ખારાં આંસુ (મમતા વાર્તા સ્પર્ધા ૨૦૧૯ વિજેતા) – વિષ્ણુ ભાલિયા


“હા, પણ હવે ઈ તારુય નીં માને કે મારુય નીં માને.”  આખરે રામજીના કસાયેલા કંઠમાંથી થાકેલો અવાજ સરી પડ્યો.

સહેજ લૂખું હાસ્ય એના મોં પર ક્ષણિક ફરક્યું. ત્યાં વળી હૈયામાં ઊઠેલા શબ્દો છેક મોં સુધી આવીને ઊભા રહ્યા: ‘ગમે એમ તોય પણ ઈની રગમાં તો દરિયાનો જ રંગ ભર્યોશને. ઈ ખારું પાણી થોડું ઈને જંપીને રે’વા દીયે!’

વલોવાતી નજરે સામી તાકી રહેલી પત્નીને જોતા શબ્દો જોકે હોઠમાં જ કેદ રહી ગયા.

“તમારે ઈને કંઈ કે’વું નથી ને હમૂકો વધારે ચડાવોશ. મને બધી ખબર શે.” પત્નીનો રીસભર્યો રણકો રામજીને કાને પડ્યો. તેમણે લાગણીવશ પત્નીની આંખમાં આંખ પરોવી જોઈ. એ ઊંડી આંખોમાં ખારો સમુંદર છલકતો દેખાયો. તેઓ આવેગ સાથે ઊભા થતા ધનીડોસીની નજીક સર્યા. હળવેકથી ખાટલાની પાંગત પાસે જગ્યા લીધી. ખાલીખમ ઓરડામાં ક્ષણાર્ધ ગંભીર ચૂપકીદી છવાઈ રહી. ન કળાય એવી બેચેની.

seaside
Photo by Fabian Wiktor on Pexels.com

“ગમે ઈ થાય, હું ઈને દરિયામાં તો નીં જ જાવા દેમ.” રહી રહી ધનીડોસી ફરી એ જ વાત પર આવીને અટકી જતાં.

કોણ જાણે કેમ પણ ધનીડોસી આજ સવારથી બસ આ એક વાતને વળગી રહેલાં. રામજીએ ઘણીવાર સમજાવવા મથામણ કરી પણ ધનીડોસી કોઈ હિસાબે એકનાં બે નહોતાં થતાં. ઉલટાનું હવે તો તેમણે પતિ પર આરોપ મુક્યો. એટલે હવે રામજીના કઠોર ચહેરા પર પણ વ્યાકુળ વેદનાની છાંટ પરખાણી. બીજી જ ક્ષણે છાતી ચીરીને એ વેદના આપમેળે બહાર આવી.

“તો શું જુવાનજોધ દીકરાને ઘરમાં બેઠાડી રાખું?” બોલતા બે ઘડી તો ઘરડી કાયામાં શ્વાસ ચડી આવ્યો.

તેઓ સહેજ અટક્યા. ગળા સુધી આવી ગયેલો ડૂમો બહાર નીકળવા મથી રહ્યો. ક્ષણાર્ધ પછી પાછો બળાપો કાઢ્યો: “ગામમાં બીજો કોઈ ધંધો શે? તી તું વાત કરેશ. ઈ ખારવાના પેટે જન્મયોશ ઈતો યાદ રાખ.”

ઓરડામાં પણ ન સમાય એવો ભારેખમ નિસાસો નાખી રામજી બહાર નીકળી ગયો. જતા જતા રીસભર્યા અવાજે પત્નીને ટકોર કરી: “ભૂલી જામાં તું મા શે, તો જાતે ખારવણ પન શે.”

દરિયાલાલ પરથી આવતી ખારી હવા જાણે મોકો જોઈ એકદમ ઘરમાં ઘૂસી આવી. પતિની પીઠ તાકતી ધનીડોસી ઉશ્કેરાટમાં કહેવા જતી હતી: ‘ખારવાના પેટે જન્મયોશ તી હું દરિયાને જ હોપી દેવાનો ?’ પણ એકાએક મોં સીવી ગઈ. તેણે વાક્ય પલટાવી નાખ્યું. સહેજ ઊંચા અવાજે બહાર નીકળતા પતિને સંભળાવ્યું.

