પ્રાચીનતમ ભારતીય નૃત્યશૈલી – અર્ચિતા પંડ્યા 2


‘શાસ્ત્રીય નૃત્ય એટલે ભરતનાટ્યમ્!’ ઘણાં લોકોની આવી ગેરસમજ થઈ જાય એટલા વ્યાપવાળું શાસ્ત્રીય નૃત્ય એટલે ભરતનાટ્યમ્. એ જ રીતે સામાન્યજન કહે કે મારી દીકરી ‘આરંગેત્રમ્’ શીખી છે, તો એ ગેરસમજ છે, આરંગેત્રમ્ એટલે નૃત્યનો પ્રકાર નહીં પણ પડાવ છે. ભરતનાટ્યમ્ નૃત્યશિક્ષા પૂરી થયે નૃત્યવિદ્ તરીકેની તમારી સફરની શરૂઆત છે. આરંગેત્રમ્ એટલે ગુરુ તથા વડીલોના આશિર્વાદથી થતું નૃત્યક્ષેત્રે પદાર્પણ.

ઈતિહાસમાં આ નૃત્યનું મૂળ

પહેલા અલગ નામથી જાણીતું આ નૃત્ય કાળક્રમે ભાવ નો ‘ભ’, રાગનો ‘ર’ તથા તાલનો ‘ત’ લઈને ભરતનાટ્યમ્ કહેવાયું. આ નૃત્ય કદાચ ભરતમુનિનો આવિષ્કાર હોવાને લીધે પણ એને માટે ભરતનાટ્યમ્ શબ્દ પ્રયોજાયો હોય. પણ સમય જતાં આ નવા નામે હવે વિશ્વભરમાં જાણીતું છે.

આપણે નાટ્યશાસ્ત્ર વિશે જાણ્યું ત્યારે જ ઉલ્લેખ કર્યો હતો કે ભરતનાટ્યમ્ એ લગભગ બે હજાર વર્ષથી પણ જૂનું, પ્રાચીનતમ ભારતીય શાસ્ત્રીય નૃત્ય છે. આ શૈલી નાટ્યશાસ્ત્ર આધારિત એવી એકદમ પ્રમાણિત અને પ્રમુખ નૃત્યશૈલી છે.  ‘અભિનય દર્પણ’ આ નૃત્યનું જાણે પાઠ્યપુસ્તક હોય એમ એને અનુસરાય છે. આ નૃત્યને ચધિરઅટ્ટમ્ તરીકે પણ ઓળખાતું. ઓગણીસમી સદી પૂર્વે આ નૃત્ય સાદિર, નાચ, તંજાવૂરનાટ્યમ્ અથવા દાસીઅટ્ટમ્ ના નામે જાણીતું હતું. આ નૃત્ય મોટેભાગે એકલ અને વધારે તો મહિલાઓ દ્વારા થાય છે. દક્ષિણ ભારતના સ્થળો તામિલનાડુ અને કર્ણાટકમાં આ નૃત્ય વધુ પ્રયોજાતું. હવે તો સમગ્ર ભારતના લોકોમાં પ્રચલિત છે. ભરતમુનિના નાટ્યશાસ્ત્ર પર આધારિત કાલજયી ગ્રંથમાં પ્રાચીન તમિલ કાવ્ય સિલપ્પાટિકારામ માં આ નૃત્યનો ઉલ્લેખ મળી આવે છે.

દાસીઅટ્ટમ્નું બદલાયું નામ

ભરતનાટ્યમ્ એ નૃત્યનું આધુનિક નામ છે એવું કહી શકાય, જે નામ સ્વતંત્રતા પછી વધુ પ્રચલિત થયું. ઈતિહાસ વાંચવાથી જાણવા મળે છે કે આ નૃત્યનું પ્રચલન તામિલનાડુની દેવદાસી દ્વારા થતું. જેથી કરીને નૃત્યને સન્માન નહોતું મળતું. આ નૃત્યને વિકસાવવામાં ચાર પિલ્લાઈ બંધુઓનો ઘણો મોટો ફાળો છે. જે ચારેય સંગીત, નૃત્ય, વાદન અને સાહિત્યમાં ખૂબ પ્રવિણ હતા. આ બંધુઓ મહારાજા સારકોનજી બીજાના દરબારના મુખ્ય ચાર હીરા કહેવાતા હતા. આ ચારેય ભાઈઓએ ભરતનાટ્યમ્ ને સંગીતબદ્ધ કર્યું, જેમના નામ હતા, પૌન્નૈયા, ચિન્નઈયા, શિવાનંદમ્ તથા વેડીવેલ્લુ.

