તો અગિયારમું અર્ધું પત્યું હતું ત્યાં જ શાળાઓમાં, મિત્રોમાં, સોસાયટીમાં અમને સૌ બારમા ધોરણની ગંભીરતા સમજાવવા માંડ્યા હતા. એસ.એસ.સી.નો અમને અનુભવ હતો એમ છતાં આ વખતે અમે કોઈ કસર છોડવા માંગતા નહોતા. મેં શરૂઆતથી જ ટ્યુશન રખાવી લીધું હતું. બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે બી.એ., ઇકોનોમિક્સ, અકાઉન્ટ, ઈંગ્લીશ, મેથ્સ અને ગુજરાતી, આટલા વિષય હતા અમારે તૈયાર કરવાના. મેં એક ટાઈમ ટેબલ બનાવ્યું હતું. સ્કૂલ અને ટ્યુશનના કલાકો બાદ દરેક વિષય પર રોજ કલાક – સવા કલાક ફાળવી હતી. સવારે લગભગ છ વાગ્યે મોટીબેન મને ઉઠાડી દેતી, છેક રાત્રે બાર વાગ્યે છેલ્લી ચા પીને હું જગાય ત્યાં સુધી ગણિત ગણતો.

ટયુશનમાં પણ જબરી રેસ જામી હતી. વીકલી ટેસ્ટમાં પ્રથમ આવવા હું ખૂબ ઉત્સુક હતો. જે દિવસે મારો ત્રીજો નંબર આવ્યો તે દિવસથી મિત્રોમાં મારી શાખ વધી હતી. ઘરે મહેમાનો આવતા એ પણ મારા બારમા ધોરણને મહત્વ આપતા, એ મને ગમતું. દિવસ-રાત વીતવા માંડ્યા. દુનિયા જ ભૂલાઈ ગઈ સમજી લો ને! ન ખાસ તહેવારો અમે ઉજવ્યા કે ન કોઈ પ્રસંગમાં ગયા. મારે સી.એ. કરવું હતું. મિત્રોમાં એવીયે ચર્ચાઓ ચાલતી કે બેંક-રેલ્વેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી એમાં નોકરીએ લાગી જઈએ એટલે ભયોભયો.

નોકરી..

હા, ગવર્મેન્ટ જોબ અંગે મારો મિત્ર પિન્ટુ બહુ માહિતી આપતો. મિત્રોમાં જનરલ નૉલેજ શબ્દ પણ હવે પ્રચલિત બન્યો હતો. ક્યારેક અમારા સ્કૂલ શિક્ષક અમને ઈંગ્લીશનું મહત્વ સમજાવતા. ક્યાંક ક્યાંક સ્પોકન ઈંગ્લીશના ક્લાસ પણ ચાલતા હતા. પિન્ટુના પપ્પા ભારે એક્ટિવ હતા. એમણે પિન્ટુ સાથે શરત કરી હતી. જો પિન્ટુને બારમા ધોરણમાં સેવન્ટી અપ પર્સેન્ટેજ આવે તો એ એને બાઇક ગિફ્ટ કરવાના હતા.

એ દિવસો દરમિયાન જ પપ્પાએ નોંધાવેલો ગેસ અમને લાગ્યો હતો. હા, એ વર્ષોમાં ગેસની નોંધણી કરાવ્યા પછી ત્રણ-ચાર વર્ષે વારો આવતો અને ડિપૉઝીટ જમા કરાવી બાટલો ઘરે મળતો. પ્રાઇમસ અને સગડીમાંથી હવે મમ્મી અને મોટીબેન છૂટ્યા હતા. બાટલો ચઢાવવામાં, ગેસ ચાલુ કરવામાં કેવી કેવી સાવચેતી રાખવી એની સલાહ અમને સોસાયટીમાં, જેમને ત્યાં ગેસ હતા લગભગ એ સૌએ આપી હતી. વગર અવાજે બ્લુ ફ્લેમથી બળતા ગેસ પર ચા તો ત્રણ જ મિનિટમાં બની જતી. અમે સૌ ભાવવિભોર બની સળગતી ફ્લેમને દિવસો સુધી જોતા રહ્યા હતા.