“જો રાકાનું વા’ણ રાત્યે છૂટ્યું તો મારો જીવ પન છૂટી જાયે, કહી દઉં શું.”

રામજીને કાળજે સહેજ ફડક તો પડી જ ગઈ. પણ વાત ન સાંભળ્યાંનો ડોળ કરી, તે કિનારે નીકળી ગયો. પાછળ ધનીડોસીના હૈયામાં અંગારા ઊઠ્યા. એ ધગધગતા અંગારા કાળજાને ડામ દેતા રહ્યા. એ ન તો રામજી જોઈ શક્યો કે ન દીકરો રાકેશ. પણ હા, પેલો દૂર દૂર હલકતો મહેરામણ જરૂર જાણી ગયો. ધનીડોસીના આ મૂંગા નિસાસા વર્ષો પહેલા પણ એણે ખમ્યા જ હતા ને ! ત્યારે ધની ગામની ધનીબેન હતી અને આજે ધનીડોસી. બસ, એ જ ફર્ક. કદાચ એ ભૂખ્યા વરૂ જેવા દરિયાના હાથમાં આ બીજો અવસર આવતો હતો કે શું ? દરિયાને હાય દેતી, એકલી ઝૂરતી ધનીડોસીને તો એવું જ લાગ્યું. તેઓ માંડ માંડ ઊભાં થયાં. ખુલ્લા દરવાજામાંથી સામે વિષાદભરી નજર નાખી. છેક સીમાડે નજર પહોંચે ત્યાં સુધી વિશાળ જળ સમુદાય પથરાયેલો. હમણાં આથમતા સૂરજનાં અજવાળા એનાં નીલા પાણીને રાતા બનાવી રહ્યાં હતાં. જાણે ખારવાના રાતાચોળ રક્તથી રંગાયો ન હોય ! ધનીડોસીને લાગ્યું: આ અથડાતાં મોજાં વચ્ચે એનો રાકો પણ ફસાઈને બૂમાશોર મચાવી રહ્યો છે ! ભૂખ્યા વાઘના ટોળામાં જાણે હરણ ફસાયું હોય ને ‘મા… મા…’ નો પોકાર કરતું હોય એમ. મોટા દીકરાના એવા જ ભણકારા આજે વર્ષો પછી પણ કાને પડઘાયા. આક્રંદ કરતી ધનીડોસીએ દરિયા સામે હાથ લાંબો કર્યો. કદાચ કહેવા જતી હતી: ‘ગોઝારા, તારામાં તી દયાનો છાંટોય છે કે નીં ? એકને તો ઝૂંટવી લીધો, હવે તારા ઉપર ભરોસો કેમ કરું ?’ તે દરવાજે ફસડાઈ પડી. ભીતર ભારે ઘમસાણ મચ્યું. જાણે દરિયા સાથેનું દયાહીન યુદ્ધ એના અંતરમાં લડાયું !

સંધ્યાનાં ઘેરાતાં અંધારાં અર્ણવ પર ઊતરી આવ્યાં. એ જ ઊતરતાં ઘનઘોર અંધારાં ધનીડોસીનાં હૈયા સોંસરવા ભોકાયાં. મગજ બહેર મારી ગયું હોય એમ એની શૂન્ય આંખો મહેરામણ પર સતત મંડરાતી રહી. રક્તપાત મચાવતા ભયાનક ભૂતોના ઓળા જાણે રત્નાકર પર નાચતા હોય એવો એને ભ્રમ થયો. ત્યાં એક અદૃશ્ય વીજળી એનું હૃદય વીંધીને ચાલી ગઈ. રહી રહીને તે મન સાથે બબડી પડતી: ‘રાકાને દરિયામાં તો નીં જ જાવા દેમ !’

