The trial of the Chicago 7: સામા પ્રવાહના તરવૈયાઓની કથા – નરેન્દ્રસિંહ રાણા 5


જો તમને અન્યાય અને સામાજિક અસમાનતા ખટકતા હોય કે ક્યારેય તમારો માંહ્યલો અન્યાય સામે લડી લેવા કહેતો હોય તો આ ફિલ્મ તમને ચોક્ક્સ ગમશે.

વર્ષ હતું ૧૯૬૮. અમેરિકાના ઇતિહાસમાં એ બહુ ઉથલપાથલવાળું વર્ષ હતું. અશ્વેતોને સામાજિક ન્યાય અપાવવા માટે લડનાર માર્ટિન લ્યુથર કિંગ અને ભાઈ જ્હોનના ઉત્તરાધિકારી ગણાતા રોબર્ટ કેનેડીની હત્યાઓ થઈ ચૂકી હતી. વિયેતનામ યુદ્ધ ચરમ પર હતું. યુદ્ધમાં મરતા જવાનોના નામો રોજ રાત્રે ટીવી પર આવતાં. યુદ્ધ વિરોધી પ્રદર્શનો વધતાં જતાં હતાં.

ત્યારના પ્રમુખ જહોનસને કંટાળીને બીજી વાર ચૂંટણી નહિ લડવાનું નક્કી કર્યું અને અત્યારના ટ્રમ્પ જેવી વિચારસરણી ધરાવતા, નવા પ્રમુખ નિક્સન સતા પર આવ્યા એને થોડો જ સમય થયેલો. 

ઓગસ્ટ ૧૯૬૮માં શિકાગો શહેરમાં દેશના મુખ્ય પક્ષ ડેમોક્રેટિક પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું. સરકાર વિરોધી પ્રદર્શનકારોએ ૨૩ ઓગસ્ટના દિવસે શહેરમાં પ્રદર્શન કરવાનું નક્કી કર્યું પણ એમને પરવાનગી ન મળી. તેમ છતાં દેશના અલગ અલગ ભાગોમાંથી પ્રદર્શનકારીઓ શિકાગોમાં ભેગા થયાં. સરકારે આ પ્રદર્શન પર બળ પ્રયોગ કર્યો અને શહેરમાં તોફાનો શરૂ થયા જે ત્રણ દિવસ ચાલ્યાં.

આ તોફાનો માટે આઠ વ્યક્તિઓને જવાબદાર ઠેરવીને ધરપકડ કરાઈ. આ આઠેય વ્યક્તિઓ પર ચલાવવામાં આવેલો કેસ આગળ જતાં બહુ પ્રખ્યાત બન્યો. આ કેસ દરમ્યાન બનેલી નાટકીય ઘટનાઓનો ચિતાર એટલે ફિલ્મ- The trial of the Chicago 7.

આ આઠ આરોપીઓમાં ટોમ હૈડન અને રેની ડેવિસ નામના બે નેતાઓ કેજરીવાલ જેમ રાજકીય આકાંક્ષાઓ ધરાવનાર આરોપીઓ હતા, તો વળી ઍબી હોફમેન અને જેરી રુબિન જેવા ‘હિપ્પી’ આંદોલન ચલાવનાર નેતાઓ પણ હતા. ડેવિડ ડીલિંજર નામનો ગાંધી વિચારોમાં માનનાર અને વિયેતનામ યુદ્ધ પૂરું થાય એ માટે પ્રયત્નશીલ નેતા પણ હતો. જ્હોન ફ્રોનીસ અને લી વેઈનર નામના બે પ્રોફેસર તો માત્ર સંગઠનમાં હોવાના કારણે આરોપી બન્યા હતા. આ સાત સિવાય આઠમો હતો બ્લેક પેન્થર પાર્ટીની શિકાગો શાખાનો પ્રમુખ અને અશ્વેત નેતા બૉબી સિલ. જે માત્ર ચાર કલાક માટે શહેરમાં આવેલો અને કોઈ પ્રત્યક્ષ સંડોવણી ન હોવા છતાં તેને આરોપી બનાવવામાં આવેલો. એ બાકીના સાત સાથે પણ નહોતો કે એમના સંપર્કમાં પણ નહોતો.

આ આઠેય વ્યક્તિઓને કોઈપણ ભોગે સજા અપાવી સરકારે વિરોધીઓ માટે ઉદાહરણ પૂરું પાડવાનું નક્કી કર્યું. એમના પર એક સાવ ઓછા વપરાયેલા કાયદા હેઠળ કેસ ચલાવવામાં આવ્યો. આ આઠેયને એ કાયદાના ભંગ હેઠળ દસ વર્ષની સજા થાય એ માટે સરકારે એડીચોટીનું જોર લગાવ્યું. સારામાં સારા સરકારી વકીલોને કેસ લડવા મોકલવામાં આવ્યા. એમને કહેવામાં આવ્યું કે આ આઠેયને ગમે તે રીતે સજા થવી જોઈએ. 

