સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૩) – અમી દલાલ દોશી


દિવસે ટ્રાફીકથી ધમધમતાં શહેરના સુમસામ રસ્તાની શાંતિને ચીરતી એમ્બ્યુલન્સની સાયરન દૂર સુધી સંભળાતી હતી હતી. એમ્બ્યુલન્સની અંદર પ્રસવની અસહ્ય પીડા અનુભવતી અમૃતાએ પતિ અરિહંતનો હાથ જોરથી પકડ્યો હતો, આ હાથના સ્પર્શથી તેની વેદના કાંઈક અંશે ઓછી થતી હતી.

તેનો હાથ પસવારતા અરિહંત સતત તેને હૂંફ અને પોતાના સહવાસનો સધિયારો આપતો હતો. હોસ્પિટલમાં પ્રવેશતાં જ અમૃતાને ઇમરજન્સી કેસ હોવાથી સીધી ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. ડોક્ટર શાહ અને તેનો સ્ટાફ તૈયાર જ હતા. પ્રસવ વેદના સામે ઝઝૂમતી અમૃતાનો આખરે છેક સવારે છૂટકારો થયો. સુંદર મજાની ફૂલ જેવી બાળકીને જોતાં જ જાણે તમામ દુઃખમાંથી મુક્તિ મળી ગઈ હોય તેમ અમૃતા ગાઢ નિંદ્રામા સરકી ગઈ. મિસરીના પ્રવેશથી અમૃતા અને અરિહંતનું જીવન પૂર બહારમાં ખીલી ઉઠ્યું. ખાસ કરીને અમૃતાનો મોટા ભાગનો સમય મિસરીની પાછળ જ પસાર થતો. એને નવડાવવી, તૈયાર કરવી, રમાડવી, કાલી કાલી ભાષામાં વાત કરવી અને સ્તનપાન કરાવવામાં અમૃતાને જે માતૃત્વ અને ખુશીનો આનંદ થતો તે અવર્ણનિય હતો. અરિહંત અને મિસરીની વચ્ચે અમૃતાના દિવસો ખબર ન પડે એટલી ઝડપથી સુંદર રીતે ખૂબ આનંદમાં પસાર થતા હતાં. જીવનને જાણે એક દિશા મળી ગઈ.

અમૃતા અને અરિહંતનું જીવન આમ પણ પહેલેથી ખૂબ જ ઉલ્લાસમય હતું. તેમના જીવન પર એક નજર કરીએ તો અમૃતા વડોદરાની ખ્યાતનામ રોયલ ઇમ્પિરિયલ કોલેજની સૌથી સુંદર છોકરી હતી. એટલુંજ નહીં પરતું અભ્યાસમાં પણ તે કાયમ ટોપ કરતી, તે વડોદરાના પ્રતિષ્ઠિત વેપારી આગેવાનની એકની એક વ્હાલી દીકરી હતી.

કોલેજના કેટલાક રંગીન મિજાજી છોકરાઓ અમૃતાના આગમનની રાહ જોતાં અને વિવિધ બહાને અમૃતા સાથે પરિચય કેળવવાનો પ્રયત્ન કરતા. પણ અમૃતા માટે પોતાના રૂપ કરતા પિતાની આબરૂ અને ગરિમા વધુ મહત્વનાં હતાં એટલે તે કાયમ આવી બાબતોથી દૂર રહેતી.