જોત-જોતામાં જાન્યુઆરી મહિનો આવી ગયો. મોટાભાગના સિલેબસ પૂરા થઈ ચૂક્યા હતા. ટ્યુશનમાં પરીક્ષાઓનો દોર ચાલતો હતો. દરેક વિષયના પાંચ-પાંચ કસોટીપત્રો અમે સૉલ્વ કરવા માંડ્યા હતા. ઘણું થઈ ગયું હતું અને ઘણું બાકી રહી ગયું હતું.

બરાબર એ જ વર્ષે ફેબ્રુઆરીમાં ક્રિકેટ વર્લ્ડકપ રમાયો હતો. અમને તો ભારે ચસ્કો હતો ક્રિકેટનો. અઝરૂદ્દીન, રવિ શાસ્ત્રી, કપિલ દેવ, કિરણ મોરે, સચિન તેન્ડુલકર, મનોજ પ્રભાકર, શ્રીકાંત, શ્રીનાથ.. એક-એક નામ અમને મોઢે હતા. એમ તો પાકિસ્તાનના ઈમરાન ખાન, વસીમ અક્રમ, ઈઝાઝ અહેમદ, ઇન્જમામ ઉલ હક, જાવેદ મિયાદાદ, રમીઝ રાજાને પણ અમે ઓળખી કાઢતા હતા. શ્રી લંકાનો સનથ જયસુર્યા, અરવિંદ ડી સિલ્વા, અર્જુન રણતુંગા તો વેસ્ટ ઇન્ડિઝનો રીચી રિચર્ડસન, બ્રાયન લારા, પેટ્રિક પેટરસન ઓહોહો.. એક નામ લો અને એક ભૂલો. ઓસ્ટ્રેલિયાનો એલન બોર્ડર, ડેવિડ બૂન, ડીન જોન્સ, માર્ક વો, સ્ટીવ વો તો ઇંગ્લેન્ડનો ગ્રેહામ ગુચ, રોબીન સ્મિથ જેવા ખેલાડીઓની રમત અમને જકડી રાખતી. એ વર્લ્ડકપ પાકિસ્તાન જીત્યું હતું. ના, અમે મન મક્કમ રાખી બહુ ઓછી મૅચ જોઈ હતી.

ત્યાં માર્ચ આવી ગયો. બોર્ડની રિસીપ્ટ આવી ગઈ. અમે સૌ ટેન્શનમાં આવી ગયા. બેસ્ટ ઓફ લક અને ઓલ ધી બેસ્ટ વચ્ચે અમે ઘરના મંદિરમાં દીવો કરી, મમ્મી-પપ્પાને પગે લાગી પરીક્ષા કેન્દ્ર તરફ દોડી ગયા. પહેલું પેપર, બીજું, ત્રીજું.. અને પરીક્ષા પૂરી. જોત-જોતામાં અઠવાડિયું નીકળી ગયું. જાણે માથા પરથી વીસ-ત્રીસ કિલો વજનનું પોટલું ઉતરી ગયું હોય એમ અમે હળવા ફૂલ થઈ ગયા.

હવે અમે હતા અને ટીવી હતું. એ દિવસોમાં અનિલ કપૂર, રવિના ટંડનની સુપરહિટ ફિલ્મ ‘બેટા’ રીલીઝ થઈ હતી. ‘લડકી હૈ ક્યા, રે વાહ વાહ..’ નું ગીત અમારી નસેનસમાં ગુંજવા લાગ્યું હતું. ફિલ્મો વિશે મિત્રોમાં ઘણી ચર્ચાઓ-અફવાઓ ચાલતી. કોઈ કહેતું મુંબઈમાં છોકરા-છોકરીઓ વચ્ચે ફ્રેન્ડશીપ કોમન વાત હતી. આવી વાતું જયારે ચગતી ત્યારે કોણ જાણે કેમ અમને મજાય બહુ આવતી અને અપરાધભાવ પણ જાગતો. ચૅલેન્જ જેવું પણ લાગતું અને શરમ પણ આવતી.