એક બાજુ આ આઠ આરોપીઓ અને સામે અમેરિકન સરકાર તથા ન્યાયતંત્ર. એક સાથે આરોપી બનેલા આ આઠેય વચ્ચે વળી મનમેળ પણ નહોતો. બધા સરકાર વિરોધી હતા પણ એકબીજાનની વિરોધ કરવાની રીતોથી અસહમત હતા. રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતો ટોમ હૈડન ‘હિપ્પી’ ઍબી હોફમેનને જોકર ગણતો તો સામે ઍબી એને વધારે પડતો નિયમોમાં માનનાર ગણતો. બધા વચ્ચે વૈચારિક મતભેદો હોવા છતાં બધાના ધ્યેય સરખા હતાં- વિયેતનામ યુદ્ધનો અંત અને સામાજિક સમાનતા. આ બન્નેના કેસ પ્રત્યેના દ્રષ્ટિકોણ પણ અલગ અલગ છે. ટોમ સજાથી ગમે તેમ કરીને બચવા માંગતો હતો તો ઍબી જાત જાતના ગતકડાં કરીને કેસ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવાના પ્રયત્નો કરતો રહેતો. એ માટે એ જજને હેરાન કરવાનું પણ ચૂકતો નહિ.

આ બધાનો કેસ લડવા વળી એમના જેવા જ બે વકીલો તૈયાર થયા. બન્ને વકીલ પણ સરકારની નીતિઓ સામે આક્રોશ ધરાવતા હતા. જો કે ન્યાયતંત્ર પર એમને વિશ્વાસ હતો. કેસની શરૂઆતથી જ આઠેયની મુશ્કેલીઓ શરૂ થઈ. બધાને મારી નાંખવાની ધમકીઓ મળતી. તેઓ જ્યાં રહેતા એ જગ્યાએ એટલા ફોન આવતા કે ઓપરેટરની જરૂર પડતી. એમના સમર્થકો અને વિરોધીઓ સતત ઝગડતા રહેતા. કેસ એટલો હાઈપ્રોફાઈલ થઈ ગયો કે આ આઠેય વ્યવસ્થા સામે પડનાર લોકોનું પ્રતીક બની ગયા.

કેસ જેમજેમ આગળ ચાલતો ગયો તેમતેમ બધા જ આરોપીઓનું જીવન દોહ્યલું બનતું ગયું. જ્યૂરીમાં બેઠેલા લોકો પણ બદલાતા રહ્યા. જજ તરફથી સતત પક્ષપાતનો સામનો પણ આ બધા જ આરોપીઓ કરતા રહ્યાં.

અંતે આ બધાને સજા થાય છે કે નહીં એ જોવા તમારે ફિલ્મ જોવી રહી. 

આ પ્રકારની સત્ય ઘટના વિશે ફિલ્મ બનાવો ત્યારે ઘટનાને વળગી રહીને મનોરંજન પૂરું પાડવું અઘરું પડે. નિર્દેશક ઍરોન સોરકીને આ બાબતે પૂરા ગુણ આપવા પડે. ફિલ્મ સહેજેય કંટાળો નથી આપતી. 

ફિલ્મની ખાસિયત એ છે કે ફિલ્મમાં એક સમયે સારા-ખરાબ વચ્ચેની રેખા ભૂંસાઈ જાય છે. ન્યાયના પક્ષે રહેલા લોકોના દુર્ગુણો અને અન્યાયના પક્ષે રહેલા લોકોના સદગુણો પણ ફિલ્મ સહેજ પણ પક્ષપાત વગર રજૂ કરે છે. પટકથામાં ધીરે ધીરે રહસ્યો ખૂલે છે. તોફાનો કેવીરીતે શરૂ થયા અને કોના કારણે ફેલાયા એનું રહસ્ય અંત સુધી પ્રેક્ષકને જકડી રાખે છે. 

અંતમાં પ્રેક્ષક તરીકે પ્રશ્ન થાય કે આપણે ક્યાં છીએ? શું ગાંધીના આ દેશમાં હવે અન્યાય સામે ટટ્ટાર ઉભા રહીને વિરોધ કરવાનું આપણે ભૂલી ગયા છીએ? શું સામાજિક ન્યાય જેવા અગત્યના પ્રશ્નોનો છેદ આપણી માન્યતાઓએ ઉડાવી દીધો છે? 