આમેય માવડીથી તો મહેરામણ પણ ડરે. નાવડી ઝૂંટવી લે, પણ કિનારે કલ્પાંત કરતી માવડીના નિસાસા ? એ કોણ ખમે ? દરિયો ભલે દેવ છે, પરંતુ એ દેવ આગળ જ્યારે ડૂબેલા દીકરાની મા આવીને ઊભે ત્યારે તો એ મહિષાસુરમર્દિની જ લાગે. સાક્ષાત્ રણચંડી !  જો અત્યારે પણ દરિયો સહેજ આંખ કાઢે તો એ આંખનેય દેખાડી દેવાનું ગુમાન ધનીડોસીના દિલમાં દબાયેલું હતું જ. પણ થાય શું ? પેટનો જણ્યો જ દરિયાનું પાણી માપવા જવાની જીદ લઈને બેઠો. એમાં વળી પતિ પાછો સાથ પૂરાવતો. એટલે પછી એ ડોસી બિચારી લાચાર બની જતી. એ ભૂંડા દરિયાએ એકવાર તો દગો દીધો. હજી એનો શું ભરોસો ? યુગોના યુગો જતા રહ્યા તોયે હજી ક્યાં એના સ્વભાવમાં કશો ફેર પડ્યો છે તે હવે પડશે ? એટલે હવે ડોસીનું દિલ કેમે કરી નહોતું માનતું. હૃદયમાં કડવાશ અને રોષ એકસાથે ઊભરાયા. તેણે રોષપૂર્વક દરવાજો બંધ કરી દીધો. ત્યાં અંગે અંગમાંથી કમકમાં વછૂટ્યાં. ઢીલા પડેલા પગે તે માંડ માંડ પટારા સુધી પહોંચી. ખાલી પડેલા ઓરડામાં આ પટારો એકમાત્ર અક્ષયપાત્ર. તોયે ધનીડોસી એને ભાગ્યે જ ખોલતી. પણ આજે એના લથડતા પગ અનાયાસે જ તે પટારા પાસે આવીને અટકી ગયા. સંવેદનશીલ હૈયું એને અંદરથી ધક્કો દેતું હોય એમ તેણે ધ્રૂજતા હાથે પટારો ખોલ્યો. આજ એના મનમાં અજાણી બીક પેઠી ગયેલી જે એને જંપવા નહોતી દેતી. હજારો અમંગળ વિચારો મગજમાં એકસાથે ટકરાયા. તેણે પટારામાંથી તૂટેલા ફ્રેમવાળી એક છબી બહાર કાઢી. ક્ષણિક એ છબી પર એની શૂન્યવત્ નજર ચોંટી રહી. ત્યાં મોટા દીકરાની સ્મૃતિઓ એકદમ ઊછળીને કાળજે કાણું પાડી ગઈ. અંગે અંગમાંથી ધ્રુજારી વછૂટી. તે ગભરાઈને ભાંગી પડી. કૃશ આંખોમાં ખારોદવ દરિયો ફરી ઊમટ્યો. તેણે ભીંની આંખે મૃત દીકરાની છબીને સંવેદનાપૂર્વક છાતીએ દાબી રાખી. છબીમાંથી જોતી સાગરની ગભરુ નજર જાણે અત્યારે પણ ધનીડોસીને કહેતી હતી: ‘મા, નાનકાને દરિયામાં મોકલતી નીં હો.’ એ મૌન અવાજનો મૂંગો થકડારો જાણે ધનીડોસીને હૈયા સોંસરવો વાગ્યો. વેદનાને વાચા ફૂટી હોય એમ તે લવી પડી.

 “નીં… નીં… રાકાને તો દરિયામાં જાવા જ નીં દેમ.” અને તે ભગ્નહ્રદયે ફસડાઈ પડી.

અત્યારે ઓરડાની મૂંગી દીવાલો ધનીડોસીને નીતરતી આંખે તાકી રહેલી. એકદમ સ્તબ્ધતાથી. હા, એની સામે એ જ ધની હતી જે અન્યની આંખોમાં આંસુ જોઈ તેની પડખે દોડી જતી. સાંત્વના આપતી, હિંમત આપતી, પાનો ચડાવતી. એની પીડા, દુઃખ પોતે માથે ઓઢી લેતી. પણ આજે ? અરે ! કોઈકવાર તો દુખી આત્મા અડધી રાતે પણ ધનીનો દરવાજો ખખડાવતું. ત્યારે ભર નીંદરમાંથી એ આંચકો દઈ ઊભી થઈ જતી. પેલી નિર્જીવ દીવાલોએ એ દૃશ્ય અનેકવાર નજરે જોયેલું.

