ચોરટી – નયના મહેતા 4


‘ચોર… ચોર… ચોરટી… મારી છોડીને ઉપાડી જાય.. પકડો… પકડો… ચોરટી..’

મોંઘીની રાડોથી વડ નીચે થતી ઝપાઝપી તરફ સહુનું ધ્યાન ગયું. વડની ડાળે બાંધેલી ઝોળીમાંથી હજી હાલ જ રોતી છોડીને કાઢીને બચકારતી કમુ કંઈ સમજે એ પહેલાં તો ગાંડાની જેમ દોડી આવેલી છોડીની મા, મોંઘીએ કાગારોળ મચાવી દીધી.

મોંઘી છૂટક મજૂરી કરે, વડ નીચે જ રહે. નજીકમાં મજૂરી કરતી હોય તો એની નાનકડી દોઢ વર્ષની છોકરીને વડની ડાળે બાંધેલી ઝોળીમાં સુતેલી રાખે. રડવાનો અવાજ સંભળાય એટલે આવીને એને સંભાળે. ક્યારેક આવતાં થોડી વારે લાગે. ગરીબના બાળકને બે-પાંચ મિનીટ રડવું પડે એ કંઇ મોટી વાત ના કહેવાય.

ત્યાંથી પસાર થતી કમુએ છોકરીના રડવાનો અવાજ સાંભળ્યો. પાછી આજુબાજુ છોકરીની મા ક્યાંય ના દેખાઈ. એણે રડતી છોકરીને ઘોડિયામાંથી કાઢી, ત્યાં મોંઘી આવી પહોંચી. અને એણે પોતાની છોડીને કમુ પાસે જોઈને બુમાબૂમ કરી મૂકી.પછી તો તમાશાને થોડું તેડું હોય? માણસો ભેગા થઇ ગયાં. ગભરાયેલી કમુએ ફટ દઈને છોડીને મોંઘીનાં હાથમાં પકડાવી દીધી ને બોલી, ’બુન, સોડી રોતી’તી તમા..’ કમુ ખુલાસો કરતી રહી પણ એ કંઇ એની મા ઓછી હતી? એટલે લોકો તો છોડીની મા, મોઘીની વાત પર જ ભરોસો કરે ને?

’તેં એને ઝોળીમાંથી લીધી જ કેમ? તારી દાનત જ..’ કોઈ બોલ્યું.

સામેની રમકડાની દુકાનવાળા લખમણભાઈ કમુને જોતાં જ તાડૂક્યા, ’હા આ તો ચોરટી જ છે.મારી દુકાનમાંથી રમકડું ચોર્યુ’તું.’

બીજા એક ભાઈ કમુને ધારીને જોતા’તા  એ પણ બોલ્યા, ’અરે હા, આને જવા દેશો નહિ. આ પાક્કી ચોરટી છે. મંદિર પાસેથી મારા ગગાના સેન્ડલ લઈને ભાગતી’તી. હું વાંસે પડ્યો તો ફેંકીને નાસી ગઈ.’

થયું. સહુ કમુ પર તૂટી પડ્યાં.કમુ નવાઈ અને ડરની મારી મૂઢ જેવી થઇ ગઈ.લોકોએ એને ધક્કે ચડાવી હોબાળો મચાવી દીધો.

‘આવા છોકરાંચોરને છોડાય જ નહિ.’

‘ચહેરો કેવો ભલોભોળો છે ને એનાં કામ તો જુવો ..’

‘કોઈએ પોલીસને ફોન કર્યો કે નહિ ?’

‘હા કરી દીધો છે.પોલીસ આવતી જ હશે.’

પોલીસચોકી સાવ નજીકમાં હતી. પોલીસ તરત જ આવી ગયો. કમુ સપનું જોતી હોય એમ બાધી બની ગઈ હતી. ને અહીં તો કીડી સામે તોપ મંડાઈ ગઈ હોય એવો ઘાટ હતો! પાછી આ તો ગરીબ, અશક્ત બાઈ હતી,એટલે પોલીસનો રૂવાબ ઓર વધી ગયો.

‘પણ મેં કર્યું છે શું? સોડીની મા ત્યોં ન’તી.તમા…’ કમુ કરગરતી હતી.

‘હા, એની મા ત્યાં ન’તી એટલે જ તને છોડીને ઉપાડી જવાનો લાગ મળ્યો ને?’

‘અરે સાહેબ, પહેલા મારી વાત તો હાંભળો…’  પણ પોલીસ એને બાવડેથી ઝાલીને લગભગ ઢસડતો લઇ જવા લાગ્યો. કોઈનેય લાગ્યું નહિ કે લેડી પોલીસ હોવી જોઈએ.

