ધમકી – દુર્ગેશ ઓઝા 8


મિતેશભાઈના પરિવારે શક્ય તેટલી સાવધાની રાખી હતી જેથી વાત બહાર ન જાય કે કોઈને તકલીફ ન થાય. જો કે એનો હેતુ સારો હતો. પણ વા લઇ જાય વાત. સોનલ આવી એના બીજા જ દિવસે અમુક પડોશીઓ એના ઘરે જવાનું નક્કી કરી રહ્યા. શેરીમાં એક ઘર ભીમાનું પણ ખરું, પણ તેને કોઈ ન વતાવે. એ ભીમા ભારાડી તરીકે કુખ્યાત. બોલવે કડવો. ગમે તેનું મોઢું તોડી લે ને ક્યારેક હાથ પગ પણ..!

શેરીનાં કૂતરાં સિવાય લગભગ બધા એનાથી અંતર રાખીને જ ચાલતા, પણ આજે એ શેરીવાળા ભેગા થઈને.. “ઓલા ભીમલાને આપણી હારે લઇ લ્યો. એને ઉશ્કેરો એટલી જ વાર. આપણે જે કહેવું છે તે બધું ભીમો જ કહી દેશે ને એ પણ બરાબરનું. એ મણમણની જોખશે. આપણું ખરાબ પણ નહી દેખાય ને કામેય પાર પડશે. સાપેય મરે ને લાઠીય ન ભાંગે.” ભીમા પાસે પરવાનાવાળી બંધૂક હતી. પણ આજે પડોશીઓ એના ખભે બંધૂક રાખીને પોતાનું કામ..! પણ રે નસીબ, ભીમો એની વાડીએ ગયો’તો.

“કાંઈ વાંધો નહી, આપણે બધા કાંઈ કમ નથી. આ તો આપણે ભૂંડા થાતા નથી બાકી જો એક વાર થ્યા તો ભલભલાને..! આને પાઠ તો ભણાવવો જ પડે. ત્યાં જઈને પાછા બધા બોલજો હો! મૂંગામંતર થઇ ન જતા. તમે જોજો. આપણને આટલા બધાને એકસામટા જોઈ એ મિતીયાના મોતિયા મરી જશે મોતિયા..”

બધું નક્કી કરી બધા પડોશીઓ મિતેશભાઈના ઘરે પહોંચ્યા. નિકટ હોવા છતાં એ લોકો નિકટ નહોતા.  મિતેશે બારણું ખોલ્યું ને કહ્યું, “આવો આવો, તમે બધાં મારે ત્યાં ક્યાંથી? આજ મારું આંગણું…”

“હવે ખોટો વિવેક રહેવા દયો. અમને બધી ખબર પડી ગઈ છે. ને અમને તમારું પેટમાં બળે છે એટલે આવ્યા છીએ. તમે પેલી છોકરીને તમારા ઘરમાં આશરો આપ્યો છે. પણ શહેરમાં હોટેલો ક્યાં ઓછી છે? સાંભળ્યું છે કે એ હોટેલમાં જ હતી, તમે જ એને મોટે ઉપાડે અહીં…”

“જો ભાઈ, એ હોટેલ જરાય ચોખ્ખી નહોતી ને બીજું, બાકીની હોટેલ મોંઘી, એને ન પોષાય. રહેવા-ખાવા પીવાનું બધું મોંઘુ, ઘર જેવું નહીં, ને છોકરી એકલી એટલે એમ કેમ એને ત્યાં રાખવી? ચાર દી’ પહેલાં જ એ બિચારી બહારગામથી આપણા ગામમાં આવી ને બે દી’ બહુ હેરાન થઇ. એને કોઈ આશરો નહોતું આપતું. ઓચિંતાનું લોકડાઉન જાહેર થયું, એટલે મારી દીકરીનો ફોન આવ્યો કે આનું કંઈક ગોઠવી દયો.”

“એ તમારી દીકરીની બહેનપણી છે, તમારી દીકરી થોડી છે? અત્યારે ચારેબાજુ કોરોનાએ ઉપાડો લીધો છે. તમે સમાચાર જોતાં-સાંભળતાં નથી? આ છોકરી કોણ જાણે શુંનું શું લઈને આવી હશે! આમાં અંતર નહીં જળવાય ને તમને બધાને કાંઈક થઈ જશે તો? તમે ખૂબ સારા માણસ છો, પણ આખા ગામની સેવા કરવાનો ઠેકો તમે એકલાએ થોડો લીધો છે? અમને તમારી ચિંતા થઇ એટલે આવ્યા છીએ.”