આ નૃત્ય શીખવાડનાર ગુરુને નટ્ટુવનાર કહેવાય છે.

જે નૃત્ય વખતે ગુરુજી પોતે જ શોલકટ્ટુ ( બોલનું પઠન) કરે છે. નટ્ટુવનાર જેનો સામાન્ય અર્થ ગુરુજી (સૂત્રધાર) થાય છે. આદર્શ નટ્ટુવનાર સંગીત, નૃત્ય અને તેનાં નિયોજનમાં પારંગત હોય છે. તેમજ નૃત્યપ્રદર્શન પણ સારી રીતે કરાવી જાણે છે.  ગુરુજી ગાયન પણ સુપેરે જાણે છે. તેમ જ શિષ્યોને શિક્ષિત કરવા ઉદાહરણરૂપ નૃત્ય કરીને પણ બતાવી જાણે છે. ઉપર જણાવેલ ચારેય ભ્રાતાઓ આ વિષયમાં નિપુણ હતા. એમના શિષ્યો જ એમનું ગૌરવ રહેતું, એવી ગુરુ પરંપરા એ નૃત્યશિક્ષાનો ભાગ હતું.

NrityaNinaad Column Aksharnaad Archita Pandya
(C) ફોટોગ્રાફ નૃત્યાંગના :ખુશી રાજેશભાઈ રાવલ; ગુરુ:શ્રી સાગર નંદવાર, એસએનસીએલ સ્કુલ ઓફ ડાન્સીઝ

ભરતનાટ્યમના ઘરાના

તાંજોર, પદન્નાલુર, માયસોર, ચિદમ્બરમ્

પ્રદર્શનના પ્રકાર

ભરતનાટ્યમ્ નૃત્ય બે વિભાગમાં વહેંચાયેલું છે એમ કહી શકાય. નૃત્ય અને અભિનય. આ નૃત્યમાં અભિનયનું વિશેષ મહત્ત્વ છે. જે વિભિન્ન શારીરિક પ્રક્રિયાથી થાય છે. જે ત્રણ ભાગમાં વહેંચાય છે.

સમભંગ, અભંગ અને ત્રિભંગ. જૂનાં સાદિર નૃત્યમાં કથા પ્રદર્શન કે નૃત્યનાટિકાનું પ્રદર્શન નહોતું થતું.એક જ નર્તક બધાં પાત્ર ભજવતા. ધાર્મિક મહોત્સવના ભાગરૂપે ભરતનાટ્યમ્ મંદિરોમાં નૃત્યનાટિકા રૂપે રજુ થતું. તેમાં એકથી વધુ નૃત્યકારો, એટલે કે પાત્ર એટલાં નર્તક નૃત્યપ્રદર્શનમાં ભાગ લેતા. જે બધા પુરુષો જ રહેતા. જેઓ ભગાવતાર કહેવાતા. લગ્ન સમારંભ જેવા પ્રસંગોમાં આ રીતે નૃત્ય નહોતા થતા.

 ઓગણીસમી સદીમાં મેલાત્તુર, સૂલામંગલમ્, ઊથુકડુ જેવા તાંજોર નજીકના ગામોમાં શ્રી વેંકટરામા ભાગવતારની રચેલી નૃત્યનાટિકાઓ પ્રખ્યાત હતી. જેની વાર્તાઓ રામાયણ, ભાગવત અને મહાભારતની રહેતી. સાદિર નૃત્યમાં પણ ધાર્મિક ગીતો ભજનો હોવા ઉપરાંત પાછળથી નરસ્તુતિ પણ થતી. જે કલાની ઉચ્ચતાને થોડું લાંછનરૂપ હતું.

દેવદાસી દ્વારા થતું નૃત્ય

દેવદાસીઓએ પ્રાચીન નૃત્યશૈલીની જાળવણી કરી એમ કહી શકાય. પહેલાના વખતમાં ત્રણ પ્રકારની નૃત્યદાસીઓ હતી.

૧) રાજદાસી ૨) અલંકારદાસી ૩) દેવદાસી.