પરંતુ તેની ફ્રેન્ડ્સના ગ્રુપમાં એ સૌથી વાચાળ, હસમુખી અને મળતાવડી હોવાથી બધાની પ્રિય હતી. કોલેજના દરેક આયોજનમાં તે ભાગ લેતી જેના કારણે પ્રાધ્યાપકોની પણ લાડલી હતી. કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા પૂર્ણ થયા પછી પરિણામની રાહ જોવાતી હતી. પ્રાધ્યાપકોમાં પરિણામને લઈને એક વાત ચર્ચાતી હતી કે બીજા ક્રમે કોણ આવશે કારણ કે ટોપ પર તો અમૃતા એ એકાધિકાર જમાવેલો હતો . આખરે પરિણામ જાહેર થયું અમૃતાએ હંમેશ મુજબ ટોપ કર્યું, બીજા ક્રમે અરિહંત હતો. આમ તો અમૃતા આવી બાબતોથી દૂર રહેતી પણ માનવ સહજવૃત્તિથી પ્રેરાઇને તેને આ અરિહંત કોણ છે એ જાણવાની ઈચ્છા થઈ. ફ્રેન્ડ્સ મારફત અરિહંતને મળી. અરિહંત વડોદરામાં જ ઓઇલ મિલ ધરાવતા વેપારીનો પુત્ર હતો. દેખાવમાં થોડો શ્યામ પણ આકર્ષક ચહેરો અને એથલેટીક બોડી ધરાવતો અરિહંત મિતભાષી અને શરમાળ પ્રકૃતિ ધરાવતો હતો. અરિહંતના આ જ ગુણોના કારણે અમૃતાને તેની સાથેની વાતચીત દરમિયાન સમજાઈ ગયું કે એ કોલેજના અન્ય યુવાનો કરતા કાંઈક અલગ છે. પહેલી જ મુલાકાતમાં અરિહંતે અમૃતા પર એક અલગ છાપ અંકિત કરી દીધી.

વધુ અભ્યાસ માટે અમૃતાએ યુનિવર્સિટીમાં એડમિશન લીધું; યોગાનુયોગે અરિહંતે પણ એજ ફેકલ્ટીમાં એડમીશન લીધું. બંને અભ્યાસુ જીવ અવારનવાર લાઈબ્રેરીમાં મળતાં ત્યારે ઔપચારિક વાતો થતી. આ ઔપચારિકતા દરમિયાન બંનેના દિલમાં એક બીજા માટે પ્રેમના અંકુર ફૂટ્યા અને સમયની સાથે આ અંકુર ઘટાટોપ વૃક્ષમાં પરિણમ્યાં. હવે તો બંનેને એકબીજાને મળવાનું  વ્યસન થઈ ગયું હોય તેમ બંને કોઈ ને કોઈ બહાને મળતા જ. પરંતુ જે  દિવસે ન મળી શકાય ત્યારે બંને બેચેન થઈ જતાં. આખરે બંને એ એક બીજા સાથે જીવન જીવવાનું નક્કી કરી નાખ્યું. સદનસીબે બંને એક જ જ્ઞાતિના હોવાથી બંને પરિવારો પોતાના વ્હાલા સંતાનો માટે ખુશીથી જોડાઈ ગયા.
હવે અમૃતા અને અરિહંતના આનંદની કોઈ સીમા ન રહી. બંને એકબીજા સાથે કલાકો વિતાવતા પરંતુ તેમ છતાં સમય ઓછો જ પડતો. અરિહંત જ્યારે અમૃતાને પોતાના આલિંગન લેતો ત્યારે અઅમૃતાના રોમે રોમ માં ખુશીની લહેર ઉઠતી અને મદહોશ બની અરિહંતમાં ખોવાઈ જતી. અઅમૃતાને અરહંતના આલિંગનમાં સુરક્ષાનો અહેસાસ સાથે એક અવર્ણીય આનંદ થતો. અભ્યાસ પૂર્ણ થતાં બંને લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ ગયા. હવે તો આ પ્રેમી યુગલ સાતમા આસમાને વિહારતું હતું. જીવન ખુશીઓથી મહેકી ઉઠ્યું. અરહંત પિતાની મિલ સંભાળવા લાગ્યો જ્યારે અમૃતા ઘર સંભળવાની સાથેસાથે તેના પિતાનો વેપાર પણ સંભાળતી. આમ બેવડી જવાબદારી છતાં અઅમૃતા કાયમ ખુશ રહેતી અને સમાજના દરેક મેળાવડામાં અવશ્ય જતી અને અરહંતને પણ આગ્રહ કરીને લઈ જતી. તેના હસમુખા અને મિલનસાર સ્વભાવ અને વાકકછટાથી તે સમારંભનું કેન્દ્રબિંદુ બની રહેતી. સમય પસાર થતાં અઅમૃતા પ્રેગ્નન્ટ થઈ અને નવ માસ પૂર્ણ થતાં રવિવારની એક રાત્રે અઅમૃતાને પ્રસવની પીડા થતાં અરિહંતે પોતાના પરિચિત ગાયનેકને કૉલ કરી એમ્બ્યુલન્સ બોલાવી અઅમૃતાને નર્સિંગ હોમમાં દાખલ કરી જ્યાં તેણે મિસરીને જન્મ આપ્યો આ નાનકડી બાળકીને કારણે બંનેનું જીવન કિલ્લોલતું થઈ ગયું.