ત્યાં જ એક દિવસ વીરાએ અમને સૌને ચોંકાવી દીધા. એ એક જગ્યાએ નોકરીએ લાગ્યો હતો.

“નોકરી!”

“અરે, આપણને કોણ નોકરી આપે? આપણને આવડેય શું?”

રવિવારની રજામાં વીરો મળ્યો ત્યારે એણે અમારી આગળ એની નોકરીની વાતો કરી. અઢીસો રૂપિયા પગાર. દવાની દુકાન હતી. આવવા-જવા માટે સાયકલ દુકાન તરફથી મળે. ગ્રાહક આવી ચિઠ્ઠી આપે એમાં લખેલી દવા ખાનાઓમાંથી કાઢી આપવાનું કામ વીરો કરતો હતો.

“પણ, તને ક્યાં ઈંગ્લીશ આવડે છે?” મને નવાઈ લાગી એટલે મેં પૂછ્યું.

“એમાં એવા ઈંગ્લીશની જરૂર નથી, કમ્પનીનું નામ આવડે અને દવાનું નામ આવડે એટલે બસ… જેમ ઇંગ્લેન્ડના ક્રિકેટરોના નામ આવડે એમ આપણને દવાના નામ પણ આવડી જાય.”

અમને સૌને આશ્ચર્ય સાથે હસવું પણ આવ્યું. ત્યાં વીરાએ અઠવાડિયામાં શીખેલી કેટલીક કંપનીઓના નામ કહ્યા: કેડીલા, સિપ્લા, રેનબક્ષી, વોકાર્ડ, એલેમ્બિક.. એ તો ઘણા નામ બોલ્યો. સિરપ એટલે બૉટલમાં આવતી દવા, કૅપ્સ્યૂલ, ટૅબ્લેટ, ઇન્જેક્શન જેવા નામો જે અત્યાર સુધી અમે દાક્તરના દવાખાને એક દર્દી તરીકે બીતા બીતા સાંભળ્યા હતા એ જ નામો અત્યારે વીરા પાસે એક ઍજ્યુકેટેડ વિદ્યાર્થી બની બિઝનેસની પ્રોડક્ટની જેમ અમે સાંભળતા હતા. વીરાએ કેટલી બધી વાતો કરી!

અમે છુટ્ટા પડ્યા ત્યારે ઘર તરફ જતી વખતે મનેય ‘હવે નોકરી કરી પૈસા કમાવા’ના અરમાનો જાગ્યા હતા.

સવારે પપ્પા સાથે મેં આ વાત શેર કરી તો મમ્મીએ કહ્યું, “પહેલા તું ભણી લે. નોકરી તો પછી આખી જિંદગી કરવાની જ છે.” કોણ જાણે કેમ હું મોટો થઈ ગયો હોઉં એવું મને લાગતું હતું. ત્યારે જ પપ્પાએ એક મોટું કામ મને સોપ્યું.

“બંટી, ત્રિકમ ચેવડા વાળાની દુકાન તેં જોઈ છે, બજારમાં?” એમણે પૂછ્યું. મેં ‘હા’ પાડી એટલે પપ્પાએ કહ્યું, “તો દીદીનું સ્કૂટી લઈ ત્યાંથી એક કિલો ચેવડો, એક કિલો કચોરી અને એક કિલો પેંડા લેતો આવીશ?” મને ભાવતી વાનગીઓના નામ સાંભળી આનંદ થયો.

“હા, પણ આટલું બધું કેમ?” મેં પૂછ્યું. મારો પ્રશ્ન સાંભળી મોટીબેન સહેજ હસી રસોડા તરફ જતી રહી અને જવાબ સાંભળી હું ચોંકી ગયો.

“આજે સાંજે દીદીને જોવા રાજકોટથી મહેમાન આવવાના છે.”

