આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૬)


પતનનો પ્રારંભ

વૈશાલીમાં આમ્રપાલી પોતાની અવનવી રીતે દરેક ક્ષેત્રમાં કાંઈને કાંઈ એવું દર્શાવતી હતી કે લિચ્છવીઓ ખુશ ખુશ થઇ જતાં. યુવકોને તેની દરેક વાતમાં બહુ રસ પડતો હતો કારણ કે તેની દરેકેદરેક વાતમાં તેનું પોતાનું ચિંતન જણાઈ આવતું હતું.

તેના મૌલિક વિચારોનો પ્રભાવ જન-માનસ ઉપર જબરો હતો. કોઈ પણ પ્રશ્ન હોય તો આમ્રપાલીનો અભિપ્રાય જ સહુને એટલો ગમી જતો કે તેના કહેવા પ્રમાણે થતું. બધાને થતું કેવી દીર્ઘદૃષ્ટિ છે. સારા સારા મહાઅમાત્યો અને અમાત્યો વિમાસણમાં મુકાઈ જતા. આ વાત અન્ય રાજ્યોમાં પણ પ્રસરી જતી અને એકસમાન મુશ્કેલીઓમાં આમ્રપાલીએ દર્શાવેલા ઉપાયો તેમને પણ બહુ ઉપયોગી થઇ પડતા.

આમ્રપાલી રાજનીતિમાં પણ એટલી જ કુશળ હતી જેટલી સમાજ-જીવન, શાસ્ત્રાર્થ, ધર્મ-કર્મમાં હતી. માયા-મહેલની પાસેના શિવ મંદિરનો તો જાણે કાયાકલ્પ થઇ ગયો હતો. બ્રાહ્મણોનાં શ્લોક-મંત્રોનું પઠન પણ આમ્રપાલીનાં સ્તોત્રોચ્ચાર સમક્ષ ઝાંખા પડી જતા. આમ્રપાલી સ્તવન બાદ કીર્તન કરે તો રસ્તે ચાલનાર વટેમાર્ગુ પણ થંભી જઈ સાંભળવા લાગી જાય અને અવશ બની મંદિરમાં ખેંચાઈ આવે. ન્યાયાલયમાં ચુકાદાનું ધોરણ પણ એવું કે બંને પક્ષોને સંતોષ થાય. મોટેભાગે મનદુઃખનાં કિસ્સામાં સમાધાન થઇ જતું. પતિ-પત્નીના મામલામાં તો તે એવી રીતે સમજાવતી કે જાણે તે તેમના ઘરની સભ્ય હોય! બાળકોના પ્રશ્નોમાં તે બાળકોની ભાષામાં વાત કરતી અને શિક્ષિત અને વિદ્વાન લોકો સાથે બૌદ્ધિક ચર્ચામાં પણ તે ચડિયાતી સાબિત થતી. કલાકારો અને કારીગરોનાં કસબને યથાયોગ્યપણે મૂલવતી. આથી વૈશાલી નગર સમૃદ્ધ થતું જતું હતું અને તેની સાથે આમ્રપાલી પણ અનુભવ-સમૃદ્ધ થતી જતી હતી!

***

આમ્રપાલી સાચા અર્થમાં જનપદકલ્યાણી હતી. તે એક સફળ નગરવધૂ પણ હતી. વર્ષકાર પણ આમ્રપાલીની ગણિકાને લગતી બાબતોમાં સંમત થઇ ભરપૂર સાથ આપતો હતો. કારણ કે તે તેની યોજનાનો એક ભાગ હતો. આમ લિચ્છવીઓ ઉપરાંત વૈશાલીને સમૃદ્ધ બનાવવામાં વર્ષકારનો ફાળો પણ સારો એવો હતો! તે ઓછી કિમતની વસ્તુઓની ઊંચી કિંમત મળે તે રીતે નિકાસને પ્રોત્સાહન આપતો હતો. પરંતુ એ ઊંચી કિંમત પણ તેના કહેવાથી જ મળતી હતી!