વીસેક વર્ષની ધની નવવધૂ બનીને આ ઘરમાં આવેલી ત્યારથી માંડીને છેક વાળમાં સફેદી લાગી ત્યાં સુધી આ ચારે દીવાલોએ તેને નિકટથી નીરખી હતી. ક્યારેક એ સહેજ સમજાતી, તો વળી ક્યારેક રામ જેવા રામજીને પણ નહોતી સમજાતી. તે પરણીને આવેલી ત્યારે આ ઓરડો ખાલીખમ જેવો જ હતો, જે આજે વર્ષો પછી પણ લગભગ એવો લાગે. બસ ! ધની હવે બદલાઈ ગઈ હતી.

એ સમયે ધની મનની મક્કમ અને દિલની દરિયાવ ગણાતી. હિંમતમાં હાથીને હંફાવી એવી. દેખાવે અસલ નમકીન ખારવણ. વળ લેતી દેહલતા ને કમ્મરે ઘેરદાર ઘાઘરો. ગોરો ગોરો ઘાટીલો દેહ. એમાંય જો ગાલ પર ચૂંટી ભરી લીધી હોય તો લોહીની લાલ ટશર ફૂટી આવે એવું ભરાવદાર જોબન. રામજીની પડખે ઊભે તો માંડ ખભે પહોંચે એવો ઘાટ. આંખોમાં અજબ ખુમારી ઝળકે. એ ખુમારી પછી ધીરેધીરે ક્યાં જતી રહી એ ન તો રામજી સમજી શક્યો કે ન પેલી ચારે ભીંતો.

ધની ભરજોબને પરણીને ઘરમાં આવેલી ત્યારે આખું બંદર રામજીની ઈર્ષાએ ચઢેલું. ઘણાના દિલમાં તો રીતસર લાય લાગેલી. જાણે કાળજામાં કાતિલ કટારી ફરી વળી ન હોય !

કોઈ કોઈ તો કતરાતી જીભ ચલાવતા: “હાળું હમજાતું જ નથી કે ધનીએ આનામાં જોયું હું ?”

તો કોઈ હાથ મસળીને ભૂંડું ભવિષ્ય ભાખતું: “ધનીએ હાથે કરીને પગે પાણો માર્યો ! જો જો રડવાના દા’ડા આવીએ ઈના.”

રડવાના દા’ડા આવ્યા પણ ખરા. જોકે કારણ જરા જુદું નીકળ્યું. તે સાચે જ ક્યારેક છાને ખૂણે રડી લેતી. ક્યારેક અબુધ લોકોના કડવા મહેણાંટોણાંથી એના કાન સૂન થઈ જતા. લગભગ સાતેક વર્ષ સુધી ભગવાને સારા દિવસો નહોતા દેખાડ્યા. તે પછી સાગરનો જન્મ થયેલો. ત્યારે રામજી સાથે હલકતો દરિયો પણ એટલો જ હરખે ચઢેલો. પણ પછી રામ જાણે એ દરિયાને શું સૂઝ્યું ! તે ધનીની હાય લઈ બેઠો. રાકેશ ધનીનું ચોથું સંતાન. સાગર પછી બે-બે દીકરી ધનીના ખોળામાં ખેલતી થયેલી. બન્ને દીકરીને સાસરે વળાવ્યા પછી રાકો એક જ ઘરમાં બચેલો જે ઘરને હર્યુંભર્યું રાખતો. મોટો દીકરો સાગર તો પંદરેક વર્ષની વયે જ પિતા સાથે દરિયાવાટે નીકળી પડેલો. ખોટના દીકરાને જ્યારે ભરજુવાનીમાં દરિયો ભરખી ગયો ત્યારે ધનીએ મનમાં કસકસાવીને એક ગાંઠ વાળી લીધેલી: ‘ગમે ઈ થાય, રાકાને તો દરિયાનો ધંધો નીં જ કરવા દેમ ! ઈને દરિયો નીં દેખાડું ઈટલે નીં દેખાડું !’