સ્વતંત્રતા પછીની પેઢીઓ ધીરેધીરે જાગૃત બનવાને બદલે આળસુ અને જીવનનિર્વાહ માટે કમાવાના વિષચક્રમાં વિરોધ અને આંદોલનો કરતા ભૂલી ગઈ છે. હાલની પરિસ્થિતિમાં વિરોધ અને પ્રદર્શનો માત્ર રાજકીય પક્ષો દ્વારા પ્રેરિત હોય છે. પ્રજા રસ્તા પર આવીને વિરોધ કરતી હોય એવું બનતું નથી. હાલની પરિસ્થિતિ અને ત્યારની પરિસ્થિતિમાં બહુ અંતર નથી. ત્યારે પણ સરકારમાં બેઠેલા જાતને શક્તિશાળી સમજીને નિર્ણયો લેતા હજુ પણ લે છે. ફરક માત્ર પ્રજામાં આવ્યો છે. ત્યારે વિરોધ કરવાવાળા સામા પ્રવાહે નિર્ભય બનીને લડતા. હવે પ્રજાની હિંમતનું ખસીકરણ થઈ ગયું છે. ગાંધીજી કદાચ આવી નિર્માલ્ય પ્રજાને જોઈને સ્વર્ગમાં દુઃખી થતા હશે.  

રાજકીય ઘેટાંઓ બની ગયેલી પ્રજા માટે આ ફિલ્મ એક બોધપાઠ છે. વિરોધની સાચી વ્યાખ્યા શું છે અને બધું જ ગુમાવવાની શકયતાઓ છતાં લડવું શું છે એ આ ફિલ્મ જોઈને ખ્યાલ આવે.

ફિલ્મના એક દ્રશ્યમાં અશ્વેત બૉબી સિલને બોલતો બંધ કરવા માટે જજ ખુરશી સાથે બાંધી દેવા અને મોઢા પર ટેપ મારવાની સજા કરે છે. આ સમયે કોર્ટરૂમમાં પથરાયેલા મૌન વચ્ચે બધાના ચહેરા પરનો આક્રોશ પ્રેક્ષક તરીકે વિચારવા મજબુર કરે કે આવા લોકો હવે રહ્યા છે? એવા લોકો કે જે અન્યાય સામે અવાજ ઉઠાવે. અત્યારે તો વિરોધના નામે સોશીયલ મીડિયા પર કોઈ એકાદ પક્ષનો ઘૂઘરો પકડીને વગાડતા રહેતા લોકો વધુ જોવા મળે છે. સોશીયલ મીડિયામાં પક્ષોના પ્રચારતંત્રોની અસર હેઠળ લોકોએ પોતાની આગવી સમજશક્તિ વેચી ખાધી છે. વિરોધના નામે માત્રને માત્ર પોતાના વિચારોની કાખલી કુટયા રાખનારા જ હવે બહુમતીમાં છે. આવા ‘કી-બોર્ડ વોરિયર્સ’ના કારણે સરકારોમાં પ્રજાના આક્રોશની બીક સમાપ્ત થઈ ગઈ છે. પ્રજા રસ્તા પર ઉતરવાની નથી એવા વિશ્વાસના કારણે સરકારો વધુને વધુ સ્વછંદી બની છે. 

આવા અનેક વિચારોને પ્રેક્ષકના મગજમાં મુકતી આ ફિલ્મના નિર્દેશક ઍરોન સોરકીનના નામે આ પહેલા ‘સોશીયલ નેટવર્ક’ અને ‘મનીબોલ’ જેવી ઉમદા ફિલ્મો બોલે છે. છેક 2007માં આ ફિલ્મ બનાવવાનો વિચાર એમને આવેલો. સ્ક્રિપ્ટ લખીને સ્ટીવન સ્પીલબર્ગને વંચાવી. સ્પીલબર્ગ ફિલ્મનું નિર્દેશન સંભાળવા રાજી થયા પણ પછી ફિલ્મ કોઈને કોઈ કારણોસર પાછળ ઠેલાતી રહી. ગયા વર્ષે સોરકીને નિર્દેશન હાથમાં લીધું અને ધરખમ અભિનેતાઓની ટિમ ભેગી કરી. ફિલ્મમાં ઘણા ઑસ્કર વિજેતા અભિનેતાઓએ અભિનય આપ્યો છે. 

કૉરોના કાળના કારણે ફિલ્મ થિયેટરમાં રિલીઝ ન થઈ શકી. ફિલ્મ નેટફ્લિક્સ પર ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ. આવતી એવોર્ડ સીઝનમાં આ ફિલ્મ વિશે તમને ઘણું સાંભળવા મળશે. કદાચ ‘બેસ્ટ ફિલ્મ’ માટેના ઑસ્કરની દોડમાં પણ આ ફિલ્મ હશે. 

જો તમને અન્યાય અને સામાજિક અસમાનતા ખટકતા હોય કે ક્યારેય તમારો માંહ્યલો અન્યાય સામે લડી લેવા કહેતો હોય તો આ ફિલ્મ તમને ચોક્ક્સ ગમશે.

છેલ્લી રિલ:

‘People shouldn’t be afraid of their government. Governments should be afraid of their people.’ – V for Vendeta. 

‘લોકોને સરકારનો ડર ન હોવો જોઈએ. સરકારોને લોકોનો ડર હોવો જોઈએ.’- પ્રખ્યાત ગ્રાફીક નૉવેલ V for Vendeta માં આવતો એક સંવાદ.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “The trial of the Chicago 7: સામા પ્રવાહના તરવૈયાઓની કથા – નરેન્દ્રસિંહ રાણા