“વાત સાચી, પણ માત્ર શારીરિક અંતર જ રાખવાનું છે, અંતરમન વચ્ચે અંતર રાખવાનું નથી. ભલે દૂર ઊભા રહો, પણ ત્યાં રહીને પણ ‘કેમ છો કેમ નહીં’ એવું તો પૂછી જ શકાય, મદદ કરી જ શકાય. એનું નામ માણસાઈ. અમારી ચિંતા કરવા બદલ તમારો સૌનો આભાર, પણ જરા મને કહો જોઉં, મારી કે તમારી દીકરી આમ હેરાન થતી હોત તો શું આપણે એને એના હાલ પર છોડી દેત? નહીં, તો આ પણ કોઈની દીકરી છે. કોઈની શું, મારી જ દીકરી છે. અમારે સૌને મન સોનલ પણ અમારી ઘરની જ સભ્ય છે. ને વાત રહી તબિયતની ને સાવચેતી રાખવાની, તો એ સાવ સાજીસારી છે, એનું યોગ્ય મેડીકલ ચેક અપ થયું પછી જ એ અહીં આવી છે. એ કાંઈ કોરોના વાયરસ લઈને નથી આવી. અમારે ઉપર અલગ બધી સુવિધાવાળો ઓરડો છે, એ ત્યાં જ રહે છે. એ અહીં આવી એ પહેલાં પણ તંત્રના નિયમોને યોગ્ય રીતે પાળતી હતી, અત્યારેય પાળે છે ને હવે પછીય પાળશે. ને અમે પણ.. એટલે ખોટી ચિંતા કરવી રહેવા દયો. અમને કોઈ જાતની તકલીફ નહીં થાય.” મિતેશે આમ શાંતિથી સૌને સમજાવવા પ્રયત્ન કર્યો.

હંસા કહે, “એલી ચંપા, તારો વર તો ન સમજે, પણ તું તો સમજ! તને પોતાને ડાયાબીટીશ છે. આ અજાણી છોકરીથી તને વધુ તકલીફ પડશે. હાથે કરીને કાં  હેરાન થા?”

“તુંય શું હંસા? મને તો ખાલી ડાયાબીટીશ જ છે, પણ તમને બધાને તો ગાંડાબીટીશ થયો લાગે છે. એ દીકરીને કોરોના હોય તો તકલીફ થાય ને? એ સાવ સાજીનરવી છે. વળી એ છોકરી અને અમે બધા પૂરી સ્વચ્છતા જાળવીએ છીએ, બધી સાવધાની રાખીએ છીએ. અમને કોઈને કાંઈ તકલીફ નહીં થાય.”

“પણ અમારું શું ચંપાબેન? અમને તકલીફ થાય એનું કાંઈ નહીં? તમારી દીકરી કહે એટલે તમારે એની વાત સીધી માની જ લેવાની? અમારો બધાનો જરાય વિચાર જ નહીં કરવાનો? હાથે કરીને હેરાન થાવ ને અમને બધાનેય કરો? શેરીમાં બેરીકેડ લાગશે, બધાને આવવા-જવામાં તકલીફ પડશે. તમે પેટ ચોળીને શૂળ ઊભું કરો છો. આ ઠીક નથી થતું. વહેલી તકે એને અહીંથી રવાના કરી દયો, નહીંતર..” સૌ જાત ઉપર આવી આમ જાતજાતનું બોલવા માંડ્યાં એટલે ચંપાબેને સંભળાવ્યું. “અચ્છા! તો મૂળ મુદ્દો આ છે! મને અચરજ તો થ્યું કે તમને બધાને આમ કેમ અચાનક અમારા સૌ પ્રત્યે આટલું બધું હેત ઊભરાઈ આવ્યું? તમને ચિંતા અમારી નથી, પણ તમારી છે એમ જ ને? જો ભાઈ, તંત્રને બધી જાણ કરી, મંજૂરી મેળવી અમે એને અહીં બોલાવી છે. એ સાજીસારી છે. એને નખમાંય રોગ નથી. હું ને તમે બધા છીએ એના કરતાં એ સાત ગણી ચોખ્ખી ને સંસ્કારી છે. એ બધા નિયમો બરાબર પાળે છે. એ અહીં જ રહેશે. ને કોઈ માણસ કોરોનાગ્રસ્ત હોય તો એવી ગંભીર પરિસ્થિતિમાં જ  બેરીકેડ લાગે, એમનેમ નહીં. બેરીકેડ શેરીમાં નહીં, તમારા મગજમાં છે, શું સમજ્યા?”