બસ ! પછી આજની ઘડી અને કાલનો દિવસ. ધનીએ રાકાને ચોવીસ વર્ષ લગી દરિયાની દાનતથી બચાવી રાખ્યો. તોયે ખારવો કાંઈ ખોરડે થોડો સમાય ! રાકાને પણ આખરે દરિયો જ દેખાયો. આમેય દરિયો તો એના લોહીમાં જ ભળેલો. કિનારે લાંગરતાં વહાણો તેને ભીતરથી ખેંચતાં. એની આડંબરભરી વાતો બંદર આખામાં ચર્ચાનો વિષય બનતી. અરે ક્યારેક તો એની જોશીલી વાતો આગળ મહેરામણનો પનો પણ ટૂંકો પડે. તોફાની માહોલમાં ફિશિંગ લઈને આવેલા સુકાનીને પણ એ સલાહ આપી આવે. જેટી પર આંટો મારે એટલે કેટલીય આંખો તેની મગરુબી ચાલ જોઈને ધૂંધવાઈ ઊઠતી. કોઈ મોઢા ફાટલો ખારવો સંભળાવી પણ દેતો.

“રાકા, આયાં કાંઠે ફાંકા મારવાથી કંઈ થાય નીં. કોક દિ’ બા’ર આવ તો ખબર પડે.”

રાકાની નસ ત્રમ ત્રમ થઈ જતી. તે ડણકતો: “ખારવાનો દીકરો શું હો ! માના પેટમાંથી બધું હીખીને આવ્યોશ.”

એની વાતોમાં ઘણીવાર ઊંડાણ વર્તાતું, તો ઘણીવાર નર્યું અભિમાન. તોયે ખારવાવાડના ખૂણે ખૂણે એક વાત તો બધા કબૂલતા કે રાકો ખોટો જ ફાંકો રાખીને ફરેશ. રાકો આ વાત જાણતોય ખરો. ક્યારેક કિનારે એકલો બેઠો હોય ત્યારે આ વાત એને અંદરથી ડંખી જતી. બંદર આખાને તો એ પહોંચી વળે, પણ મા ? તેની સામે તો દરિયાની વાત પણ ન થાય. એટલે જ માની જીદ આગળ એ નમતું જોખી દેતો. પોતાની મહેચ્છા દબાવી જતો. પણ હવે નહિ. હવે તો ઉલટાની એણે જ હઠ પકડી. પિતાને વાત કરી.

“રાકા, આ દરિયો ખાડીમાં દેખાઈશ ઈવો બા’ર ટાઢો નથી હો !” રામજીએ દીકરા સામે વર્ષોનો અનુભવ મુક્યો.

“બાપા ! તમી ખાલી મારી માને મનાવી દ્યો, દરિયાને તો હું જોઈ લેઈ.” રાકાના સ્વરમાં ખુમારીનો રણકો ભરેલો.

અને, આ વાત આજ સવારથી વાવડો ધનીડોસીના કાનમાં ફૂંક મારી ગયેલો.

ઊડતા વાવડ હતા: ‘રાતે રાકો કો’કના વા’ણમાં છૂટવાનો છે!’ અને સનનન… કરતી વીજળી ડોસીની નસમાં દોડી. છાતીમાં શ્વાસ રૂંધાયો ને મૂંઝવણ ઊભરાઈને બહાર આવી. રામજી દિવસભર એને ટાઢી પાડવા મથી રહ્યો. પણ સરવાળે શૂન્ય !

રાતે રાકો બિછાનું લઈને રજા માંગવા આવ્યો ત્યારે ધનીડોસી દીકરા કરતા વધારે દરિયાને કોસતી દેખાઈ. પળભર તો દૂર ઊછળતો દરિયો આખો શોકમાં ડૂબી ગયો. ધનીડોસીના નીકળતા ઊના નિસાસા કદાચ એ ખમી નહોતો શકતો.

“ઈને જાવા દે. ઈનો જીવ છૂટો રીયે.” રામજીએ ધીમેકથી ધનીને સમજાવી.