અલ્પા શાક લઈને પાછી વળતી હતી. કમુએ એને જોઈ એટલે રાડ પાડી, ’ઓ અલ્પાબુન, મને સોડાવો મી કોંય નહિ કર્યું.’ અલ્પાએ એ તરફ જોયું. એ એકદમ નવાઈ પામી. એને  માનવામાં જ ના આવ્યું કે કમુને પોલીસ પકડે! અલ્પા પોલીસ સામે ધસી જઈને બોલી, ’ભાઈ, તમારી ભૂલ થતી લાગે છે.આ બાઈને હું ઓળખું છું. એ કોઈ ગુનો કરે એવી નથી.’

‘બેન, વકીલાત કરવી હોય તો ચોકીપર આવજો. અત્યારે મને મારું કામ કરવા દો.’

અલ્પાને હવે શું કરવું તે સમજાતું નહોતું.એ ઝડપથી ઘેર ગઈ. શાકની થેલી ઘરમાં રાખી પોતે એની કમ્મીને મદદ કરવા જાય છે. ઊર્જાને સમજાવાય તેવું સમજાવી એ તરત પોલીસ ચોકીએ જવા નીકળી ગઈ. ’મમ્મી, કમ્મીને લઈને જ આવજે.’ ઊર્જાના એ શબ્દો અલ્પા સુધી પહોચે એ પહેલા હવામાં અટવાઈને રહી ગયા. અલ્પા તો લગભગ દોડતી આગળ નીકળી ગઈ હતી.

અલ્પા વિચારતી હતી, ’કમુ અને ચોરી?’ કમનસીબે હાલ પૂરતો તો આ સવાલનો જવાબ ‘હા’ હતો.! કમુ વરસોથી અલ્પાના ઘેર ઘરકામ કરતી હતી.

‘કામઢી, પ્રેમાળ અને શાણી કમુ… એવા તે કેવા ગુનામાં આવી ગઈ હશે? હું તો એના ભરોસે આખું ઘર રાખું છું. ઊર્જાને પણ કેટલીયે વાર એના ભરોસે છોડું છું. ઊર્જાને પણ કમુ માટે કેટલી લાગણી છે! એટલે તો મમ્મી અને કમુ ભેગું કરી એ કમુને “કમ્મી” કહે છે. ના, કમુ ગુનેગાર હોઈ જ ના શકે.’

વિચારમાં ને વિચારમાં ક્યારે પોલીસ ચોકી આવી ગઈ ખબર ન પડી. એ જીવનમાં પહેલી વાર પોલીસચોકીમાં આવી હતી.એનું હૃદય ઝડપથી ધડકતું હતું.પણ કમુ મુશ્કેલીમાં હતી એટલે હિંમત કરીને એ અંદર પ્રવેશી. અંદરની બાજુએ કમુ પાટલી પર બેઠી હતી.પેલો પોલીસ બાજુમાં ખુરશી પર બેસી લખતો હતો. સદાય આનંદમાં રહેતી અને ચપળ દેખાતી કમુ કલાકમાં તો કરમાઈ ગઈ હતી. અલ્પાને જોતાં કમુના જીવમાં જીવ આવ્યો.અલ્પા પેલા પોલીસ પાસે જઈને બોલી, ‘ભાઈ, મારે આ કમુ બાબતે તમારી જોડે વાત કરવી છે.’

‘ત્યાં એક રજીસ્ટરમાં તમારું નામ, સરનામું અને ફોન નંબર લખો. તમારી ઓળખનું પ્રમાણ છે?’

‘હા સાહેબ બધુંય છે.પણ તમે પહેલાં મારી વાત સાંભળો તો મહેરબાની.’ પણ પોલીસનો મોટી લાલઘૂમ આંખોથી કરેલો ઈશારો, ’પહેલાં કહ્યું તેમ કરો.’ જોઈ અલ્પા ચોકીના પ્રવેશદ્વાર પાસેના ટેબલે ગઈ. બીજા જાડા પોલીસની વર્દી પહેરી લીધી હોય તેવો ઢીલો-ઢાલો યુનિફોર્મ પહેરેલો સુકલકડી પોલીસ ત્યાં બેઠો હતો.એની સૂચના પ્રમાણે અલ્પાએ રજીસ્ટરમાં  વિગતો નોંધી.એણે એક કોરો કાગળ પકડાવતાં કહ્યું, ‘ત્યાં બેસો પછી મોહનસિંહ કહે ત્યારે તમારું સ્ટેટમેન્ટ લખાવજો.’