ઓહ…! મને એ તો ખબર હતી કે મોટીબેન મારા કરતા મોટી છે, લગ્ન પહેલા મુરતિયાઓ જોવા આવે એવો રિવાજ પણ હું જાણતો હતો પણ એ રિવાજ મુજબ એક છોકરો મોટીબેનને આજે જોવા આવવાનો હતો એ સાંભળી કોણ જાણે કેમ મને મારી એસ.એસ.સી.ની પરીક્ષા હોય એવું ટેન્શન થઈ ગયું.

silhouette photography of man and woman
Photo by Mateus Souza on Pexels.com

સાંજે અમારી શેરીના નાકે એક રીક્ષા થંભી. એમાંથી એક કાકી, એક યુવાન અને એક યુવતી ઉતર્યા. રીક્ષા પાસે જ આવી થંભેલા એક સ્કૂટર પર અમારા એક જ્ઞાતિબંધુ અને કોઈ અજાણ્યા વડીલ બેઠા હતા. એ યુવાન હેન્ડસમ હતો. પેલી યુવતી પણ સુંદર હતી. થોડી જ મિનિટોમાં એ લોકો અમારા દરવાજે પહોંચ્યા. પપ્પાએ એમને આવકાર્યા. હું ચકળવકળ આંખે સૌને જોઈ રહ્યો હતો. હું બને એટલો ગંભીર અને સમજુ દેખાવાની કોશિશ કરતો હતો. શેરીમાંના કેટલાક દરવાજા અને બારીઓમાંથી આડોશીપાડોશીઓએ અમારે ત્યાં આવેલા મહેમાનોની નોંધ લઈ લીધી હતી.

બેઠક ખંડમાં સૌ ગોઠવાયા. વાતો ચાલી. રાજકોટના અમારા સગાંઓ, એમના સગાંઓ, કોણ કોની દીકરી થાય ને કોણ કોની વેરે દીધી છે કરતાં કરતાં વાત પેલા યુવાન પર આવી.

“તમારી કમ્પનીની મેઇન પ્રોડક્ટ કઈ છે?” પપ્પાએ યુવાનને પૂછ્યું.

“ખાસ તો અમારી કફસિરપ બહુ ડિમાન્ડમાં છે. જોકે હું તો અકાઉન્ટ વિભાગમાં છું, પણ અમારી પ્રોડક્ટ આખા ભારતમાં જાય છે.” એ બહુ મસ્ત બોલ્યો.

સિરપ શબ્દ સાંભળી મને વીરો યાદ આવી ગયો. હું બોલી ઉઠ્યો, “તમારી દવાની કંપની છે?” સૌ મારી તરફ તાકી રહ્યા.

“હા, મૂન ફાર્મા.” એ સહેજ હસીને બોલ્યો. “તમે શું કરો છો અત્યારે?” એણે મને પ્રશ્ન દાગ્યો એટલે હું સહેજ ગૂંચવાયો. અત્યારે તો હું કાંઈ નહોતો કરતો. મારે શું જવાબ આપવો?

ત્યાં મારા પપ્પાએ કહ્યું, “એણે ટવૅલ્થની ઍક્ઝામ આપી, અત્યારે વેકેશન છે.”

બરાબર ત્યારે જ મોટીબેન રસોડામાંથી બેઠક ખંડમાં પ્રવેશી એટલે સૌનું ધ્યાન એ તરફ ગયું.

ઓહ.. મોટીબેન તો બહુ બ્યુટીફૂલ લાગતી હતી. એણે ટેબલ પર ટ્રે મૂકી અને નાસ્તાની એક-એક ડીશ આપવા માંડી. સૌ એને નીરખતા હતા.

“અરે આટલું બધું હોય કંઈ? હજુ તો બપોરનું જમ્યા એ પણ પચ્યું નથી.” વડીલ કાકી બોલ્યા.

“અરે તમે ચાખો તો ખરા. અહીંની કચોરી ફેમસ છે.” પપ્પાએ આગ્રહ કર્યો.