પરંતુ આ ખુશી બહુ લાંબી ન ટકી. એકાદ માસ બાદ અમૃતાના વર્તનમાં ન સમજી શકાય તેવો ફેરફાર થવા લાગ્યો. પોતાની દીકરીને પોતાની છાતીથી અળગી ન કરનાર અમૃતા હવે એ જ મિસરીને  સ્તનપાન કરાવવાનું ભૂલી જવા લાગી. ક્યારેક અરિહંત તેના ખોળામાં બાળકીને મૂકતો ત્યારે પણ અમૃતા ધીમે ધીમે મિસરીથી અલગ થવા લાગી. તેનું માતૃત્વ જાણે કે ઓસરવા લાગ્યું . તે પોતાની જાત પ્રત્યે બેદરકાર રહેવા લાગી. એક સમયે જેને પારાવાર પ્રેમ કરતી તેવાં અરિહંત પર કોઈ પણ કારણ વગર ગુસ્સે થઈ જતી ત્યારે અરિહંત ડઘાઈ જતો. એક સમયની હસમુખી, વાચાળ અને હરણી જેવી અમૃતાના મોઢા પરથી હાસ્ય ઉડી ગયું. જે વાતો કરતા ન ધરાતી તે ભાગ્યે જ કોઈ શબ્દ બોલતી. હવે ઘરની ચાર દીવાલ જ તેની દુનિયા બની ગઈ હતી. અમૃતાની આવી સ્થિતિના કારણે અરિહંત પણ તૂટી ગયો. સતત કિલ્લોલ કરતું પ્રેમી જોડું દુઃખની ઊંડી ખીણમાં ગર્ત થઈ ગયું. આખરે અરિહંત તેના એક ડૉક્ટર મિત્રની પાસે જઈ અમૃતાની સ્થિતિની વાત કરી ત્યારે ડૉક્ટર દ્વારા અમૃતાને સાઇકિયાટ્રિક પાસે લઈ જવા જણાવ્યું જેની સારવાર અને કાઉન્સેલિંગથી ધીરેધીરે અમૃતા પહેલા જેવી સાજી થઈ ગઈ.

આપણી આસપાસ નજર કરીશું તો અમૃતા જેવા કિસ્સા આપણા માનસપટ પર જરૂર આવશે. પણ દરેક કિસ્સામાં આવું નથી બનતું જે અમૃતા સાથે બન્યું. પ્રસુતિ બાદ અમૃતા સાથે એવુ તે શું બન્યું કે ખુશીથી ભરેલું જીવન દોજખ બની ગયું?

આની પાછળના કારણો પૈકી મુખ્ય જવાબદાર છે ઓક્સીટોસીન નામનું ન્યુરોટ્રાન્સમીટર / બ્રેઈન કેમિકલ.

woman posing wearing white dress shirt sitting on window
Photo by mentatdgt on Pexels.com

તો ચાલો જોઈએ શું છે આ ઓક્સીટોસીન

૧. ઓક્સીટોસિન શું છે?

LOVE હોર્મોન કે cuddle હોર્મોન તરીકે ઓળખાતું આ ન્યુરોટ્રાન્સમીટર / કેમીકલ તરીકે ઓક્સીટોસીન સુવિખ્યાત છે.

ઓક્સીટોસીન શબ્દ ગ્રીક ભાષાના oxutokia ઉપરથી આવ્યો છે જેનો અર્થ થાય છે Quick birth આમ આ જોતા જ સમજાય જાય કે પ્રસુતિ માટે આ કેમિકલ કેટલું મહત્વ ધરાવે છે. માણસના જીવનમાં પ્રેમ, સામાજિક સંંબંંધો, માતા-પિતાના સંતાનો સાથેના સંબંધ માટે ખૂબ જ અગત્યનું કેમિકલ છે. જ્યારે લોકો પ્રેમ, લાગણી, હૂંફ અને સામાજિક બંધનોથી જોડાય છે ત્યારે આ કેમિકલનો સ્ત્રાવ થાય છે.