અલ્પા મોહનસિંહ પાસે જઈ  વિનંતી કરતાં બોલી, ‘ભાઈ, કાયદેસરની કાર્યવાહી કરતાં પહેલાં મહેરબાની કરીને મારી વાત સાંભળો. આ કમુને હું વર્ષોથી ઓળખું છું. એના જેવું વિશ્વાસપાત્ર કોઈ નહિ હોય.સોનાની વસ્તુ હોય તોય ચોરવાની તો દૂરની વાત, એ તરફ એ નજર પણ ના કરે.’

અલ્પાની વાત પર મોહનસિંહ હસી પડ્યા, એની ભરાવદાર મૂછો નીચેના પીળા દાંત જોઈ અલ્પાને અણગમો થઇ આવ્યો. ’પણ છોકરાં જોય તો દાનત બગડે. છોકરાં ઉપાડી જાય એનું શું?’ મોહનસિંહ દાઢમાંથી બોલતા હોય તેમ બોલ્યા. અલ્પાને એક પળ પૂરતો સખત ગુસ્સો આવી ગયો, પણ આ ગુસ્સો કરવાનો સમય કે સંજોગ ન હોવાથી અલ્પા એક ઊંડો શ્વાસ લઇ સંયત અવાજે બોલી, ‘મોહનસિંહભાઈ, હું કોઈ રીતે ચોરીની વાત માનું નહિ. મારી દીકરી ઊર્જાને કેટલીયે વાર કમુને સોંપીને જાઉં છું.પોતાની દીકરીની જેમ કમુ એની સંભાળ લે છે.તમને નક્કી કંઇક ગેરસમજ થઇ લાગે છે.’

’ગેરસમજ? તેય મને.?.’ મોહનસિંહ ખંધુ હસતાં બબડ્યો, પછી અલ્પાબેન તરફ જોઈ કહેવા લાગ્યો, ‘બેન, તમે આને જ પૂછો, રમકડાની દુકાનમાંથી એણે રમકડું ચોરેલું કે નહિ? મંદિરમાંથી સેન્ડલ ચોરેલાં?’

અલ્પાએ કમુ સામે જોયું. કમુની આંખો ભરાઈ આવી. એ નીચું જોઈ ગઈ.એની આંખોમાંથી ખરેલાં બે આંસુ, અલ્પાના પગ પાસે પડ્યાં. અલ્પા ડઘાઈ ગઈ. એને થયું કમુએ કદાચ… પણ આ અશ્રુબિંદુ કંઈ કહેતાં હોય એવું એને  લાગ્યું. શું કહેતાં હતાં, તે અલ્પાને જાણવું હતું.

અલ્પાએ મોહનસિંહને હાથ જોડી કમુ સાથે વાત કરવા દેવા વિનવ્યા. મોહનસિંહ ઘડીભર તો ગિન્નાયો, પણ પછી કંઇક વિચારી સંમત થયો.

’લ્યો, જે વાત કરવી હોય તે જરા જલદી કરી લો.’ એમ કહી ,અંદર જઈ, બારણાની આડશે ઉભો રહી, એ બંનેની વાત સંભાળવા લાગ્યો.

કમુ ડરની મારી થરથરતી હતી.એને સમજાઈ ગયું હતું કે પોતે અલ્પાબેને માનેલું એવી નહોતી. એટલે જ અલ્પાબેન નિરાશ થઇ ગયાં. પણ ત્યારે પોતે એવો કયો ગુનો કર્યો હતો, એની ય એ અબુધને ક્યાં ખબર હતી? અલ્પાએ પોતાના હાથે એનો ચહેરો ઉંચો કરી એની આંખોમાં આંખો પરોવી પ્રેમથી પૂછ્યું, ’કમુ, ગભરાયા વગર કહે, રમકડું તેં ચોરેલું?’

’હા બુન.’ નીચી નજરે જ કમુ બોલી.

‘કેમ કમુ?’

‘એવડી એ સોડી ઓલે જ બુન.’

‘કઈ સોડી?

‘જેના ઓલે પકડાવી દીધી સે એ સોડી. બુન એ રોતી’તી, તે રોવા દઉં? ઈની મા ત્યોં દેખાઈ નઈ તીમો મેં લીધી. બુન, હું ઈની માથી છૂટી પાડી ઈને ઉપાડી જવાની હતી? મારી સોડી ભગવોને લઇ લીધી તે એક મા પર ચેવું વીતે હું નહિ જોણતી બુન?’

‘સારું એ છોડ, પણ રમકડાની શી વાત છે?’