દેવદાસીઓ પૂજા દરમિયાન કે ધાર્મિક તહેવારોમાં સવારે અને સાંજે નૃત્ય રજુ કરતી. જે મોટેભાગે ભક્તિરસથી ભરપૂર કૃતિ કે ભજનો રહેતા. દેવદાસીએ પ્રભુ જોડે લગ્ન કરેલા છે, એવું માનવામાં આવે છે. જેથી દેવદાસી દ્વારા ભજવાતી કૃતિમાં ભક્તિરસ મુખ્ય રહેતો. શ્રુંગારની કોઈ કૃતિ હોય તો પણ પ્રિયતમના સ્થાને ઈશ્વરની કલ્પના થતી. જેને લીધે દરેક કૃતિ પવિત્ર લાગતી. દેવદાસી પ્રથાના અંતિમ દેવદાસી શ્રી શશિમણી હતા. જેમણે બાણું વર્ષની વયે બેહજાર ચૌદની સાલમાં દેહ મૂક્યો.

મંદિરની દેવદાસીઓને રાજા તરફથી રક્ષણ અને ભરણપોષણ મળતું. સમય જતાં આ પવિત્ર રસમને કલંક લાગ્યું. રાજાઓને ખુશ રાખવા આ દાસીઓ શ્રુંગારરસની કૃતિઓ રજુ કરવા લાગી. રાજાઓની દ્રષ્ટિમાં પણ વિકાર આવ્યો. જેથી કરીને સમાજમાં નૃત્ય તરફનું માન ઘટી ગયું.

નૃત્યને મળી પ્રતિષ્ઠા

દેવદાસી દ્વારા થતાં નૃત્યને લીધે સમાજના શાલિન લોકો નૃત્યથી દૂર રહેતાં. સ્ત્રીના રંગમંચપ્રવેશ વિશે તો વિચારવું પણ યોગ્ય ન કહેવાતું. એ વખતે શ્રીમતી રુક્મિણીદેવી અરુંડેલ, શ્રી કૃષ્ણ ઐય્યર, શ્રીમતી મૃણાલિની સારાભાઈ, મલ્લિકા સારાભાઈ તથા ઈન્દ્રાણી રહેમાન, અંજલિબેન મેઢ જેવા મહાનુભાવોએ નૃત્યને એની ગરિમા પાછી આપી અને સમાજમાં એને ઉચ્ચ સ્થાન અપાવ્યું. ભરતનાટ્યમ્ આ બધાં નૃત્યકારોના પ્રયાસથી ખૂબ પ્રચલિત થયું અને માત્ર દક્ષિણ ભારતનું નૃત્ય ન રહેતાં અન્ય ભારતીય મહાનગરોમાં જાણીતું થયું.

ભરતનાટ્યમ્ વિશેની ગાથા

આપણે આગળ નાટ્યશાસ્ત્ર વિશે જાણ્યું ત્યારે નૃત્યની ઉત્પત્તિ વિશે જાણ્યું હતું. બ્રહ્માજીએ ચાર વેદોની રચના કરી. પૃથ્વી પરના સામાન્યજન માટે બ્રહ્માજીએ પાંચમા વેદની રચના કરી અને એને નાટ્યવેદ કહ્યો. જે નૃત્ય અને સંગીત વિશે હતો. શિવજીએ તાંડવનૃત્ય તથા પાર્વતીએ લાસ્યનૃત્ય વિશે બ્રહ્માજીને જ્ઞાન આપ્યું. બ્રહ્માજી દ્વારા આ જ્ઞાન ભરતમુનિને અપાયું અને ભરતમુનિએ સમાજને આ શ્રેષ્ઠતમ ભેટ આપી.

ભરતનાટ્યમ્ પ્રસ્તુતિ

ભરતનાટ્યમ્ ની સમગ્ર પ્રસ્તુતિને માર્ગમ્ કહે છે. જેમાં અલ્લારિપુ, જતિસ્વરમ્, શબ્દમ્, વર્ણમ્, પદમ્, શ્લોકમ્ અને તિલ્લાના છે. આ નૃત્યમાં પારંગત થવા માટે સાતથી દસ વર્ષની આરાધના કરવાની હોય છે. મોટે ભાગે કર્ણાટકી સંગીત અને સંસ્કૃત કે તમિલ પદો પર નૃત્ય થાય છે. પણ હમણાંથી અન્ય પ્રાંતમાં પ્રચલિત થતાં અન્ય ભાષામાં ગવાયેલા પદો પર પણ નૃત્ય થાય છે.