૨. ઓકસીટોસીનનો સ્ત્રાવ મગજના કયા ભાગમાંથી થાય છે.

ઓક્સીટોસિન બ્રેઇનમાં હાઇપોથેલેમસ દ્વારા ઉત્પન્ન થાય છે અને પિચ્યુટરી ગ્રંથિમાં તેનો સ્ત્રાવ થઈને લોહીમાં જાય છે. મતલબ બ્રેઈન, ગર્ભાશય, પ્લેસેન્ટા (ગર્ભ નાળ) ઓવરી, ટેસ્ટીસમાં તેનો સ્ત્રાવ થાય છે.

૩. ઓકસીટોસીનનો સ્ત્રાવ ક્યારે થાય છે?

ઓક્સીટોસિનને મનુષ્યના સંબંધોની જીવાદોરી કહીએ તો પણ કદાચ વધારે પડતું ન કહેવાય. મનુષ્ય સામાજિક પ્રાણી છે. માણસને જ્યારે  પ્રેમ, જાતીય ઉત્તેજના, કોઈની લાગણીની હુંફ, વહાલ મળે છે ત્યારે ઓક્સીટોસિન રિલીઝ થાય છે. સામાન્ય રીતે ઓક્સીટોસીન પુરુષોની સરખામણીમાં મહિલાઓ માટે ખૂબ જ મહત્વનું હોર્મોન છે. સ્ત્રીઓમાં સગર્ભાવસ્થા દરમિયાન તેમજ બાળકના જન્મ સમયે અને પ્રસૂતિ બાદ ગર્ભાશયના સ્નાયુઓના કોન્ટ્રેકશન  ઓક્સીટોસીનને આભારી છે. સ્તનપાન સમયે સ્ત્રીઓમાં સૌથી વધારે માત્રામાં ઓક્સીટોસીનનો સ્ત્રાવ થાય છે. પરિણામે સ્ત્રી એક અલગ પ્રકારના સુખ અને સંતોષની લાગણી આનુભવે છે. ધાવણ માટે જે stimulation થાય છે તેનું કારણ પણ ઓક્સીટોસિનનો સ્ત્રાવ જ છે. દરેક વ્યક્તિએ જીવનમાં એવું અનુભવ્યું હશે જ કે જ્યારે પોતાને ગમતા પાત્રો, સ્વજનો, મિત્રો વગેરેને મળીએ ત્યારે ખૂબ જ આનંદની લાગણી થાય છે એટલે તો લોકો વારંવાર મળતા હોય છે, પાર્ટી કરતા હોય છે, સાથે જમવાના પ્રોગ્રામ બનાવતાં હોય છે તેની પાછળનું રહસ્ય છે ઓક્સીટોસિનનો સ્ત્રાવ જે ખૂબ આનંદ આપે છે. તે સિવાય જાતીય ક્રિયા વખતે પણ ઓક્સિટોસીનનો સ્ત્રાવ થાય છે.

૪. ઓક્સીટોસિનનું કાર્ય

ઓક્સીટોસીન પ્રેમ અને સામાજિક સંબંધો માટે બોન્ડિંગ નું કાર્ય કરે છે.

જાતીય ક્રિયા સમયે અને પ્રિય સ્વજનને આલિંગવાથી ઓક્સિટોસીનનો સ્ત્રાવ થાય છે જે સ્ત્રી પુરુષને એક બીજા સાથે જોડી રાખવાનું અગત્ય નું કાર્ય કરે છે.

ગર્ભ ધારણથી લઈ ને પ્રસુતિ દરમિયાન ગર્ભાશય માટે જરૂરી એવાં સ્નાયુઓનાં વિસ્તરણનું અને પ્રસુતિ બાદ ગર્ભાશય અને પ્રસૂતિ માર્ગના સંકોચનનું કાર્ય કરે કરે છે; એટલું જ નહીં પણ સગર્ભા સ્ત્રીનું ઓક્સિટોસિન ચેક કરવામાં આવે તો તેના આધારે બાળક સાથેની તેની માતાનાં બોન્ડિગનું અનુમાન પણ થઇ શકે છે.