‘થોડા દા’ડા મોર ઈવડી ઈજ સોડીને પીપૂડું જોઈતું’તું. એક સોરો પીપૂડાથી રમતો’તો ઈની હોમે હાથ કરીને રોતી’તી. મેં રમકડાની દુકાને ભાવ પૂસ્યો .દહ રૂપિયા કીધા. મારી જોડે પોંચ હતાં.મેં બીજા પાસળના રમકડાનો ભાવ પૂસ્યો પેલો ઊંધો ફર્યો એટલામાં મેં પીપુડું લઇ લીધું.’

’કમુ, એ ચોરી કહેવાય.’અકળાઈને કમુ જરા મોટેથી બોલી.

‘બુન, ઇમનીમ ન’તુ લીધું, મારી જોડે હતા ઈ પોંચ રૂપિયા મેં ત્યોં નાખી દીધા’તા.’ અલ્પાને કમુના ભોળપણ પર હસવું ને ગુસ્સો બેઉ આવ્યાં.પણ સંયમ રાખીને પૂછ્યું, ‘અને સેંડલનું શું છે?’

હવે કમુ સાવ ભાંગી પડી. રડમસ અવાજે બોલી, ‘મંદિરની હામે મોચીકાકા સ ને? ઈમની પોતરી લાભુ રોતી’તી.બાપડીનાં પગ બળતા’તા.’

‘તે એમાં મંદિર પાસેથી સેંડલ ચોરવાના?’

’મેં મોચીકાકાને કીધું ગોમનાં ચપ્પલ સીવો સો તે લાભુનાં ચમ લાવતા નહિ?’ એ બોલ્યા, ’મોચી સુ તે નવા ચપ્પલ લાવું ઈમ? આ બોરી ઉપાડીને જાય સે ઈ મજુરને પૂસ, ઇના ઘરે દાઉદખાની ઘઉં ભાળ્યા સે કોઈ દા’ડો? પેલા ગેસના બાટલાની લારી ખેંચે સે, ઈને પૂસ, ઇના ઘેર ગેસની સગડી સે?’

‘મારી બઈ સેન્ડલની વાત કર ને?’ અલ્પાએ જાણે એની નબળી નસ પર હાથ મૂક્યો હોય એમ કમુ ગુનેગારની મુદ્રામાં આવી ગઈ. ઢીલી પડીને બોલી, ‘તે લાભુને રોતી રાખું? હામે મંદિર પાસે સેંડલ દેખ્યાં તી લાભુ ઓલે લઇ લીધાં. ઈ તો ઓલા ભાઈ વોંહે પડ્યા તીમો ફેંકી દીધાં.’ જોકે એ સમજી ગઈ કે આ બીજું કામ પણ અલ્પાને ગમ્યું નથી.એ મોહનસિંહ ગયેલાં એ બાજુ વારેવારે, ડરતાં-ડરતાં જોતી હતી.

અલ્પા, કમુની વાતો સાંભળીને ખૂબ નિરાશ થઇ ગઈ.એ જાણતી હતી કે કમુમાં રહેલી એક અધીરી માએ જ એની પાસે બધું કરાવ્યું હતું. પણ એ ચોરી તો ગણાય જ ને? પોતે સમજે છે એવું મોહનસિંહ થોડું સમજવાનો હતો? એણે જતાંજતાં મોહનસિંહની માફી માગતાં કહ્યું, ’ભાઈ, હું દિલગીર છું. મારે કોઈ સ્ટેટમેન્ટ નથી આપવું. પણ કમુએ જે કર્યું તે એક માની નબળાઈના લીધે કર્યું. એની દીકરી કલી, બે વર્ષ પહેલા મગજના તાવના લીધે બે જ દિવસની માંદગીમાં મરી ગઈ. કલી એનો શ્વાસ અને પ્રાણ હતી. એના મોતના લીધે કમુને સખત આઘાત લાગ્યો. છોકરી થોડો તાવ કમુના મગજમાં મૂકતી ગઈ છે. એટલે ઘણીવાર માનો તરસ્યો રહી ગયેલો પ્રેમ, એની પાસે આવું કરાવે છે.બાકી એ પેલી છોકરીને ઉઠાવતી નહોતી.ખાલી છાની રાખતી હતી. તમે જરા સમજીને માનવતા રાખીને સજા કરજો .બાકી મારું નામ, સરનામું વગેરે વિગતો તમારા રેકોર્ડ પર છે જ. દંડ અને જામીનની વ્યવસ્થા તો હું કરી દઈશ.’ કહેતી અલ્પા આંખો લૂછતી ત્યાંથી નીકળી ગઈ.