ભરતનાટ્યમનો પહેરવેશ.

ભરતનાટ્યમ્ નો પહેરવેશ એટલે મૂળ તો કાંજીવરમ્ સાડી. પહેલાના સમયમાં બે સાડી પહેરીને નૃત્ય થતું. પણ હવે એમાં પણ ફેરફાર થયો છે. નર્તકને વધુ સરળતા રહે તે માટે વધુ પાટલીવાળું પિતાંબર, ચોલી અને દુપટ્ટા વડે ભરતનાટ્યમ્ ના જૂના પોષાક જેવો જ પહેરવેશ બનાવીને પહેરાય છે. નૃત્યપ્રદર્શન વખતે એક ચોક્કસ પ્રકારની મુખસજ્જા થાય છે. આંખોની સજ્જા ઘણી મનમોહક હોય છે. વેશભૂષા ઘણી આકર્ષક અને સુંદર રંગોવાળી હોય છે. કેશગુંફન વખતે પુષ્પ ગૂંથવામાં આવે છે. ઘુંઘરુ તો નૃત્યપ્રદર્શન માટે આવશ્યક છે. ઝૂમકા, બાજુબંધ, બંગડીઓ, શિર પર ચાંદ અને સૂરજ આકારના ઘરેણાં, નથણી-દામણી તથા કટિબંધ પહેરાય છે.

ભરતનાટ્યમ્ માટે સંગત કરતાં વાદ્યો.

મૃદંગ, વાયોલિન, વીણા, બંસરી, કરતાલ અને તાલમ્ જેવા વાદ્યો  આ નૃત્યની સંગતમાં રહે છે. ગાયન અને વાદન માટે નૃત્યપ્રદર્શન વખતે એક ખાસ ઊંચી ગાદીવાળી બેઠક બનાવવામાં આવે છે. તેનું કારણ ગુરુને અને સાજિંદાગણને માન આપવાનું છે. નૃત્યની શરૂઆત ગુરુવંદનાથી થાય છે. તેમજ દરેક વાદ્ય, ઘુંઘરુ તથા રંગમંચને પ્રણામ કરીને નૃત્યની શરૂઆત થાય છે. જે ભારતીયતા અને કલાક્ષેત્રની પરંપરા મુજબ લગભગ દરેક નૃત્યમાં અપનાવાય છે. પુષ્પોથી રંગસજ્જા અને સુશોભન પણ અનિવાર્ય હોય છે.

ભરતનાટ્યમ્ એક યોગમય નૃત્ય

ભરતનાટ્યમ્ નૃત્યપ્રકાર સુવ્યવસ્થિત પ્રદર્શન માટે ખૂબ મહેનત માંગે છે. એ માનવશરીરમાં અધ્યાત્મને પ્રગટ કરે છે. નૃત્ય વખતે જે અંગસંચાલન થાય છે એ ખૂબ સંતુલિત, ઉર્જા ઉત્પન્ન કરનાર અને યોગ પ્રેરિત આસનો જેટલું સુંદર અને ફાયદાકારક હોય છે. ભરતનાટ્યમ્ ને અગ્નિનૃત્ય પણ કહે છે. મંચ માટે તૈયાર કરાયેલું ભાવયુક્ત અને ભક્તિમય નૃત્ય છે જે દર્શકોને ભાવક બનાવી એક પવિત્ર મનોયાત્રા પર લઈ જાય છે. સંગીતના તાલ પ્રમાણે પગ મૂકાય છે. આંગળીઓથી વિવિધ મુદ્રા બનાવાય છે. તે ઉપરાંત ચહેરા પર ભાવ આવવા અત્યંત આવશ્યક છે. જેથી નૃત્ય નયનરમ્ય બનવા ઉપરાંત હ્રદયને સ્પર્શે એવું બને છે.