પુરુષ માં શિશ્નોત્તથાન, સ્પર્મની મોબિલિટી અને ઇજેક્યુલેશન માટે અગત્યનું કાર્ય કરે છે.

હાર્ટરેટના નિયમન તેમજ હાર્ટના વિકાસ અને સ્વાસ્થ્ય માટે પણ ઓક્સીટોસીનનો મહત્વનો ભાગ ભજવે છે.
ઓક્સિટોસીન ઊંઘ માટે પણ મહત્વનું છે.
માણસને જ્યારે શારીરિક સંકટ આવે ત્યારે સંરક્ષાત્મક વૃત્તિ માટે ઓક્સિટોસીન જવાબદાર છે.
સામાજિક સંબંધ માટેની સ્કિલ અને સંબંધ ટકાવી રાખવાના પાયામાં આ કેમિકલ ચાવીરૂપ છે.

૫. ઓક્સિટોસીનના અસંતુલનની અસરો

ઓક્સીટોસીનનું અસંતુલન મનુષ્યના શારીરિક અને માનસિક વર્તન પર ખૂબજ મોટી અસરો કરે છે.

(A) ઓક્સિટોસીનનું ઉંચું સ્તર
સામાન્ય રીતે ઓક્સિટોસીનનું ઊંચું પ્રમાણ અંગે ખાસ કોઈ સંશોધન થયેલ નથી તેમ છતાં વધુ પડતું પ્રમાણ પુરુષ માં પ્રોસ્ટેટની વૃદ્ધિ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

(B) ઓક્સિટોસીનનું નીચું સ્તર
ઓક્સિટોસીનના નીચા લેવલ અથવા ઉણપના કારણે ઘણી બધી શારીરિક અને માનસિક તકલીફો સર્જાય છે જેમાં,
• ગર્ભાવસ્થા તેમજ પ્રસૂતિ વખતે ગર્ભાશયના અયોગ્ય કોન્ટ્રેકશનના કારણે પ્રસૂતિ થવા અડચણ આવી શકે છે. સમયસર પ્રસુતિ ન થાય તો બાળકનું માતાના પેટમાં ગૂંગણામણના કારણે મૃત્યુ પણ થઈ શકે છે.
• પ્રીપાર્ટમ (પ્રસુતિપૂર્વે) અને પોસ્ટપાર્ટમ (પ્રસુતિ બાદ)  બાદ ઘણી સ્ત્રીઓમાં ડિપ્રેશન, મેનિયા, સ્કીઝોફ્રેનીઆ જેવી ગંભીર માનસિક બીમારી પાછળ ઓક્સિટોસીનની ખામી જવાબદાર ગણી શકાય.
• પતિ પત્ની વચ્ચે અસંતોષની લાગણી.
• સોસીયલ ડિટેચમેન્ટ
• હૃદયના ધબકારા વધી જવા, ઘટવા કે અનિયમિત થવા.
• બાળકના જન્મ બાદ મોટા પ્રમાણમાં બ્લીડીંગ થવું.
• ખૂબ જ માથું દુખવું.
• ખું દેખાવું,
• ખૂબ નબળાઇ કે સતત થાક લાગવો
• બાળકો માં બીલીરુબીનનું પ્રમાણ વધી જવાથી કમળો થવો આંખના પડદા નું હેમરેજ થવું જેવી અનેક પ્રકાર ની મુશ્કેલીઓ સર્જાય છે

૬. ઓક્સીટોસીન ઇમબેલેન્સના કારણો

ઓક્સીટોસીનનું પ્રમાણ શરીરમાં વધ ઘટ થવાના કારણો જોવા જઈએ તો
• વધુ પ્રમાણમાં પાણી વગેરે પ્રવાહી લેવાથી
• સામાજિક સંબંધોથી દુર રહી એકાંકી જીવન જીવવાથી
• કોઈ પ્રકારના  ભયથી
• અમુક દવાના દુરુપયોગથી
• દુઃખદ પ્રસંગોના કારણે
• સતત ગુસ્સો કરવાથી
• જાતીય જીવનમાં વિક્ષેપથી
વગેરે કારણો ઓક્સીટોસીનના અસંતુલન માટે કારણભૂત ગણી શકાય.