પત્નીની વાતને ટેકો આપતા મિતેશે પણ રોકડું પરખાવ્યું. “..ને મનજીભાઈ, માફ કરજો, પણ તમે રોજ ઘરની બહાર, ઓટલે બેસી બીડીઓ ફૂંક્યા કરો છો, ભેગા થવાનું નથી તોય ઓટલે બેસી ટોળે વળી ચોવટ ડોળો છો, તમે ફાકીમાવા લેવા લાંબી લાંબી લાઈનમાં ઊભાં રહેવા ગયા’તા. ત્યારે તમને કોરોનાના ચેપની બીક નહોતી લાગતી? સોશિયલ ડીસટન્સનું પાલન તમે કરતા નથી ને અમને સલાહ આપવા, ધમકી દેવા હાલી નીકળ્યા? આ તો ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ દે એવું થયું. માફ કરજો, તમારી કોઈની વાત હું સ્વીકારી નહીં શકું. મારી દીકરી અહીં જ રહેશે. હા, એનાથી કે અમારાથી તમને કોઈને કાંઈ તકલીફ નહી થાય એની હું ખાતરી આપું છું. પણ એ દીકરી રહેશે તો અહીં જ.”

…સામ, દામ, દંડ, ભેદ.. પડોશીઓનું કાંઈ ન ચાલ્યું. આ પરિવારનો બહિષ્કાર કરવાની ધમકી આપી સૌ પડોશીઓ ચાલ્યા ગયા. મનજીભાઈ જતાં જતાં કહે, “આ બધા એમ સીધી રીતે નહીં માને. આમને ચૌદમું રતન દેખાડવું જ પડશે. આ બધાનો પૂરેપૂરો બહિષ્કાર કરો. કોઈએ એને કોઈ પણ જાતની મદદ કરવાની નથી. શાકભાજીવાળો, દૂધવાળો, કોઈને એના ઘરે જવા જ ન દેતા. થોડાં દી’ બધાં ભૂખ્યા રહેશે ને હેરાન થશે એટલે બધા ઢીલા થઇ જશે ઢીલા. આફેડા ઠેકાણે આવી જશે. જીતુ, જરા માચીસ આપ તો? બીડી સળગાવવી છે.”

મનજીભાઈ સળગાવવાના મૂડમાં હતા! સર્વાનુમતે અમુક નિર્ણયો લીધા પછી એ  બધા પડોશીઓ વિખરાયા. થોડી વાર પછી સોનલ કહે, “મિતેશ અંકલ, હું આજે જ અહીંથી ચાલી જઇશ. મારા કારણે તમને બધાને..” આ સાંભળી મિતેશ ગર્જયો. “છાનીમાની બેસ. જા, તારા ઓરડામાં જા.” ત્યાં તો સોનલ ટહુકી, “અંકલ, તમે બે વાત કાં કરો? બેસું કે પછી ઉપર ઓરડામાં જાઉં?”

“ઊભી રે લુચ્ચી, મારી મશ્કરી કરે છે એમ? જો ઉપમા બની ગઈ છે. ગરમાગરમ છે, મારા જેવી. તારી કાકીએ હમણાં જ બનાવી. એ ઉપર લેતી જા. પડોશીઓ ભલે હાથ ધોઈને તારી પાછળ પડી ગયા, પણ તું હાથ ધોજે, આદુ ખાઈને કોરોનાની પાછળ પડી જાજે એટલે એ આ તરફ ડોકાશે પણ નહીં. ને જો તે હવે અહીંથી જવાની વાત ફરી કરી છે તો..” કહી મિતેશ હસ્યો ને ઘરના બધા પણ એ હાસ્યમાં ભળ્યા.

બે દિવસ પછી, ભીમો આવ્યો એની ખબર પડતાં જ પડોશીઓ વહેલી સવારમાં એને ત્યાં.. મીઠાંમરચાંની દુકાનો હજી ખુલી ન હતી, પણ મીઠુંમરચું ઉમેરી પડોશીઓએ..! ભીમાને આમ પણ ખબર તો પડી જ ગઈ હતી. એ ડાંગ પછાડતો પછાડતો ઉતાવળી ચાલે મિતેશભાઈના ઘર તરફ ચાલ્યો. પડોશીઓ બસ આ જ મોકાની રાહ જોઈ રહ્યા હતા. ભીમાએ મિતેશભાઈના મકાનના બહારના દરવાજા પર પગથી પાટું માર્યું. જોશભેર દરવાજો ખોલી અંદર દાખલ થઇ પછી એના બારણે ડાંગ મારી. “એલા એય મિતિયા, બા’રે નીકળ. બારણું ખોલ. આ તારો બાપ આવ્યો છે, ખબર નથી પડતી?” મિતેશે બારણું ખોલ્યું ને..