“હા હોં, કચોરી અહીંની છેક વિદેશમાં એક્સપોર્ટ થાય છે.” વડીલ કાકા બોલ્યા. મોટીબેને વડીલ કાકી સામે સ્મિત કરી મસ્તક નમાવ્યું. વડીલ કાકીએ પણ સામું સ્મિત કર્યું. પેલો યુવાન ત્યાં સુધી જમીન પર તાકતો બેઠો હતો. દીદી ફરી રસોડા બાજુ ગઈ ત્યાં “તમે પણ અહીં જ બેસો બેટા..” વડીલ કાકીએ દીદીને રોકી. મમ્મીએ પણ પોતાની બાજુની ખાલી ખુરશી પર દીદીને બેસાડી.

“એમ તો અહીની બાંધણી પણ બહુ વખણાય છે હોં.” વડીલ કાકીએ કહ્યું.

“હા હોં..” મમ્મી બોલી.

“તને નહીં ખબર હોય શેખર..” વડીલ કાકાએ પેલા યુવાનને કહ્યું એટલે એણે એમની સામે નજર ઉંચી કરી. “અહીં બાંધણીનો ભાવ દસ પંદર હજારથી શરુ થાય હોં.”

“એમ! બહુ કહેવાય.”  યુવાને કહ્યું. દીદી નીચું જોઈ બેઠી હતી.

હું વિચારતો હતો. હવે શું થશે? મારો આ પહેલો અનુભવ હતો.

વાતો અને નાસ્તો ચાલતા રહ્યા. થોડી વારે દીદી ઉભી થઈ ઉપરના રૂમમાં ગઈ. હું, પપ્પા અને પેલા વડીલ અને પેલી યુવતી ફળિયામાં ગયા. મિનિટો વીતવા માંડી. થોડી વારે સૌ ફરી બેઠક ખંડમાં ગોઠવાયા. જ્ઞાતિના વડીલે અમારા, મારા દાદા-દાદીના ખૂબ વખાણ કર્યા. એ પછી ‘આવજો આવજો’ કરતા સૌ છુટ્ટા પડ્યા.

ત્રીજા જ દિવસે જ્ઞાતિના વડીલ અમારે ત્યાં આવ્યા અને એમની ‘હા’ હોવાનું કહી ગયા. એ લોકોએ અમને ઘર જોવા આવવા આમંત્રણ આપ્યું હોવાનું પણ કહ્યું. એમના ગયા પછી બેઠક ખંડમાં મમ્મી, પપ્પા, દીદી અને હું બેઠા હતા. છોકરો સૌને પસંદ પડ્યો હતો. દાદીમાને પપ્પાએ ફોન જોડ્યો. બધી વાત કરી. બીજા રવિવારે મમ્મી-પપ્પા જ્ઞાતિબંધુ સાથે રાજકોટ છોકરાનું ઘર જોવા ગયા. મને આ બધું અજીબ લાગતું હતું. પાછા આવી મમ્મી-પપ્પાએ એમના ઘર-કુટુંબના વખાણ કર્યા. મમ્મીએ મને સમજાવ્યું, “આપણા દાદીમા છોકરાની ત્રણ પેઢીને બહુ સારી રીતે ઓળખે છે.” મેં કહ્યું, “પણ દીદી તો હજુ કૉલેજમાં ભણે છે.” તો મમ્મીએ સમજાવ્યું, “હજુ તો સગાઈ જ થશે. લગ્ન તો એકાદ વર્ષ પછી થશે.”

હવે ઘરમાં દોડધામ ચાલુ થઈ ગઈ. દીદી બદલાવા માંડી હતી. એ હવે વધુ ઉત્સાહિત અને આનંદિત રહેતી હતી. ચોથા રવિવારે અમે વાડી ભાડે રાખી લીધી હતી. ગૌરીદીદીની સગાઈ પણ સાથે જ ગોઠવી નાંખી હતી. દીદીની શેખરકુમાર સાથે સગાઈ હતી. મહેમાનો આવ્યા હતા. ગામડેથી કાકા-કાકી, જીગાભાઈ, ગૌરી અને દાદીમા સોમવારે જ આવી ગયા હતા. દાદીમાના હરખનો પાર નહોતો. મહેમાનો પણ અમને સૌને અભિનંદન આપતા હતા. “સારું કુટુંબ છે, ખાનદાન છે.” એવી વાતો સૌ કરતા હતા.