૭. ઓક્સિટોસીનનો કુદરતી સ્ત્રોત

(૧) ખોરાક
• ખજૂર : ખજૂરમાં એમિનો એસિડનું પ્રમાણ ખૂબ હોય છે જેનાથી સેક્સ્યુઅલ હેલ્થ અને નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રમાણ શરીરમાં વધે છે.
• તરબૂચ : નેચરલ વિયાગ્રા કહેવામાં આવે છે જેમાં citrulline નામના એમિનો એસિડનું પ્રમાણ ઉંચું છે જે લોહીની ધમનીઓને રિલેક્સ કરી લોહીનો ફ્લો વધારે છે. અને સેક્સ્યુઅલ પ્લેઝર વધારે છે.
• પાલક : પાલકમાં મેગ્નેશિયમનું પ્રમાણ ખૂબ જ હોય છે જે પુરુષોમાં જાતીય આવેગ વધારે છે.
• ગ્રીન ટી : ગ્રીનટીમાં રહેલ કેફીન,થિઓનીન,ઝીનસેન્ગને કારણે લિબીડો(કામોત્તેજના) વધે છે.
• કોફી : સ્ત્રીઓમાં કોફી પીવાને કારણે હોર્મોન્સ બેલેન્સ થાય છે અને લિબીડો વધે છે.
•બદામ : બદામમાં ઓમેગા3 ફેટી એસિડ હોય છે.જે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે છે જેનાથી શુક્રાણુઓની ગતિ તેમજ તંદુરસ્તી વધે છે.
•કોળાના બી:
કોળાના બી માં ઝીંકનું પ્રમાણ વધારે હોવાથી લિબીડો વધે છે. રશિયન લોકો વર્ષોથી કોળાના બીનો ઉપયોગ પ્રોસ્ટેટ હેલ્થ માટે કરે છે.

(૨) આલિંગન
ઓક્સીટોસીન અંગે થયેલા સંશોધન પ્રમાણે પોતાના લાઈફ પાર્ટનર, માતા, પિતા, ભાઈ,બહેન વગેરેને ૨૦ સેકન્ડ સુધી હગ કરવાથી ઓક્સીટોસીનનો સ્ત્રાવ થાય છે પરિણામે સંબંધમાં વિશ્વાસ અને બોન્ડિંગ વધે છે

(૩) જાતીય ક્રિયા
જાતીય ક્રિયા દરમિયાન ઓક્સિટોસીનનો ખૂબ જ સ્ત્રાવ થાય છે જે લાઈફ પાર્ટનર પર વિશ્વાસ ઉત્પન્ન કરી કાયમી બોન્ડિંગ માટે મદદરૂપ થાય છે.

(૪) હાસ્ય
હાસ્યથી ઓક્સિટોસીનનો સ્ત્રાવ વધે છે તેવું રિસર્ચ માં જણાયું છે

(૫) સંગીત
સંગીતથી તન અને મન ઝૂમી ઉઠે છે તેનું કારણ ઓક્સિટોસીન છે.

(૬) સગા, સંબંધી, મિત્રોને મળવું
સોસિયલાઈઝેશન એ ઓક્સિટોસીનને આભારી છે જેથી આ પ્રકાર સામાજિક સમારંભો, સ્નેહી મિત્રોને મળવા થી ઓક્સિટોસીનનું યોગ્ય પ્રમાણ જળવાય રહે છે.

(૭) કસરત અને યોગ
કસરત ગમે કે ન ગમે પરંતુ તે સુખી અને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે અનિવાર્ય છે. એટલે જ કહેવત છે કે તન તંદુરસ્ત તો મન તંદુરસ્ત.

સાર
ઉપરની ઘટના અને ત્યારબાદ ઓક્સીટોસીન વિશે માહિતી મેળવતાં એક બાબત ચોક્કસ કહી શકાય કે જીવનમાં હસતા રહો, મળતાં રહો; તમામ જીવો પ્રત્યે પ્રેમની ભાવના રાખીએ, યોગ્ય ખાનપાનની આદત કેળવીએ એ જ સુખી જીવનની ચાવી છે.

વધુ આવતા અંકે..

આપનો પ્રતિભાવ આપો....