optimist elderly ethnic man on urban street
Photo by ROMAN ODINTSOV on Pexels.com

“તે કોને પૂછીને પેલી છોડીને ઘરમાં ઘાલી? તારામાં અક્કલનો છાંટો છે કે નહીં? મને પૂછ્યું’તું?” મિતેશે શાંતિથી બધી વાત કરી ને ભીમાએ ડાંગ ફેરવી, વાત ફેરવી.. “ઠીક છે. ઠીક છે, પણ મને બધી ખબર પડે છે. અમે કાંઈ પાણીને ભૂ નથી કહેતા, આ શેરી તારા બાપની નથી એ સમજી લેજે. હું બધી તપાસ કરી હમણાં પાછો આવું છું. હુંય જોઉં છું કે તું..! ત્યાં સુધીમાં તમારે લીધે શેરીમાં કોઈને તકલીફ પડી છે તો તમારી ધૂળ કાઢી નાખીશ.” કહી ભીમો નીકળી ગયો. પડોશીઓએ એની સામે જોયું તો એ કહે, “એમ અથરા થાવ મા. ઉતાવળે આંબા ન પાકે. હું બધું પાકું જાણી લઉં પછી હું છે ને એ મિતીયો છે. બે કલાકમાં એ છોડીને એના ઘરમાંથી ન કાઢું તો મારું નામ..! હું કોણ? ભીમો ભારાડી.”

ભીમાને રસ્તામાં પ્રતીકભાઈ મળ્યા. એ પણ આ જ શેરીમાં રહેતા હતા. ભીમાએ એની સાથે વાત કરી. એ પછીના દિવસે..

…રોજ શેરીમાં શાક વેચવા આવતો ભીખુ લારીવાળો આજે સીધો મિતેશભાઈના ઘરે ગયો. પડોશીઓએ એને નજીક બોલાવી કહ્યું, “એલા ભીખલા, ત્યાં ક્યાં જાય છે? તને ખબર નથી? ખબરદાર જો એ બાજુ ગયો છે તો! આ બટેટા કેમ આપ્યા?…”

ભીખુ કહે, “મેં હજી તમને બટેટા આપ્યા જ ક્યાં છે? ને માફ કરો. હું બટેટાં ટમેટાં, આજથી તમને કોઈને કાંઈ નહીં આપું. આ શેરીમાં લારીવાળો, દૂધવાળો, કામવાળા, એકેય તમારા કોઈના ઘરે નહીં આવે. અમારીય મજબૂરી છે ને? અમારે હાથે કરીને અમારા હાથપગ નથી ભંગાવવા ભૈ’સાબ. અમે તો ખાલી મિતેશભાઇના ઘરે જ જવાના.” 

“હવે ગાલાવેલીનો થા મા. છાનોમાનો બટેટા જોખ ને પછી વહેતો થા વહેતો. એ મિતીયાના ઘરે તમારે કોઈએ નથી જવાનું એમ નક્કી થયું છે. એને બદલે તું ઊલટો અમને…! તું અમને બધાને મૂકીને એ  મિતીયાની ભેર તાણીશ એમ? શું કામ? ને કોના હૂકમથી?” મનજી બીડીનો ઘા કરી બોલ્યો.

“કોના એટલે..? કોના એટલે મારા હૂકમથી બોલ હવે કાંઈ? તું વચ્ચે બોલ્યો જ કેમ સાલા મનજીડા?” એક પડછંદ અવાજ ગાજયો ને પછી.. “એય મિતીયા, ઝટ કર. લે આ બોઘરણું. દૂધ છે. અસલી ભગરી ભેસનું છે. લઈ લે. કહું છું છાનોમાનો લઇ લે, મગજની નસ ખેંચ મા. બધા પીજો, બાકી તમને બધાને ભરી પીશ. ખાસ, ઓલી છોડીને પીવરાવજો એટલે એ ઘોડા જેવી થઇ જાશે. મારી વાતનો ઉલાળિયો કર્યો છે તો તમારી ખેર નથી.” આમ કહી પછી એ માણસ પડોશીઓ સામે ફર્યો ને પ્રતીકભાઈ સામે આંગળી ચીંધી કહી રહ્યો, “આની પાસેથી કંઈક શીખો કે સાચો પડોશી કોને કહેવાય? એ આ મિતીયાના ઘરે મદદ કરવા જાતા’તા. ને તમે? પાછા બધા મને મામા બનાવવા હાલી નીકળ્યા હતા! મને બધી ખબર પડે છે. અમે કાંઈ પાણીને ભૂ નથી કહેતા, શું સમજ્યા? ને મિતીયા, તુંય કાન ખોલીને સાંભળી લે. હું રોજ તારા ઘરે આવવાનો છું. જો છોડીને તારા ઘરમાંથી બહાર તગેડી છે તો મારા જેવો ભૂંડો બીજો કોઈ નહીં હોય. હા, આમાંનો એકેય જો આડો હાલે તો મને કહેજે, એ નાલાયકને સીધોદોર કરી નાખીશ.”