વર્ષકાર જાણતો હતો કે જ્યાં સમૃદ્ધિ આવે ત્યાં તેને લગતા અનિષ્ટો અવશ્ય આવે. એ અનિષ્ટો પણ રાક્ષસ કે આમ્રપાલીને જાણ ન થાય તેમ ઘુસાડતો હતો. એ માટેનો તમામ ખર્ચ મગધ સમ્રાટ બિંબિસાર ભોગવતો હતો. હવે વર્ષકારે વૈશાલીમાં દેશભરમાંથી સુંદર વારાંગનાઓને ગુપ્તપણે બારોબાર ગોઠવી દીધી. આ ગણિકાઓ વૈશાલીની ગણિકાઓ કરતા ઘણી સુંદર અને સોંઘી હતી. નગરના આધેડો, યુવકો અને પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓ  પણ આ ગણિકાઓને ત્યાં જતા-આવતા થઇ ગયા. પરંતુ એ વાત ત્યારે બહુ સ્વાભાવિક ગણાતી હતી!

***

આયાતી ગણિકાઓને સૂચના આપવામાં આવી હતી કે દરેક લિચ્છવીની ઉત્તમ સરભરા કરાવી. આમ લિચ્છવીઓ આનંદમાં આળોટવા લાગ્યા. આનું પરિણામ એ આવ્યું કે વૈશાલીની ગણિકાઓ પાસે કોઈ જતું નહીં. વર્ષકારે તેમને અલગ અલગ ઠેકાણે ગુપ્તચર તરીકે ગોઠવી દીધી જેથી તેઓ આમ્રપાલી પાસે જઈને કોઈ જાતની ફરિયાદ ન કરે. ગુપ્તચર જેવું પદ મળવાથી એ ગણિકાઓ ખુશ થઇ ગઈ અને એમ સમજી કે વૈશાલીમાં તેમનું મહત્વ વધી રહ્યું છે. વર્ષકારે તેમની વ્યવસ્થા સંભાળી હોવાથી તેમને માટે વર્ષકારનું મહત્વ વધી ગયું.

હવે વર્ષકાર આયાત કરવામાં આવેલી ગણિકાઓને મળતી માહિતી મેળવવા લાગ્યો. આમ્રપાલી પોતાની ગુપ્તચર ગણિકાઓ પાસેથી ગુપ્તપણે માહિતી મેળવતી હતી પરંતુ એ માહિતી બહુ ખપની ન હતી. પરંતુ આમ્રપાલીને એ બાબતથી કોઈ ષડ્યંત્રની શંકા ઉપજી નહીં. વર્ષકાર પોતાને મળતી માહિતી મગધપતિને પહોંચાડતો હતો. ધીમે ધીમે વર્ષકાર વૈશાલીમાં ઉત્તમ કક્ષાનો દારુ લાવ્યો. ઉચ્ચ કોટિનો શરાબ વૈશાલીમાં મળતા દારૂ કરતા સસ્તા દરે મળવા લાગ્યો. તેમાં પણ અવનવા સ્વાદ મળવા લાગ્યા. સુંદર ગણિકાનાં હસ્તે શરાબનો જામ મળે પછી લિચ્છવીઓ ઓળઘોળ થઇ શરાબનાં વ્યસની ન બને એવું ક્યાંથી બને? અને પતિદેવો આવો દારૂ ઘરમાં રાખવા લાગ્યા અને પોતાની પત્નીઓને પણ લેવા માટે આગ્રહ કરવા લાગ્યા. પત્નીનો વિરોધ કેટલો ચાલે? ધીમે ધીમે વૈશાલીનાં મોટાભાગનાં સ્ત્રીઓ અને પુરુષો આ દારૂના બંધાણી થઇ ગયા. વ્યસની બનેલાં વૈશાલીનું પતન હવે હાથવેંતમાં છે તેમ વર્ષકાર સમજી ગયો. કારણ કે તે જોઈ રહ્યો હતો કે આ બધાની અસર સ્થાનિક વ્યાપાર-વ્યવસાય ઉપર થવા લાગી છે. ધંધો પડી ભાંગતો જાય છે. પુરુષો આળસુ અને વિલાસી થતા જાય છે.