વાજતે ગાજતે પ્રસંગ ઉજવાયો. એ લોકો દીદી માટે નવા-નવા ડ્રેસ અને સાડીઓ લાવ્યા હતા. એમના દાદીમા અને મારા દાદીમા તો એકબીજાને વળગી જ પડ્યા હતા. પેલી યુવતી શેખર કુમારની નાની બહેન નંદિની હતી. સગાઈના દિવસે મેં પણ ક્રીમ શર્ટ , કોફી પેન્ટ પહેર્યા હતા, શર્ટ પર મને જીગાભાઈએ ટાઈ બાંધી આપી હતી. હું હેન્ડસમ લાગતો હતો.

પેલી નંદિનીએ મને કહ્યું હતું, “લૂકિંગ હેન્ડસમ.” હું ચકિત બની ગયો હતો. એ પણ ખૂબસુરત લાગતી હતી. જીગાભાઈએ મને ઠોસો મારી કહ્યું, “વાત કરું તારી? કાકીને.. છોકરો જુવાન થઈ ગયો છે. એનીયે સગાઈ કરી નાખીએ.”

નંદિની મને અને હું નંદિનીને ચોરીછૂપીથી જોઈ લેતા હતા. કોણ જાણે મને શું થતું હતું. દીદીનો પ્રસંગ ચાલતો હતો. મને બીક લાગતી હતી. પણ નંદિની ખૂબ ઉમળકાથી મારી સાથે હસતી હતી, વાતો કરતી હતી. હું ગભરાતો હતો. પણ ત્યાં જ દીદી-શેખરકુમાર અને એમનો પરિવાર બેઠા હતા ત્યારે નંદિનીએ સૌની વચ્ચે જ કહ્યું, “શેખરભાઈ તમને જેમ અહીંની રાજકુમારી મળી ગઈ છે એમ મને પણ અહી બંટી નામનો મસ્ત ફ્રેન્ડ મળી ગયો છે. કેમ બંટી?” હું તો ચોંકી જ ગયો પણ સૌ ખડખડાટ હસ્યા એટલે હું પણ “હાસ્તો..” કહી હસી પડ્યો.

દિવસો સુધી હું રવિના ટંડન અને નંદિનીના વિચારોમાં ખોવાયેલો હતો.

એમાંથી એક દિવસ પિન્ટુએ મને આંચકો મારી જગાડ્યો. મે મહિનાની એકવીસમી તારીખ હતી. હું, પિન્ટુ, પૂજન અને વીરો રાત્રે શેરીની બંધ દુકાનના ઓટલે બેઠા-બેઠા ગપ્પા મારતા હતા. ત્યાં પિન્ટુ બોલ્યો, “હવેનો યુગ કમ્પ્યૂટરનો હશે.”

“કમ્પ્યૂટર?” મને નવાઈ લાગી. હમણાં હમણાં આ શબ્દ બહુ સાંભળવા મળતો હતો. ટીવી, વી.સી.આર. જેવા સાધનો વચ્ચે આ કોઈ નવું સાધન આવ્યું હતું. 

“હાસ્તો.. વિદેશોમાં તો હવે બધું કમ્પ્યૂટરાઇઝ થવા માંડ્યું છે, આપણા દેશમાં પણ બે-પાંચ વર્ષમાં આવી જશે. પછી તો એના જાણકારોની ડિમાન્ડ રહેશે.” પિન્ટુ અમને એક વૈજ્ઞાનિક જેવો લાગતો હતો. એ બહુ વાંચનશોખીન હતો. એને નંબર વાળા ચશ્માં પણ આવી ગયા હતા. પણ એનું જનરલ નૉલેજ જબરું હતું.

એ બોલ્યો, “મેં આજે જ સવારે છાપામાં એનો લેખ વાંચ્યો. આપણા વડાપ્રધાન રાજીવ ગાંધી હતા એમની આજે પુણ્યતિથી છે, છાપામાં લખ્યું હતું કે ભારતમાં કમ્પ્યૂટર યુગ લાવવામાં રાજીવ ગાંધી અને એના મિત્ર શામ પિત્રોડાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.”