ખરી પડેલાં આંસુ ધનીડોસીને રાકાનું મોં દેખાવાં નહોતાં દેતાં. તેણે  દીકરાનું બિછાનું પકડી રાખવા વ્યર્થ પ્રયત્ન આદર્યો.

તે આવેશમાં કહેવા જતી હતી: ‘હવે મારે જીવવું કેટલું ? મારા ગયા પછી તારે જાવું હોય તો જાઈજે !’ પણ શબ્દો સળવળીને ગાળામાં જ ચોંટી રહ્યા. રાકો તો બહાર રાહ જોતા દોસ્તો સાથે નીકળી ગયો હતો. પાછળ ધનીડોસી તેને ગમગીન આંખે તાકી રહી.

રાકો ગયો તે ગયો ! દિવસો પર દિવસો ચડ્યા. પાછળથી ઊપડેલાં વહાણો બે બે ફિશિંગ ઠાલવી ગયાં. પણ રામ જાણે રાકાનું વહાણ ક્યાં અટવાયું ! એમાંય કિનારે પાછો વાવડો ફૂફાંડે ચઢ્યો. ખાડીને પેલેપાર ભેખડોમાં અફળાતાં મોજાં પ્રચંડ ગર્જના કરવાં માંડ્યાં. અને ધનીડોસી જાણે આઘાતનાં આંચકા ખમી શકતી ન હોય એમ એકદમ વ્યાકુળ બની. તેનાં ખોળિયામાં સહેજ બચેલો જીવ તાળવે ચોટ્યો.

જેટી પર લાંગરતા વહાણો તપાસવા આવેલા રામજીને જોઈ એક ખલાસીએ ટીખળ કરી.

“રામજીભાઈ રાકાને હવે ખબર પડીએ કે દરિયાના મોજાં કેમ ગણાયશ !”

રામજી બિચારો સંકોચથી આડું જોઈ ગયો. દરિયો હજી દગો દેશે એ વાત એના ગળે નહોતી ઊતરતી. રાકાની આંખો પણ તેણે વાંચેલી. દરિયાને પીવાની તાકાત તો એનામાં હતી જ.

વહાણના સેરા છોડતા એક બોટ માલિકે વચમાં વાંકી જીભ ચલાવી: “ભાઈ આમેય બધીને ખબર જ શે, ખાલી ચણો વાગે ઘણો ! ઈ ખાલી કાંઠે જ ફાંકા મારતો.”  બરાબર એ સમયે દૂર દૂર ક્ષિતિજનો ઘૂંઘળો પડદો ચીરીને એક વહાણ બહાર ડોકાયું. દૂરથી એ વહાણ ઓળખાયું. મોરામાં રુઆબભેર ઊભેલો રાકો પણ ઓળખાયો. કોલ્ડરૂમ તો શું સથા ઉપર પણ મોટી માટી માછલીનો ઢગલો ખડકાયેલો. બંદરમાં એકદમ બૂમ ઊઠી. કોઈ ઓળખીતું ઉત્સાહમાં ધનીડોસીને કિનારે લઈ આવ્યું. તેણે ઝાંખી આંખે વહાણમાં પેટનો દીકરો પારખ્યો. અને બીજી જ ઘડીએ ઘરડી આંખોમાં અમી ઊભરણાં. એણે ઊંડો રાહતનો શ્વાસ ભર્યો. ક્ષણભર સામે દેખાતા દરિયાને નેહ નીતરતી આંખે જોઈ રહી. આ વખતે એ નજરમાં નિસાસો નહીં, નર્યું વાત્સલ્ય ભર્યું હતું. દરિયો સહેજ ઊંચો થયો. જાણે આખરનો જુવાળ ચઢ્યો હોય એમ એ ફૂલો નહોતો સમાતો.

વિષ્ણુ ભાલિયા (જાફરાબાદ)

‘વ વાર્તાનો વ’ સ્તંભ અંતર્ગત એકતા નીરવ દોશીએ આ વાર્તાના ઊંડાણમાં જવાનો પ્રયત્ન કર્યો છે, એ વિવેચન અહીં ક્લિક કરીને વાંચી શકશો.

આપનો પ્રતિભાવ આપો....