ભરતનાટ્યમ્ : માર્ગમ્

ગુરુવંદના પછી નૃત્યપ્રદર્શનનું પહેલું કદમ નૃત્ત હોય છે. અરામંડી અથવા અર્ધમંડલી એ મૂળભૂત ભંગિમા વખતે ઘુંટણથી વાળેલા પગ, ઘુંટણ બહારની તરફ વળેલા તથા એડીઓ જોડાયેલી રહે છે. પેટનો ભાગ અંદર, ખભા તણાયેલા સીધા, હાથ સુવ્યવસ્થિત ગોઠવાયેલા હોય તેને આડવુ કહે છે. જે નૃત્યનું એક એકમ કહી શકાય. ખૂબ જ સ્વાધ્યાય પછી હાથ, પગ અને આંખોની ગતિમાં સંવાદિતા આવે છે.

આડવુના નવ જાતના સમૂહ હોય છે. દરેક સમૂહમાં ત્રણ કે વધારે વિવિધતા હોય છે.

અલ્લારિપુ

આ માર્ગમ્ નો સૌથી નાનો અંશ અને શરુઆત છે જે પાંચેય જાતિમાં રજુ થાય છે.

જેમાં વધારે મિશ્ર અથવા તિશ્ર છંદ હોય છે. આંખ, ગળું અને ખભાનું હલનચલન આ કૃતિમાં સુંદર રીતે રજૂ કરવામાં આવે છે. આ કૃતિ દ્વારા નૃત્યાંગના તેના ઉપાંગો પર કેટલી હદ સુધી કાબુ રાખી શકે છે એ જાણવા મળે છે. અલ્લારિપુનો મતલબ ફૂલોનું ખીલવું છે. જેમ પુષ્પ ઈશ્વરને સમર્પિત કરીએ છીએ એ રીતે નૃત્યાંગના પોતાનું નૃત્ય ઈશ્વરને સમર્પિત કરે છે. અષ્ટદિગપાલને અને રંગદેવતાને નમન કરે છે. હાથને અંજલિ આકારે જોડી નમસ્કાર થાય છે, જેને શિશ પર મૂકતાં ઈશ્વર, ચહેરા પાસે રાખતાં ગુરુ અને છાતી પાસે રખાય ત્યારે વિદ્વાન, બ્રાહ્મણો તથા સભાને નમન સૂચવાય છે. આમ, આ એક શુદ્ધ નૃત્ય છે. આ નૃત્યમાં ગુરુ દ્વારા તાલબદ્ધ શબ્દોનું પઠન, શોલુકટ્ટુ, નું ખાસ સ્થાન છે.

જતિસ્વરમ્

ખૂબ જ સરળ કૃતિ અલ્લારિપુ બાદ નૃત્યાંગના અંગશુદ્ધ અને તાલશુદ્ધ સ્પષ્ટ મુદ્રાઓ પર કેટલું પ્રભુત્વ ધરાવે છે એ જતિસ્વરમ્ દ્વારા જાણી શકાય છે. આ પણ એક શુદ્ધ નર્તનનો ટુકડો છે જેમાં અભિનયનું કોઈ સ્થાન નથી. આમાં તીરમાણમ્ આડવુના મહત્તમ પ્રયોગથી નૃત્ય થાય છે. જતિસ્વરમ્ માં કલાજ્ઞાન સ્વરમાલિકાથી બતાવાય છે અને રાગસ્વરૂપનું પણ પ્રદર્શન થાય છે. કોઈપણ કર્ણાટકી રાગમાં સુંદર સ્વર લઈ, કોઈ પણ તાલમાં ભરતનાટ્યમ્ આડવુ બેસાડી શકાય છે. કેટલાક પ્રચલિત જતિસ્વરમ્ કલ્યાણી, વસંતા, ચકવાકમ્, સાવેરી વગેરે છે.

શબ્દમ્

ત્રીજો અંશ વધુ આકર્ષક હોય છે, જેમાં લાવણ્યમય નૃત્યથી નાટ્યભાવ પ્રસ્તુત થાય છે. અભિનય આ અંશનો મુખ્ય ભાગ છે. સાત માત્રાના તાલ પર નૃત્ય થાય છે.

વર્ણમ્

આ એક પડકારરૂપ અને ભરતનાટ્યમ્ નો ખૂબ મહત્ત્વપૂર્ણ અંશ છે. નૃત્યકારની પરિક્ષા માંગી લેતી સૌથી અઘરી અને લાંબી કૃતિ હોય છે. જેમાં ભાવ, તાલ, રાગ ત્રણેય પ્રસ્તુત થાય છે. આ રંગપટલની સૌથી વધુ તૈયારી માંગી લે એવી રચના હોય છે. અહીં ષટ્ રસની પૂર્તિ કરવાનો અવકાશ મળી રહે છે. ષટ્ રસ એટલે કટુ, અમ્લ, મધુર, લવણ, તિક્ત અને કષાય.