“પુણ્યતિથિ એટલે?” વીરાએ જુદો જ પ્રશ્ન પૂછ્યો.

“મૃત્યુ દિવસ.”

“રાજીવ ગાંધીનું મૃત્યુ થઈ ગયું છે?” વીરાએ બીજો પ્રશ્ન પૂછ્યો.

“મૃત્યુ એટલે જેવું તેવું નહીં, મર્ડર…” અમારા અજ્ઞાન અને પોતાના નૉલેજ પર પોરસાતો હોય એમ પિન્ટુ બોલ્યો. “એક વ્યક્તિ છુપાવેલા બોમ્બ સાથે રાજીવગાંધીની નજીક પહોંચી ગઈ અને એણે બોમ્બ બ્લાસ્ટ કરી દીધો.”

“ઓહ…” અમારા આશ્ચર્યનો પાર ન હતો. મૃત્યુની આ રીત મેં પહેલી વાર સાંભળી હતી. કોઈને મારવા માટે ખુદના પણ ફુરચે ફુરચા ઉડાવી દેવાની આ રીત ખતરનાક હતી. એ પછી તો પિન્ટુએ કોઈ જ્હોન એફ. કેનેડી, અબ્રાહમ લિન્કનથી શરુ કરી છેક મહાત્મા ગાંધી સુધીના લોકોની હત્યા કરવામાં આવેલી એવું કહ્યું ત્યારે તો અમે રીતસર કંપી ઉઠ્યા હતા. મને તો મારા સન્ની એક્સિડેન્ટ વખતે લાગેલું રીક્ષાનું પતરું પણ ભારે વેદના આપી ગયું હતું. મોટા નેતાઓના આવા ખતરનાક મોત સાંભળી હું ભીતરેથી હલી ગયો. કોઈ મારું મર્ડર નહિ કરી નાખે ને? એવો પ્રશ્ન દિવસો સુધી મને ડરાવતો રહ્યો.

— કમલેશ જોશી


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

11 thoughts on “મિલન અભી આધા અધૂરા હૈ.. – કમલેશ જોષી

  • મનસુખલાલ ગાંધી

    રાજીવ ગાંધીનું અવસાન ૧૯૮૪ માં થયું હતું, કમ્પ્યુટર ૧૯૮૫ આસપાસથી વધવા માંડ્યું હતુંઅનીલ અને માધુરીની ‘બેટા’ ૧૯૯૨માં આવી હતી અને અનીલ અને રવીનાની ‘બુલંદી’ ૨૦૦૦ માં આવી હતી.

    • Kamlesh Joshi

      વાહ.. દાદા.. તમે ખૂબ ઝીણવટથી વાંચ્યું છે એ આ કમેન્ટ દર્શાવે છે. તમારા જેવા સુજ્ઞ વાચકોને વંદન.. ‘બેટા’ ભૂલથી લખાયું.. એ‌ ખરેખર ‘લાડલા’ની વાત છે. પણ આ સફર વાચકો માટે ચોક્કસ મજેદાર રહેશે. વાચક જ શું કામ? ખરેખર તો લેખક પણ આ આખી સફર, એ આખા સમયમાંથી લખતી વખતે ફરી પસાર થઈ રહ્યા છે. આ જ તો છે સર્જનનો આનંદ.. આગળના હપ્તાઓ વાંચતા રહેજો અને પ્રતિભાવ આપતા રહેજો..

    • Kamlesh Joshi

      વાચકોને મજાની લ્હાણી એ જ અમારી ખરી કમાણી..
      હા હોં હજુ તો ઘણા હપ્તા બાકી છે. જોડાયેલા રહેજો..

  • Trupti

    how beautifully narrated !! felt like I went back in nostalgia , Thanks! Now I want to know what happened to the HSC result and Didi’s wedding 🙂

    • Kamlesh Joshi

      ચોક્કસ.. એ માટે આવનારા એપિસોડમાં જોડાયેલા રહેજો.. ખૂબ ખૂબ આભાર..