બીજી સવારે,

‘મમ્મી, હવે કમ્મી આપણા ઘેર ક્યારે આવશે?’ ઊર્જાના માસુમ સવાલે અલ્પાને અકળાવી મૂકી.આખી રાત કમુની ચિંતામાં એ ઊંઘી પણ નહોતી શકી.આખી દુનિયા પર એને ગુસ્સો આવતો હતો, ‘રીઢા ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે એનું કંઈ નહિ, ને બિચારા નિર્દોષને..’ વિચારમાં પડેલી મમ્મીને ઉર્જાએ ઢંઢોળી, ’કહેને મમ્મી આપણી કમ્મી ક્યારે આવશે?’

‘લે બેટા, તારી કમ્મી આ આવી ગઈ.તને મેલીને હું ક્યાં જવાની હતી?’ ઘરમાં પ્રવેશતાં કમુએ જ ઊર્જાને જવાબ આપ્યો. ઊર્જા દોડીને ‘કમ્મી… કમ્મી’ કરતી એને વળગી પડી.

કમુ પહેલાં જેવી તરોતાજા લાગતી હતી. રોજના જેવું જ હસતી, ઉત્સાહમાં થનગનતી કમુને, અલ્પા આનંદ અને આશ્ચર્ય સાથે જોઈ રહી.થોડી વારે સ્વસ્થ થઇ એણે પૂછ્યું, ’કમુ,અહીં મારી પાસે બેસ, કહે, તને કોઈ સજા ના થઈ?’ કમુ હસી પડી, ’થઈને બુન. મોહનસિંહે ઈમની નેની દીકરી હાચવવાની સજા કરી.’

‘હવે સમજ પડે એમ વિગતે કહે ને મારી બઈ.’ અલ્પાને મુદ્દાની વાતમાં રસ હતો. કમુ હસતાં-હસતાં બોલી, ’ઈ જ વાત કઉંસુ ને ત્યારે. તમે ગયાં પસે મોહનસિંહ વિચારમો પડી જ્યા. ચેટલીય વારે મને કહે, ‘આ મારા ઘરનું સરનામું લે. હાંજે મળી જજે. મુ તો હુંય હમજી બૂન. પોલીસોની મથરાવટી મેલી તમા  થથરતી હોંજે જઈ. તો ઘરમોં મોહનભાઈનાં ઘરડાં બા ને પરી જેવી નોની સોડી હતાં!’

‘ઓહો, પછી?’

‘સોડી રોવા મંડી. ઘૈડા બા તો ચ્યારે ઊઠે ને ચ્યારે બેબીને હંભાળે?’

‘અરે ભાઈ, મૂળ વાત કહે ને?’

‘મેં સોડીને લઇ લીધી. સોડી તરત ચૂપ થઇ જઈ.એટલામાં મોહનભાઈ આવી જ્યા. કહેવા મોડ્યા, ‘કમુ, હવે તારે જ આ છોડીની દેખ-ભાળ કરવાની છે.ને ભેગી મારી બાનીય સંભાળ લેવાની છે. ’

’બુન, મોહનસિંહની વહુ સોડીને જનમ આલીને તરત મરી જઈ.બચારો આદમી માણહ ને ઘરડી મા ચમનાં સોડીને હાચવે? મોહનભાઈ મને કહે, તારાથી સારું અમને કોણ મળવાનું હતું? જોઈએ એટલો પગાર લેજે પણ મારી છોડીને મોટી કરી આપ.’

‘વાહ ભાઈ સરસ.પણ તોતો હવે મારું કામ કરવાનો તને સમય ક્યાંથી હશે?’

‘ના રે, મુ કંઇ નગુણી નહિ બુન. તમારું કોમ તો હાથ-પગ હાલે ત્યોં લગી કરે. આ તો અવ રૂપિયાની સુટ થાહે ને ઉપરથી રૂપાળી સોડી મળી.જોણે ભગવોને મારી કલી મને પાસી આલી.’

‘કહેવું પડે ભાઈ આ તો ચમત્કાર થઇ ગયો.’અલ્પાની ખુશી સમાતી ન હતી.

’હા બુન હાચી વાત. ચમત્કારે પાસો જેવો તેવો નઈ હોં બુન, સોડી તો મધનું ટેપું જોઈ લો. મારું તો આયખું હુધરી જ્યું. ને મોહનસિંહ અવ નિરાંતે ઈની હું કે’વાય? હા, ડ્યુટી કરે ને ઈમના લીધે મારું કોઈ નોમે નઈ લે.’ બોલતી કમુ ખડખડાટ હસી પડી. અલ્પા કમુના હસતાં, મલકતાં, તેજે મઢેલા ચહેરા સામે જોઈ રહી.

– નયના મહેતા


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ચોરટી – નયના મહેતા