વર્ણમ્ ને નૃત્યમય કવિતા કહી શકાય. એ સંવેદનામય અને સાહિત્યિક રચના હોય છે જે તત્વજ્ઞાન સુધી લઈ જાય છે. વર્ણમ્ માં વપરાતી રચના મોટે ભાગે ગંભીર રાગોમાં રચાયેલી હોય છે. જેમ કે, શંકરાભરણમ્, તોડી, ભૈરવી કે પછી ખમાજ. અહીં નર્તક નાયિકાના પાત્રમાં પરકાયાપ્રવેશનો અનુભવ કરે છે.

પદમ્

આ વિભાગમાં તેલુગુ, સંસ્કૃત કે તમિલ ભાષાના મિશ્રણવાળી સાત લીટીની રચના હોય છે. જેના ગાયન વખતે નૃત્ય પ્રસ્તુત થાય છે. નર્તક ધીરે ધીરે પોતાની પ્રસ્તુતિ એક ઉચ્ચસ્તરીય પ્રદર્શન તરફ લઈ જાય છે. હવેના સમયમાં અન્ય ભાષામાં પણ પદ અને કૃતિ રજુ થાય છે. આ અંશમાં નાયિકા વિરહોત્કંઠિતા, ખંડિતા અને અભિસારીકા રૂપમાં રજુ કરાય છે.

શ્લોકમ્

શ્લોકમ્ નૃત્યવિભાગમાં આવે છે, જેમાં તાલનો ઉપયોગ નહિવત્ હોય છે. ઈશ્વરના ગુણગાન અને વર્ણન કરતી કૃતિ ઈશ્વરના ચરણે સમર્પિત થાય છે.

તિલ્લાના

અંતિમ અંશ તિલ્લાના છે. દૈવિક પૃષ્ઠભૂમિ પર આધારિત નારીત્વની સુંદરતમ પ્રસ્તુતિ આ અંશમાં થાય છે. તિલ્લાનામાં આનંદભરી સ્વરધૂન, ભિન્ન તાલ અને શિલ્પી અંગભંગિમાનો સમાવેશ થાય છે. આડવુની રચના વિવિધ લય, વિલંબિત, મધ્યમ અને દ્રુતલયમાં હોય છે.

કુશળ નૃત્યાંગનાઓ એકથી વધુ માર્ગમ્ જાણતી હોય છે.

પ્રખ્યાત કલાકારો

રૂક્મિણીદેવી અરુંડેલ, લીલા સેમસન, યામિની કૃષ્ણમૂર્તિ, સોનલ માનસિંહ, મૃણાલિની સારાભાઈ, મલ્લિકા સારાભાઈ, વૈજયંતી માલા, પદ્મા સુબ્રમણ્યમમ્, ટી. બાલા સરસ્વતી, માલવિકા સરકાર, એસ. કે. સરોજ અને રામ ગોપાલ મુખ્ય છે.

 અમદાવાદમાં મૃણાલિનીબેન તથા મલ્લિકા સારાભાઈએ દર્પણ સંસ્થાના ઉપક્રમે નૃત્ય વિષયક ઘણાં પ્રયોગો કર્યા અને ભરતનાટ્યમ્ ને લોકપ્રિય બનાવ્યું છે. સ્મિતાબેન શાસ્ત્રી, ઈલાક્ષીબેન તથા ઋચાબેન ભટ્ટ જેવા જાણીતા ભરતનાટ્યમ્ ના નૃત્યકારોએ અમદાવાદમાં નૃત્યક્ષેત્રે અનેરું યોગદાન આપેલું છે.

એક સુંદર નૃત્ય વિશે માહિતી આપી. હવે આવતા પ્રકરણમાં બીજા એક ભારતીય નૃત્યશૈલી વિશે તમારી સાથે વાત કરીશ.

(ક્રમશઃ)

— અર્ચિતા પંડ્યા


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “પ્રાચીનતમ ભારતીય નૃત્યશૈલી – અર્ચિતા પંડ્યા