પુરુષોની જેમ સ્ત્રીઓ પણ વિલાસી બનવા લાગી. વ્યભિચારનું પ્રમાણ વધવા લાગ્યું. એકંદરે સમસ્ત સમાજનું ચારિત્ર્ય શિથિલ થતું જતું હતું. અને હવે તે કૌટુંબિક ભંગાણનાં આરે ઊભું હતું. સમાજ પ્રમાદી અને સ્વકેન્દ્રિત થઇ ગયો. પતિ-પત્ની અને બાળકો પોતપોતાની રીતે જુદા જુદા અયોગ્ય રસ્તે વળવા લાગ્યા હતા. જે વૈશાલીના લિચ્છવીઓનો સૂરજ સવારે ઉગતો હતો તે હવે ક્યારે ઉગતો તે નક્કી નહોતું. વિદ્યાપીઠ પાસે પણ જુગારખાના અને શરાબખાના ખૂલી ગયા હતા. ન કોઈ ટોકનાર કે ન કોઈ રોકનાર. કોઈ કહે તો પણ માને કોણ? વિદેશી ગણિકાનાં દ્વાર ચોવીસેય કલાક ખુલ્લાં રહેવા લાગ્યા હતા. વૈશાલીને લૂણો લાગી ગયો હતો.

***

ગણપતિ, રાક્ષસ આ બધું જોતાં હતા પણ લાચાર બની ગયા હતા. વર્ષકાર પણ લાચારીથી આ બધું જોતો હોય તેવો દેખાવ કરતો હતો.

તેમ છતાં પ્રજાના મનમાં આમ્રપલીનું સ્થાન એવું ને એવું અકબંધ હતું. પરંતુ આમ્રપાલીને પામી ન શક્યાની હતાશા તેમને વિવિધ વ્યસનો તરફ દોરી જતી હોય તેવું લાગતું હતું. આમ્રપાલી માટે બચાવેલા ધનનો ઉપયોગ દારૂ પીવામાં થવા લાગ્યો.

આમ્રપાલી હજુ યે જનપદ કલ્યાણીનાં પદ પર બિરાજમાન હતી. હવે માયા-મહેલની મુલાકાતે બહુ ઓછા લોકો આવતા હતા. આમ્રપાલીનું માયા-મહેલની પાસે આવેલું અતિથિ-ગૃહ ખાલી રહે તેથી આમ્રપાલીને આનંદ થતો. કારણ કે તેથી તે દેવેન્દ્ર સાથે  વધારે સમય વિતાવતી હતી. આમ્રપાલી અને દેવેન્દ્રનો પુત્ર મોટો થતો જતો હતો.

પરંતુ વૈશાલીની પ્રજાનું ચારિત્ર્ય કથળતું જાય છે અને તેમની નૈતિકતાનું અધઃપતન થતું જાય છે તે જોઇને આમ્રપાલીને દુખ થતું હતું. 

***

વિશાખા સ્વભાવે ઉદાર હતી. તે સાધુ સંતો પર ભક્તિભાવ રાખતી હતી. એકવાર ધનિકાએ આમ્રપાલીને કહ્યું, ‘રે વિશાખા, તને ખબર છે આપણા નગરમાં ગૌતમ બુદ્ધના શિષ્યો આવ્યા છે. તું ભગવાન તથાગત વિષે કે તેમના શિષ્યો વિષે કાંઈ જાણે છે?’

‘નહીં તો!’

‘સાંભળ્યું છે કે જે કોઈ તેમને મળવા જાય તે તેમનું શિષ્યત્વ ધારણ કરી લે છે. અને તેમના જીવનમાં ચમત્કાર સર્જાઈ જાય છે.’

‘તો તો મારે તથાગતને મળવું પડશે!’

‘રે પગલી, આપણા એવા નસીબ ક્યાંથી?’

‘કેમ? હું તો તેમને એક દિવસ ચોક્કસ મળીશ.’

‘સારું, તું મળે ત્યારે મને ય સાથે રાખજે.’

‘ભલે…’ 

‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

આપનો પ્રતિભાવ આપો....