“..ને એય, તમે બધા કેમ હજી બેશરમની જેમ ઊભા છો? આ જોઈ છે? આ તમારી સગી નહીં થાય. નાલાયકો, સવારથના પેટનાવઁ, ભડાકે દઈ દઇશ. મદદ કરવી તો એક બાજુ રહી, તમે તો લાજવાને બદલે ગાજો છો હરામખોરો!! ઘરભેગીના થઇ જાવ. ખબરદાર જો કોઈએ પેલી છોડીને કે મિતીયાને…!”

ભીમો ભારાડી આ વખતે લાકડી નહીં, ખભે બંધૂક ભેરવીને આવ્યો હતો!


(‘જલારામદીપ’ સામયિકના ઓગસ્ટ ૨૦૨૦ના અંકમાં પ્રસિદ્ધ, અક્ષરનાદને આ વાર્તા પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દુર્ગેશ ઓઝાનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.)


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “ધમકી – દુર્ગેશ ઓઝા

 • Durgesh Oza

  ‘જલારામદીપ’ સામયિકમાં પ્રસિદ્ધ મારી ટૂંકી વાર્તા ‘ધમકી’ મેં પ્રેમથી શ્રી જીજ્ઞેશભાઈને ‘અક્ષરનાદ’ માટે મોકલી જે એમણે પ્રેમથી ત્યાં પ્રકાશિત કરી ને ઉમદા વાંચકોએ પણ પ્રેમથી આ ‘ધમકી’ને વખાણી સરસ પ્રતિભાવો આપ્યા એ બદલ જલારામદીપના તંત્રી શ્રી સતીશભાઈ ડણાકનો, શ્રી જીગ્નેશભાઈનો, અક્ષરનાદનો અને સર્વે વાંચકોનો ધન્યવાદ.- દુર્ગેશ ઓઝા. પોરબંદર. ૐ

 • Durgesh Oza

  ‘જલારામદીપ’ સામયિકમાં પ્રસિદ્ધ મારી ટૂંકી વાર્તા ‘ધમકી’ મેં પ્રેમથી શ્રી જીજ્ઞેશભાઈને ‘અક્ષરનાદ’ માટે મોકલી જે એમણે પ્રેમથી ત્યાં પ્રકાશિત કરી ને ઉમદા વાંચકોએ પણ પ્રેમથી આ ‘ધમકી’ને વખાણી સરસ પ્રતિભાવો આપ્યા એ બદલ જલારામદીપના તંત્રી શ્રી સતીશભાઈ દણાકનો, શ્રી જીગ્નેશભાઈનો, અક્ષરનાદનો અને સર્વે વાંચકોનો ધન્યવાદ.- દુર્ગેશ ઓઝા. પોરબંદર. ૐ

 • Uday B Shah, Navsari,

  માનવીની માણસાઈને ઉજાગર કરતી આ વાર્તા એકદમ ખરા સમયે પ્રગટ થઈ છે. માથાભારે કે ભારાડી તરીકે ઓળખાતા માણસમાં પણ ક્ષીર-નીર ની વિવેક બુદ્ધી હૉય જ છે એ આ વાર્તા પ્રમાણીત કરે છે. લેખકશ્રીને સાધુવાદ.

 • અરૂણકુમાર સિદ્ધપુરા

  સરસ રીતે કહેવાયેલી વાર્તા. ઢોંગી સ્વાર્થી લોકોને ઉઘાડા પાડી ઉશ્કેરનાર. પણ સમજુ માથાભારે માણસ ની માણસાઇ ઉજાગર થતી જોઇ.

  • Durgesh Oza

   શ્રી અરવિંદભાઈ, શ્રી જીજ્ઞેશભાઈનો, મારી ટૂંકી વાર્તા ‘ધમકી’ સંદર્ભે આપનો ને સર્વે વાંચકોનો પ્રકાશન,વાંચન અને પ્રતિભાવ બદલ ધન્યવાદ. – દુર્ગેશ ઓઝા.